શોધો, ચાચાજીની ટ્રકનું `શાયરાના નામ’!

શરદ જોશી સ્પીકિંગ – સંજય છેલ
હમણાં મારા સગાએ ટ્રક ખરીદી તો એનું નામ પાડવા મને બોલાવ્યો. એક છોકરો, જે પોતાની જાતને બહુ મહાન ચિત્રકાર સમજતો હતો, એ કલરબ્રશ લઈને ત્યાં તૈનાત હતો કે જેવું નામ નક્કી થાય કે તરત ટ્રક પર લખી નાખે! હું સમયસર પહોંચી ગયો એટલે ચાચાજી ખુશ. એમનું કહેવું છે કે જે કલાકારને 9 વાગ્યે બોલાવ્યો હોય અને એ ભલે 12 વાગે પણ પહોંચે તોયે એ સમયસર આવ્યો છે એવું માનવું!
કેટલાંક બાળકોના નામકરણ અને કેટલાક કવિઓના તખલ્લુસ' કે
ઉપનામકરણ’નું સૌભાગ્ય તો મને મળ્યું છે પણ એ અનુભવના આધારે હું ટ્રકનું નામકરણ કેવી રીતે કરીશ? એની મને શંકા ને ડર બેઉ હતા ને સાથોસાથ મારા પગ પણ ધ્રૂજી રહ્યા હતા. પછી 45 દિવસ બજારમાં ટ્રકોની આસપાસ રખડીને નોંધ્યું કે ટ્રકોનાં કેવા કેવા અજબ નામ હોય છે? જેમ કે ટ્રમ્પસે બડા ટારઝન,
સડક કા શહેનશાહ’, માર્ગ જ્યોતિ',
મુગલે આઝમ’, મંજિલ કિ તમન્ના',
શેરે-પંજાબ’, અંધેરે કા મુસાફિર', હિન્દ કેસરી',
હાતિમ તાઈ’, તૂફાની તોતા',
બિંદાસ બુલબુલ’, સુબહ કા ભૂલા',
પ્યારા પરદેશી ‘, `ક્વીન ઓફ ઝાંસી’ જેવા ઘણાં નામો લખી રાખ્યા જેથી કામ આવે.
એક એકદમ ખખડધજ જૂની ટ્રકની પાછળ લખ્યું હતું- મર્સિડીઝ કા બાપ', જો કે ટ્રક મર્સિડીઝની નહોતી, હોં! ટ્રકોની પાછળ
હોર્ન પ્લીઝ’ તો લખેલું હોય જ છે પણ સાથે સાથે સત શ્રી અકાલ',
જય શ્રી રામ’, ફિર મિલેંગે',
પરદેશી કી યાદ’, `હમેં મત ભૂલના’ વગેરે પણ હોય છે જેથી ટ્રક પસાર થાય ત્યારે પાછળ લખેલું વાંચીને લોકોની આંખમાં આંસુ આવી જાય. ઘણી વાર ટ્રક પાછળ શાયરી કે ગીતની પંક્તિઓ લખી હોય છે, જેમ કે:
આ પણ વાંચો: શરદ જોશી સ્પીકિંગ: ભગવાન બચાવે `બુદ્ધિજીવીઓ’થી
- `મેરી જિંદગી મસ્ત સફર હૈ!’ સૂરજ અસ્ત ઔર બાબા મસ્ત
- `ખુશ રહો અહલે વતન હમ તો સફર કરતે હૈ!’
- `ખુલ્લી પડી સડક, જા રહા હૂં બેધડક!’
- `ચાર બોતલ વોડકા, દોસ્ત હૈ યે રોડ કા!’
મેં એક ડાહ્યા વિદ્યાર્થીની જેમ એ બધુંય કાગળ પર ઉતાર્યું. કોઇક ટ્રકની પાછળ બે પંક્તિઓ હતી:
`દેખના હૈ બુલબુલ તો દેખીયે બહાર મેં,
દેખના હૈ ટ્રક તો દેખીયે રફ્તાર મેં!’
