સ્પોર્ટ્સ મૅન : ઇમ્પૅક્ટ ખેલાડીઓના અસરદાર પર્ફોર્મન્સ

- અજય મોતીવાલા
શરૂઆતમાં નિસ્તેજ લાગતી આઇપીએલની 18મી સીઝનને રોહિત, આશુતોષ, કરુણ નાયર, પડિક્કલ સહિત અનેક ખેલાડીઓએ રોચક બનાવી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની વર્ષ 2024ની સીઝન બૅટ્સમેનોની આતશબાજીને કારણે અને ખાસ કરીને સનરાઇઝર્સ હૈદરાબાદના હાર્ડ-હિટર્સની ફટકાબાજીને લીધે રોમાંચક બની હતી, પરંતુ આ વખતે હૈદરાબાદના બૅટ્સમેનો દિશાહીન થઈ ગયા છે અને ઘણા દિવસોથી પૉઇન્ટ્સ-ટેબલમાં સાવ તળિયે રહે છે એટલે ટૂર્નામેન્ટમાં એક્સાઇટમેન્ટનો ઓછો અનુભવ થઈ રહ્યો છે. જોકે બે-ત્રણ અઠવાડિયાથી ઇમ્પૅક્ટ પ્લેયર્સ પોતાના અસરદાર પર્ફોર્મન્સથી આ સ્પર્ધામાં પ્રાણ પૂરવા લાગ્યા છે.
રોહિત શર્મા શરૂઆતની બે મૅચમાં સદંતર ફ્લૉપ (0 અને 8 રન) હતો, પરંતુ ઇમ્પૅક્ટ પ્લેયર બનાવાયો ત્યારથી તે આ ટૂર્નામેન્ટમાં ધીમે-ધીમે સફળતાની સીડી ચડવા લાગ્યો હતો. 31મી માર્ચથી 17મી એપ્રિલ સુધીની ચાર મૅચમાં તેના સ્કોર્સ ઉત્તરોત્તર વધીને 13, 17, 28 અને 26 રન હતા. તેના જેવા દિગ્ગજ માટે આ વ્યક્તિગત સ્કોર સારા તો ન જ કહેવાય, પરંતુ તેને ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે જ રમાડતા રહેવાના મુંબઈ ઇન્ડિયન્સની ટીમ-મૅનેજમેન્ટના નિર્ણયનો ફાયદો એ થયો કે 17મી એપ્રિલ પછીની બે મૅચમાં તેણે મૅચ-વિનિંગ હાફ સેન્ચુરી ફટકારી દીધી. 20મી એપ્રિલે વાનખેડેમાં ચેન્નઈ સામે તેણે અણનમ 76 રન કરીને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતી લીધો હતો અને 23મી એપ્રિલે ફરી એકવાર મૅચ-વિનિંગ પર્ફોર્મ કર્યું અને હૈદરાબાદમાં સનરાઇઝર્સ સામે 70 રન કરીને મુંબઈને વિજય અપાવ્યો હતો. ઘણા દિવસો સુધી તળિયે રહેનાર મુંબઈની ટીમને ટૉપ-ફોરમાં લાવવામાં ઇમ્પૅક્ટ પ્લેયર રોહિતનો મોટો ફાળો છે.
આ વખતની આઇપીએલમાં ઇમ્પૅક્ટ પ્લેયર તરીકેની સૌથી પહેલી અસરદાર છાપ રાજસ્થાન રૉયલ્સના કૅપ્ટન સંજુ સૅમસને પાડી હતી. 23મી માર્ચે હૈદરાબાદમાં સનરાઇઝર્સ સામે સૅમસને ચોક્કા-છગ્ગાની રમઝટ બોલાવીને 37 બૉલમાં 66 રન કર્યા હતા. કમનસીબે રાજસ્થાન માટે તેના એ 66 રન અપૂરતા હતા અને સનરાઇઝર્સનો વિજય થતાં સૅમસનનો ઇમ્પૅક્ટ પર્ફોર્મન્સ દબાઈ ગયો હતો.
