મસ્તરામની મસ્તીઃ તમે મસ્ત કાર્ટૂન જેવા લાગો છો…

- મિલન ત્રિવેદી
આ લોકોને થયું છે શું? સુંદર દેખાવા ધમપછાડા કરતા લોકો માનસિક સ્વસ્થતા ગુમાવી કાર્ટૂન જેવા દેખાવા મથે છે.
Ghibli ઈમેજ બનાવવા પાછળ કંઈકના સગપણ તૂટી ગયા તો લગ્નની તારીખો આઘી પાછી થઈ ગઈ. વર્ષો જૂની કોઈકની મિત્રતા તૂટી ગઈ તો એક ઇમેજ બનાવી દેવામાં સાત જનમના પ્રેમ થઈ ગયા.
રાતના 11:00 વાગે ફોનની ઘંટડી રણકી..
હાય સોનુ બેબી... મીસ મી ના?' આટલું સાંભળીને તમે એવું ન સમજતા કે કોઈ છોકરાએ છોકરીને આ વાત છે. હા 24 વર્ષના ભાડભાદર છોકરાને છોકરીએ
સોનું બેબી’ કીધું છે. અને સામેથી આ માનુની પૂછી લે છે : મિસ મી ના?' છોકરાની હાલત એવી થાય કે જો ના પાડે તો નવું શોધવું પડે અને હા પાડે તો તરત જ કહેશે કે તો પછી તે
મને મિસ યુ નો’ મેસેજ કેમ ના કર્યો?’
પરંતુ આજે છોકરી ઝગડવાના મૂડમાં નથી.
તરત જ કહેશે જવા દે આઈ નો કે તું મને મિસ કરતો હોય છે. ચાલ મને સરસ મજાની મારા ફોટા પરથી
જીબલી’ ઈમેજ બનાવી અને મોકલ.’
(ઘણા આ Ghibli ને `ગિબલી’ પણ કહે છે)
છોકરાએ ઉતાવળમાં કહી દીધું કે `દરેક લોકોને આજ કરવું છે મારે કેટલાકનું કામ કરવું?’
`મારી પાસે આઠ જીબ્લી ઈમેજનું કામ પેન્ડિંગ છે.’
ખલ્લાસ ગર્લફ્રેન્ડનો મિજાજ સાતમા આસમાને પહોંચી જાય `કોણ છે બીજી સાત ચીબાવલીઓ? કમ્પ્યુટર એન્જિનિયરિગમાં એડમિશન લીધું ત્યારે આપણી વાત થઈ હતી કે તારે ફક્ત મારા માટે જ કામ કરવાનું. (એ બાઈ, કમ્પ્યુટર એન્જિનિયરિગમાં આ જીબલી ઈમેજ આવે? બીજો કોઈ કામ ધંધો કરવાનો કે નહીં?)
આ પણ વાંચો:મસ્તરામની મસ્તી : મોજાની ગંધ મચાવે હાહાકાર
`અરે, વાત તો સાંભળ તારા સિવાય બીજી કોઈ ચિબાવલી નથી. મારા ફેમિલી મેમ્બર નાની બહેનથી માંડીને દાદા- દાદી અને નાના- નાની બધાને આ ઈમેજ બનાવી દેવાની છે.’
આ કાર્ટૂન જેવા ફોટા બનાવવામાં ખરેખર અત્યારે કોઈ મારો ફોટો પાડે તો કાર્ટૂન જેવો જ આવે તેવી હાલત થઈ ગઈ છે.' પરંતુ આવું કહી શકાતું નથી કારણ કે જો ગર્લફ્રેન્ડ છોડીને ચાલી જાય તો મિત્રો વચ્ચે ખરેખર જિંદગી કાર્ટૂન થઈ જાય. એટલે મસ્કા મારી અને છોકરો એટલું કહી દે
યુ નો બેબી જિબ્લી સોફ્ટવેર છે અને એ થાકી જાય તો તારા બ્યુટીફૂલ ફોટાને યોગ્ય ન્યાય ન મળે. એટલે કલાક બે કલાક એ આરામ કરી લે પછી મસ્ત ઈમેજ બનાવી અને મોકલશે. મારે જિબલી સાથે વાત થઈ ગઈ છે. યુ આર સ્પેશિયલ ફોર મી એન્ડ જીબલી યુ નો ના, જાનુ?’
`સો સ્વીટ બાબુ, લવ યુ બાય…’
ઊંડો શ્વાસ લઈ અને બેબી રિલેક્સ થાય.
ખરેખર આ જીબલી (કે પછી ગિબલી !) ઇમેજની વાત આવ્યા પછી હિન્દુસ્તાનમાં બીજો કોઈ પ્રશ્ન રહ્યો જ ન હોય તેવું વાતાવરણ થઈ ગયું.
ટ્રમ્પના ટેરિફ ભુલાણા, શેર બજારનો ઇન્ડેક્સ ખોવાઈ ગયો, મોંઘવારી તો ક્યાંય પાછળ રહી ગઈ, વકફ બોર્ડનો ચુકાદો કે ચર્ચા થઈ કે નહીં તે પણ યાદ ના રહ્યું. કોની કબર સલામત છે કે સ્ટેન્ડ અપ કોમેડિયન શું બોલી ગયો હતો તે પણ ચર્ચા નથી થતી.
