શરદ જોશી સ્પીકિંગ: ભગવાન બચાવે `બુદ્ધિજીવીઓ’થી

- સંજય છેલ
દુનિયામાં ઘણા અલગ અલગ પ્રકારના સજીવ પ્રાણીઓ હોય છે. સ્તનપાન કરનારા સ્તનજીવી પ્રાણી કહેવાય, ઝેર પીનારા વિષજીવી, બિયર પીનારા બાટલીજીવી, કોફી પીનારા કોફીજીવી કહેવાય છે. એવી જ રીતે બુદ્ધિજીવીઓ પણ હોય છે.
શું એ લોકો બુદ્ધિ ખાઈને જીવે છે? ના, જેમ શ્રમજીવીઓ પોતાની મહેનત વેચીને જીવે છે એવી જ રીતે બુદ્ધિજીવીઓ પોતાની બુદ્ધિ વેચીને જીવે છે. શ્રમજીવીઓ સ્વીકારે છે કે એ પોતાની મહેનત વેચે છે, પણ બુદ્ધિજીવી વ્યક્તિ સ્વીકારશે નહીં કે એ પોતાની બુદ્ધિ વેચે છે.જો એ પોતાની બુદ્ધિ વેચી નાખશે તો એની પાસે રહેશે શું? બુદ્ધિજીવી માટે એની બુદ્ધિ એક કૂવો છે. એમાં ડોલ નાખીને એ વિચારોને બહાર કાઢે રાખે છે. પછી ડોલ ભરીને વિચારો વેચે છે. જો નહીં વેચાય તો એ પોતે પોતાના વિચારોથી નાહી લે છે. એનાથી સ્ફૂર્તિ આવે છે. પછી પાછો એ ડોલ કૂવામાં નાખે છે ને એમાંથી વિચારો બહાર કાઢે છે.
આમ એ જ કૂવો, એ જ ડોલ ને એના એ જ વિચારો હોય છે, પણ બુદ્ધિજીવી સ્વીકારશે નહીં કે વિચારો એના એ જ હોય છે. એ તો કહેશે : `ના, ના, મારા વિચારો તો નવા જ છે, કારણ કે એણે એ વિચારોને વેચવાના છેને? જીવવા માટે આવું કરવું એ એની મજબૂરી છે.
આ પણ વાંચો: મસ્તરામની મસ્તી : તમારામાં `e’ સંસ્કાર છે કે નહીં?
જો કે બુદ્ધિજીવીના માથા પર શિંગડા કે શરીર પર સુરખાબ જેવી પાંખ ઊગેલી નથી હોતી.
બે પગ, બે હાથ, પેટ, છાતી, કામચલાઉ કાન, જોઈ શકે તેવી આંખો, કરડી શકે તેવા દાંત, ગૂંગળાવી શકાય એવું ગળું અને અન્ય જરૂરી ઇન્દ્રિયો પોતપોતાની જગ્યાએ છે. એ આપણાં જેવો જ હોય છે. એના પગમાં પણ ફોલ્લા પડે છે, ઘૂંટણથી પેટ તરફ વળાય છે, છાતીમાં બળતરા થાય છે… સામાન્ય માણસમાં હોય એવા બધા શારીરિક ગુણદુર્ગુણ એનામાં હોય છે, પણ હા, વધારે પડતી બુદ્ધિ હોવી બુદ્ધિજીવી બનવા માટે જરૂરી છે.
