સ્થાપત્યનું વાઈ-ફાઈઃ નિસરણી ને તેનાં આકાર

- હેમંત વાળા
દાદર અથવા નિસરણી અથવા સીડી એ મકાનનું અગત્યનું અંગ છે. એક સમય એવો હતો જ્યારે મકાન મુખ્યત્વે જમીન પર પ્રસરેલું રહેતું. જે તે કારણસર મકાનની ઊંચાઈ વધતી ગઈ, ઉપરના માળ બનાવાતાં ગયાં અને નિસરણીનું મહત્ત્વ વધતું ગયું. પહેલાં નિસરણી માળિયે કે અગાસી પર જવા માટે વપરાતી પણ હવે તે મકાનની આંતરિક કનેક્ટિવિટી – સંપર્કતા માટે મહત્ત્વની બની ગઈ.
નિસરણી ઘણાં પ્રકારની, ઘણાં પ્રકારનાં આકારની હોઈ શકે. નિસરણીનો આકાર કેવો બનાવવો છે તે મુખ્યત્વે નિસરણી બનાવવા માટે પ્રાપ્ય સ્થાનનો આકાર અને તેનું માપ, દ્રશ્ય અનુભૂતિ માટે ઈચ્છનીય જે તે પ્રકારની રચના, તેના બાંધકામ માટે ઉપયોગમાં લેવાનારી સામગ્રીનો પ્રકાર, નિસરણી દ્વારા કેટલી ઊંચાઈએ પહોંચવું છે તે બાબત, સમગ્ર મકાનની સ્થાપત્ય શૈલી, ઉપયોગિતામાં અનુકૂળતાની માત્રાની જરૂરિયાત તથા વ્યક્તિગત પસંદગી મહત્ત્વની ગણાય.
આવાસની રચનામાં નિસરણીની પહોળાઈ સામાન્ય રીતે એક મીટરની આસપાસ હોય. સંસ્થાકીય મકાનોમાં તેની પહોળાઈ ઉપયોગિતા પ્રમાણે વધુ રહે. સ્મારક કે પ્રતીકાત્મક મકાનોમાં નિસરણી મોટી-ભવ્ય પણ બનાવાય.
નિસરણીનાં પગથિયા પર જ્યાં પગ મૂકવામાં આવે તેને ટે્રડ' કહેવાય અને બે ટે્રડ વચ્ચેના ઊભા અંતરને
રાઈઝર’ કહેવાય. સામાન્ય સંજોગોમાં ટે્રડ 30 સેન્ટિમીટર અને રાઈઝર 15 સેન્ટિમીટર હોય તો તે અનુકૂળ કહેવાય. નિસરણી વચ્ચે આવતા મંચને લેન્ડિંગ' કહેવાય જેની પહોળાઈ નિસરણીની પહોળાઈથી ઓછી ન હોવી જોઈએ. લેન્ડિંગથી લેન્ડિંગને અથવા લેન્ડિંગથી માળને જોડતાં પગથિયાં-સમૂહને
ફ્લાઇટ’ કહેવાય. એક સમજ પ્રમાણે એક ફ્લાઈટમાં 14-15 કરતાં વધારે પગથિયાં ન હોવાં જોઈએ. આ થઈ મૂળભૂત વાત જે નિસરણીનો આકાર નક્કી કરવામાં પણ ભૂમિકા ભજવે.
આ પણ વાંચો: સ્થાપત્યનું વાઈ-ફાઈ : બોઝિઝ ચેપલ-સાઉથ આફ્રિકા પ્રતીકાત્મક લયબદ્ધ દૃઢતા
સ્થાપત્યમાં સીધા આકારની નિસરણીનો સૌથી વધુ ઉપયોગ થયો હશે. આ નિસરણી એક અથવા બે ફ્લાઈટની હોઈ શકે. અહીં એક જ દિશામાં ઉપર ચઢવાનું હોય. નિસરણીનો આ સૌથી સરળ આકાર છે. આ પ્રકારની રચનામાં વચ્ચે લેન્ડિંગ પણ હોઈ શકે. આ પ્રકારની રચનામાં દ્રશ્ય અનુભૂતિની સમૃદ્ધિ રસપ્રદ બનાવવી મુશ્કેલ હોય છે. તેની સામે આ પ્રકારની નિસરણી સૌથી ઓછી જગ્યા રોકે. સીધી નિસરણી જ્યારે આગળ જતાં કાટખૂણે વળે ત્યારે તેને કાટખૂણી નિસરણી કહેવાય. સીધી નિસરણીની જે બાબતો હોય તે બધી અહીં પણ લાગુ પડે, ફેર એટલો કે બે ફ્લાઇટ એકબીજાને કાટખૂણે ગોઠવાય અને તેથી મનોવૈજ્ઞાનિક રીતે તેમની લંબાઈ, સીધી નિસરણીની સરખામણીમાં, ઓછી પ્રતીત થાય. અહીં થોડી નાટકીયતા પણ સર્જાય.
આ પ્રકારની નિસરણી પણ ઓછી જગ્યા રોકે એમ કહેવાય, તેને ખૂણામાં ગોઠવી શકાય. જ્યારે સીધી નિસરણી 180 અંશના ખૂણે વળે ત્યારે તે પરત નિસરણી કહેવાય. અંગ્રેજીમાં તેને `ડોગ લેગ્ડ’ નિસરણી કહેવાય છે. અહીં લેન્ડિંગ મોટું બને. જ્યારે બે માળ વચ્ચેનું અંતર વધુ હોય, ઊંચાઈ વધુ હોય, મકાનની ઊંચાઈ એક માળ કરતાં વધુ હોય ત્યારે આ પ્રકારની નિસરણી વધુ પ્રયોજાતી હોય છે. આ પ્રકારની નિસરણી એક રીતે ઠરેલપણું દર્શાવે. આ પ્રકારની નિસરણી અગાઉની બે નિસરણીની સરખામણીમાં વધુ જગ્યા રોકે.
