`પેશન ફોલો’ કરવી છે?
- તો તમારા ગમતાં કામ-વિષયને અનુસરતાં પહેલાં થોમસ આલ્વા એડિસન વિશે જાણી લો...

થોમસ આલ્વા એડિસન
ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક
પરીક્ષાઓ અને રિઝલ્ટ્સની મોસમમાં અનેક મોટિવેશનલ સલાહકારો ફૂટી નીકળશે. આ પ્રજાતિ નાપાસ થવા બદલ કે ઓછા ટકા આવવા બદલ નિરાશ ન થવાની સલાહ સતત આપતી રહેશે. કેટલાક તો વળી ડિગ્રી કે નોકરી પાછળ ભાગવાને બદલે પોતાનું પેશન ફોલો કરવાની સલાહ ઉત્કટતાને અનુસરવાની સલાહ આપશે. આમ તો એ બંને સલાહ સાચી છે, પણ અધૂરી છે. બાકીની અડધી વધારે મહત્ત્વની વાત એટલે અભ્યાસની નિષ્ફળતા પછીની સખત મહેનત અને રસના ક્ષેત્રમાં કામ કરવા માટે કેળવવી પડતી પાત્રતા.
મોટા ભાગના વિદ્યાર્થીઓ સખત મહેનતવાળો મુદ્દો જ ચૂકી જાય છે. પરિણામે નોકરી છોડીને `પેશન ફોલો’ કરવાના ચક્કરમાં ય કેટલાય યુવાનો યોગ્ય પાત્રતાને અભાવે બેકાર રખડી રહ્યા છે. એની સામે એવાય વીરલાઓ છે જે શારીરિક મર્યાદાઓને કારણે મજબૂરીવશ અભ્યાસ છોડ્યા બાદ પોતાના ગમતા ક્ષેત્રમાં એવી મહેનત કરી દેખાડે છે કે એમનું શાળાકીય શિક્ષણ અધૂં હોવાની વાત કોઈને માનવામાં ન આવે.
આવું જ એક નામ એટલે થોમસ આલ્વા એડિસન (1847-1931).
આ નામ સાથે જોડાયેલું સૌથી પ્રસિદ્ધ સંશોધન એટલે વીજળીથી ચાલતો બલ્બ,પણ એડિસને આ ઉપરાંત અનેક સંશોધનો કર્યાં છે. જાણીને આશ્ચર્ય થશે કે ઇલેક્ટ્રિક પાવર જનરેશન, ફોનોગ્રાફ, સાઉન્ડ રેકોર્ડિંગ અને મોશન પિક્ચર્સ જેવાં ક્ષેત્રોમાં અનેક સંશોધનો કરનાર એડિસન પોતે બહેરાશથી પીડાતા હતા. માતા-પિતાના સાતમા અને અંતિમ સંતાન એવા થોમસની બહેરાશ પાછળ કાનની વિશિષ્ટ સમસ્યા જવાબદાર હતી. એ જમાનામાં આવી સમસ્યાઓ વિશે જરૂરી જાગૃતિ તો ક્યાંથી હોય!
શાળામાં શિક્ષકોને લાગતું કે થોમસ ભણવામાં ડોબો છે. બીજી તરફ, થોમસને પણ સાંભળવાની તકલીફને કારણે વર્ગખંડમાં ભાગ્યે જ કશું સમજાતું. આખરે થોડા જ મહિનાના સ્કૂલિંગ બાદ થોમસે શાળા છોડવાની નોબત આવી.
