ભાત ભાત કે લોગ : વધુ સુખી કોણ? આફ્રિકન આદિવાસી કે મુંબઈગરો?

- જ્વલંત નાયક
આપણે ઘણી વાર ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા સેવીએ છીએ, પરંતુ આગામી ત્રણેક દાયકા દરમિયાન જો યુદ્ધ ટાળી શકાશે તો પછી ક્યારેય આ પૃથ્વી પર મોટું યુદ્ધ નહિ ખેલાય. કારણ? કારણ કે દરેક દેશની પ્રજાની વધતી જતી સરેરાશ ઉંમર. જો જગતની મોટા ભાગની પ્રજા વૃદ્ધ થઇ ગઈ હોય તો બંદૂક ઉપાડીને લડવા માટે જશે કોણ?
ગયા અઠવાડિયે સમાચાર હતા કે જાપાન તેની ઘરડી થઇ રહેલી વસતિને કારણે ચિંતિત છે. જાપાનની 28%થી વધુ વસતિ 65 વર્ષથી વધુ આયુ ધરાવે છે. અહીંની પ્રજાની સરેરાશ ઉંમર છે 48.4 વર્ષ. એનો અર્થ એ થાય કે દેશની મોટા ભાગની પ્રજા પોતાના જીવનનું શારીરિક અને આર્થિક `પિક પોઈન્ટ’ પસાર કરી ચૂકી છે. હવે પછીનાં વર્ષોમાં આ પ્રજા જીવનના ઊર્જાહીન તેમજ નોન-પ્રોડક્ટિવ તબક્કા તરફ આગળ ધપી રહી છે. કોઈ પણ દેશ માટે આવો સંજોગ મોટા ખતરાનો સંકેત છે.
આ સમસ્યા એકલા જાપાનની નથી. યુનાઈટેડ નેશન્સના આંકડાઓ મુજબ 2022માં વિશ્વની અંદાજે 10% વસતિ 65 વર્ષથી વધુ આયુ ધરાવનાર લોકોની છે. અઢી દાયકા બાદ- ઇસ 2050 આવતા સુધીમાં આ આંકડો 16% સુધી પહોંચશે. યુરોપના દેશો પણ લગભગ આવી જ પરિસ્થિતિમાં ફસાયા છે, જ્યાં ઘટતા બર્થ રેટ અને વધતી એવરેજ એજના મોટા પ્રશ્ન પેદા થઇ ચૂક્યા છે. ઇટાલી અને જર્મની જેવા દેશોમાં સરેરાશ ઉંમર 45ની આસપાસ છે. અમેરિકાને દરેક મોરચે ધોબીપછાડ આપવા તૈયાર દેખાતું ચીન પણ ઘરડું થઇ રહ્યું છે. આજે ચીન એના આર્થિક વિકાસની પિક પર છે, કારણકે દોઢ દાયકા પહેલાં એટલે કે 2011માં ચીની પ્રજાની સરેરાશ આયુ હતી 33 વર્ષ. આ ઉંમરની પ્રજા બીજા દસ-પંદર વર્ષ સુધી ધમધોકાર કામ કરી શકે છે. સાથે એમનો રિ-પ્રોડક્શન રેટ પણ પ્રમાણમાં ઉંચો હોય છે. 2024ના આંકડા મુજબ ચીની પ્રજાની સરેરાશ આયુ વધીને 39.6 વર્ષની થઇ છે. બીજી સમસ્યા એ છે કે ચીની પ્રજા સરેરાશ 79 વર્ષ સુધી જીવે છે. એટલે આવનારાં વર્ષોમાં અહીં વૃદ્ધોની સંખ્યા વધતી જવાની છે.
આ પણ વાંચો…ભાત ભાત કે લોગ : કયારેક કોઈ ઘટના બને ને લો, ફેશન બદલાઈ ગઈ!
આ બધાની સરખામણીએ ભારત આ વાતે કંઈક અંશે સુખી દેશ ગણાય. Worldometers નામક વેબસાઈટ્સના આંકડા મુજબ આજની તારીખે ભારતીયોની સરેરાશ ઉંમર 28.4 વર્ષ છે. વૈશ્વિક સરેરાશ આયુની સરખામણીએ ભારતીયો પ્રમાણમાં યુવાન છે. વિવિધ દેશોની પ્રજાનું સરેરાશ આયુષ્ય તેમજ એમની સરેરાશ ઉંમર ઉપરથી ઘણાં રસપ્રદ તારણો નીકળે છે.
દાખલા તરીકે આપણે જેને વિશ્વના ત્રીજા દેશ તરીકે ઓળખીએ છીએ એવા અલ્પવિકસિત-ગરીબ રાષ્ટ્રોનું સરેરાશ આયુષ્ય વિકસિત દેશોની સરખામણીએ ખાસ્સું ઓછું છે. મોટા ભાગના યુરોપિયન દેશો સહિત કેનેડા, ક્યુબા, હોંગકોંગ, જાપાન, દ. કોરિયા અને તાઈવાન જેવા દેશમાં સરેરાશ આયુ 40 અથવા એથી વધુ છે. ત્યારે આફ્રિકન દેશોમાં આ આંકડો 18 કે તેથી પણ ઓછો છે. અર્થાત અલ્પવિકસિત દેશોમાં બાળકો અને તણોની સંખ્યા ખાસ્સી વધારે છે. એથી વિદ્ધ યુરોપિયન દેશો ભવિષ્યમાં `ઓલ્ડ એજ રિસોર્ટ્સ’ બની રહેવાના છે!