બસ, એક માત્ર નાદ `મને કોઈ જીબલી ઈમેજ બનાવતા શીખવો.’
મને તો રાત્રે બે વાગે ચુનીલાલનો ફોન આવ્યો મને કહે : `મિલનભાઈ, અત્યાર સુધી મેં કોશિશ કરી પરંતુ ના કામયાબ રહ્યો. પછી એમ થયું કે મિલનભાઈ ને પૂછી લઉં. બીજો પ્રશ્ન એ પણ થયો કે અત્યારે 2:00 વાગે પુછાય કે નહીં? પરંતુ અંદરથી જવાબ આવ્યો કે કલાકારો તો નિશાચર કહેવાય. હજુ તો જાગતા હશે એટલે તમને ફોન કં છું.’
આટલું એ બોલ્યો ત્યાં તો હું ફરી સુઈ ગયો હતો, પરંતુ રૂબરૂ આવી અને કાનમાં રાડું પાડતો હોય તેવો ચુનિયાનો `હલો. હલો’નો અવાજ ફરી આવ્યો.
મેં તરત જ કહ્યું : `અર્જન્ટ ન હોય તો ચુનીલાલ જે કાંઈ કામ હોય તે સવારે કહેજો.’
મને કહે `તમે મારી 108 છો. અર્જન્ટ ન હોય તો તમને એવું લાગે છે કે હું તમને હેરાન કં?’
હવે ખરેખર હું ગંભીર થઈ ગયો અને મનોમન મારી જાતને કોષવા લાગ્યો કે કોઈ રાતના 2:00 વાગે ઇમર્જન્સી સિવાય થોડું ફોન કરે એટલે ગંભીરતાથી મેં પૂછ્યું `હા બોલો ચુનીલાલ, કોણ માંદુ છે?’
મને કહે : `આજુબાજુમાં કો’ક હશે. આપણે તો ટનાટન છીએ.’
આ પણ વાંચો: મસ્તરામની મસ્તીઃ ઈલેક્ટ્રિક કાર લો ને કરો ગામના પૈસે લીલાલહેર!
પણ વિષય ગંભીર છે એટલે મેં તમને ફોન કર્યો.
છેલ્લા ત્રણ કલાકથી હું મારા ફોટામાંથી જીબલી ઈમેજ બનાવવાનો પ્રયત્ન કં છું, પરંતુ આ સોફ્ટવેરની કાંઈ ભૂલ હશે મારો ફોટો રિજેક્ટ કરે છે.’
હવે ખરેખર મને ગુસ્સો આવ્યો : `આ કોઈ જીવન- મરણ જેવી કોઈ ગંભીર બાબત નથી આ તો સવારે પણ કહી શકાત. અત્યારે મારી ઊંઘ બગાડવાનો શું અર્થ છે, ચુનીલાલ?’
ત્યાં તો ચુનીલાલ ડબલ ઊંચા અવાજે મને ખખડાવવા માંડ્યો `બસને મિલનભાઈ, રાત્રે 2:00 વાગે એક મિત્રને મિત્રની જરૂર પડી અને મિત્રએ મિત્રને દગો દઈ દીધો.’
`અરે સવાર સુધીમાં મારા સોશિયલ મીડિયા પર મારી જીબલી ઈમેજ અપલોડ નહીં થાય તો આ સમાજ મને શું કહેશે? મને તો મૂરખ કે અભણ કહેશે, પરંતુ મારી આજુબાજુ મારા મિત્ર વિશે વિચારશે ત્યારે તમાં નામ તેમાં મોખરે હશે.અને હું નથી ઈચ્છતો કે લોકો મારી સાથે સાથે તમને પણ મૂરખ કે અભણ ગણે…ગામ જાગે અને આવું કશું વિચારે તે પહેલા મને એમ થયું કે હું તમારી સહાયતાથી આપણી બંનેની આબરૂ બચી જાય તે માટે જીબલી ઈમેજ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરી દઉં.’
ચુનીલાલ સહેજ અટક્યો પછી ફરી શરૂ કર્યું :
`ખરેખર તમે મને બહુ દુ:ખી કર્યો. હું જ ગાલાવેલો છું. તમને મિત્રતાની કદર નથી. મને તમારી એટલી ચિંતા છે કે રાતના 2:00 વાગે હું જાગીને પણ તમારી ચિંતા કરી શકું છું.’
ખરેખર આ ફોનની વાતો ઉપરથી હું ગોટાળે ચડી ગયો. કે `આમાં વાંક કોનો છે? સમાજ શા માટે, કોને, અને શું કામ કશું કહેશે?’
આટલું કહી અને ચુનિયાએ તો ફોન મૂકી દીધો, પરંતુ છેલ્લી બે કલાકથી હું અમારા બંનેના જીબલી ફોટા બનાવવાનો પ્રયત્ન કં છું.
મેં બે- ત્રણ વાર ચુનિયાને રીંગ કરી પણ નો રિપ્લાય થયો. કદાચ સૂઈ ગયો હશે.