સ્પોર્ટ્સ મૅન : ટૉપ-ઑર્ડરની ટંકશાળ…

- અજય મોતીવાલા
અગાઉ કોહલી, ગેઇલ, ડિવિલિયર્સની ત્રિપુટી બેંગલૂરુને શરૂઆતથી જ રનનો ઢગલો કરી આપતી એમ હવે હૈદરાબાદના રનનો ધોધ અભિષેક શર્મા, ટૅ્રવિસ હૅડ, ઈશાન કિશનથી શરૂ થાય છે
(ડાબેથી જમણે) ઇશાન કિશન, અભિષેક શર્મા, ટૅ્રવિસ હેડ તેમ જ એબી ડિવિલિયર્સ, વિરાટ કોહલી અને ક્રિસ ગેઈલ
કહેવત છેને કે `જેની શરૂઆત સારી એનો અંત સારો.’ ક્રિકેટ મૅચમાં અને ખાસ કરીને ટી-20ના એટલે કે ફટાફટ ક્રિકેટના આજના જમાનામાં આ કહેવત અચૂક લાગુ પડતી હોય છે. પાવરપ્લેની શરૂઆતની છ ઓવરમાં જો ટીમનો આરંભ ધમાકેદાર ન થયો હોય તો તોતિંગ લક્ષ્યાંકની વાત જવા દો, સાધારણ ટાર્ગેટ મેળવવામાં પણ એના નાકે દમ આવી જાય. ઓપનર્સ સહિતના ટૉપ-ઑર્ડરના બૅટ્સમેન જો ટીમને સારી શરૂઆત કરાવી આપે તો મિડલ-ઑર્ડરના બૅટ્સમેને લક્ષ્ય હાંસલ કરવામાં ઓછી મહેનત કરવી પડે અને નીચલા ક્રમના બૅટ્સમેને સંઘર્ષ ન કરવો પડે.
આ પણ વાંચો: સ્પોર્ટ્સ મૅન : 8 વર્ષની આઇપીએલમાં 13 વર્ષનો વૈભવ ને 43 વર્ષનો ધોની મચાવશે ધમ્માલ…
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ચાલી રહી છે. આ વાર્ષિક ક્રિકેટોત્સવની અઢારમી મોસમ હજી સોળે કળાએ ખીલી નથી. એ ખીલશે ત્યારે કોણ જાણે કેટલા નવા વિક્રમો તૂટશે અને નવા બનશે. ખાસ કહેવાનું કે જેટલા પણ નવા ઊંચા ટીમ-સ્કોર બનશે એમાંના મોટા ભાગના સ્કોર ટૉપ-ઑર્ડરની મહેરબાનીથી જ બન્યા હશે.
આ લેખમાં આપણે આઇપીએલના ટૉપ-ઑર્ડરની જ વાત કરવાની છે. થોડી ભૂતકાળની અને થોડી વર્તમાનની. ટી-20 એટલે બૅટર્સ-ફૉર્મેટ અને એમાં પણ ટોચની હરોળના બૅટ્સમેન જો સારો પાયો નાખી આપે તો મૅચનું પરિણામ મોટા ભાગે તેમની તરફેણમાં જ જોવા મળે છે. અગાઉ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી)ના ટૉપ-ઑર્ડરની બોલબાલા હતી. ક્રિસ ગેઇલ, વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સ પાછળ લોકો ગાંડા હતા. તેમની મૅચ માટેની ટિકિટો મહિનાઓ પહેલાં બુક થઈ જતી હતી. ગેઇલ અને ડિવિલિયર્સની નિવૃત્તિ બાદ હવે વિરાટ લગભગ એકલો પડી ગયો છે. એ ત્રિપુટી બાદ હવે સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ)નો ટૉપ-ઑર્ડર સૌથી લોકપ્રિય બન્યો છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આપણે ઘણી વાર જોયું છે કે ઓપનિંગ જોડી ટીમ-સ્કોરની ગગનચુંબી ઇમારતનો પાયો નાખી આપે ત્યાર બાદ વનડાઉનના કે ચોથા-પાંચમા ક્રમના બૅટર્સના મોટાં યોગદાનો આપે અને પછી મૅચ હાઇ-સ્કોરિંગ બનવા લાગે છે. જો હરીફ ટીમ પણ સારી શરૂઆત ન કરે તો એ હાઈ-સ્કોરિંગ મૅચ વન-સાઇડેડ થઈ જાય છે અને પ્રથમ બૅટિંગમાં તોતિંગ સ્કોર કરનારી ટીમ મહાકાય માર્જિનથી જીતી જાય છે.
