વીક એન્ડ

ડેટ્રોઈટની કાર -કહાણી: પેરેડાઈઝ લોસ્ટ હંમેશને માટે !

ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક

સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં ઈંગ્લિશ કવિ જ્હોન મિલ્ટને બે માસ્ટરપીસ ગણાતા કાવ્યની રચના કરી: પેરેડાઈઝ લોસ્ટ' અનેપેરેડાઈઝ રિગેન’. આ બન્ને કૃતિને એટલી સફળતા મળી કે બોલચાલની ભાષામાં એ રૂઢિપ્રયોગની માફક વપરાવા માંડી. જ્યારે કોઈ વ્યક્તિ પોતાનો સુવર્ણકાળ ગુમાવે ત્યારે પેરેડાઈઝ લોસ્ટ' શબ્દસમૂહનો ઉપયોગ થાય છે અને જો મહેનત- પ્રાયશ્ચિત દ્વારા કોઈ પોતાનું જૂનું સ્થાન-સ્થિતિ પાછા મેળવે તો એના માટેપેરેડાઈઝ રિગેન’ કહે છે.
આજે એવા જ એક શહેરની વાત કરવી છે જે પોતાનું સ્વર્ગ રિગેન કરવાની કોશિશ કરી રહ્યું છે, જેમાં અત્યાર સુધી સફળતા મળી નથી.

આ શહેર છે ડેટ્રોઈટ, જે કાર બનાવતી કંપનીઝનું સ્વર્ગ ગણાય. અમેરિકાના મિશિગન રાજ્યનું આ શહેર ક્યારેક મોટર સિટી' તરીકે વર્લ્ડ મેપ પર મોભાદાર સ્થાન ભોગવતું હતું. ફોર્ડ, જનરલ મોટર્સ (GM), અને ક્રાઈસ્લર જેવી કાર બનાવતી કંપનીઝનાં મુખ્ય મથકો અહીં જ હતાં. આ ત્રણ મોટર જાયન્ટ કંપનીઝ ડેટ્રોઈટનીબિગ થ્રી’ તરીકે ઓળખાતી. એ સમયગાળો ડેટ્રોઈટનો સુવર્ણકાળ હતો., પણ વીસમી સદીના ઉત્તરાર્ધમાં ચિત્ર બદલાઈ ગયું. થયું એવું કે તત્કાલીન મોટર જાયન્ટ્સને `ભારતીય બીમારી’ નડી ગઈ. ડેટ્રોઈટ શહેર યુનિયનબાજીમાં ફસાયું, જેની પાછળની કથા પણ રસપ્રદ છે.

30-40ના દાયકા દરમિયાન અમેરિકા મહામંદીનો શિકાર હતું. લગભગ તમામ ઇન્ડસ્ટ્રીઝ અભૂતપૂર્વ આર્થિક સંકડામણ વેઠી રહી હતી. આવા સમયે ફેક્ટરીઝમાં કામ કરનારા અસંગઠિત મજૂરોએ સૌથી વધુ વેઠવાનું આવે છે. વેતનના દરો એકદમ ઘટી જાય. સામે બેરોજગારીની તલવાર સતત માથે તોળાતી રહે છે એટલે બિચારા શ્રમજીવીઓ પાસે અમાનવીય દશામાં મજૂરી કરતા રહેવા સિવાયનો કોઈ વિકલ્પ બચતો નથી. શોષણ એક સામાન્ય બાબત બની રહે છે.

ડેટ્રોઈટના મોટર ઉદ્યોગમાં કામ કરનારા શ્રમિકોની હાલત પણ કંઈક આવી જ હતી. આ સંજોગોમાં 26 ઓગસ્ટ, 1935ના દિવસે જન્મ થાય છે એક યુનિયનનો. `યુનાઈટેડ ઓટો વર્કર્સ UAW’નું મુખ્ય ધ્યેય મજૂરોના પ્રશ્નોને વાચા આપવાનું હતું. મોટર કાર બનાવતી જાયન્ટ કંપની જનરલ મોટર્સના મજૂરો એમાં સૌથી પહેલા જોડાયા. એટલે આ યુનિયનનું સૌથી પહેલું આંદોલન પણ જનરલ મોટર્સ સામે જ થયું.

