
મુંબઈનો પુલ તૂટી પડે કે રાજકોટમાં બસને અકસ્માત નડે કે પછી ગેમ ઝોનમાં કે પછી સુરતના ટ્યુશન કલાસમાં આગ ભભૂકી ઊઠે… આમ જ્યાં જ્યાં દુર્ઘટનાઓ સર્જાય છે એમાં માણસની બેદરકારી, બેજવાબદારી, કામચોરી અને પોતે કરે એ સાચું જ કરે તે અહમ જ કારણભૂત હોય છે.
ટાઈટેનિક જહાજ ડૂબ્યું તે ઐતિહાસિક દુર્ઘટનાને આ એપ્રિલમાં 113 તેર વર્ષ થયા. ફિલ્મ સિવાય ટાઈટેનિકને લઈને આપણી જાણકારી થોડી ઓછી છે એવું જોવામાં આવ્યું છે. ‘ટાઈટેનિક’ ફિલ્મમાં શિપ ડૂબવાની સિક્વન્સ આવી ત્યારે આપણે બધાએ ફિલ્મમાં જહાજના ડેક ઉપર મ્યુઝિશિયનના ગ્રુપને જોયું. ટાઈટેનિક ડૂબવાનું શરૂ થયું તો પણ મોતની થોડી મિનિટો પહેલાં સંગીત વગાડી રહ્યા હતા ત્યાં હાજર લોકોનો જે પણ સ્ટ્રેસ ઓછો થાય તે! પણ બોઈલર રૂમમાં કામ કરતા ઈજનેરો અને મજૂરોનું શું? એમને ખબર હતી કે પોતે હવે વધુ સમય જીવી શકવાના નથી તો પણ પોતાનું કામ ન છોડ્યું. જેથી ટાઈટેનિકની લાઈટો ચાલુ રહી, જહાજ થોડો વધુ સમય તરી શક્યું અને એસઓએસ-તાકીદના સંદેશ મોકલી શકાયા.
ટાઇટેનિક શિપમાં ફક્ત 20 લાઇફબોટ હતી – જે લગભગ 1,100 લોકોને જ બચાવી શકે એમ હતી જ્યારે ટાઈટેનિકમાં 2,200 થી વધુ લોકો હતા. તેનાથી પણ ખરાબ વાત એ હતી કે ઘણી લાઇફબોટ અડધી ખાલી છોડી દેવામાં આવી હતી. ‘કરોડપતિઓની બોટ’ તરીકે ઓળખાતી લાઇફબોટ નંબર 1 માં ચાલીસ લોકો માટે જગ્યા હોવા છતાં ફક્ત 12 લોકો સાથે રવાના થઈ. કોસ્મો અને લ્યુસી ડફ ગોર્ડન એમાં ર હતા, જેમના પર પાછળથી બચી ગયેલા લોકોને બચાવવા માટે ક્રૂ સભ્યોને લાંચ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. બીજી લાઇફબોટ નંબર 6 હતી, જેમાં માર્ગારેટ ‘મોલી’ બ્રાઉન, વાસ્તવિક જીવનની ‘અનસિંકેબલ’ મ્યુઝિકલની નાયિકા હતી. એણે પોતાની લાઇફબોટમાં બેઠેલી મહિલાઓને પાણીમાં રહેલા લોકોને બચાવવા માટે હોડી ચલાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
એક જાપાની મુસાફર નામે માસાબુમી હોસોનો બચી ગયો હતો. જાપાનીઝ માટે બચી જવું તે શરમજનક વાત હતી. હોસોનો એકમાત્ર જાપાની મુસાફર હતો અને તે લાઇફબોટમાં ચઢવામાં સફળ રહ્યો, પરંતુ જાપાનમાં, વહાણ સાથે ન મરવું એ અપમાનજનક માનવામાં આવતું હતું. તે જયારે વતન પરત ફર્યો ત્યારે તેની ઉપર ફિટકાર વરસ્યો.
બીજી તરફ્, જ્યારે બચાવ જહાજો બે-ત્રણ દિવસો પછી સમુદ્રમાંથી મૃતદેહો એકત્રિત કરવા માટે પહોંચ્યાં, ત્યારે મૃત્યુ પણ જાણે સામાજિક વર્ગને પ્રતિબિંબિત કરતું હતું. પ્રથમ વર્ગના મૃતદેહોને તેમના પરિવારોને પરત કરવામાં પ્રાથમિકતા આપવામાં આવી હતી. એમને સાચવીને શબપેટીઓમાં મૂકવામાં આવ્યા હતા. બીજા અને ત્રીજા વર્ગના મુસાફરોના મૃતદેહોનું એવું ધ્યાન રાખવામાં આવ્યું ન હતું. તેમાંથી ઘણાને દરિયામાં દફનાવવામાં આવ્યા હતા અથવા સાદી કેનવાસ બેગમાં મૂકવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: કેન્વાસ: ઉનાળાની ગરમીનો રંગ કેવો હોય છે?
