ઇન્સ્પેક્ટર કરણ બક્ષી: કેસ ફાઈલ્સ- હથિયાર

ટીના દોશી
જય આદ્યશક્તિ, મા જય આદ્યશક્તિ
અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, પડવે પંડિત મા
ઓમ જયો જયો મા જગદંબે…
નવલી નવરાત્રિનો છેલ્લો દિવસ. અંબામાના મંદિરમાં માતાજીની આરતી થઇ રહી હતી. સિંહ પર સવાર અંબામાની આરસમાંથી કોતરેલી અઢાર ફૂટ ઊંચી મૂર્તિ સામે આરતી કરી રહેલા વયોવૃદ્ધ પૂજારી પાનાચંદના જમણા હાથમાં પિત્તળની કળાયેલ મોરની એકવીસ દીવાની મનોહર દીવડી હતી. ચોખ્ખા ઘીથી ઝગવેલા પ્રજ્વલિત દીવાઓથી ચારેકોર પ્રકાશ રેલાતો હતો.
સોળ શણગાર સજેલી માની ભવ્ય મૂર્તિ વધુ ઝળાંહળાં થતી હતી. તેજસ્વી લલાટ. ઝળહળતી મુખમુદ્રા. માની એક આંખમાં અમી. એકમાં અંગારા. ભક્ત માટે કણામયી અને દુષ્ટ માટે કાળ. ઝગારા મારતી મૂર્તિમાંથી તેજોવલય રેલાતું હતું. લાલ રંગની રેશમી સાડી. મસ્તક પર દિવ્ય મુકુટ, કર્ણમાં સોનાનાં કુંડળ, હાથની કલાઈએ કડાં અને કંકણ, પગમાં રત્નજડિત નૂપુર, કંઠમાં વૈજયંતીમાળા, કેડે રત્નજડિત કમરબંધ. દસ હાથમાં દસ શસ્ત્ર.
આ શસ્ત્રો પાછળ પણ કહાણી છે. પ્રચલિત કથા એવી છે કે, મહિષાસુરે દસ હજાર વર્ષ સુધી કઠોર તપ કરીને બ્રહ્મા પાસેથી દેવ, દાનવ કે માનવ કોઈ પણ પોતાને હણી ન શકે તેવું વરદાન પ્રાપ્ત કરેલું. પૃથ્વીને જીતી લીધી અને સ્વર્ગના સિંહાસન પર દાવો કર્યો. એ વખતે મહિષાસુરના વધ માટે દેવોએ પોતાનાં તેજમાંથી જગદંબાનું સર્જન કર્યું. માને પોતાનાં શસ્ત્રો અર્પણ કર્યાં.
વિષ્ણુએ સુદર્શન ચક્ર, શિવજીએ ત્રિશૂળ, અગ્નિએ ભાલો, વણે શંખ, વાયુએ ધનુષ્યબાણ, ઇન્દ્રએ વજ્ર અને દિવ્ય ઘંટ, યમદેવે કાળદંડ, બ્રહ્માએ કમળ અને કમંડળ, કુબેરે ગદા અને મધુથી ભરેલ સુવર્ણપાત્ર, વિશ્વકર્માએ ખડગ કે પરશુ! કેટલીક મૂર્તિઓમાં તલવાર પણ હોય છે! રણચંડીનું રૂપ ધરીને માએ દેવોનાં આ શસ્ત્રોથી મહિષાસુરનો વધ કર્યો. મહિષાસુર મર્દિની નામે પૂજાયાં!