આ બધા વચ્ચે, ઊડીને આંખે વળગે એવું એક કારણ પ્રદૂષણનું છે. વિકસિત દેશોએ પર્યાવરણને ભોગે વિકાસ કર્યો,
પણ પરિણામે પ્રજાની ફળદ્રુપતા પર પ્રદૂષણની વિપરીત અસરો પડી. અનેક સર્વેમાં જાણવા મળ્યું છે કે પ્રદૂષિત વિસ્તારોમાં રહેતી સ્ત્રીનો ફર્ટિલિટી રેટ કુદરતી વાતાવરણમાં રહેતી સ્ત્રીની સરખામણીએ ઓછો છે. શહેરોની વસ્તીગીચતા પણ મોટી અસર કરે છે. આપણને હવે નાના સેન્ટર્સમાં કે ગામડાઓમાં રહેવાનું ફાવતું નથી. વધુને વધુ કમાણી
કરવા ઇચ્છુક આપણા મનને મેટ્રો સિટીમાં મળતા ઊંચા પગાર ધોરણ આકર્ષે છે. નાનાં નાનાં શહેરોમાંથી રોજ હજારો યુવક-યુવતીઓ આવીને મુંબઈની ચાલીઓમાં ઠલવાય છે. ગમે એટલો ઊંચો પગાર હોય, પણ મોટા ભાગની કમાણી મુંબઈમાં પોતાનું ઘર ખરીદવામાં જ વપરાય જતી હોય છે એટલે જ તો કહે છે કે મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી.
બીજી તરફ, ચીનનાં શહેરોની હાલત પણ જુદી નથી. ત્યાંના ગીચ શહેરી વિસ્તારોમાં રહેતા 18,000 કપલ્સનો સર્વે થયો તો રિઝલ્ટ્સમાં જાણવા મળ્યું કે મોકળાશથી રહેતા લોકોની સરખામણીએ ગીચ વસ્તીમાં રહેનારાઓ 20 ટકા ઓછી ફળદ્રુપતા ધરાવે છે. 2019માં અમેરિકાની મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલના ફર્ટિલિટી ક્લિનિક દ્વારા આવો જ સર્વે કરવામાં આવ્યો. 632 સ્ત્રીનો અભ્યાસ કરતા સમજાયું કે શહેરી વિસ્તારની પ્રદૂષિત હવા અંડાશય પર વિપરીત અસરો પેદા કરે છે. આવી સ્ત્રીઓ પ્રમાણમાં નાની ઉંમરે ફળદ્રુપતા ગુમાવે છે. વધુને વધુ કપલ્સ કૃત્રિમ ગર્ભાધાન તરફ વળી રહ્યાં છે. અને એમાંય સક્સેસ રેશિયો ચિંતાજનક તો છે જ.
ગર્ભપાતથી માંડીને ખોડખાંપણ સાથે જન્મતાં બાળકોનું પ્રમાણ પણ આપણા ધારવા કરતાં ઘણું વધારે છે.
આ પણ વાંચો…ભાત ભાત કે લોગ : હેલો, હેલો…! શું તમે કોઈને આવો કોલ કરવાની હિમ્મત કરી છે?
આફ્રિકાના અલ્પવિકસિત દેશોની તણી મોટે ભાગે સ્થાનિક ખોરાક ખાય છે. બીજી તરફ, લંડન-ન્યૂયોર્કથી માંડીને આપણા મુંબઈની મોડર્ન ગર્લ્સ પેટમાં શું શું પધરાવે છે એની આપણને ખબર જ છે. આવાં તો અનેક કારણો છે. આ બધાની અસર સ્ત્રીના પિરિયડ સાઈકલ પર પડ્યા વિના રહેતી નથી. આ બધા ઉપરાંત માનસિક તણાવની વળી જુદી જ કથા છે. સ્ટે્રસ આપણને અંદરથી કોરીને ખોખલા બનાવી રહ્યું છે. આજની તારીખે માણસ મેડિકલ સાયન્સને પ્રતાપે
લાંબું જીવે છે, પણ આ વધેલાં વર્ષો ઘડપણના-બીમારીનાં બિનઉત્પાદક વર્ષો છે. આફ્રિકન દેશમાં રહેતો કોઈ શ્રમજીવી
ભરપૂર જુવાની માણીને 45-50 વર્ષે ગુજરી જાય છે. બીજી તરફ મુંબઈમાં રહેતો 75 વર્ષનો માણસ પરિવાર પર બોજ બની ગયો હોવાના ગિલ્ટ સાથે દિવસો ગણતો રહે છે ત્યારે સહેજે સવાલ જાગે : આ બંનેમાં વધુ સુખી કોણ?