નિષ્ફળતા મળે તો નિરાશ ન થવાની પેલી જે સલાહની શરૂઆતમાં વાત કરી, એ સ્કૂલ છોડવાની ઘટના સુધી જ કામ લાગે, પણ એક વાર પરંપરાગત શિક્ષણ સાથે નાતો તૂટે પછી કરવું શું? વર્ગનો દરવાજો ભલે બંધ થાય, જ્ઞાનની ભૂખ મરવી ન જોઈએ. શિક્ષક તરીકે નોકરી કરી ચૂકેલી માતાએ થોમસને ઘરે જ વિવિધ વિષય ભણાવવા માંડ્યા. થોમસે પણ વાંચવાનો શોખ બરાબર કેળવ્યો. વાચન તમારી મર્યાદાઓ વળોટી જવા માટેનું ઉત્તમ હથિયાર છે. થોમસને ટેકનોલોજીને લગતાં લખાણોમાં બહુ રસ પડતો. એક તબક્કો એવો ય આવ્યો કે થોમસને પોતે જ નવી નવી ટેકનોલોજી પર કામ કરવાનું મન થવા લાગ્યું. એ પોતાના ઘરે જ જુદા જુદા પ્રયોગો કર્યા કરતો, પણ ઘરે રહીને ભણવું કે પ્રયોગો કરવા એટલા માત્રને સખત મહેનત થોડી કહેવાય?
આ પણ વાંચો: ભાત ભાત કે લોગ : જંગી માળખાંગત સુવિધા ભાંગી પડે ત્યારે કેવો વિનાશ સર્જાય?
એમાં તો ઊલટા ખર્ચા વધે એટલે 13 વર્ષના એ છોકરડાએ પોર્ટ હ્યુરોનથી ડેટ્રોઈટ જતી ટે્રનમાં છાપાના ફેરિયા તરીકે કામ ચાલુ કરી દીધું. સાથે જ કેન્ડી અને શાકભાજીઓ ય વેચવાના. આને કહેવાય સખત મહેનત. ધંધો તગડો થવા માંડ્યો. એ જમાનામાં અઠવાડિયે 50 ડૉલર જેવડો `તોતિંગ’ નફો થતો. સખત મહેનત કરી લીધા પછીનો તબક્કો એટલે મહેનતને અંતે મળેલા વળતરનું યોગ્ય ઇન્વેસ્ટમેન્ટ. થોમસ ટેકનોલોજી વિશે જે કંઈ વાંચતો એ જાતે અજમાવી જોવા તત્પર રહેતો એટલે પોતાની કમાણીમાંથી એણે વિવિધ ઇલેક્ટ્રિકલ અને કેમિકલ પ્રયોગો જાતે કરવા માટેના સાધનો ખરીદવા માંડ્યા. આને કહેવાય ખરા અર્થમાં પેશન ફોલો કરવી.
પંદર વર્ષની વયે થોમસે સ્ટેશન માસ્ટરના નાનકડા દીકરાને ટે્રન હેઠળ કચડાઈ જતો બચાવ્યો. આનાથી રાજી થયેલા સ્ટેશન માસ્ટરે થોમસ સાથે થોડો પરિચય કેળવ્યો. વાતવાતમાં ખબર પડી કે પંદર વર્ષનો એ ટાબરિયો એક કાને સાવ બહેરો છે અને બીજા કાને પણ શ્રવણશક્તિ ઠીકઠાક જ છે. એ પછી સ્ટેશન માસ્ટરને આ છોકરામાં વધુ રસ પડ્યો.
એડિસનની ધગશ અને ટેકનોલોજી પ્રત્યેની લગન જોઈને એમણે એને ટેલિગ્રાફ ઓપરેટર તરીકેની ટે્રનિંગ આપી. થોમસને તો એમાં મજા પડી ગઈ. આ તાલીમના પ્રતાપે પોર્ટ હ્યુરોનથી થોડે દૂર આવેલા સ્ટેનફોર્ડ જંકશન નામક રેલવે સ્ટેશન પર એડિસનને નોકરી ય મળી ગઈ.
જોકે, નસીબે ય બે ડગલા આગળ ચાલતું હતું. ટેલિગ્રાફ ઓપરેટરની નોકરી દરમિયાન એડિસને પોતાના પ્રયોગો ચાલુ રાખ્યા, પણ એક દિવસ ડ્યૂટીમાં સરતચૂક થઇ એમાં બે ટે્રન્સ એકબીજા સાથે અથડાતા માંડ માંડ બચી! આ સંભવિત અકસ્માતને પાપે એને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે એ પહેલા જ થોમસ એડિસને ડાહ્યા થઈને રાજીનામુ ધરી દીધું.
