વીક એન્ડ

ભાત ભાત કે લોગ: સારકોઝી તથા ગદ્દાફી આ બન્નેનો દાખલો ગાંઠે બાંધવા જેવો છે

– જ્વલંત નાયક

આ વર્ષની શરૂઆતમાં જ ફ્રાન્સના ભૂતપૂર્વ પ્રમુખ નિકોલસ સારકોઝીને `લિબિયા કનેક્શન’ના આરોપ હેઠળ કોર્ટસમક્ષ હાજર કરાયા. કેસ બહુ જૂનો છે અને એમાં આંતરરાષ્ટ્રીય સંબંધોના આટાપાટા જોડાયેલા છે. સારકોઝી 2007 થી2012 દરમિયાન ફ્રાન્સના પ્રમુખ અને લોકપ્રિય નેતા રહ્યા. લિબિયાના તાનાશાહ કર્નલ મુઅમ્મર ગદ્દાફીની હત્યા બાદ એના દીકરાએ તત્કાલીન ફ્રેંચ પ્રમુખ સારકોઝી પર ગંભીર આરોપ મૂકેલો. એનું કહેવું હતું કે 2007માં ફ્રાન્સના પ્રમુખપદની ચૂંટણી જીતવા માટે સારકોઝીએ મારા પિતા  કર્નલ ગદ્દાફી પાસેથી 50 મિલિયન યુરોની આર્થિક મદદ મેળવેલી!

આફ્રિકા ખંડ 54 સાર્વભૌમ દેશ અને 2 વિવાદાસ્પદ વિસ્તારોનો સમૂહ છે. આવડા મોટા ભૂખંડને એક આખા દેશ તરીકે નિહાળવાની એક સદી જૂની કલ્પનામાં ઘણા વિચારકો અને નેતાઓનો ફાળો છે,  પણ લિબિયાના ખતરનાક સરમુખત્યાર મુઅમ્મર ગદ્દાફીની વાત જરા જુદી ગણાય. ફેબ્રુઆરી, 2009માં 53 આફ્રિકન દેશના બનેલા આફ્રિકન યુનિયનના ચેરમેન તરીકે ગદ્દાફીની વરણી થઇ. એ નિમિત્તે એકઠા થયેલા ટોચના આફ્રિકન લીડર્સ સમક્ષ ગદ્દાફીએ જાહેરાત   કરી કે હું `યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ આફ્રિકા’ની રચના માટે પ્રયત્નો કરીશ. ગદ્દાફીએ આખા આફ્રિકા ખંડ માટે એક જ પાસપોર્ટ, એક જ સંયુક્ત લશ્કર અને એક જ ચલણ (કરન્સી) લાવવાની જોરદાર હિમાયત કરી. જો આ શક્ય બને તો આખો વર્લ્ડ ઓર્ડર નવેસરથી ગોઠવવો પડે, જેમાં કદાચ અમેરિકા, ચીન અને રશિયા જેવા દિગ્ગજ દેશોને  પણ `યુનાઈટેડ  સ્ટેટસ ઓફ આફ્રિકા’ની પાછળ બેસવાનો વારો આવે. કેટલાક ઉત્સાહી નેતાઓના મતે 2017 સુધીમાં તો વળી કેટલાકને મતે 2025 સુધીમાં `યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ આફ્રિકા’ અસ્તિત્વમાં આવી જાય એમ હતું.

