વીક એન્ડ

ક્લોઝ અપ: શબ્દ જો જાદુગર છે તો સમય છે બાજીગર…!

  • ભરત ઘેલાણી

શબ્દ અને સમય… આ બન્ને અઢી અને ત્રણ અક્ષરના છે. આપણે શીખેલી અ..બ..ક..ડ .. બારખડીના એવા શબ્દ કે જો એનો આપણી રોજિંદી જિંદગીમાં ખરા સમયે ધાર્યો ઉપયોગ કરવામાં આવે તો રામબાણ જેવા સચોટ, નહીંતર અણુ બૉમ્બ જેવાં મહાવિનાશક પુરવાર થઈ શકે…

વાત `શબ્દ’થી શરૂ કરીએ…

શબ્દ એક એવું શસ્ત્ર છે, જે વીરના હાથમાં અને એના ભાથામાં શોભે. જેમ એનો ઉપયોગ ઓછો તેમ એ વધુ અસરકારક. આ શબ્દ-શસ્ત્ર દ્રુષ્ટ કે કોઈ કા-પુરુષના હાથમાં જાય તો એ હૈયાહોળીથી લઈને સાચુકલી હોળી સળગે અને એનો વેડફાટ થાય એ વધારામાં… જાણીતા પ્રાધ્યાપક નિસર્ગ આહીરને ટાંકીએ તો શબ્દ માત્ર ચેતના નહીં,ઊર્જા પણ છે. બ્રહ્મની અદ્ભુત શક્તિ છે. સર્જનની અભિવ્યક્તિ છે. શબ્દ હકીકતમાં નિર્માયો નથી હોતો. એ હકીકતમાં અવતર્યો હોય છે..!

શબ્દની વાત આવે એટલે સહેજે છે કે શબ્દથી પ્રગટતી વાણીની વાત નીકળે અને વાણીની વાત આપણે કાઢીએ એટલે મૌન પણ એની પાછળ પાછળ પ્રવેશે. આમ લખાતો -બોલાતો શબ્દ આખરે મૌનમાં વિરમે. આપણી એક જાણીતી ઉક્તિ છે : `ભલે તમે તમારા ગુરુની વાણી ન સમજી શકો,પણ ગુરુના મૌનને વાંચતા-ઉકેલતા શીખી જશો તોય તમારો બેડો પાર થઈ જશે..!’

આ પણ વાંચો: ક્લોઝ અપ : સ્વાદિષ્ટ વાનગીઓના કડવા-તૂરા વાદ-વિવાદ-વિખવાદ…

બીજી તરફ, સાદા શબ્દોથી પણ જે પોતાના શબ્દોમાં વેધકતા સર્જી શકે છે એવા જાણીતા વિચારક-લેખક ગુણવંત શાહ કહે છે કે વિચારવું અને સતત વિચારવું એ મારો નિજાનંદ છે અને વિચાર આપણી પાસે શબ્દની અંબાડીએ ચઢીને આવે છે'... ગુણવંતભાઈ એમ પણ માને છે કે આ સૃષ્ટિ શબ્દની બનેલી છે અને શબ્દમાં એક પ્રકારનું ગુરુત્ત્વાકર્ષણ છે ને જ્યાં ગુરુત્ત્વાકર્ષણ હોય ત્યાં વજન તો રહેવાનું. આમ શબ્દ પણ વજનદાર હોય શકે... લખાયેલા કે વાણીરૂપે રજૂ થયેલા વજનદાર સચોટ શબ્દ ધાર્યુ નિશાન પાડે છે.

ચોક્કસ રીતે પ્રયોજાયેલા- ગોઠવાયેલા શબ્દ મંત્ર- તંત્રની સાધના બને છે, છતાં વિદ્વાનો કહે છે તેમ શબ્દોનો અંતિમ પડાવ તો મૌન જ છે, જે મોટાભાગે વજનદાર જ સાબિત થાય છે. મૌનના બીજે છેડે આમ જુવો તો વાણી શબ્દની બનેલી છે અને શબ્દનું મૂળ કાર્ય અભિવ્યક્તિનું છે. આપણી વાત-કથા- વ્યથા-લાગણી વ્યક્ત કરવા અનુરૂપ શબ્દોની જરૂર પડે છે. બીજા શબ્દોમાં કહીએ તો શબ્દ તો હૃદયનો સાદ-નાદ છે. એ એકસ -રે જેવો છે. એનો યોગ્ય ઉપયોગ થાય તો તબીબી એકસ-રેની જેમ એ પસાર થઈને મન: સ્થિતિનું આબાદ નિદાન કરી શકે. એ જ રીતે કવિ પણ પોતાના શબ્દોના કામાતુર પ્રેમમાં પડીને અદ્ભુત સર્જન કરી શકે છે. વિખ્યાત શાયર અમૃતઘાયલ’ એમની આગવી અદામાં કહે છે :