છ ફૂટ પહોળી અને પાંચ ફૂટ ઊંચી શ્વેત આરસની ઓટલી પર વિકરાળ સ્વરૂપનો સિંહ ત્રાડ નાખતો ઊભેલો. એની પીઠ પર આશીર્વાદની મુદ્રામાં સવાર માતા. માતાની મૂર્તિનાં ચરણોમાં સજાવેલી તાસક હતી. તાસકમાં પ્રજ્વલિત દીવો. કંકાવટી અને કંકાવટીમાં હિંગળોકના રંગનું લાલચટ્ટક સિંદૂર. એક નાની વાટકીમાં ચોખા અને બીજીમાં ગુલાલ. ધૂપદીપેલમાં કપૂરનો ધૂપ. અગરબત્તી દાનમાં ભેરવેલી ચંપા અને મોગરાની ધૂપસળીની સુવાસિત ધૂમ્રસેર. સંપૂર્ણ વાતાવરણ સુગંધિત અને પવિત્ર બની ગયેલું. માનાં દર્શનથી ધન્ય બની ગયેલાં ભક્તો, માનાં ચરણોમાં મસ્તક ઝુકાવીને પૂજારીના સૂરમાં સૂર પુરાવીને આરતીનું ગાન કરી રહ્યાં:
ષષ્ઠી તું નારાયણી મહિષાસુર માર્યો, મા મહિષાસુર માર્યો
નરનારીના રૂપે, નરનારીના રૂપે વ્યાપ્યા સર્વેમાં
ઓમ જયો જયો મા જગદંબે…
હજુ આરતી અડધી થયેલી કે ઓચિંતાના નગરના માનનીય મેયર મનોજકુમાર માવાણી આવી પહોંચ્યા. ભીડને ચીરતા પૂજારીની લગોલગ ઊભા રહી ગયા. પૂજારીએ આંખેથી આવકાર આપીને મંત્રીના હાથમાં આરતીની દીવડી આપી. મંત્રીએ આરતી પૂરી કરાવી અને માનો જયજયકાર કરાવ્યો. બોલો અંબે માતની જય… શ્રદ્ધાળુઓએ ઘંટારવ સાથે જયઘોષ કર્યો: જય..અંબે માતની જય!
આરતીની તાસક ફરવા લાગી. ભક્તોએ આશકા લીધી અને કોપરા તથા મોહનથાળનો પ્રસાદ પણ. નોરતાની છેલ્લી રાત્રિ હતી, એટલે માનવ મહેરામણ ઊમટેલો. મંદિરના પટાંગણમાં ગરબાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો હતો. ખેલૈયાઓ સંગીતના તાલે ઝૂમવા થનગની રહ્યા હતા. એટલામાં ઓચિંતી જ બત્તી બંધ થઇ ગઈ. વીજળી ગુલ. દેકારો મચી ગયો. પણ એ શોરગુલમાં વાડાં ઊભાં કરી દેતી ને ગાત્રો ગાળી નાખે એવી હૃદયદ્રાવક ચીસ સંભળાઇ.
ચીસ મંદિરમાંથી આવી હોય એવું લાગ્યું. સૌ મંદિરભણી દોડ્યાં. એટલામાં તો બત્તી જેમ ચમત્કારી રીતે બંધ થઇ ગયેલી એમ ચાલુ થઇ ગઈ. અને અજવાળામાં સૌએ જે જોયું, એ જોઇને આઘાતના માર્યા જડવત થઇ ગયા. મગજ બહેર મારી ગયું. મંદિરની ફર્શ પર મેયર મનોજકુમાર માવાણી ઊંધે માથે પડ્યા હતા. એમના માથાને પાછળને ભાગે જોરદાર ઘા વાગ્યો હોય એવું લાગતું હતું. લોહી વહી રહ્યું હતું. કદાચ એ મૃત્યુ પામ્યા હતા!
ઘટનાની જાણ થઇ કે તુરંત કરણ બક્ષી અને જયરાજ જાડેજા મંદિરે પહોંચી ગયા. મનોજકુમાર માવાણીના મૃતદેહને તપાસ્યો. માથાને પાછળને ભાગે બહુ જોરથી પ્રહાર કરવામાં આવ્યો હોય એવું લાગ્યું. જોકે આજુબાજુમાં કોઈ હથિયાર ન મળ્યું. શરીર પર બીજે ક્યાંય જખમનાં કોઈ નિશાન નહોતાં. ચહેરો થોડો તરડાઇ ગયેલો. બન્ને હાથ ઊંધા થઇ ગયેલા. મૃતદેહની સ્થિતિ જોઇને બંનેએ આપસમાં વાતચીત કરી.
કરણ: જયરાજ, તને શું લાગે છે?’ જયરાજ:સર, કોઈએ અત્યંત વેગથી ખોપરી પર ફટકો માર્યો છે. જીવલેણ ફટકાએ એમનો જીવ લઇ લીધો.’
કરણ: માથાનો ઘા જોતાં કોઈ બોથડ પદાર્થથી કે વજનદાર પથ્થરથી માવાણીસાહેબને બળપૂર્વક ફટકો માર્યો હોય એવું લાગે છે!’ જયરાજ:સર, એવું સાંભળ્યું છે કે આવતી ચૂંટણીમાં એ ઉમેદવારી નોંધાવવાના હતા. કદાચ મંત્રી બનવાની ઊજળી શક્યતા પણ હતી.’
