બૅટ નામના બ્રહ્માસ્ત્ર પર છેક હવે લગામ!

બૅટ લઈને મેદાન પર ઊતરતા ખેલાડીઓને પોણાબે દાયકા બાદ કહેવામાં આવ્યું છે કે `માપ’માં રહેજો! બોલર માટે `અચ્છે દિન’ આવી ગયા…
આઇપીએલમાં 8,000-પ્લસ રન એકમાત્ર વિરાટ કોહલીએ કર્યા છે
રાજસ્થાનના રિયાન પરાગનું બૅટ તપાસી રહેલા અમ્પાયર (બીસીસીઆઇ)
સ્પોર્ટ્સ મૅન – અજય મોતીવાલા
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં આ વખતની સીઝનથી તમાકુ અને દારૂની જાહેરખબરો પર પ્રતિબંધ મુકાયો છે. આ જ સીઝનમાં બીજો એક ચોંકાવનારો નિયમ પણ લાગુ કરવામાં આવ્યો છે જેમાં બૅટિંગ કરવા માટે મેદાન પર ઊતરનાર પ્રત્યેક બૅટ્સમૅનનું બૅટ અમ્પાયર તપાસે છે જેમાં એનું માપ બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) દ્વારા નક્કી કરવામાં આવ્યા મુજબ છે કે નહીં એની પુષ્ટિ આપે ત્યાર પછી જ બૅટ્સમૅન બૅટિંગ શરૂ કરી શકે છે. આ નિયમ પાછળનો આશય છે કે બૅટ્સમૅન નિર્ધારિત માપ કરતાં મોટા માપનું બૅટ વાપરીને ખોટો ફાયદો તો ન ઉઠાવે એ જોવાનો છે.
આ બન્ને નિયમ બહુ જ સારા અને હિતકારક છે, પરંતુ તમે જ વિચાર કરો કે ક્રિકેટરોને દર વર્ષે કરોડો રૂપિયા આપતી, કંપનીઓ (સ્પૉન્સર્સને) અબજો રૂપિયાનો ફાયદો કરાવતી, શ્રીલંકા તેમ જ વેસ્ટ ઇન્ડિઝ સહિત અનેક દેશોના ક્રિકેટ બોર્ડોને દર સીઝનમાં કરોડો રૂપિયાનો લાભ અપાવતી, કરોડો ક્રિકેટપ્રેમીઓને મનોરંજન આપતી અને બીસીસીઆઇની તિજોરીમાં કરોડો રૂપિયા લાવી આપતી આઇપીએલ 18 વર્ષથી ચાલે છે, પરંતુ આ બે અત્યંત મહત્ત્વના નિયમો છેક હવે લાગુ થયા છે.
આ પણ વાંચો: ઓપનર્સ ઇલેવન: આઇપીએલની ટીમ ઇન્ડિયાને ભેટ
2008થી માંડીને 2024ની સીઝન સુધીમાં કંઈ કેટલીય કંપનીઓએ ટીવી, અખબારો તથા અન્ય માધ્યમોમાં તમાકુ-દારૂની જાહેરખબરો કરીને પોતાના ઉત્પાદનોનો વ્યાપક ફેલાવો કર્યો. 18 વર્ષ દરમ્યાન અસંખ્ય લોકોએ સ્વાસ્થ્યને હાનિકારક આ પ્રૉડક્ટ્સનું સેવન કર્યું તેમ જ અગણિત યુવાનો-યુવતીઓ પણ આ ઉત્પાદનો તરફ વળ્યા હશે. કેમ આટલાં વર્ષોમાં આ ઉત્પાદનોનો આઇપીએલ જેવી સૌથી લોકપ્રિય ક્રિકેટ સ્પર્ધામાં ફેલાવો ન કરવા દેવાનો કોઈને વિચાર ન આવ્યો? ક્રિકેટની સાથે મનોરંજન તો મળ્યું, પરંતુ એની આ રીતે થતી આડઅસર દૂર કરવાનું કેમ કોઈને ન સૂઝ્યું? કેટલાક ખેલાડીઓ તમાકુની પ્રૉડક્ટ્સ અને લિકરની જાહેરખબરનું મૉડેલિંગ કરતા હોય છે અને તેમને આવા મૉડેલિંગ કરતા રોકવા આ બૅન લાવવામાં આવ્યો છે. કેમ? કરોડો લોકોની પરવાનો વિચાર ન આવ્યો કોઈને?
ભૂમિના વિસ્તારની દૃષ્ટિએ ભારત દુનિયાના સાતમા નંબરે છે, પણ વસતી તો સૌથી વધુ અથવા ચીન પછી બીજા નંબરે છે અને આપણા આ દેશમાં ક્રિકેટની રમત ધર્મની જેમ પુજાય છે તો પછી કેમ આ ધર્મનું જતન કરવાની સાથે જાહેર જનતાના (ખાસ કરીને યુવા વર્ગના) સ્વાસ્થ્યની કાળજી ન લેવામાં આવી? આઇપીએલ 18 વર્ષની થઈ. આ 18 વર્ષના 216 મહિના અને (દિવસોની ગણતરી કરીએ તો) 78,840 દિવસમાં તમાકુ-દારૂનું પુષ્કળ પ્રમાણમાં સેવન થયું અને હવે એના પર પ્રતિબંધ આવ્યો! વાહ. આ પ્રતિબંધ મુકાવવા પાછળનો કેન્દ્ર સરકારનો આશય સારો છે, પણ આટલા વર્ષે કેમ?
