વીક એન્ડ

ભાત ભાત કે લોગ: એક તસવીર જ્યારે લોહી સૂકવી નાખે છે

  • જ્વલંત નાયક

બાળકને કાટમાળ હેઠળથી કાઢીને રેલવે પ્લેટફોર્મની ધાર પર મૂક્યું એ તસ્વીરે લોકોને હચમચાવી મૂક્યા.
પીઠે બાંધેલા મૃત નાના ભાઈને દફનાવવા માટે પોતાના વારાની રાહ જોતો મોટો ભાઈ…

પરફેક્ટ ફોટોગ્રાફ કોઈ કવિતાથી કમ નથી હોતો અને એટલે જ ફોટોગ્રાફી માટે વિઝ્યુઅલ પોએટ્રી' જેવો શબ્દ વપરાય છે. કવિતારસ કણ હોય, તો એક ફોટોગ્રાફ તમારા અંતરને જનોઈવઢ ઘા મારીને ચીરી શકે છે, જેમકે કેવિન કાર્ટર દ્વારા ઝડપાયેલીધ વલ્ચર એન્ડ ધ લિટલ ગર્લ’ તરીકે જાણીતી તસ્વીર યાદ છે? સુદાનની એક નાની બાળકી ભૂખથી-કુપોષણથી મરી રહી છે અને એનાથી થોડાક દૂર બેઠેલું ગીધ બાળકીના મરવાની રાહ જોઈ રહ્યું છે !. લગભગ દરેક ઈન્ટરનેટ યુઝરે એકાદ વખત તો આ તસ્વીર જોઈ જ હશે. આ તસવીર બદલ ફોટોગ્રાફર કેવિન કાર્ટરને પુલિત્ઝર પ્રાઈઝથી નવાજવામાં આવ્યા , પણ એ સાથે એક પ્રશ્ન પેદા થઇ જાય છે : બાળકી મરી રહી હતી ત્યારે એને બચાવવાને બદલે કાર્ટરે એના ફોટોઝ ખેંચ્યા? આ પ્રશ્ને કાર્ટરને કોરી ખાધો. પ્રાઈઝ મળ્યાના ચારેક મહિનામાં જ એમણે આત્મહત્યા કરી લીધી!

આ પણ વાંચો: ભાત ભાત કે લોગ : જંગી માળખાંગત સુવિધા ભાંગી પડે ત્યારે કેવો વિનાશ સર્જાય?

ઈતિહાસની ઘટનાઓ તસવીરે રે મઢાય, એમ તસવીરો પાછળનો ઈતિહાસ પણ સંવેદનસ્તરો વચ્ચે ક્યાંક કોતરાઈ જતો હોય છે. 1937માં ચીન-જાપાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. આગળ જતા બે દેશ વચ્ચેની આ લડાઈ બીજા વિશ્વયુદ્ધનો હિસ્સો બની. જાપાની સેના શક્તિશાળી હતી. ચીન ઉપરાછાપરી માર ખાતું હતું. ચીનાઓ પીછેહઠ કરતા કરતા શાંઘાઈની વ્હામ્પુ નદી સુધી પહોંચી ગયા. અહીં થાણું નાખીને ચીની સેના બને એટલા જોર સાથે જાપાનનો મુકાબલો કરવા માગતી હતી.

સામે જાપાને જાહેર કર્યું કે 28 ઓગસ્ટ, 1937ના દિવસે અમે વિમાનો દ્વારા બોમ્બાર્ડિંગ કરીને ચીની નાકાબંધીનો ખાત્મો કરી નાખીશું! આ જાહેરાત પછી ચીનાઓ ડરના માર્યા ફફડવા સિવાય બીજું કશું કરી શકે એમ નહોતા, કેમકે ચીનની સરખામણીએ જાપાન બળવાન હતું. જાપાને અગાઉથી જ હુમલાની જાહેરાત કરી દીધેલી એટલે `ઘટના’ને કવર કરવા માટે પત્રકારો ઊમટી પડ્યા.

બીજી તરફ ચીની પ્રજા શહેર ખાલી કરીને દૂરના સ્થળોએ ભાગી જવા માટે ઉતાવળી હતી. હજારો લોકો રેલવે સ્ટેશને ઊભા હતા. પુષો તો ગમે એમ પડતા આખડતા ભાગી શકે, પણ સ્ત્રીઓ અને બાળકોને સ્થળાંતર કરવા માટે ટે્રનની જરૂર હતી.
સાંજે 4.00 વાગ્યે જાપાનીઝ પ્લેન્સ આવી પહોંચ્યા અને બોમ્બાર્ડિંગ કરીને પાછા ફરી ગયાં, પણ અહીં જાપાનીઓએ બહુ મોટી ભૂલ કરી. જાપાનીઓ શાંઘાઈની વ્હામ્પુ નદી આસપાસ ઘેરો ઘાલીને બેઠેલી ચાઈનીઝ સેના પર બોમ્બ ફેંકવાને બદલે ભૂલમાં રેલવે સ્ટેશન પર બોમ્બમારો કરી આવ્યા હતા ! રેલવે સ્ટેશન પર એ વખતે હજારો નાગરિકો શાંઘાઈ છોડી જવા માટે ટે્રનની રાહ જોતા બેઠેલા, જેમાં સ્ત્રી-બાળકોની સંખ્યા વધુ હતી. લગભગ 1,800 નાગરિકો એ સમયે રેલવે સ્ટેશન પર હાજર હતા, જેમાંથી દોઢેક હજાર માર્યા ગયા!

આ પણ વાંચો:ક્લોઝ અપ : સૈનિકોની જેમ પત્રકારોને માથે પણ સતત મોત ભમે છે!