મારી પાસે છે શસ્ત્ર છે શબ્દ નામનું,
છે શબ્દ ચક્ર કૃષ્ણનું ને બાણ રામનું !

આમ તો સાક્ષરો કહે છે કે શબ્દો વિચારોને ટિગાડવાની ખીંટી છે, પણ શબ્દો ભાગ્યે જ એનો સાચો અર્થ પ્રગટ કરે છે. હકીકતમાં જુવો તો શબ્દોનું વલણ અર્થ છુપાવવા તરફ હોય છે…!

આ પણ વાંચો: ક્લોઝ અપ : બિરબલ – મિયાં નસીદીન- શેખ ચિલ્લી કે પછી તેનાલી રામ: કોણ વધુ બુદ્ધિશાળી ?

બીજી તરફ, જાણીતા અંગ્રેજ પત્રકાર-વાર્તાકાર તથા બાળકોની પ્રિય એવી `જંગલ બુક’ જેવી વાર્તાઓના સર્જક જોસેફ રુડયાર્ડ કિપલિંગ કહે છે કે માનવીએ શોધેલી સૌથી શક્તિશાળી કેફી પદાર્થનું નામ છે – શબ્દ !

આ અંતિમના બીજે છેડે પહોંચતા અલગારી કવિ રમેશ પારેખ કહે છે :

`અહીં રઝળતા કાગળ છોડીને શબ્દો તમે ક્યાં ગયા?
વાવને વગડે મૂકી ખાલી, કહો જ્ળ કયાં ગયાં?!’

આમ છતાં, જેમ આહાર-વાનગી માટે આપણા શબ્દો ખોરાક ન બની શકે તેમ શબ્દો વિશે માત્ર શબ્દોમાં વાત કરવી એ તો ચિત્રકારના બ્રશ- પીંછીના ચિત્ર માટે ખુદ એ જ પીંછીને પોતાનું ચિત્ર બનાવવા કે સેલ્ફી ક્લિક કરવા કહેવા જેવું અશક્ય છે…!

શબ્દ પછી હવે વાત કરીએ સમયની…

સમય પણ શબ્દ જેવો સાપેક્ષ-રિલેટિવ છે- બીજા પર આધાર રાખનારો છે. એને પણ આપણે કેટકેટલા શબ્દોથી
ઓળખીએ છીએ-

ઓળખાવીએ છીએ : કાળ-કાલ- ઘડી-પળ-ક્ષણ-વેળા- અવસર-ટાઈમ સમો-સમય- વક્ત વગેરે, વગેરે…

સમય સાપેક્ષ કેવી રીતે છે એ આ એક સાદા ઉદાહરણથી સમજી શકાય… ધારો કે તમે તમારી પ્રેયસીને મળવા ગયા છો. નિયત સ્થળે તમે પહોંચી જાવ છો. એની રાહ જુવો છો. નિયત સમય કરતાં તમે પાંચ- સાત મિનિટ વહેલાં છો. પ્રિયજન કોઈ પણ સમયે આવી શકે,પણ તમે એને જોવા-મળવા- આશ્લેષમાં લેવા એવા આતુર છો કે પેલી પાંચ- સાત મિનિટ કેમે કરી ખૂટતી નથી… તમને એના આગમનનો સમય એવો લાંબો લાગે છે કે એને આવતા ભવના ભવ ખૂટી જશે મિલનની આતુરતા- અધિરાઈ એની પરાકાષ્ઠાએ પહોંચે છે… અને તમારી માશૂકા આખરે આવે છે.