આ સીઝનમાં અસરદાર `ઇમ્પૅક્ટ’ પર્ફોર્મન્સની ખરી શરૂઆત દિલ્હી કૅપિટલ્સના મિડલ-ઑર્ડર બૅટ્સમૅન આશુતોષ શર્માએ કરી હતી. ગયા વર્ષે પંજાબ કિંગ્સ વતી રમીને અનેક સ્ટેડિયમો ગજવી નાખનાર આશુતોષ આ વખતે દિલ્હીની ટીમમાં છે. દિલ્હીની ટીમના ફ્રૅન્ચાઇઝીએ 26 વર્ષીય આશુતોષને 3.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે અને તેણે 24મી માર્ચે વિશાખાપટનમમાં દિલ્હીને પહેલી મૅચથી જ વળતર આપવાનું શરૂ કરી દીધું હતું. તેણે લખનઊ સામેની એ મૅચમાં સાતમા નંબરે ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે રમવા આવીને 31 બૉલમાં પાંચ સિક્સર, પાંચ ફોરની મદદથી અણનમ 66 રન કર્યા હતા અને દિલ્હીને છેલ્લી ઓવરમાં વિજય અપાવ્યો હતો. ત્યારથી દિલ્હીની ટીમ પૉઇન્ટ્સમાં ટૉપ-ફોરમાં જ રહી છે.
આ પણ વાંચો…સ્પોર્ટ્સ મૅન: ટીમ ઇન્ડિયાના ઇંગ્લૅન્ડ-પ્રવાસ માટેની ટીમ જાહેર કરશો, પણ ક્યારે?
લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી) વતી રમતો ઑસ્ટે્રલિયન ઑલરાઉન્ડર મિચલ માર્શ પીઠના દુખાવાને લીધે આ વખતે બોલિંગ નથી કરી શક્યો એમ છતાં તેણે લખનઊની ટીમને ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે ઉપયોગી યોગદાન આપ્યું છે. આ ફાળો તેણે બૅટિંગમાં ઓપનર તરીકે આપ્યો છે. તેણે આઠ મૅચમાં 344 રન કર્યા છે અને લખનઊની ટીમમાં નિકોલસ પૂરન (377 રન) પછી બીજા નંબરે છે. માર્શે ચાર હાફ સેન્ચુરી ફટકારી છે તેમ જ તેના 344 રનમાં 18 સિક્સર અને 33 ફોર સામેલ છે.
માર્શને તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં તમને ઇમ્પૅક્ટ પ્લેયર તરીકેની ભૂમિકા કેવી લાગી રહી છે?' એવું પૂછવામાં આવતાં તેણે કહ્યું,
મને નવો જ અનુભવ થઈ રહ્યો છે. માત્ર બૅટિંગ કરવી અને ફીલ્ડિંગ કરવી જ ન પડે એવું કોને ન ગમે! મને તો આ વખતે મજા પડી ગઈ છે. ઘણા કહે છે કે ઇમ્પૅક્ટ પ્લેયરનો નિયમ આવવાથી ઑલરાઉન્ડરોની કરીઅરને વિપરીત અસર થઈ છે. હું એ વાત સાથે સહમત નથી. ઑલરાઉન્ડરો માટે મહત્ત્વનો રોલ હજી પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે જ.’
આશા રાખીશું કે પચીસમી મેની ફાઇનલ અને એ પહેલાંની બાકી રહેલી મૅચોમાં પણ કોઈને કોઈ ઇમ્પૅક્ટ પ્લેયર જોરદાર અસર પાડીને પોતાની ટીમને જિતાડશે.