સામાન્ય રીતે આવી પરિકલ્પનાઓ સાથે સામાન્ય જનતાના બહુ ઝડપથી લાગણીવશ થઇને જોડાઈ  જાય છે. અહીં   ખાટલે મોટી ખોડ એ કે ગદ્દાફીની પોતાની જ મથરાવટી ભારે મેલી. ચાડ, લાઇબેરિયા અને સિએરા લિયોન જેવા દેશોમાં ગદ્દાફીએ તત્કાલીન સરકારોને અસ્થિર કરવા માટે બળવાખોર જૂથોને ટેકો આપેલો. એટલું જ નહિ,  પણ બીજા દેશોના બળવાખોરોને પોતે ટેકો આપે છે એ વાત ગદ્દાફી ખુલ્લે આમ કહેતો.  પરિણામે આફ્રિકન દેશોમાં એની સ્વીકૃતિ ઘટતી ગઈ. સમય જતા ખુદ ગદ્દાફીના દેશ લિબિયામાં જ સિવિલ વોર ફાટી નીકળી. ગદ્દાફીની પ્રજા જ એની દુશ્મન થઇ ચૂકી હતી. ગદ્દાફી કયા પ્રકારનો સરમુખત્યાર હતો અને કેવા કેવા શોખ પાળતો એ તો આખો અલગ જ વિષય છે.

આ પણ વાંચો…ભાત ભાત કે લોગ : વધુ સુખી કોણ? આફ્રિકન આદિવાસી કે મુંબઈગરો?

ગદ્દાફીની સ્ટોરી સાથે જ ફ્રાન્સના તત્કાલીન પ્રમુખ નિકોલસ સારકોઝીની કહાણી પણ જોડાયેલી છે. નિકોલસ સારકોઝીની પર થયેલા આક્ષેપ મુજબ ગદ્દાફીએ એને ચૂંટણી જીતવા માટે પચાસ મિલિયન ડોલર્સનું ફંડ આપેલું. બદલામાં પ્રમુખ બન્યા પછી સારકોઝીએ યુરોપિયન દેશો સાથે ગદ્દાફીની દોસ્તી કરાવી આપવાની હતી,  પણ રાજનીતિમાં કાયમ બને છે એમ ગદ્દાફી-સારકોઝી વચ્ચેની દોસ્તીમાં જ ફાચર પડી. થયું એવું કે 2011માં બળવો થયો અને લિબિયા ઉપર ગદ્દાફીની પકડ ઢીલી થઇ. સાથે જ ફ્રાંસની પ્રજામાં ગદ્દાફી વિદ્ધ મજબૂત મત ઉભો થવા માંડ્યો. સમયનું  વહેણ પારખીને ગદ્દાફી શાસન વિદ્ધ સારકોઝીએ નાટોના નેતૃત્વ હેઠળના લશ્કરી હસ્તક્ષેપમાં મુખ્ય ભૂમિકા ભજવી. એવું કહેવામાં આવ્યું કે લશ્કરી હસ્તક્ષેપ પાછળ ફ્રાન્સનો હેતુ લિબિયાના નાગરિકોનું રક્ષણ કરવાનો અને ગદ્દાફીના જુલમી શાસનનો અંત લાવવાનો હતો. ફ્રાન્સના હવાઈ હુમલાઓ અને લશ્કરી સમર્થનથી ગદ્દાફીનું શાસન ખતમ થયું. 

ગદ્દાફીના વડપણ હેઠળ `યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ આફ્રિકા’નાં  સપનાં  જોઈ   રહેલા અનેક નેતાઓ પતન પામેલા ગદ્દાફીની પડખે ઉભા રહેવા તૈયાર નહોતા. ગદ્દાફીના પતન સાથે જ દક્ષિણ આફ્રિકાના તત્કાલીન પ્રમુખ જેકબ ઝુમાએ રાહતનો શ્વાસ લેતા જાહેર કર્યું કે `ગદ્દાફી તો બીજા આફ્રિકન નેતાઓમાં પોતાનો ડર પેદા કરીને ધાર્યું કરાવતો. ભવિષ્યમાં ગદ્દાફીની મોજૂદગી વિનાનું આફ્રિકન યુનિયન વધુ સારી રીતે કામ કરી શકશે.’

ઝુમાએ જાહેર નિવેદન આપ્યું એના એકાદ અઠવાડિયામાં જ ગદ્દાફી પોતાના જ દેશમાં બળવાખોરોના હાથે બૂરી રીતે માર્યો ગયો. જો કે આવા સંજોગો ઊભા કરવા પાછળ ખુદ ગદ્દાફીની જ મહત્ત્વાકાંક્ષા જવાબદાર હતી. હવે સારકોઝીનો વાત.