એ વખતે એચ. એસ. વોંગ નામનો ફોટોગ્રાફર ત્યાં હાજર હતો. બચાવકર્મીઓ કાટમાળ હેઠળથી જીવિત હોય એવા સ્ત્રીઓ અને બાળકોને એક પછી એક બહાર કાઢી રહ્યા હતા. એ વખતે થયું એવું કે આવા જ એક બચાવકર્મીએ નાના બાળકને કાટમાળ હેઠળથી કાઢીને રેલવે પ્લેટફોર્મની ધાર પર મૂક્યું. અને તરત બીજા બાળકને બચાવવા નીકળી ગયો. આ દૃશ્ય જોઈ રહેલા વોંગે કેમેરાનું ફોકસ એડજસ્ટ કર્યું અને પ્લેટફોર્મની ધાર પર બેઠેલા પેલા બાળકની તસ્વીર ક્લિક કરી લીધી.

આ એક તસ્વીર કેટલું બધું કહી જતી હતી. થોડી જ મિનિટ્સ પહેલા જે માતાની હૂંફમાં હતું, એ બાળક હવે અનાથ, લાચાર અને નિ:સહાય દશામાં હતું! ઘાયલ બાળકને તાત્કાલિક મદદ કરી શકે એવું ય કોઈ નહોતું. વોંગે આ ક્ષણે જે તસવીર ખેંચી એ છાપામાં પ્રગટ થતાની સાથે જ લોકો હચમચી ઉઠ્યા. માત્ર દોઢ મહિનાના ગાળામાં એ તસવીર વિવિધ માધ્યમોમાં એટલી બધી વખત પુન : પ્રગટ થઈ કે વિશ્વભરમાં લાખો લોકોની નજરે એ ચડી. આ એક તસ્વીરે આખી દુનિયામાં જાપાની સેના વિદ્ધ લોકમત ઊભો કરવામાં સિંહફાળો આપ્યો.

લોકો જાપાની સેના ઉપર ફિટકાર વરસાવવા માંડ્યા. પરિણામે જાપાની સેના એવી ધુંઆપુઆ થઇ કે ફોટોગ્રાફર એચ. એસ. વોંગના માથાસાટે પચાસ હજાર ડોલર્સનું તગડું ઇનામ જાહેર કર્યું. વોંગના જીવ સામે ખતરો પેદા થયેલો જોઈને બ્રિટિશ સેનાએ વોંગને પોતાના તાબા હેઠળના હોંગકોંગમાં આશ્રય આપવો પડ્યો. ત્યારે વોંગ હેમખેમ બચી ગયો. યુધ્ધમાં આખરે જાપાન હાર્યું અને પાછળથી એચ. એસ. વોંગને `એશિયન અમેરિકન જર્નાલિસ્ટ એસોસિયેશન’ તરફથી સન્માનિત કરવામાં આવ્યા.

કદાચ આ વાંચીને જાપાનીઓ પર તિરસ્કાર આવતો હોય તો બીજી એક તસવીર પાછળની કણ કથા પણ જાણી લો.
યુદ્ધ બેધારી તલવાર જેવું હોય છે. અહીં બંને પક્ષે કારી ઘા વેઠવા પડે છે. જાપાને વિશ્વયુદ્ધ દરમિયાન માનવતા કોરાણે મૂકેલી, પણ હિરોશીમા અને નાગાસાકી પર અણુબોમ્બ પડ્યા બાદ ખુદ જાપાની પ્રજાની હાલત કણતા ઉપજાવે એવી થઇ ગઈ હતી. બીજી તસવીર એનો જ બોલતો પુરાવો છે.

નાગાસાકી પર બોમ્બ ઝિંકાયો એ પછી કબ્રસ્તાનમાં લાશોની લાઈન લાગી ગઈ. તસ્વીરમાં દેખાય છે એમ એક નાના બાળકે પોતાની પીઠ પર બીજા એક બાળકને બાંધી રાખ્યું છે. બંને બાળક સગા ભાઈ છે. અહીં આઘાતજનક વાત એ છે કે મોટા ભાઈની પીઠે બાંધેલું બાળક મરી ચૂક્યું છે. અને પરિવારમાં કદાચ બીજું કોઈ પણ નથી બચ્યું. એટલે મોટો ભાઈ એકલો જ નાના ભાઈને દફનાવવા માટે પોતાના વારાની રાહ જોઈને ઊભો છે… એ રડવા નહોતો માગતો એટલે દાંત વચ્ચે હોઠ ભીંસી રાખ્યા છે… એટલી હદે ભીંસેલા કે લોહીનું ટશિયું ફૂટી નીકળ્યું!

તમને નીચોવી નાખે એવી કણતા અને પેલા બાળકના અપાર પૌષના પ્રતીક સમી આ ક્ષણને યુએસ મરિનમાં કામ કરતા ફોટોગ્રાફર જો ઓ’ડોનેલે કેમેરામાં કંડારી લીધી, જે `બ્રધર્સ એટ નાગાસાકી’ નામથી ઓળખાઈ….અને પોતે ખેંચેલી આ એક તસ્વીરને કારણે ફોટોગ્રાફર જો ઓ’ડોનેલ જિંદગીનાં છેલ્લા વર્ષો દરમિયાન ડિપ્રેશનથી પીડાતો રહ્યો!

બીજા શબ્દોમાં કહીએ તો તસવીરોનો પણ એક મૂંગો ઇતિહાસ હોય છે, જે ઈતિહાસની વેદનાઓ લોહી સૂકવી નાખે છે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button