બહુ ગૂંચવાયેલું વ્યક્તિત્વ હોય છે બુદ્ધિજીવીનું. છાતી આત્મસન્માનની અદામાં, ભાષા ચતુર ચમચાઓની, આંખો વિચારક જેવી, હાસ્ય દોસ્તારનું પોતે ખૂબ જ હોંશિયાર, ચારે બાજુથી ચોક્કસ, ધ્યાન સતત મફત બોટલ અને નાસ્તા પર, જ્યાં ત્યાં જ્ઞાન છાટતો, વાતો દેશની પણ ચિંતા વાતે વાતે શેર- શાયરી- કહેવતો કહેનારો અને છોકરીને પસાર થતી જોઈને તરત ચોંકનારો શાણો, ઈત્યાદિ…
ગરીબ માણસને ખેંચીને પોલીસ સ્ટેશન લઈ જવાય ત્યારે બુદ્ધિજીવી અચાનક એ ગરીબ માટે અજાણ્યો બની જાય. સ્ત્રીને અધોગતિના રસ્તાઓમાં ખેંચી જવામાં આવી રહી હોય તો બુદ્ધિજીવી પીઠ ફેરવી લેશે. નિરાશ વૃદ્ધ માણસ ખાસતાં ખાસતાં છેલ્લા શ્વાસ લેતો હશે ત્યારે બુદ્ધિજીવી મિત્રો સાથે બેઠો હશે અને જનરેશન ગેપનું વિશ્લેષણ કરી રહ્યો હશે. બુદ્ધિજીવીનું બુદ્ધિજીવી હોવું એ જ સૌથી મોટી ઢાલ છે.
આવા બુદ્ધિજીવી વ્યક્તિ ખાસ કરીને જ્યારે સમૂહમાં હોય ત્યારે એકલા રહેવાનું પસંદ કરે છે, પણ એકલો હોય છે ત્યારે એ માણસોને શોધે છે. સમૂહમાં એને ભીડ ગમતી નથી. એકાંતમાં. એ એકલતાથી કંટાળી જાય છે એટલા માટે એ અહીંથી ત્યાં, ત્યાંથી અહીં આવ-જા કરી ફાંફાં મારે છે.
આ પણ વાંચો:ભાત ભાત કે લોગ : જંગી માળખાંગત સુવિધા ભાંગી પડે ત્યારે કેવો વિનાશ સર્જાય?
રાજ્યોની રાજધાનીમાં કે દેશની રાજધાની દિલ્લીમાં બુદ્ધિજીવીઓ ખૂબ જોવા મળે છે. એવા શહેરી બુદ્ધિજીવીની એક આંખ પુસ્તક કે મેગેઝિન પર અને બીજી કોઈ સરકારી સંસ્થા કે મકાન પર સતત ચોંટેલી હોય છે, જ્યાંથી એને બુદ્ધિજીવી હોવાના કારણે લાભ મળી શકે, જેમ કે- અકાદમી એવૉર્ડ, પરિષદો, રેડિયો, ટીવી, યુનિવર્સિટીઓ, પ્રકાશનગૃહો, દૂતાવાસો, કોલેજો, સેવાભાવી ટ્રસ્ટો અને સરકારના પૈસે સેમિનારોનું આયોજન કરતી સંસ્થાઓ, ઇનામઅકરામ કે અને સન્માન આપતી સંસ્થાઓ, વગેરેની આસપાસ માખીની જેમ ઊડે. એમાંથી જ બુદ્ધિજીવીનાં પુસ્તકો છપાતાં રહે ને કમાણી ચાલે.
મોટાભાગનાં બુદ્ધિજીવીઓ જ્ઞાન વિશે વાત કરે છે, ત્યારે એમાંથી લાભની ગંધ આવે છે. જ્યારે લાભ વિશે વાત કરે છે, ત્યારે એને કોઈ કાયદા કે નિયમમાં લપેટી લે છે ને મસ્ત શબ્દોથી શણગારે છે. રાજકારણ વિશે વાતો કરે છે, ત્યારે લાભ મેળવવાની ભાવિ યોજનાઓ કલ્પી લે છે.
આવો બુદ્ધિજીવી સતત સાહિત્ય અને સંસ્કૃતિની પીઠ પર સવારી કરતો દેખાશે. હક મેળવવા હડિયાપાટીમાં એનો દિવસ, ગર્વથી ભરેલી સાંજ અને નશામાં ડૂબેલી રાતનાં પ્રોગ્રમનું આયોજન કરવા માટે કલા ને પુસ્તકોને આશરે હોય.
આવા બુદ્ધિશાળી કયાં મળે ?
વેલ, એ તમારી આસપાસ પણ તમારાથી દૂર, તમને મૂર્ખ માનનારો એ આટલામાં જ હશે!