આ પણ વાંચો: ભાત ભાત કે લોગઃ ટેરિફ વોરથી વર્લ્ડ વોર: અમેરિકા ખરેખર કેટલું પાણીમાં છે?

સીટ ડાઉન સ્ટ્રાઈક યુનિયને કોર્પોરેટ માલિકોને પાઠ ભણાવવા માટે એક અફલાતૂન આઈડિયા શોધી કાઢ્યો. કોઈ પણ પ્રકારની હિંસા કે તોડફોડ કર્યા વિના જો ફેક્ટરીનું પ્રોડક્શન બંધ કરી દેવામાં આવે તો તરત માલિકોની સાન ઠેકાણે આવી જાય. આ માટે UAWના સભ્ય એવા મજૂરોએ `સીટ ડાઉન સ્ટ્રાઈક’ કરી. એમાં કરવાનું કશું નહોતું. બસ, નોકરીના સ્થળે જઈને કામ કરવાને બદલે બેસી રહેવાનું! હવે ફેક્ટરીમાં તો પ્રોડક્શનની આખી સપ્લાય ચેન ચાલતી હોય. એમાં થોડા મજૂરો પણ પોતાનું સ્થાન છોડીને બેસી જાય તો આખી પ્રોડક્શન ચેઈન ખોરવાય. એવી પરિસ્થિતિમાં મુકાવાનું તો માલિકોને જરાય ન પાલવે.

30 ડિસેમ્બર 1936ના રોજ `સીટ ડાઉન સ્ટ્રાઈક’નું એલાન થયું એટલે જનરલ મોટર્સના ડેટ્રોઈટ પ્લાન્ટના મજૂરો કામ છોડીને બેસી ગયા. પછી તો આ હવા એવી ફેલાઈ કે 25 જાન્યુઆરી આવતા સુધીમાં જનરલ મોટર્સના કેલિફોર્નિયાથી માંડીને ન્યુયોર્ક સુધીના સંખ્યાબંધ પ્લાન્ટ્સમાં કામ કરનારા દોઢેક લાખ મજૂરો સીટ ડાઉન સ્ટ્રાઈક પર ઊતરી ગયા. આખરે કંપનીને નમતું જોખ્યા સિવાય છૂટકો નહોતો. યુનિયનને આ અનોખી હડતાળનું ધાર્યું પરિણામ મળ્યું. એ પછી તો મોટર ઉદ્યોગમાં UAWની બોલબાલા વધી પડી. ફોર્ડ જેવી કંપનીએ પણ ચારેક વર્ષની મથામણ બાદ UAW સાથે સમજૂતી કરવી પડી. કાર ઉદ્યોગ સાથે સંકળાયેલા મજૂરોની સ્થિતિમાં UAWને કારણે ઘણો સુધારો આવ્યો. UAWની સભ્યસંખ્યા પણ વધતી ચાલી. 1970માં પંદર લાખ મજૂરો આ સંગઠનના સભ્ય હતા.

હવે આપણે સિક્કાની બીજી બાજુ જોઈએ.

મજૂરોની પરિસ્થિતિ ભલે સુધરી, પણ કંપનીઝમાં યુનિયનબાજીનો પ્રભાવ વધતા આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ડેટ્રોઈટનો કાર ઉદ્યોગ નબળો પાડવા લાગ્યો. UAWએ ઊંચા વેતન અને લાભોની માંગણી કરી, જેનાથી ફોર્ડ, GM, અને ક્રાઈસ્લરનો ઉત્પાદન ખર્ચ વધ્યો. બીજી તરફ જાપાની કંપનીઓએ નવીન ઉત્પાદન પદ્ધતિઓ અપનાવી. 1970ના દાયકામાં જાપાની કંપનીઓ ઓછા ખર્ચે સારી કારો બનાવતી થઇ ગઈ. અમેરિકન કંપનીઝે લાંબા સમય સુધી જૂની ટેક્નોલોજી અને ડિઝાઈન પર જ ધ્યાન આપ્યું એમાં ક્વોલિટી મેનેજમેન્ટ બાબતે એ નિષ્ફળ ગઈ. કામદારોના હિતને પ્રાધાન્ય આપવાનું હોવાથી નવી ટેકનોલોજી અપનાવવામાં અમેરિકન કંપનીઝને ઘણી મુશ્કેલી પડી. સાથે જ આર્થિક બોજો પણ વધતો ગયો.