 લિબિયામાં સરમુખત્યારને હટાવીને સુશાસન સ્થાપવાની વાત હતી પણ ગદ્દાફીની એક્ઝિટ પછી લિબિયામાં રાજકીય અસ્થિરતા અને અરાજકતા ઊલટાના વધી ગયા. કેટલાક વિશ્લેષકો એવો મત વ્યક્ત કરવા માંડ્યા કે ફ્રાન્સનો મુખ્ય હેતુ લિબિયાની પ્રજાને બચાવવાનો નહિ, પણ લિબિયાના તેલ સંંસાધનો પર વધુ નિયંત્રણ મેળવવાનો હતો. વળી નિકોલસ સારકોઝી પોતાની જાતને `માનવતાના રક્ષક’ તરીકે રજૂ કરીને 2012ની ચૂંટણીમાં રાજકીય ફાયદો મેળવવાના ચક્કરમાં હોવાની વાત પણ વહેતી થઇ. આ બધાને પરિણામે સારકોઝીએ 2012માં સત્તા અને લોકપ્રિયતા બેઉ ગુમાવ્યા. આખી વાર્તામાં બેમાંથી એક્કેય નેતાનું ભલું ન થયું!

આ પણ વાંચો…ભાત ભાત કે લોગ : જંગી માળખાંગત સુવિધા ભાંગી પડે ત્યારે કેવો વિનાશ સર્જાય?

હજુ ઓર મજાની (!) વાત જુઓ ગદ્દાફી પોતાના એન્ટિ-અમેરિકા અને એન્ટિ-ઇઝરાયલ વલણ માટે જાણીતો  હતો  એટલે ફ્રાન્સ જે સમૂહનો હિસ્સો છે, એ યુરોપિયન દેશો માટે ય એ અળખામણો જ ગણાય. ગદ્દાફીના જુલમથી લિબિયાની પ્રજાને બચાવવા માટે નાટો દળો પણ મેદાને ઉતરેલા. એ સમયે યુરોપિયન દેશોની પ્રજામાં એવો મત ઉભો થયેલો કે ગદ્દાફી પોતાના વિરોધીઓને મારવાના ચક્કરમાં સામુહિક કત્લેઆમ કરી નાખશે! બિચારી શોષિત પ્રજાને કોઈ પણ ભોગે આવી કત્લેઆમથી બચાવવી જોઈઅ, પણ ગદ્દાફી મરાયો અને સારકોઝીએ ફ્રાન્સમાં સત્તા ગુમાવી એ પછી યુરોપિયન દેશ બ્રિટનની સંસદે ભળતું જ સ્ટેન્ડ લીધું.

2016માં બ્રિટિશ પાર્લામેન્ટની ફોરેન અફેર્સ કમિટીએ જાહેર કર્યું કે  લિબિયામાં જે લશ્કરી હસ્તક્ષેપ કરવામાં આવ્યો, એ મોટે ભાગે `ખોટી ધારણાઓ’ને આધારે લેવાયેલ પગલું હતું. આ કમિટીના મતે ગદ્દાફી સામૂહિક હત્યાકાંડો આચરશે એવો ભય પણ `વધુ પડતો’ હતો. લો બોલો! 

છેલ્લા સમાચાર મુજબ સારકોઝી ચૂંટણી માટે ગદ્દાફી પાસેથી ફંડ મેળવવાના આરોપ બદલ કોર્ટ ટ્રાયલનો સામનો કરી રહ્યા છે. જો કે એ પોતે આ આરોપને વિરોધીઓનું કાવતરું ગણાવે છે. આ આખા ઘટનાક્રમમાં સ્વાભાવિકપણે જ બીજા અનેક પાસાઓ વણાયેલા છે. અહીં સમજવા જેવી વાત એ કે પોતપોતાની મહત્ત્વાકાંક્ષાઓના ચક્રવ્યૂહમાં ફસાઈને બે શક્તિશાળી નેતાઓ ખુદ કઈ રીતે ખતમ થઇ ગયા!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button