કરણ: એવું સાંભળ્યું તો મેં પણ છે. પણ રાજકારણમાં દુશ્મનોની સંખ્યા ઓછી નથી હોતી. રાજકારણ નામની રાજરમતમાં એકમેકને પતાવી દેવાના ખેલ ચાલતા હોય છે. ચહેરા પર ચહેરા ઓઢેલા હોય છે. એમાંથી અસલી ચહેરો કયો અને નકલી ચહેરો કયો એ પારખવું મુશ્કેલ હોય છે.’ જયરાજ:આવા જ કોક ચહેરાએ મનોજકુમાર માવાણીનો ઘાટ ઘડી નાખ્યો લાગે છે.’
કરણ: `હં, અને એ ચહેરો અહીં જ છે. આપણી વચ્ચે. મંદિરમાં!’
હા, હત્યારો હજુ મંદિરમાં જ હતો. કારણ કે ચીસ સાંભળતાંની સાથે ચોકીદારે મંદિરનાં કમાડ વાસી દીધેલાં. પટાંગણનું મુખ્ય પ્રવેશદ્વાર પણ બંધ કરી દેવામાં આવેલું. એટલે ખૂનીને નાસી છૂટવાની તક મળી નહોતી. સૌ કોઈ થર થર કાંપતાં ઊભાં હતાં. ભયભીત થઈને ચકળવકળ જોતાં હતાં. અને, મનોમન વિચારતાં હતાં: `આ રીતે લોકોની વચ્ચે મેયર જેવા મહાનુભાવને મારનાર કોણ હશે?’
કરણ બક્ષીએ લોકોના સવાલનો પડઘો પાડતાં જણાવ્યું: જુઓ, કોઈ પોતાની જગ્યાએથી આઘાપાછા થશો નહીં. જે જ્યાં ઊભું હોય ત્યાં જ રહે. માવાણી સાહેબનો ખૂની આપણી વચ્ચે જ છે! તમારામાંથી જ કોઈ એક!’ આ સાંભળીને સૌ સડક. એકમેક સામે શંકાશીલ દ્રષ્ટિએ જોઈ રહ્યા:આ મારી સામે ઊભો છે એ જ તો ખૂની નહીં હોય ને!’
કરણ અને જયરાજે તપાસ શરૂ કરી. કોઈની પાસેથી કોઈ પણ પ્રકારનું હથિયાર ન મળ્યું. મંદિરનો ખૂણેખૂણો તપાસી લીધો. પણ કોઈ હથિયાર ન જ મળ્યું. પૂજારી કહે: `માતાના મંદિરમાં કોઈ હથિયાર લઈને શું કામ આવે?’
પૂછપરછ શરૂ થઇ. કરણે સૌ પ્રથમ પૂજારી પાનાચંદને પૂછ્યું: તમે માવાણીસાહેબને આરતીનું નિમંત્રણ આપેલું ખરૂં?' ના, સાહેબ.’ પૂજારી કંપતા સ્વરે બોલ્યા: `એ ઓચિંતા જ આવી ચડેલા. મને તો એવો હરખ થયો. આવડા મોટા માણહ હતા, પણ અભિમાનનો છાંટો સુધ્ધાં ન મળે.’
કરણ: આરતી પૂરી થયા પછી શું થયું એ મને જણાવો.’ પૂજારી:બસ ખાસ કંઇ નહીં. એમણે મંદિરની દાનપેટીમાં રૂપિયા નાખ્યા. મારા ખબરઅંતર પૂછ્યા. મને કહ્યું કે કોઈ કામકાજ હોય તો જરૂર કહેશો. એટલામાં વીજળીને શું થયું કોણ જાણે, અચાનક બત્તી બંધ થઇ ગઈ. એકદમ અંધારૂં થઇ ગયું. અંધારામાં આછો સળવળાટ થયો. હવામાં કંઈક ફરતું હોય એમ લાગ્યું. પણ એ તો મારો ભ્રમ પણ હોઈ શકે…એના વિશે કંઇ વિચાર કરૂં એટલામાં તો મેયરસાહેબની મરણચીસ સંભળાઇ.’