એ માત્ર બે-પાંચ મિનિટ જ મોડી પડી છે, છતાં તમને લાગે છે જાણે યુગ વીતી ગયો. ખેર,એના આગમન પછી હવે સમયની પરિભાષા કેવી પલટાય છે એ જુવો…

પ્રેયસીને તમે મળ્યા…- ઢગલાબંધ વાતો થઈ મન મૂકીને- પેટ ભરીને અને આખરે છુટ્ટા પડવાનો સમય આવ્યો. આ મિલન અને આ વિખૂટા પડી રહ્યા છો એ વચ્ચે ત્રણેક કલાક વીતી ગયા છે, પણ તમને બન્નેને થાય છે : બસ? હજુ હમણાં તો મળ્યાં?!

તમને દેવ આનંદ જેવી પેલી ફિલિંગ -અનુભૂતિ થશે:

`અભી ન જાવ છોડ કે દિલ અભી ભરા નહીં…!’

આમ આ મેળાપ અને વિખૂટા પડવાની ક્રિયા-પ્રક્રિયા વચ્ચે સમયનો સાપેક્ષવાદ સમાઈ જઈને આવો ભ્રમ સર્જે છે. આવા આ સમય વિશે ટૂંકામાં ટૂંકા વાક્યથી લઈને થોથાંના થોથાં લખાયાં છે- ચર્ચાયા છે. અહીં જોઈએ- જાણીએ કેટલાંક ઉદાહરણ, જેમાં જ્ઞાનના દરિયા જેવું ઊંડાણ છે- વ્યક્ત લાગે છતાં કશું અવ્યક્ત છે… સાવ સામાન્ય લાગે એવી હળવાશભરી વાતોમાં વાસ્તવિક્તાનો મર્મ પણ છે, જેમ કે

  • સમય અને સોનું પોતપોતાની વિશેષતા ધરાવે છે. એ બન્ને પોતાની આગવી રીતે મોંઘા છે. આમ છતાંય તમે એક ગ્રામ સોનાથી એક પળનોય સમય ખરીદી શકતા નથી. એ જ રીતે, એક કલાકનો સમય તમારી પાસે ફાજલ હોય તો તમે એની બદલે એક ગ્રામ સોનું પણ ન ખરીદી શકો…
  • સફળ થવા માટે ખરા સમયની રાહ જોઈને ન બેસી રહેવાય. સતત મહેનત કરતા રહો-ખરો સમય આપોઆપ આવી જશે…
  • તમે ટાઈમ મેનેજ કરી લો. ટાઈમ તમારી લાઈફ અચ્છી રીતે મેનેજ કરી આપશે…
  • સાચું અને સારું કામ કરવા માટે ક્યારેય કોઈ સમય ખોટો નથી હોતો.
  • કેટલાક લોકો કોઈ કાર્યમાં નિષ્ફળ નીવડે તો `મને સમય ઓછો મળ્યો’ એવી ફરિયાદ કરે ત્યારે આપણે સમજી લેવાનું કે એને સમય નહીં, કઈ દિશા પકડીને કામ પૂરૂં કરવાની સમજ જ ઓછી હતી…
  • તમારી ક્ષણ-પળની તમે બરાબર કાળજી રાખશો તો ખરે ટાંકણે ઉપરવાળો તમારા કલાક-સમય બરાબર સાચવી લેશે.
  • આવતા સમયને જે પારખી શકે એને સફળતા કયારેય થાપ આપી ન શકે…
  • સમય કોઈથી બાંધ્યો બંધાતો નથી તેમ કાળ કોઈને છોડતો પણ નથી…

-અને હવે એક હળવી છતાં માર્મિક વાત સાથે આપણે છૂટા પડવાનો સમય આવી ગયો છે…

રોલેક્સ' તથાટાઈમેક્સ’ બ્રાન્ડની વોચ વચ્ચે થયેલો આ સંવાદ સાંભળવા જેવો ને સમજવા જેવો છે. આ બન્ને જાણીતી બ્રાન્ડ વચ્ચે એક વાર આ રીતનો સંવાદ થયો…

ટાઈમેક્સ : યાર, આપણે બન્ને આદમીને ટાઈમ-સમય દર્શાવવાનું કામ કરીએ છીએ, છતાં તું આટલી બધી મોંઘી કેમ ?
રોલેક્સ: (સ્મિત ફરકાવતાં) : તું માણસને માત્ર સમય દેખાડે છે, જ્યારે હું માણસનો સમય દર્શાવું છું…!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button