1985માં સમુદ્રશાસ્ત્રી રોબર્ટ બેલાર્ડને ટાઇટેનિકનો કાટમાળ મળ્યો, જે સમુદ્ર સપાટીથી 12,500 ફૂટ નીચે હતો. એમને અને એમની ટીમને કેટલીક કંપાવી દે એવી વસ્તુઓ મળી: બાળકોના જૂતાની એક જોડી, 2:20 વાગ્યે બંધ થઇ ગયેલી ખિસ્સા ઘડિયાળ, એક વાયોલિન કેસ વગેરે.
કાટમાળના વૈજ્ઞાનિક અભ્યાસો દર્શાવે છે કે ટાઇટેનિકનું વપરાયેલું સ્ટીલ ઠંડા તાપમાનમાં બરડ થઈ ગયું છે. સ્ટીલ પ્લેટોને એકસાથે પકડી રાખતી રિવેટ્સ ખરાબ રીતે બનાવવામાં આવી હતી અને સરળતાથી છૂટી ગઈ હતી, જેના કારણે ઝડપથી પૂર આવ્યું. આજે, અદ્યતન ઇમેજિંગ અને સબમર્સિબલ રોબોટ્સ કાટમાળનો અભ્યાસ કરવાનું ચાલુ રાખે છે, જે ખારા પાણી અને ધાતુ ખાનારા બેક્ટેરિયાને કારણે ધીમે ધીમે અદૃશ્ય થઈ રહ્યું છે. ટાઈટેનિક તો ડૂબ્યું પણ તેની સાથે તેણે અનેક સમુદાયોને દુ:ખમાં ડૂબાડી દીધા. ઇંગ્લેન્ડના સાઉધમ્પ્ટનમાં, જ્યાં મોટાભાગના ક્રૂ સભ્યો હતા, 500થી વધુ પરિવારોએ એક એવો સભ્ય ગુમાવ્યો હતો જેનો આર્થિક અને ભાવનાત્મક આઘાત પેઢીઓ સુધી રહ્યો.
મેસીના ડિપાર્ટમેન્ટલ સ્ટોરના માલિકો ઇસિડોર અને ઇડા સ્ટ્રોસની સૌથી હૃદયસ્પર્શી વાર્તાઓમાંની એક છે. જ્યારે ઇડાએ એના પતિ સાથે રહેવા માટે લાઇફબોટમાં પોતાની સીટ છોડી દીધી, એણે અલગ થવાનો ઇનકાર કર્યો. ‘અમે ઘણાં વર્ષોથી સાથે રહીએ છીએ. તમે જ્યાં જાઓ છો, હું પણ જાઉં છું,’ એ બંને એક સાથે મૃત્યુ પામ્યાં . કાટમાળમાંથી પાછળથી એક લોકેટ મળી આવ્યું હતું જે ઇડાનું હોવાનું માનવામાં આવતું હતું, જેના પર એના પ્રથમ અક્ષર કોતરેલા હતા.
ટાઇટેનિકની દુર્ઘટનાએ દરિયાઇ કાયદાઓને ફરીથી આકાર આપ્યો. બધા મુસાફરો માટે લાઇફબોટ ફરજિયાત બનાવવામાં આવી હતી. જહાજો પર 24 કલાક રેડિયો દેખરેખ રાખવી જરૂરી બની. હિમશીલાના જોખમ પર નજર રાખવા માટે આંતરરાષ્ટ્રીય આઇસ પેટ્રોલની સ્થાપના કરવામાં આવી હતી તે સર્વિસ જે આજે પણ સક્રિય છે.
એક સદી કરતાં વધુ સમય વીતી ગયો. સમુદ્રમાં જહાજ ડૂબવાની કે કાર્ગો જહાજ ઊંધું થઇ જવાની દુર્ઘટનાઓ આપણે સાંભળી છે, પણ હજુ સુધી ટાઈટેનિકની જેવી જબરદસ્ત એક પણ માનવસર્જિત સમુદ્રી દુર્ઘટના ઘડી નથી. હવે નિયમો વધુ કડક થઇ ગયા છે ને સંકળાયેલા લોકો વધુ સજાગ થઇ ગયા છે. આજથી દાયકાઓ પહેલા ટાઈટેનિક શિપને અમેરિકા ઝડપથી પહોંચાડીને પત્રકારોને ઈમ્પ્રેસ કરવાના ચક્કરમાં શિપની ઓવર સ્પીડિંગને કારણે સેંકડોએ જીવ ગુમાવ્યા હતા.
આટલાં વર્ષો પછી પણ એવી જ મૂર્ખામી માણસો હજુ પણ કરી રહ્યા છે. અહંકાર અને પરિપક્વતાનો અભાવ જો તમારા સ્વજનમાં પણ હોય તો, એ જરૂર જોખમી માણસ એટલું તો સમજાય છે ને?