ડ્રાઇવરસાહેબની આવી કાવ્યપ્રતિભા માટે આ પંક્તિઓ પણ આદરથી નોંધી. ચાચાજીને પણ અંદરથી એવી લ્હાય હતી કે એમના ટ્રકનો ગામમાં ને ખાસ તો હાઇવે પર વટ પડી જાય. ખટારાની પાછળ લખેલી 4 પંક્તિઓ એવી જબરદસ્ત હોય કે ટ્રકની સાથે નહીં પણ કોઈ મહાકવિની સાથે ઊભા હોવ!
ચાચાજી, પ્રેરણા આપવા મને ટ્રક પાસે લઈ ગયા ને કહ્યું, `ધ્યાનથી જોઇને વિચાર કે આનું શું નામ આપીએ?
મેં જોયું કે બે સફેદ ચમકતી આંખ, મેટલના બહાર નિકળેલાં દાંત, ફૂલેલા ગાલ, વાંકીચૂંકી ભમર. બધું મળીને કોઇ વંઠેલા નવા નિશાળિયાની ફિશિયારી નિતરતી હોય એવું ટ્રકનું ડાચું હતું.
મેં ચાચાજીને પૂછ્યું: ટ્રકના તો નામ ટાટા, મહેન્દ્રા, ફોર્ડ..વગેરે વગેરે હોય જ ..તો ખાસ નામ કેમ રાખવાનું?
ચાચાજીએ મને ઘુરીને કહ્યું, એમ તો માણસોનીયે અટક હોય છે- તિવારી, શર્મા, વર્મા… તો પછી શરદ, રમેશ, મોહન વગેરે નામની શું જરૂર છે?
તો ચાચાજી, પહેલાં ટ્રકનું નામ મુન્ના, લાલો, જેવું કંઇપણ રાખી લો. પછી ટ્રક બરાબર દોડવા લાગે ત્યારે મોટું નામ રાખી દેજો!
એવું ના ચાલે, એકવાર માર્કેટમાં જે નામ પડ્યું એ પડ્યું. વારેવારે બદલાય નહીં!
આ પણ વાંચો: શરદ જોશી સ્પીકિંગ : આજકાલ શેરબજાર હલેલી છે ને દુનિયા ચિંતામાં ડૂબેલી છે ત્યારે…
અં.. તો ટ્રકનું નામ રાખો મછન્દરનાથ' ને પાછળ લખાવો
અલખ નિરંજન’!
હમણાં જે નામ સૂઝે એને કાગળમાં લખી લે. પછી વિચારીશું. અરે સાંભળો, 3-4 કપ ચા બનાવો. ચાચાજીએ ઘરમાં ઓર્ડર આપ્યો`ચા’નું નામ સાંભળતા વેંત જ મારી અંદરનો સાહિત્યકાર જાગી ગયો.’
મેં કહ્યું, ચાચાજી, ટ્રકનું નામ મહાપ્રયાણ' રાખો અને પાછળ લખાવો
બુદ્ધં શરણં ગચ્છામિ’!
આઇડિયા સારો છે! એય બબલુ, જા જઈને 3 પાન લઈ આવ! ચાચાજીએ ડ્રાઇવરને કહ્યું.
ચાચાજી, ટ્રકની સ્પીડ કેટલી હશે?
અરે, સ્પીડમાં આની સામે કોઇ ના ટકી શકે.
તો એનું નામ `મિલ્ખા સિંગ’ રાખી દો! દોડવીર ચેમ્પિયન ચાચાજીએ હસીને કહ્યું, નામ તો સરસ સુઝાડ્યાં પણ બેટા તું લેખક છેને? કોઇ સાહિત્યિક નામ આપ. હું ભણેલો-ગણેલો માણસ રહ્યો એટલે એવું ઊંડાણવાળું અર્થસભર નામ આપ કે લોકોની બળીને રાખ થઈ જાય.