આ સાંભળીને મંદિરના કમાડ પાસે ઊભેલો યુવાન આગળ આવ્યો. બોલ્યો: `સાહેબ, એવું તો મને પણ લાગેલું. પણ પછી થયું કે એ મારો વહેમ હશે. હવામાં તો કોણ ફરે? એવામાં ચીસ સાંભળી. પછી તો સાતઆઠ લોકો કહેવા લાગ્યા, અમે પણ કંઇ સરકતું હોય એવો અવાજ સાંભળેલો. પણ ચીસ સાંભળી એટલે બીજું બધું ભુલાઈ ગયું.’
જયરાજ: સર, એ શેનો અવાજ હશે?.’ કરણ:એ જ તો આપણે શોધવાનું છે!’
પછી પૂજારીને પૂછ્યું: `મંદિરનું મુખ્ય સ્વીચબોર્ડ ક્યાં છે?’
પૂજારીએ જગા બતાવી. કરણે જયરાજને ફ્યુઝ તપાસી આવવા જણાવ્યું. પછી મંદિરમાં આમતેમ નજર દોડાવીને જોયું કે કમાડમાંથી અંદર એ ખંડમાં પ્રવેશીએ એટલે અઢી ફૂટને અંતરે જમણી બાજુની દીવાલે એક સ્વીચબોર્ડ હતું. કરણે જોયું કે સ્વીચબોર્ડથી એકાદ ફૂટ દૂર એક દોરડું લટકતું હતું. પૂજારીએ કહ્યું કે એને છેડે ઘંટ લગાડવાનો હતો. દરમિયાન જયરાજ તપાસ કરીને આવ્યો કે મુખ્ય સ્વીચબોર્ડમાં ફ્યુઝ બરાબર છે અને એમાં કોઈ ગરબડ કરવામાં આવી નથી. આ જાણીને કરણ મનોમન વિચારવા લાગ્યો કે, કોઈએ આ ખંડની બત્તી બંધ કરીને જ ખૂન કર્યું છે!
કરણે સામે ઊભેલાઓને પૂછ્યું: બત્તી બંધ થઇ ત્યારે તમે અહીં જ હતા?’ જવાબ મળ્યો:હા સાહેબ.’
કરણે કહ્યું: `હવે ધ્યાનથી સાંભળો અને મને યાદ કરીને કહો કે બત્તી પાસે કોણ ઊભું હતું?’
એ લોકો માથું ખંજવાળવા લાગ્યા. પછી એક જુવાને માથે ટપલી મારીને કંઇ યાદ આવ્યું હોય એમ બોલ્યો: `અરે, હા, હું તો થોડો આગળ ઊભો હતો. આરતીમાં મગન. પણ પાછળથી કોઈ અવાજ કરતું હોય એમ મને લાગ્યું. મને દાઝ ચડી. લોકો આરતી વખતે પણ ચૂપ રહી શકતા નથી એમ વિચારીને મેં પાછળ જોયું. ત્યારે આ માણસ બત્તી પાસે ઊભો રહીને ફોનમાં વાત કરતો હતો. મેં એની સામે ગુસ્સામાં જોયું એટલે એણે ફોન બંધ કરી દીધો.’
કહીને એણે એક વ્યક્તિ સામે આંગળી ચીંધી. એટલે કરણે એને આગળ આવવા કહ્યું. એ આગળ આવ્યો અને બોલ્યો: `હું એકલો બત્તી પાસે નહોતો ઊભો બીજા બે જણા પણ ત્યાં જ ઊભેલા. અને બત્તી પાસે ઊભા રહેવું એ ગુનો છે? શું એનાથી એવું સાબિત થાય છે કે જે બત્તી પાસે ઊભો હોય એ ખૂની છે?’
કરણે ત્રણેયને પોતાની પાસે બોલાવ્યા. એમનું નિરીક્ષણ કર્યું. એક થોડો બેઠી દડીનો ભરાવદાર માણસ હતો. દલીચંદ દત્તાણી એનું નામ. એ એક સરકારી કચેરીમાં કારકુન હતો. એ ચાલીને આવતો હતો ત્યારે કરણ અને જયરાજ બેયને એવું લાગ્યું જાણે નાનું પીપડું ગબડતું હોય! બીજો અપૂર્વ ઉપાધ્યાય હતો. એ એક બેંકમાં મેનેજર હતો. પાતળો હોવાને કારણે હતો એનાથી વધુ ઊંચો દેખાતો હતો. ત્રીજો રવિ ગોહિલ. છ ફૂટ ઊંચો. કસાયેલો કસરતી દેહ. ખેલકૂદનો શોખ હતો. લોંગ જમ્પ એટલે કે લાંબા કૂદકામાં એક સમયે કારકિર્દી બનાવવી હતી, પણ અત્યારે નાનકડી નોકરી કરતો હતો.