કેટલાક ઇમ્પૅક્ટ પ્લેયર્સના દમદાર દેખાવ પર એક નજર…
(1) આશુતોષ શર્મા (દિલ્હી), 24મી માર્ચે લખનઊ સામે 31 બૉલમાં પાંચ સિક્સર, પાંચ ફોરની મદદથી અણનમ 66 રન
(2) શેરફેન રુધરફર્ડ (ગુજરાત), પચીસમી માર્ચે પંજાબ સામે 28 બૉલમાં ત્રણ સિક્સર, ચાર ફોરની મદદથી 46 રન
(3) રોહિત શર્મા (મુંબઈ), 20મી એપ્રિલે ચેન્નઈ સામે 45 બૉલમાં છ સિક્સર, ચાર ફોરની મદદથી અણનમ 76
(4) રોહિત શર્મા (મુંબઈ), 23મી એપ્રિલે હૈદરાબાદ સામે 46 બૉલમાં ત્રણ સિક્સર, આઠ ફોરની મદદથી 70 રન
(5) દેવદત્ત પડિક્કલ (બેંગલૂરુ), 20મી એપ્રિલે પંજાબ સામે 35 બૉલમાં ચાર સિક્સર, પાંચ ફોર સાથે 61 રન
(6) આયુષ બદોની (લખનઊ), 19મી એપ્રિલે રાજસ્થાન સામે 34 બૉલમાં એક સિક્સર, પાંચ ફોરની મદદથી 50 રન
(7) કર્ણ શર્મા (મુંબઈ), 13મી એપ્રિલે દિલ્હી સામે 36 રનમાં ત્રણ વિકેટ
(8) કરુણ નાયર (દિલ્હી), 13મી એપ્રિલે મુંબઈ સામે 40 બૉલમાં પાંચ સિક્સર, બાર ફોરની મદદથી 89 રન
(9) નેહલ વઢેરા (પંજાબ), પહેલી એપ્રિલે લખનઊ સામે પચીસ બૉલમાં ચાર સિક્સર, ત્રણ ફોરની મદદથી અણનમ 43
(10) વૈભવ અરોરા (કોલકાતા), ત્રીજી એપ્રિલે હૈદરાબાદ સામે 29 રનમાં ત્રણ વિકેટ
આ પણ વાંચો…સ્પોર્ટ્સ મૅન : 8 વર્ષની આઇપીએલમાં 13 વર્ષનો વૈભવ ને 43 વર્ષનો ધોની મચાવશે ધમ્માલ…
ઇમ્પૅક્ટ પ્લેયર એટલે શું?
બીસીસીઆઇએ આઇપીએલમાં ત્રણ વર્ષથી દાખલ કરેલા ઇમ્પૅક્ટ પ્લેયરને લગતા નિયમમાં એવું છે કે દરેક ટીમે ટૉસ વખતે પોતાની પ્લેઇંગ-ઇલેવન ઉપરાંત પાંચ એવા સબસ્ટિટ્યૂટ ખેલાડીના નામ જાહેર કરવા પડે જેમાંના એક ખેલાડીને એ મૅચ દરમ્યાન ઇલેવનમાંના જ કોઈ એક પ્લેયરની જગ્યાએ ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે રમાડી શકાય છે. આ અનોખો સબસ્ટિટ્યૂટ બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ કરી શકે છે. આ નિયમથી ખરેખર તો જે તે મૅચમાં પ્રત્યેક ટીમના 11ને 12 ખેલાડી રમી શકે છે. દરેક ટીમની ઇલેવન જ રહે છે. ફરક માત્ર એટલો છે કે અગિયારમાંના એક ખેલાડીના સ્થાને ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે કોઈ પ્લેયરને ઇલેવનમાં સમાવી શકાય છે. કેટલાકને ઇમ્પૅક્ટ પ્લેયરનો નિયમ ફાયદારૂપ લાગે છે તો કેટલાકનું કહેવું છે કે દરેક ટીમ ઇમ્પૅક્ટ પ્લેયરના રૂપમાં સ્પેશિયાલિસ્ટ બૅટ્સમૅન કે સ્પેશિયાલિસ્ટ બોલર પસંદ કરતી હોવાથી જે ખેલાડી ઑલરાઉન્ડર હોય તેને તો નુકસાન જ છે, કારણકે ખાસ કુશળતા ધરાવતા બૅટ્સમૅન કે બોલરને ઇમ્પૅક્ટ પ્લેયરને ઇલેવનમાં સમાવવામાં આવે તો સામાન્ય રીતે ઑલરાઉન્ડરની તો કોઈ ટીમને જરૂર જ ન પડે.