ક્રિકેટના બૅટના વિષય પર આવીએ તો અગાઉની આઇપીએલ સીઝન્સમાં દરેક બૅટ્સમૅનના બૅટ નહોતા તપાસવામાં આવતા. અઠ્ઠેગઠ્ઠે કોઈ ખેલાડીનું બૅટ ચકાસવામાં આવતું અને એનું વજન નિયમ મુજબ છે કે નહીં એનો ફેંસલો આપવામાં આવતો હતો. જોકે આ વખતે દરેકે દરેક બૅટ્સમૅનનું બૅટ ચેક કરવામાં આવે છે. આઇપીએલની ગવર્નિંગ કાઉન્સિલનો હેતુ સારો છે, પણ છેલ્લા પોણાબે દાયકામાં બૅટ્સમેન સામે બોલરની જે હાલત થઈ એનું શું?
આ પણ વાંચો: સ્પોર્ટ્સ મૅન: ટીમ ઇન્ડિયાના ઇંગ્લૅન્ડ-પ્રવાસ માટેની ટીમ જાહેર કરશો, પણ ક્યારે?
આઇપીએલના નિયમ અનુસાર બૅટની પહોળાઈ 4.25 ઇંચ/10.8 સેન્ટિમીટરથી વધુ ન હોવી જોઈએ. એ ઉપરાંત, બૅટની ધાર યા કિનારીની જાડાઈ 1.56 ઇંચ (ચાર સેન્ટિમીટર)થી વધુ ન હોવી જોઈએ અને બૅટની એકંદર જાડાઈ વધુમાં વધુ 2.64 ઇંચ (6.7 સેન્ટિમીટર) હોવી જોઈએ. આ નિયમ ક્રિકેટના કાયદા ઘડતી ઇંગ્લૅન્ડની મૅરિલબૉન ક્રિકેટ ક્લબ (એમસીસી)ની માર્ગદર્શિકા મુજબના છે.
હવે તમે જ વિચાર કરો કે પ્રત્યેક બૅટ્સમૅનના બૅટ (તે બૅટિંગ શરૂ કરે એ પહેલાં ચકાસવાનો) નિયમ પૂર્ણપણે છેક આટલા વર્ષે આવ્યો છે તો અગાઉનાં વર્ષોમાં કોઈ બૅટ્સમૅનને નિયમ બહારના બૅટની મદદથી ફટકાબાજી કરવાનો લહાવો મળ્યો હશે એવું માની શકાય, ખરુંને? એ બૅટ્સમૅનના હાથે બોલરની બોલિંગ-ઍનેલિસિસ જરૂર બગડી ગઈ હશે, ખરુંને? બીજી રીતે કહીએ તો બોલરની ધુલાઈ થઈ હશે. ક્રિકેટપ્રેમીઓને ચોક્કા-છગ્ગા જોવા મળ્યા હશે, પરંતુ સંબંધિત બોલરની કરીઅરને ખરાબ અસર થઈ જ હશે.
બૅટનું ચોક્કસ માપ ચકાસવાનો નિયમ સચોટ રીતે લાગુ કરવા પાછળનો હેતુ બૅટ-બૉલ વચ્ચેની સમતુલા જાળવવાનો છે. આઇપીએલમાં બૅટની જ બોલબાલા હોય છે. બૅટ્સમેન માટે બૅટ જ એકમાત્ર શસ્ત્ર છે અને એ પૂર્ણસ્તરે ચકાસવાનું જો હવે શરૂ કરવામાં આવ્યું તો તમે વિચારો કે અગાઉનાં વર્ષોમાં બોલર્સને કેટલો બધો અન્યાય થયો હશે! મંગળવાર, 15મી એપ્રિલની જ વાત કરીએ. ન્યૂ ચંડીગઢના મુલ્લાંપુરમાં પંજાબ કિંગ્સ (પીબીકેએસ) સામેની મૅચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ના તમામ બૅટ્સમેનના બૅટ ચકાસવામાં આવ્યા હતા જેમાંથી સુનીલ નારાયણ અને ઍન્રિક નૉર્કિયાના બૅટ અમ્પાયરને નિયમ વિરુદ્ધ લાગ્યા હતા. તેમના બૅટની જાડાઈ નિયમ અનુસાર નહોતી એટલે તેમને નિયમ મુજબનું બૅટ લઈ આવવાની સૂચના આપવામાં આવી હતી.
કહેવત છેને, દેર આયે…દુરસ્ત આયે.’ ચાલો, બોલર્સની યાતના આટલા વર્ષે ધ્યાનમાં તો આવી. હવે પછી બૅટ્સમેનોને પોતાની પસંદગીના (માપ બહારના) બૅટ નહીં વાપરવા મળે એટલે આગામી મૅચોમાં આડેધડ ફટકાબાજી નહીં જોવા મળે. આતશબાજી થશે, પણ બોલર્સનો પણ સરખો ડંકો વાગશે. ખેલ બરાબરીનો થશે, હરીફાઈ સરખેસરખા વચ્ચેની હશે અને આઇપીએલ ખરા અર્થમાં રોમાંચક બનશે.