જગ્યાના અભાવે કે અન્ય કોઈ કારણસર જ્યારે કોઈ એક સ્થાનની આસપાસ એક પછી એક કાટખૂણે ફ્લાઈટ ગોઠવી નિસરણી બનાવવામાં આવે તો તેને સ્થાન-કેન્દ્રિત નિસરણી કહેવાય. આ પ્રકારની નિસરણી એપાર્ટમેન્ટમાં લિફ્ટની આજુબાજુ તો પ્રમાણમાં મોટા મકાનમાં કોઈ ખુલ્લાં ચોરસની આજુબાજુ બનાવાય. આ પ્રકારની નિસરણી રસપ્રદ બની શકે. તેમાં દર ફ્લાઈટમાં અંતર ઓછું ચઢવું પડતું હોવાથી મનોવૈજ્ઞાનિક રીતે થાક પણ ઓછો લાગે. આમ તો આ નિસરણી ચક્રાકાર બને, પરંતુ ચક્રાકાર નિસરણી એને કહેવાય કે જે એક થાંભલાની આસપાસ ટે્રડ ગોઠવીને બનાવાઈ હોય.
આ પણ વાંચો: સ્થાપત્યનું વાઈ-ફાઈ : સ્થાપત્યમાં શેની પ્રશંસા કરવી?
સ્થાન-કેન્દ્રિત નિસરણીની સરખામણીમાં ચક્રાકાર અથવા સર્પાકાર નિસરણી ઓછી જગ્યામાં બનાવી શકાય, પરંતુ તેની સામે તેના ઉપયોગમાં અગવડતા વધુ રહેતી હોય છે. આ પ્રકારની નિસરણી મુખ્યત્વે ચોક્કસ પ્રકારની
મર્યાદિત ઉપયોગિતા માટે જ હોય છે. જો તેને વિસ્તૃત પ્રમાણમાપમાં બનાવવામાં આવે તો તેનાથી નાટકીયતા
સરસ સર્જાઈ શકે. કેટલીક વાર, નિસરણીની બે ફ્લાઈટ વચ્ચેનું લેન્ડિંગ ઘણું મોટું બનાવતું હોય છે, જેનો આવનજાવન ઉપરાંત અન્ય ઉપયોગ પણ કરાતો હોય છે. આ મધ્ય-સ્થાન પ્રકારની નિસરણી કહેવાય. અહીં એમ જણાય કે બે માળની વચ્ચે એક નાનકડો માળ – કક્ષ બનાવાયો છે. આ પ્રકારની રચનામાં જગ્યા વધુ જોઈએ, પરંતુ સાથે સાથે રસ પણ વધુ જળવાય.
નિસરણી ક્યારેક ગોળાકાર કે અંડાકાર બનાવવામાં આવે. નાટકીયતા સર્જવા માટે આ પ્રકારની રચનાની પસંદગી
સૌથી વધુ થતી હોય છે. અહીં જગ્યા પણ વધુ જોઈએ, કિમત પણ વધુ થાય અને ભવ્યતા પણ વધુ સ્થપાય.
આ પ્રકારની નિસરણીની ગોળાઈ જો યોગ્ય ન હોય તો નિસરણીની પહોળાઈના અમુક ભાગમાં ચઢ-ઊતર મુશ્કેલ બને. આ નિસરણીના માપની ગણતરી પણ બહુ વૈજ્ઞાનિક ઢબે થાય તે જરૂરી છે. કેટલાંક સંસ્થાકીય મકાનોમાં સામસામેથી શરૂ થતી બે નિસરણીઓને એકબીજાને જાણે છેદતી હોય તે રીતે છેદક-નિસરણી બનાવાય છે. એક રીતે જોતા અહીં એક નહીં પણ બે નિસરણી પ્રયોજાય છે. આવન-જાવન સરળ તથા વધુ અસરકારક બનાવવા આમ કરાતું હોય છે.
આ પણ વાંચો: સ્થાપત્યનું વાઈ-ફાઈ- હેમંત વાળા
જે નિસરણી માત્ર ઉપયોગિતા માટે જ હોય, જેનો ઉપયોગ કારીગર વર્ગ દ્વારા જ થવાનો હોય, તેની રચના માટે દીવાલમાં માત્ર લોખંડના અનુકૂળ માપના `સી’ આકારના પાઇપ જડી દેવાય છે. આને મંકી લેડર – કપિ નિસરણી કહેવાય. બાળકો કે વૃદ્ધો દ્વારા તેનો ઉપયોગ શક્ય ન હોય. આ સિવાય પણ આકાર પ્રમાણે કેટલીક નિસરણીના પ્રકાર નિર્ધારિત થયાં છે, પણ તે બધાંની સૂચિ અહીં જરૂરી નથી.
સ્થાપત્યમાં નિસરણી એક માત્ર એવી રચના છે કે જે નથી સમતલ હોતી કે નથી હોતી લંબમાં, તે ત્રાંસમાં આવે છે, અને તેથી તેનાથી નાટકીયતા સર્જાવાની શક્યતા સૌથી વધુ વધી જાય છે. દરેક પ્રકારની નિસરણી જુદાં જુદાં પ્રકારની નાટકીયતા સર્જી શકે. ઉપયોગિતા સાથે પસંદગીમાં તેનું પણ ધ્યાન રખાય સ્વાભાવિક છે.