આ પણ વાંચો: ભાત ભાત કે લોગ : જંગી માળખાંગત સુવિધા ભાંગી પડે ત્યારે કેવો વિનાશ સર્જાય?
ક્રિકેટજગતમાં વિવિયન રિચર્ડ્સ પછીનો બીજો વિસ્ફોટક બૅટ્સમૅન કોણ? એવું જો જાણકાર ક્રિકેટપ્રેમીને પૂછવામાં આવે તો તે ફટ દઈને વીરેન્દર સેહવાગનું જ નામ આપશે. વાત જરાય ખોટી નથી. સેહવાગ જેવો લોકપ્રિય ઓપનર અને ધમાકા સાથે દાવની શરૂઆત કરે એવો તો સચિન તેન્ડુલકર પણ નહીં, સૌરવ ગાંગુલી પણ નહીં, ગૌતમ ગંભીર પણ નહીં, ક્રિસ ગેઇલ પણ નહીં, ઍડમ ગિલક્રિસ્ટ પણ નહીં અને ટૅ્રવિસ હેડ પણ નહીં.
સેહવાગે વન-ડે ક્રિકેટમાં 15 સેન્ચુરી ફટકારી હતી. એમાં તેની એકમાત્ર ડબલ સેન્ચુરી હતી અને એ ડબલ તેની વન-ડે કરીઅરની અંતિમ સેન્ચુરી બની હતી. 2011ની આઠમી ડિસેમ્બરે ઇન્દોરમાં વેસ્ટ ઇન્ડિઝ સામે સિરીઝની ચોથી વન-ડે રમાઈ હતી. ખુદ સેહવાગ એમાં કૅપ્ટન હતો. ટૉસ જીતી લેતાં તેણે બૅટિંગ પસંદ કરી હતી. ગૌતમ ગંભીર (67 રન, 67 બૉલ, અગિયાર ફોર) અને સેહવાગ (219 રન, 149 બૉલ, સાત સિક્સર, પચીસ ફોર) વચ્ચે 176 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી અને પછી સેહવાગે સુરેશ રૈના (પંચાવન રન, 44 બૉલ, છ ફોર) સાથે 140 રનની ભાગીદારી કરી હતી.
બસ, થઈ રહ્યું. કૅરિબિયનોની હાર ત્યાં જ નિશ્ચિત થઈ ગઈ હતી. ભારતે 50 ઓવરમાં પાંચ વિકેટે 418 રન બનાવ્યા હતા. ડૅરેન સૅમીના સુકાનમાં કૅરિબિયન ટીમ 419 રનના તોતિંગ લક્ષ્યાંક નીચે જ દબાઈ ગઈ હતી. ખાસ કહેવાનું કે ભારતનો ટૉપ-ઑર્ડર જેમ સુપરહિટ નીવડ્યો એની સામે વેસ્ટ ઇન્ડિઝનો ટૉપ-ઑર્ડર સાવ ફ્લૉપ ગયો હતો. લેન્ડલ સિમન્સે 36 રન, કાઇરન પોવેલે સાત રન, માર્લન સૅમ્યુઅલ્સે 33 રન અને ડૅન્ઝા હ્યૉટે 11 રન બનાવ્યા હતા. પાંચમા નંબરના ડેનેશ રામદીને 96 રન બનાવ્યા હતા, પણ એ વિજય અપાવવા માટે પૂરતા નહોતા કારણકે તેમનો ટોચનો બૅટિંગ ઑર્ડર જ નિષ્ફળ ગયો એટલે જીતનો પાયો જ નહોતો નાખી શકાયો.
