વીક એન્ડ

શરદ જોશી સ્પીકિંગ: સરહદ પર ગોળીબાર ફરી એકવાર!

  • સંજય છેલ

    પાકિસ્તાન સરકાર પાસે પોતાની જેટલી અકલ છે એને એ બે રીતે વાપરે છે અથવા એમ કહો કે બે હિસ્સામાં પોતાની બુદ્ધિને વ્યક્ત કરે છે. હવે આને બુદ્ધિ કહેવાય કે બેવકૂફી એ તો ઈતિહાસ જ કહેશે, અમે કૈં નહીં કહીએ. હાલ પૂરતું તો અમે પાકિસ્તાની બુદ્ધિને સમજદારી માનીને ચાલીએ. એમની સમજદારીના પહેલા દૌરમાં એમ કે એ લોકો અમેરિકન ઉધારીનાં હથિયારો વાપરે છે. (એમ તો એ લોકો અમેરિકાનું ઘણું ઉધારનું વાપરે છે)

-પણ અમેરિકા જ્યારે જયારે પાકને પૂછે છે કે તમને કયાં કયાં આધુનિક હથિયારો જોઈએ છે? તો એ લોકો એમ કહે છે કે અમારી પાસે તો બસ, ચાકુ ને તલવારો છે, બાકી બધું તમારે ત્યાંથી અમારી પાસે આવવા દ્યો!

હવે પેલા શાણા અમેરિકનો પાકિસ્તાની જરૂરિયાતને પાકિસ્તાનીઓથી વધારે જાણે છે એટલે એમણે રશિયા-ચીન સામે લડવા માટે યુદ્ધના સપનામાં રાચીને જે અગડમ-બગડમ માલ બનાવ્યો હોય, એ આ કંગાળ પાકિસ્તાનને પધરાવી દે છે: `લે વ્હાલા, લેતો જા!’

હવે આ થયો સમજદારીનો પહેલો દૌર. હવે આવે છે બીજો ભાગ.એમાં એમ છે કે પાકિસ્તાની સિપાહીઓ સમજ્યા વિચાર્યા વિના પેલા બધા હરામનાં હથિયારોને એક લાઈનમાં મૂકીને ભારત તરફ કરીને બસ તાકી દે છે, જેમ દિવાળીમાં ભારતીય બાળકો એક જ લાઈનમાં ફટાકડા મૂકીને ફોડે રાખે છે. એ જ રીતે પાકિસ્તાનીઓ મંડયા છે એય ને ગોળાબાદ કે ગોળીઓને ફોડવા! જાણે નાના-મોટા ફટાકડા. બોર્ડર પર સૈનિકોને કે સૈનિકના વેશમાં આતંકવાદીઓને હાથમાં બંદૂક આપીને બેસાડી દીધા કે હાલો, છોડો ગોળીયું ભારત તરફ ને પછી ધાંય-ધાંય ચાલુ!

આ પણ વાંચો…શરદ જોશી સ્પીકિંગ : આજકાલ શેરબજાર હલેલી છે ને દુનિયા ચિંતામાં ડૂબેલી છે ત્યારે…

આજકાલ આ દૌર ચાલુ છે. સીમા પર બેઠા છે ને અમેરિકા તરફથી મળેલા હરામની બંદૂકો ચલાવી રહ્યા છે. એમણે એવો હિસાબ માંડયો છે કે અગર અમે 100 ગોળી મારશું તો જવાબમાં સામે ભારતવાળા કમસેકમ 10-10 ગોળીઓ તો છોડશેને! એમના માટે બસ આટલું જ ઘણું છે! એમની આજની કમાણી એ જ થઈ કે હાશ, ભારતની 10 ગોળી તો
ખતમ થઈ ને એમાં બધાયે અભણ પાકિસ્તાનીઓ રાજી રાજી! હવે જો ભારત ચાહે તો 100 ગોળી સામે 200 ગોળીઓયે મારી શકે છે પણ શું છે કે આપણે ત્યાં દરેક ગોળી પરસેવાની કાળી કમાણીથી બની છે ને ત્યાં તો દરેક ગોળી મફતમાં કે ભીખની મળેલી છે! પેલી બાજુ પાકિસ્તાનીઓને એ વાતની જ ઉતાવળ છે કે ક્યારે હથિયારોનો સ્ટોક ખતમ થાય ને ક્યારે એમણે પાછા અમેરિકા પાસે માગી ભીખીને લઈ આવીએ!

મને એક પાકિસ્તાની સાહેબે ખાનગીમાં કહ્યું કે પાકિસ્તાની સ્કૂલોમાં ઈતિહાસના કોર્સમાં ભણાવાય છે કે બાબરથી લઈને વાજિદ અલી શાહ કે બહાદુર શાહ ઝફર.. સુધી ભારત પર પાકિસ્તાનનો જ કબ્જો હતો. પછી આપણે લોકોએ અંગ્રેજો સાથે મળીને ષડયંત્ર રચ્યું ને પાકિસ્તાનીઓને હિંદુસ્તાનથી બહાર તગેડી મૂકયા! આવા ષડયંત્રભર્યા ગપ્પાં ભણી ભણીને ત્યાંનો વિદ્યાર્થી, પછી સૈનિક કે કોઇ ટેરરિસ્ટ બનીને, બોર્ડર પર અમેરિકાએ આપેલા ઉધારનાં શસ્ત્રો ઉઠાવીને ભારત તરફ મોં કરીને, ખૂબ ધાર્મિક ભાવથી ગોળીઓ ફોડીને, ત્યાંની અભણ સ્કૂલમાં જે જે ઈતિહાસ ભણેલાં એને નિભાવવા માટે આંખ મીંચીને બસ મંડી પડયા છે!

એ પાકિસ્તાની સૈનિકો કે આતંકી લોકો ખરેખર તો બિચારા દયાને પાત્ર છે. ગલત હિસ્ટ્રીના સ્ટુડન્ટ છે. પાકમાં એ લોકોની ગોળીઓના જવાબમાં ભારત દ્વારા ગોળી ચલાવવાના સમાચાર, સાચા સમાચાર કે બ્રેકિગ ન્યૂઝ નથી
હોતા. એકચ્યુઅલી, એમને તો સામા જવાબમાં ગોળીઓ મારવાને બદલે ઈતિહાસની સાચી કિતાબો આપવાની જરૂર છે, જેથી કરીને એ લોકો સમજે કે પાકિસ્તાની જનતાની ભલાઈ એમની બંદૂકનું મોં ભારત તરફ નહીં, પણ પોતાની જ રાજધાની ઈસ્લામાબાદ તરફ કરવામાં છે!

આ પણ વાંચો…શરદ જોશી સ્પીકિંગ : NRI લોકોની દુનિયા: કિતને પાસ… કિતને દૂર

-પણ એ લોકો જાણતા નથી કે એ લોકો શું કરી રહ્યા છે એટલે હે પ્રભુ હે પરવરદિગાર, એમને માફ કરજે !

(મૂળ લેખ 1980નાં દાયકાનો)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button