નામ વિશ્વયાત્રી' ને પાછળ લખાવો
એકલા ચાલો રે’!
હાઆ ખાસ નોંધી લે બેટા..પણ આ `એકલા ચાલો રે’ એટલે શું?
રવીન્દ્રનાથે કહ્યું છે: જો તમારી વાત કોઈ ન સાંભળે તો તમે એકલા ચાલવા માંડો.
ના, ના, યાર તું એસોસિએશનવાળાઓ સાથે ઝઘડો કરાવશે. આજકાલ બિઝનેસમાં સાથે મળીને ચાલવું પડે છે. બીજું કંઇ આપ.
યાયાવર. મારા મોંમાંથી નીકળી ગયું.
જરા અઘં પડશે! યાર છે કે વર છે સમજાશે નહીં
`અણદીપ!’ રાખો ને પાછળ જે લાલ ટેઇલલાઇટ છેને, એના પર કવિ અંચલની પંક્તિઓ લખો
`રહે ભૂમિ સે ઉપર દીપક કી અણાઈ!
અબતક મૈં પ્રિય રહી તુમ્હારી, અબ હો ગઈ પરાઈ!’
`વાહ, આની કોપી મને આપ! એય મુન્ના.. જલ્દી દોડીને મીઠાઇ લઈ આવ!’ ચાચાજીએ ડ્રાઇવરને કહ્યું.
મારો ઉત્સાહ ઓર વધ્યો ને મેં ફોરમમાં આવી જે નામો લખાવ્યા એ જુઓ:
ટ્રકનું નામ જિપ્સી' અને ઈલાચંદ્ર જોશીની કાવ્ય પંક્તિ
કિસ અસીમ કે પાર મુઝે મમ કૌન પ્રિયા તરસાતી!’
ટ્રકનું નામ મધુશાલા' અને બચ્ચનની પંક્તિ
ઇસ પાર પ્રિયે તુમ હો, મધુ હૈ ઉસ પાર ન જાને ક્યા હોગા!’
કે પછી ટ્રકનું નામ બઢતા વિશ્વાસ' અને કવિ
સુમન’ની મેં બગાડેલી પંક્તિ `મૈં નહીં આયા તુમ્હારે દ્વાર, ટ્રક હી મુડ ગયા થા!’
ટ્રકનું નામ મતવાલા' અને ભગવતીચરણ વર્માની મેં બદલેલી પંક્તિ
બાદલ દલ-સા નીકલ ચલા, યહ ટ્રક મતવાલા રે!’
ટ્રકનું નામ ચિર પ્રવાસી' અને પ્રભાકર માચવેની પંક્તિ
ચિર પ્રવાસી પ્રાણ મેરે, કૌન સા વિશ્રામ જાને?’
ચાચાજીએ ખુશ થઇને પુષ્કળ નાસ્તો મંગાવી નાખેલો. હિન્દી સાહિત્યમાં એમના ટ્રકના વિષે આટલું બધું ઓલરેડી લખાઇ ચૂક્યું છે એ જાણીને રાષ્ટ્રભાષા હિંદી પ્રત્યે એમની શ્રદ્ધા વધારે મજબૂત થઈ. હું નાસ્તાચામાં વ્યસ્ત હતો અને તેઓ વાહ-વાહ કરી રહ્યા હતા. ચાચાને સમજાતું નહોતું કે આટઆટલાં નામોમાંથી કયું નામ પસંદ કરવું? હું તો ખાઇપીને ઘરે આવી ગયો. ખબર નહીં એ કયો અભાગિયો સાહિત્યકાર હશે કે જેની પંક્તિ ચાચાની ટ્રકની પાછળ લખાશે ને હાઇવેની ધૂળ ખાશે!