આ પણ વાંચો: ભાત ભાત કે લોગ : કયારેક કોઈ ઘટના બને ને લો, ફેશન બદલાઈ ગઈ!
એ ફરી પાછું સડકો પર છાપા વેચવાનું જૂનું કામ શરૂ કર્યું. પેશન ફોલો કરવા માટે એટલે કે ટેકનોલોજીને લગતાં વધુ પુસ્તકો ખરીદવા તેમજ પ્રયોગો કરવા માટે વધુ પૈસાની સતત જરૂર રહેતી. એડિસને પોતે જ Grand Trunk Herald નામનું સાપ્તાહિક છાપું પબ્લિશ કરીને વેચવાનું શરૂ કર્યું. હજી તો વીસી પણ પાર નહોતી કરી ત્યાં ભાઈ બિઝનેસમેન બની ગયા. અહીં બિઝનેસનો અર્થ એસી ચેમ્બરમાં રિવોલ્વિંગ ચેર પર ઝૂલવાનો નહોતો. બલકે સડકો પર ભટકીને અખબારો વેચવાના હતા. ટાંચાં સાધનો અને સ્રોત વડે દર અઠવાડિયે સમાચારો ભેગા કરીને છાપું પબ્લિશ કરવાનું હતું. ટૂંકમાં કાળજાતૂટ મજૂરી હતી, પણ મૂળ શોખ પૂરો કરવા આટલું તો કરવું જ પડે ને. છાપા સાથે સંકળાવાનો અનુભવ કામ લાગ્યો અને ઇસ 1866માં માત્ર ઓગણીસ વર્ષની વયે એડિસનને કેન્ટુકી ખાતે `ન્યૂઝ વાયર’ નામક પ્રેસ એજન્સીમાં નોકરી મળી.
ભાઈએ અહીં પણ નાઈટ શિફ્ટ પસંદ કરી, જેથી આજુબાજુના કકળાટ વિના નોકરીની સાથે સાથે વાંચવાના શોખને પોષી શકાય. બીજા જ વર્ષે એવું થયું કે નાઈટ ડ્યૂટી દરમિયાન લેડ-એસિડ બેટરી પર પ્રયોગ કરવાના ચક્કરમાં એડિસનથી સલ્ફ્યુરિક એસિડ જમીન પર ઢોળાઈ ગયો. એસિડનો રેલો બોસની કેબિન સુધી પહોંચ્યો. પરિણામ સ્વરૂપ બીજે જ દિવસે થોમસ એડિસનને આ નોકરીમાંથી ય પાણીચુ મળી ગયું! ત્યાર પછી ય અટકવાનું હતું જ નહિ. મહેનત ચાલુ જ રહી એન્ડ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી.
આ તો એક-બે પ્રસંગોની વાત થઇ, પણ થોમસ અલ્વા એડિસને પોતાના જીવન દરમિયાન અનેક નિષ્ફળતાઓ વેઠી, અનેક સંઘર્ષ કર્યા. એડિસને છાપાના ફેરિયાથી માંડીને જનરલ ઇલેક્ટ્રિક જેવી જાયન્ટ કંપનીના સ્થાપક સુધીની સફર કરી. જો પોતાના કામને લઈને સાચી ધગશ અને સખત મહેનતની તૈયારી ન હોત તો થોમસ એડિસન પણ પોતાની બહેરાશના રોદણા રડીને સામાન્ય નોકરી કરી ખાત, પણ આજે જ્યારે અધધ કહેવાય એટલી 1093 સંશોધનોની પેટન્ટ આ માણસને નામે ચડી છે ત્યારે એમણે જે શાળાકીય શિક્ષણ અધૂં છોડવું પડેલું એની વાત કેટલી બિનમહત્ત્વની બની જાય છે.
જો તમને ય શાળાકીય શિક્ષણનું મહત્ત્વ સમજાતું ન હોય કે નોકરી છોડીને પેશન ફોલો કરવાનો કીડો વારંવાર ચટકા મારતો હોય તો એકવાર થોમસ આલ્વા એડિસનનું જીવનચરિત્ર અચૂક વાંચી લેવું.