ભાત ભાત કે લોગઃ ટેરિફ વોરથી વર્લ્ડ વોર: અમેરિકા ખરેખર કેટલું પાણીમાં છે?

- જ્વલંત નાયક
આ લખાય છે ત્યારે ખબર છે કે યુરોપિયન યુનિયને 45 કરોડ યુરોપવાસીઓને યુદ્ધની પરિસ્થિતિ માટે તૈયાર રહેવાની સૂચના આપી દીધી છે. આખા યુરોપની કુલ વસતિ આશરે 75 કરોડ જેટલી છે, એમાંથી અડધાથી ય વધુ વસતિને જો યુદ્ધ વેઠવાનું આવે તો આખા યુરોપની શી વલે થાય, એ રામ જાણે! નેતાઓ યુદ્ધની વાતો તો કરે છે, પણ જો ખરેખર મહાયુદ્ધ ફાટી નીકળે તો કેટલા દેશ રણમેદાને દુશ્મનની ઝીંક ઝીલવા માટે સક્ષમ છે?
રશિયા-યુક્રેન પહેલેથી જ ભારે નુકસાન વેઠી ચૂક્યા છે. ચીન પણ જેટલું બહારથી દેખાય છે, એટલું મજબૂત નથી જ. જગત જમાદાર `અંકલ સેમ’ એટલે કે ખુદ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની શું પરિસ્થિતિ છે? તાજેતરમાં જ ડોનલ્ડ ટ્રમ્પે ઈરાનને ઘઘલાવતા કહ્યું કે ઈરાને ક્યારેય જોયા પણ નહિ હોય એવા બોમ્બ અમે ફેંકીશું!
આપણે દાયકાઓથી અમેરિકાને `સુપર પાવર’ તરીકે જોતા આવ્યા છીએ. પણ સાચું પૂછો તો અમેરિકાની હાલત ઘરડા થઇ રહેલા ફિલ્મી સુપર સ્ટાર જેવી છે. કોઈ મોટો ફિલ્મ સ્ટાર વધતી ઉંમરે ય પોતાનો બહોળો ચાહકવર્ગ તો જાળવી શકે, પણ પોતાની વધતી જતી શારીરિક મર્યાદાઓ સામે લાચાર બસ, અમેરિકાની હાલત પણ કંઈક અંશે આવી જ છે. અમેરિકી ઇકોનોમીમાં જે મોટી સમસ્યાઓ છે, એ તો હવે જગજાહેર છે.
એક સમયે વિદેશનીતિને લઈને અમેરિકાના પાળેલા ખાંધિયા તરીકે વર્તનારા યુરોપિયન દેશો સાથેના સંબંધોમાં પણ ટેરિફવોરને કારણે ખટાશ આવી ગઈ છે. પાટું મારવાનો આનંદ પુતિન છોડશે નહીં. ચીન તો આમે ય ટેકનોલોજી સહિતના દરેક મોરચે અમેરિકાને ભરી પીવા બેઠું છે. ભારત એશિયામાં મજબૂત મિત્ર બની શકે એમ છે, પણ ખુદ અમેરિકાની ખોરી દાનત અને ભૂતકાળના અનુભવોને કારણે ભારત પોતે અમેરિકા સાથે સંતુલિત અંતર જાળવી રાખે છે. આ તો થઇ બહારી પરિબળોની વાત, પણ અમેરિકાની ખુદની સેનાની હાલત કેવી છે?
આ પણ વાંચો: ભાત ભાત કે લોગ : જંગી માળખાંગત સુવિધા ભાંગી પડે ત્યારે કેવો વિનાશ સર્જાય?
સૌપ્રથમ એક વાત બહુ સ્પષ્ટપણે સમજી લેવાની જરૂર છે કે આજની તારીખે અમેરિકાનો સીધો મુકાબલો કરવો બીજા કોઈ એકલ-દોકલ રાષ્ટ્ર માટે શક્ય નથી. લશ્કરી તાકાત અને હથિયારોને લઈને ચીન અને રશિયા પણ અમેરિકા સામે ટૂંકા જ પડે. આમ છતાં, અમેરિકાની આ પોલાદી તાકાતમાં ક્યાંક કાટ લાગવાની શરૂઆત થઇ ગઈ છે. જગત આખામાં શસ્ત્રોના સોદાગર તરીકે પંકાયેલું અમેરિકા ખુદ શસ્ત્રોની તંગી વેઠી રહ્યું છે.
ગાઝા અને યુક્રેન મોરચે અમેરિકાનાં ઘણાં શસ્ત્રો વપરાઈ ગયાં છે. અમેરિકન આર્મી માટે આર્ટિલરી બનાવતો સૌથી મોટો પ્લાન્ટ આયોવા (Iowa) ખાતે આવેલો છે. એક અંદાજ મુજબ આ પ્લાન્ટ એક વર્ષમાં જેટલી આર્ટિલરીઝનું ઉત્પાદન કરે છે, એટલી તો યુક્રેન એક મહિનામાં રશિયા સામે ફૂંકી મારે છે! એક તબક્કે તો યુક્રેનને આપવા માટે કેટલાંક શસ્ત્રો અમેરિકાએ બીજા દેશો પાસેથી ખરીદવા પડેલા. ટ્રમ્પે ઓવલ ઓફિસમાં ઝેલેન્સકી સાથે જે તડાફડી કરી, એની પાછળ આવાં કેટલાંક વ્યૂહાત્મક કારણો પણ જવાબદાર છે. યુક્રેન હવે અમેરિકાને ય મોંઘું પડી રહ્યું છે. વાત જો કે માત્ર ટ્રમ્પ કે પછી યુક્રેન-ગાઝા પૂર્તિ જ સીમિત નથી. આ બધું શરૂ થયું એ પહેલાથી જ અમેરિકન શસ્ત્રાગારમાં તંગી જોવા મળી રહી છે.
