વીક એન્ડ

ફોકસઃ …ત્યારે સૌર ઊર્જાથી રોશન થયા મણિપુરના ગ્રામીણ વિસ્તારો

  • નિધિ ભટ્ટ

ગુલામીમાંથી ભારતને આઝાદ થઇને 75 કરતાં વધુ વર્ષ થઇ ગયા છતાં દેશમાં અમુક દુર્ગમ વિસ્તારો-ગામો એવાં છે જ્યાં હજી પણ મૂળભૂત સુવિધાઓ પહોંચી નથી. સરકાર તેના તરફથી સંપૂર્ણ પ્રયાસ કરી રહી છે, પણ નાગરિકોએ પણ આ માટેના પ્રયાસ કરવા જોઇએ, જેથી ભારતને વિકાસશીલમાંથી વિકસિત ભારત બનાવી શકાય.

ઘણા લોકો પોતાની નૈતિક જવાબદારી સમજીને પણ દેશની પ્રગતિમાં ફાળો આપી લોકોના જીવનને રોશન કરતા હોય છે. આવી જ એક વ્યક્તિ છે સેઠ મોઇરંગથેમ. સેઠે મણિપુરમાં ફક્ત ગ્રીન એનર્જીનું સંચાર જ નહોતું કર્યું, પરંતુ ત્યાંના ગરીબ લોકોના પરિવારમાં આનંદની રોશની પણ લાવ્યો હતો. તેણે મણિપુરના 100થી વધુ ગામના 1000થી વધુ પરિવારમાં સોલાર પેનલ બેસાડીને ત્યાંના લોકો માટે આર્થિક રીતે સધ્ધર થવાનો સ્વતંત્ર માર્ગ ખુલ્લો મૂક્યો હતો અને તેઓનાં બાળકો હવે વીજકાપ કે લોડશેડિગની સમસ્યા વગર આરામથી ભણી શકે છે.

મણિપુરનાં એ ગામો જ્યાં પહેલા વીજળીની અનિયમિતતાને કારણે મહિલાઓ પોતાનો હેન્ડલૂમ, સિલાઇનું કામ બરાબર કરી શકતી નહોતી. અહીંના લોકોની રોજીરોટીનું સાધન ફક્ત સિલાઇ કામ જ હતું. વીજળી વારંવાર આવ-જા કરતી હતી, રાત્રે તો ફક્ત અંધકારનું જ રાજ હતું. એવામાં ત્યાંની મહિલાઓને પોતાનું કામ કરવામાં ઘણી મુશ્કેલી નડતી હતી. હવે મહિલાઓ કોઇ પણ બાધા વગર રાત્રે મોડે સુધી કામ કરી શકે છે તથા અહીંના વિદ્યાર્થીઓ માટે તે સોલાર પાવર વરદાન રૂપ સાબિત થયો છે.

આ પણ વાંચો: ફોકસ : યુવતીઓ સશક્ત બનવું હોય તો ડિજિટલ કુશળતા મેળવો…!!

સાંજના સમયે વીજળી ન હોવાને કારણે વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ બરાબર કરી શકતા નહોતા. કેરોસિનના દીવા હેઠળ તેમને ભણવું પડતું હતું, પણ હવે તેમના જીવનમાં પણ પ્રકાશ ફેલાયો છે. મણિપુરનાં અનેક ગામમાં સપનું સાકાર થવાનું શ્રેય ફક્ત સેઠને જાય છે.

મણિપુર યુનિવર્સિટીથી આર્ટ્સમાં ભણેલા સેઠે રાજ્યમાં સૌથી પહેલા આઠ વર્ષ નોન-પ્રોફિટ બેઝ પર કામ કર્યું. આ બીડું ઝડપ્યા બાદ તે એવા એવા દુર્ગમ વિસ્તારોમાં જતો હતો જ્યાં વીજળી પહોંચી જ નહોતી.

વીજળી વગર જીવનમાં રોશની આવી શકે નહીં એનું ભાન હતું મને. તેથી સૌથી પહેલા સેલ્કો ફાઉન્ડેશન સાથે જોડાયો જે ગ્રામિણ વિસ્તારોમાં સૌર ઊર્જા પૂરી પાડવાનું કામ કરતી હતી. આ સંસ્થાનાં કાર્યોથી પ્રેરાઇને સેઠે ત્યાંથી તાલીમ મેળવી.

આખરે 2019માં સેઠે એસએનએલ એનર્જી સોલ્યુશન સંસ્થાની સ્થાપના કરી. ત્યારથી મણિપુરના દૂરના ગ્રામીણ વિસ્તારોમાં સેઠની સંસ્થા દ્વારા સોલાર પાવરનો પુરવઠો કરવામાં આવે છે.

આ પણ વાંચો: ફોકસ : રિયલ ફ્રેન્ડ્સ સાથે હોય ત્યારે વર્ચ્યુઅલ ફ્રેન્ડ્સ સાથે રાખો અંતર…

શરૂઆતમાં સેઠને ઘણી મુશ્કેલી નડી હતી. એ વિશે સેઠ જણાવે છે…40 વોટની સોલાર પેનલથી અમુક બલ્બમાં રોશની થઇ શકે છે અને તેનો ખર્ચ હતો રૂ. 18,000. તેથી સૌથી પહેલા પાવર લૂમવાળાઓનો સંપર્ક કર્યો અને તેમને સોલાર પાવરના ફાયદા જણાવ્યા, તેમને એક કિલો વોટ સોલાર ઊર્જાની પેનલ પૂરી પાડવામાં આવી જેથી તેઓ વગર કોઇ બાધા સરળતાથી તેમનાં મશીનો ઓપરેટ કરી શકે છે.

આ સિવાય મણિપુરના લોકટેક લેક જ્યાં માછીમારોના પાણીમાં તરતા ઝૂંપડા પર પણ સોલાર પેનલો બેસાડી દેવામાં આવી છે. આ સૌર ઊર્જાને કારણે પણ તેઓના વ્યવસાયમાં ફરક પડ્યો છે અને તેમનાં ઘરોમાં પણ રોશની થઇ છે.

સેઠે પોતાના કાર્યમાં અમુક બિનસરકારી સંસ્થાઓ અને માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ સાથે હાથ મિલાવ્યા છે. તેથી ગામવાસીઓને હવે ઇએમઆઇ બેઝ પર પણ સોલાર પેનલ પૂરી પાડવામાં આવે છે.

મણિપુરમાં શિયાળામાં સાંજે ચાર વાગ્યે સૂર્યાસ્ત થતો હોય છે, પણ હવે ત્યાર બાદ અહીંનાં ગામોમાં અંધકાર ફેલાતો નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button