ત્રણેને પરિચય મેળવી લીધાં પછી કરણને એકદમ શું સૂઝ્યું કે એણે જયરાજની પોલીસકેપ કાઢીને માની મૂર્તિ તરફ ફંગોળી. કેપ સીધી માના ડાબા હાથના ત્રિશૂળ પર! `અરે, સર.. આ શું કર્યું?’
જયરાજ ચોંકી ઊઠ્યો. માના ચાર ડાબા હાથ હતા. એમાં સૌથી ઉપરના હાથમાં ત્રિશૂળ અને ત્રિશૂળ પર ટોપી. ત્રિશૂળધારી ડાબો હાથ જમીનથી વીસેક ફૂટની ઊંચાઈએ હતો. ત્યાં હાથ કેવી રીતે પહોંચે? અરે કોઈ નિસરણી લાવો! પૂજારીજી સીડી શોધવા લાગ્યા. એટલામાં રવિએ પેલું હવામાં લટકતું દોરડું પકડ્યું અને હવામાં અદ્ધર ઝૂલ્યો. લોલકની જેમ પહેલાં પાછળ ગયો અને પછી સીધો જ માતાજીની મૂર્તિ પાસે. ત્રિશૂળધરી હાથમાંથી કેપ લીધી અને ગયો હતો એ જ રીતે પાછો આવ્યો: `લ્યો, આપની કેપ!’
કરણે રવિના લંબાવેલા હાથમાં હાથકડી પહેરાવી દીધી: `સાચું બોલ, માવાણી સાહેબનું ખૂન તેં જ કર્યું છે ને? શંકા તો મને હતી જ પણ તેં જે કરતબ બતાવ્યા એના પરથી મને ખાતરી થઇ ગઈ.’
ના, ના.. મેં કાંઈ નથી કર્યું. એક તો મેં ટોપી ઉતારી દીધી એનો આભાર માનવાને બદલે તમે તો મને જ ખૂની કહો છો!’ રવિ ફુંગરાયો:તમે મારી તલાશી પણ લીધી છે. મારી પાસે કોઈ હથિયાર નથી. હથિયાર વિના હું કઈ રીતે મેયરના માથામાં માં? તમે સાબિત કરો કે મેં ખૂન કર્યું છે!’
તો સાંભળ…કરણે પોતાની અવલોકનશક્તિ અને તર્કશક્તિનો અદભુત પરિચય આપ્યો: `મેયરસાહેબ અહીં આવવાના હતા એવી કોઈને ખબર નહોતી. તને પણ નહીં, રવિ., એટલે તું કાંઈ ખૂનની યોજના ઘડીને અહીં આવ્યો નહોતો. પણ, તારે એમની સાથે કોઈ દુશ્મની જરૂર હતી. એથી તેં એમને જયારે જોયા ત્યારે જ એમનું ખૂન કરવાનું નક્કી કરી લીધું. આવો મોકો તને બીજી વાર મળવાનો નહોતો.
આ મંદિરમાં જ એમનું કાસળ કાઢવા પહેલાં તો તેં બત્તી બંધ કરી, પછી પેલા દોરડે ઝૂલીને સીધો મૂર્તિ પાસે પહોંચ્યો. પૂજારી અને બીજાઓને હવામાં કોઈ ફરતું હોવાનો આભાસ એટલે જ થયેલો. પછી મેયરસાહેબનું ખૂન કર્યું અને પોતાની જગ્યાએ આવીને, બત્તી ચાલુ કરીને ગોઠવાઈ ગયો. કારણ કે ચોકીદારે ચીસ સાંભળીને કમાડ વાસી દીધેલાં.’
રવિ ખડખડાટ હસી પડ્યો.: `ઇન્સ્પેક્ટર, તમે કથા તો બહુ સારી કરી. પણ એક વાત કહેવાનું ભૂલી ગયા કે, મેયરની હત્યા માથે વાગવાથી થઇ છે. અને મારી પાસે કોઈ હથિયાર નથી. ખૂન મેં કર્યું છે એ સાબિત કઈ રીતે કરશો?’