1970-1980ના દાયકામાં સુનીલ ગાવસકર, ફરોખ એન્જિનિયર, ચેતન ચૌહાણ, કૃષ્ણમાચારી શ્રીકાંત, ગુંડપ્પા વિશ્વનાથ, દિલીપ વેન્ગસરકર, વગેરે ખ્યાતનામ બૅટ્સમેન ટૉપ-ઑર્ડરમાંથી ભારતને ધમાકેદાર શરૂઆત કરાવી આપતા હતા. ત્યાર પછી (ઓપનિંગની જ વાત કરીએ તો) વીરેન્દર સેહવાગ તેમ જ સચિન તેન્ડુલકર, સૌરવ ગાંગુલી અને ગૌતમ ગંભીર તથા ત્યાર બાદ શિખર ધવન, રોહિત શર્મા વગેરેએ ટૉપ-ઑર્ડરની અસાધારણ ઇનિંગ્સથી ભારતને ઘણી મૅચો જિતાડી આપી છે. ટૉપ-ઑર્ડર વર્લ્ડમાં તેમના યોગદાન અમૂલ્ય છે.
ફરી આઇપીએલના ટૉપ-ઑર્ડરની વાત પર આવીએ તો હૈદરાબાદ પાસે ગયા વર્ષે જે ટૉપ-ઑર્ડર હતો એમાં થોડો ફેરફાર થયો છે. અભિષેક શર્મા અને ટૅ્રવિસ હેડ ત્યાંના ત્યાં જ છે, ત્રીજા નંબરે રાહુલ ત્રિપાઠીના સ્થાને ઇશાન કિશને એન્ટ્રી મારી છે. ગયા વર્ષે એસઆરએચને ઘણી મૅચોમાં ધમાકેદાર શરૂઆત કરાવી આપનાર અભિષેક અને ટૅ્રવિસ હેડે આ વખતે પહેલી જ મૅચમાં ધમાલ મચાવી દીધી હતી.
અભિષેક તો પાંચ ફોરની મદદથી ફક્ત 24 રન બનાવીને અને ટૅ્રવિસ સાથે 45 રનની ભાગીદારી કરીને આઉટ થઈ ગયો હતો, પણ ત્યાર બાદ ટૅ્રવિસ અને ઇશાન કિશને એસઆરએચની ઇનિંગ્સને એવી મજબૂત બનાવી દીધી કે ટીમ-સ્કોરનો વિક્રમ તૂટતા જરાક માટે રહી ગયો હતો. ટૅ્રવિસે ત્રણ છગ્ગા અને નવ ચોક્કા સાથે 67 રન બનાવ્યા, જ્યારે અગાઉ મુંબઈ ઇન્ડિયન્સ વતી રમી ચૂકેલા કિશને હૈદરાબાદના ફ્રૅન્ચાઇઝીને એ ડેબ્યૂ મૅચમાં આઇપીએલ-2025ની પહેલી સેન્ચુરી આપી દીધી હતી. તેણે માત્ર 47 બૉલમાં છ સિક્સર અને અગિયાર ફોર સાથે અણનમ 106 રન કર્યા હતા અને હૈદરાબાદે છેવટે રાજસ્થાન રૉયલ્સ સામેની એ મૅચ 44 રનથી જીતી લીધી હતી. કારણ સ્પષ્ટ હતું. રાજસ્થાનનો ટૉપ-ઑર્ડર ફેલ ગયો હતો. ફક્ત 50 રનમાં ત્રણ વિકેટ પડી ગઈ હતી.
પ્લેયર્સ ઑક્શનમાં મોટા ભાગના ફ્રૅન્ચાઇઝીઓ મજબૂત ટૉપ-ઑર્ડર બનાવવા પર જ ધ્યાન આપતા હોય છે અને એમાં અત્યારે હૈદરાબાદની ટીમની લોકપ્રિયતા આસમાને છે. બેંગલૂરુની ટીમના ટૉપ-ઑર્ડરમાં વિરાટ કોહલીને બ્રિટિશ ઓપનર ફિલ સૉલ્ટનો સંગાથ મળ્યો છે અને ત્રીજા નંબરે હમણાં તો દેવદત્ત પડિક્કલને રમવાનો મોકો મળે છે. જોઈએ હવે આ વખતે બીજી કોઈ ટીમનો ટોચનો બૅટિંગ-ઑર્ડર ચમકશે કે હૈદરાબાદના બૅટ્સમેન ધમાકા પર ધમાકા કરવાનું ચાલુ રાખશે.