આ પણ વાંચો: ભાત ભાત કે લોગ: એક તસવીર જ્યારે લોહી સૂકવી નાખે છે

આરબ-ઇઝરાયલ યુદ્ધે પડતા પર પાટુ માર્યું.

કાર બનાવતી ટોયોટા, હોન્ડા, અને નિસાન જેવી જાપાનીઝ કંપનીઝે અમેરિકન માર્કેટ સર કરવા માટે એકદમ પરફેક્ટ ટાઈમ પસંદ કરેલો. 1958માં ટોયોટાએ અમેરિકામાં પોતાની પ્રથમ કાર વેચી. એ પછીનો દશકો બહુ મહત્ત્વનો હતો. કોઈ કોર્પોરેટ કંપનીને નવા જ દેશમાં મૂળિયા નાખવા હોય તો આટલો સમય લાગે જ. 1973નું વર્ષ આવતા સુધીમાં આરબ-ઇઝરાયલ યુદ્ધને કારણે ઓઈલ મોંઘું થઇ ગયું. આ એ સમય હતો જ્યારે અમેરિકન ગ્રાહકો આર્થિક કારણોસર શાનદાર કારને બદલે વધુ એવરેજ આપતી મોટરકાર પસંદ કરવા માંડ્યા. તમે આજે ય જોજો, અમેરિકન કે જર્મન કાર્સ શાનદાર હોઈ શકે, પણ માઈલેજની ગણતરીમાં તો એશિયન બનાવટની કાર જ મેદાન મારી જાય છે. એ સમયે પણ બળતણ મોંઘું થવાથી ગ્રાહકો નાની પણ વધુ માઈલેજ આપતી કાર્સ તરફ વળ્યા. ડેટ્રોઈટની અમેરિકન જાયન્ટ કંપનીઓએ બદલાતા ટે્રન્ડને અનુકૂળ થવામાં મોડું કર્યું અને કાર-બજારમાંથી પોતાનો મોટો હિસ્સો ગુમાવ્યો.

બસ, એ પછી જે પડતી શરૂ થઇ તે સાંપ્રત સમય સુધી ચાલતી રહી. UAWએ ડેટ્રોઈટના કામદારોને સંગઠનશક્તિ આપી અને એમનું જીવન સુધાર્યું, પરંતુ તેની કેટલીક માગણીઓએ કંપનીઓને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં નબળી પાડી, જે ડેટ્રોઈટના કાર ઉદ્યોગના પતનનું એક મહત્ત્વનું કારણ બન્યું. 2008ના આર્થિક સંકટ દરમિયાન GM અને ક્રાઈસ્લર નાદાર થયા ત્યારે UAWએ ઘણા લાભોમાં ઘટાડો સ્વીકાર્યો, જેથી કંપનીઓ બચી શકે. આજે UAW હજુ પણ સક્રિય છે અને ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગમાં કામદારોનાં હિતોનું રક્ષણ કરવા પ્રયાસ કરે છે, પરંતુ તેની સભ્ય સંખ્યા 1970ના દાયકાના 15 લાખથી ઘટીને 2025 સુધીમાં 4 લાખની આસપાસ થઈ ગઈ છે.

બીજી તરફ ડેટ્રોઈટનો કાર ઉદ્યોગ એક સમયનું સ્વર્ગ ગુમાવી દીધા બાદ `પેરેડાઈઝ રિગેન’ની આશા લઈને બેઠું છે. જૂનીને જાણીતી બિગ થ્રી કંપનીઝ સાંપ્રત સમયમાં ઇલેક્ટ્રિક વિહીકલ્સ બનાવવા પાછળ છે. જો બધું સરખું ચાલે તો ડેટ્રોઈટનો સુવર્ણસમય પાછો ફરે ય ખરો!

જો એવું નહિ થાય તો આ શહેર માટે `પેરેડાઈઝ નેવર રિગેન’ નામનું મહાકાવ્ય લખવું પડશે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button