કરણ: મને ખબર હતી કે તું આ પ્રશ્ન જરૂર કરીશ. તો સાંભળ, તું કોઈ યોજના બનાવીને આવ્યો નહોતો એટલે તારી પાસે હથિયાર નહોતું. તેં વિચાર્યું કે હાજર સો હથિયાર! તું દોરડે ઝૂલીને માતાજીની મૂર્તિ પાસે પહોંચ્યો અને એમના ડાબા હાથમાંથી ઘંટ લીધો. એ ઘંટનો ફટકો મારીને મેયરસાહેબનું માથું ફોડી નાંખ્યું. પછી ફરી દોરડે ટીંગાઈને ઘંટ માતાજીના હાથમાં મૂકી આવ્યો. એ હાથ ત્રીજો ડાબો હાથ છે અને ત્રિશૂળ ચોથો ડાબો હાથ છે….’ કહીને કરણે સમાપન કર્યું:હું તારા કરતબ જોવા માંગતો હતો.
હવામાં તું કેટલે સુધી પહોંચી શકે છે એ જોવું’તું મારે. એટલે જ મેં જયરાજની ટોપી ત્રિશૂળ પર ફંગોળેલી. મને ખાતરી હતી કે તારી અંદરનો કુશળ ખેલાડી કરતબ બતાવવાનું નહીં ચૂકે. મેં તો અંધારામાં તીર છોડેલું. એ તીર નિશાના પર લાગ્યું… તું ટોપી લઇ આવ્યો. જો તું ત્રિશૂળ સુધી પહોંચી શકે તો એનાથી નીચેના હાથમાંથી ઘંટ તો લઇ જ શકે ને? ઘંટને ફોરેન્સિક તપાસ માટે મોકલીશ એટલે એના પરથી માવાણી સાહેબનું લોહી મળી આવશે. અને તારા આંગળાંની છાપ પણ. બોલ, હું સાચું જ કહું છું ને કે ખૂન તેં જ કર્યું છે! ખરૂ કે ખોટું?’
ખરૂં સાહેબ…’ રવિએ કબૂલ કર્યું:મેં પહેલાં કહ્યું એમ મારે ખેલકૂદમાં, લોંગ જમ્પમાં કારકિર્દી બનાવવી હતી. ઘરની આર્થિક સ્થિતિ સારી નહોતી. છતાં મારે ખાતર પિતાજીએ દેવું કર્યું. હું ખૂબ મહેનત કરતો. પણ ખેલકૂદ માટેની પસંદગી સમિતિના અધ્યક્ષ આ મનોજકુમાર માવાણી હતા. મારો દેખાવ સારો હોવા છતાં એમણે મારી પસંદગી ન કરી. સિલેકશન માટે પાંચ લાખ રૂપિયા માંગ્યા. હું ક્યાંથી લાવું? હું ખૂબ કરગર્યો. પણ ન માન્યા. મારી જિંદગી બરબાદ થઇ ગઈ. દેવું ચૂકવવા જે મળી તે નોકરી કરવા લાગ્યો.’
રવિએ દાંત ભીંસીને કહ્યું: `મેં અહીં એમને જોયા એટલે ચલચિત્રની પટ્ટીની જેમ બધાં દ્રશ્યો મારી આંખ સામેથી પસાર થઇ ગયા. મને ખુન્નસ ચડ્યું. આનું ઢીમ ઢાળી દઉં. મારી પાસે કોઈ હથિયાર તો હતું નહીં. એવામાં મારી નજર માતાજીનાં શસ્ત્રો પર પડી. મેં મારા જીવનના મહિષાસુરનો વધ માતાજીના શસ્ત્રથી જ કરવાનું નક્કી કર્યું. મેં દોરડે ઝૂલીને ઘંટ ઉપાડ્યો અને મેયરના માથે ફટકાર્યો. પછી વળી દોરડે ઝૂલીને ઘંટ પાછો એના સ્થાને ગોઠવી દીધો. મને એમ હતું કે કોઈને ખબર નહીં પડે અને કોઈ મને પકડી નહીં શકે, પણ…ઇન્સ્પેક્ટર, યુ આર જિનિયસ!’
આવતા અઠવાડિયે નવી કથા