ગાઝા યુદ્ધ દરમિયાન યમનના હૂતિ બળવાખોરોએ રેડ સી ખાતે નાકાબંધી કરેલી. આ નાકાબંધી તોડવા માટે અમેરિકન નેવીએ કરોડો ડૉલર્સની મોંઘીદાટ Tomahawk મિસાઈલ્સ સેંકડોની સંખ્યામાં વાપરી. એક અંદાજ મુજબ આવી એક મિસાઈલ અમેરિકાને દોઢથી બે મિલિયન ડૉલર્સમાં (આશરે બારથી સત્તર કરોડ રૂપિયા) પડે છે! આમ જગતના દાદા' તરીકેનું પદ જાળવી રાખવા માટે અમેરિકાએ આવા અનેક
નાના-મોટા’ ખર્ચાઓ કરવા પડે છે.
આ પણ વાંચો: ભાત ભાત કે લોગ: એક માતાએ લખ્યું: `બી અ ગુડ બોય!’ ને અમેરિકન મહિલાઓનું ભાગ્ય પલટાઈ ગયું!
-અને હવે થોડી વાત અમેરિકન આર્મીના નોકરિયાત સૈનિકો વિશે. 2017માં અમેરિકન લશ્કરમાં 40,000 યુવાનોને ભરતી કરવાનો ગોલ હતો. એની સામે માત્ર 28,000 યુવાનો ભરતી થયા! (સોર્સ: Army Times વેબસાઈટનો 22 એપ્રિલ, 2018ના રોજ પબ્લિશ રિપોર્ટ) 2018માં પણ આ જ પરિસ્થિતિ ઊભી થઇ. છેવટે 2019માં સરકારે વિશેષ બોનસ અને ઘર નજીકના વિસ્તારોમાં ડ્યૂટી આપવાની જાહેરાત કરી, તેમ છતાં ધારી સંખ્યામાં યુવાનો ભરતી થવા આગળ ન આવ્યા તે ન જ આવ્યા! ઓછી ભરતીને કારણે પેદા થતી વિપરીત અસરો પણ બહુ ઝડપથી દેખાવા માંડી. ન્યૂઝવિક'ના રિપોર્ટ મુજબ 2023માં યુએસ નેવીને મેઇન્ટેનન્સ માટે સ્ટાફ ઘટતો હોવાથી પરિસ્થિતિ કથળી ગયેલી.
ટ્રમ્પ સરકાર એડીચોટીનું જોર લગાવે તો પણ હાલમાં જે ઘટ પડી છે, એની પૂર્તિ કરવામાં અમેરિકન લશ્કરને એક દાયકા જેટલો સમય લાગશે એવું નિષ્ણાતોનું કહેવું છે. પણ યુદ્ધ જેવા આકસ્મિક સંજોગો પેદા થાય તો મોટા પાયે ભરતી અને શસ્ત્રોનું ઉત્પાદન કરી શકાય. વિશ્વયુદ્ધો વખતે અમેરિકાએ પેલું
અંકલ સેમ’ વાળું પોસ્ટર (I want you for US Army) પબ્લિશ કરીને મોટી સંખ્યામાં સૈનિકો તાબડતોબ ભરતી કરેલા. જોકે, યુદ્ધ સિવાયના સંજોગોમાં આવું કરવું શક્ય નથી. સામાન્ય સંજોગોમાં રાષ્ટ્રને મોટી સંખ્યામાં સૈનિકો ભરતી કરવાની જરૂર હોતી નથી. કારણકે સૈનિકોના પગાર અને વિવિધ ભથ્થા, એમને ફાળવવા પડતાં હથિયારો-વાહનો સહિતનાં સંસાધનો તેમજ પેન્શનનો આર્થિક બોજ બહુ મોટો હોય છે. આથી દરેક દેશ જરૂરિયાત મુજબનું લક્ષ્ય નક્કી કરીને દર વર્ષે ભરતી બહાર પાડે છે.
અમેરિકા આજે ય લશ્કરી બાબતોમાં તેમજ વિવિધ સંસાધનોની દ્રષ્ટિએ `સુપર પાવર’ છે, એ સ્વીકારવું જ પડે તેમ છતાં અમેરિકન દળોનું વાસ્તવિક ચિત્ર આપણે ધારીએ છીએ એટલું પ્રભાવશાળી પણ નથી. ટેરિફ વોરનાં પગલે વર્લ્ડ વોરના ડાકલાં વાગી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં પરિસ્થિતિ કેવો વળાંક લેશે એ રામ જાણે.