અરાઉન્ડ ધ વર્લ્ડ: જાપાનની અમેયા યોકોચો માર્કેટમાં શું જોવું ને શું ન જોવું…

– પ્રતીક્ષા થાનકી
મારી જાપાનીઝ કોલિગ યુકો દર વર્ષે એકવાર તો જાપાન જરૂર જાય છે. અમે બંને જર્મનીમાં ઇન્ટિગ્રેટ તો થઈ ગયાં છીએ, પણ ત્યાં સાથે પોતપોતાના વતનની વાતો તો થયા જ કરે. ક્યારેક હું તેના માટે ઇન્ડિયન નાસ્તો ચાખવા લઈ જાઉં, ક્યારેક તેે મારા માટે મિલ્ક કેન્ડી લઈને આવે. તે રીતે પહેલી વાર હાકાઇડો મિલ્કની કેન્ડી ખાવા મળી હતી. ત્યારથી વિચારેલું કે ક્યારેક તો હાકાઇડો મિલ્ક ચાખવું જ પડશે. જાપાનમાં દૂધ પીવાનો એક પણ મોકો હું ચૂકી નહીં.
વિગન થઈ રહેલા જમાનામાં લોકો વટાણાથી લઈને ચોખા, ઓટ્સ અને કાજુ અને શક્ય છે તે દરેક દાણામાંથી દૂધ કાઢીને વેચે છે. એવામાં ખં દૂધ મજેથી માણવા મળે તો કોને મજા ન પડે. વળી જાપાનમાં દૂધ બરાબર ઇન્ડિયાની જેમ જ મળે છે.
અલગ અલગ ફલેવરનું દૂધ બોટલ્સમાં એવી રીતે મળે છે કે રસ્તામાં જતાં કોલ્ડ્રિક્સની જેમ લોકો દૂધ પીવા પણ ઊભાં રહે છે. વળી અહીં વધુ એક મજાની વાત એ દેખાઈ કે અહીં દૂધ કે પછી પીણાં ફ્રિજમાં રાખેલાં અને ઠંડા તો મળતાં જ હતાં, પણ ગરમ બોટલ્સને ગરમ રાખે તેવાં હીટેડ શેલ્ફ પણ હતાં. ઓટોમેટેડ વેન્ડિગ મશીનમાંથી પણ ઘણી વાર ગરમ દૂધ અને ચા મળી જતાં. જાપાન ખરેખર અનોખું છે તે લગભગ દર થોડી મિનિટોએ અનુભવી શકાતું હતું.
આ પણ વાંચો…અરાઉન્ડ ધ વર્લ્ડ : ઉએનો પાર્ક – જાપાનીઝ બ્લોસમ્સની પહેલી ઝલક…
ઉએનો પાર્કમાંથી બહાર નીકળીને અમે કુમારના મેપ પરના આગલા ટેગ તરફ નીકળી પડ્યાં. કોઈ પણ આધુનિક પ્રવાસીની માફક તેની પાસે ટોક્યોના મેપ પર જ્યાં પણ જવાનું હતું તે સ્થળોનો ટેગ કરેલો ગ્ૂાગલ મેપ હતો. તેમાં નજીકમાં જ અમેયા યોકોચો માર્કેટ દેખાઈ રહી હતી. ત્યાં માંડ દસ મિનિટમાં ચાલીને પહોંચવાનું હતું. ઉએનો સ્ટેશન પરથી પહેલાં ગરમ દૂધ લઈને અમે ઠંડીમાં આવી જગ્યાએ ઝડપથી આવતાં જતાં લોકોને જોતાં ખૂણામાં ઊભા રહીને દૂધ પીવા સાથે જાપાનીઝ કલ્ચરની ચર્ચા કરતાં હોઈશું એ કલ્પના કદી નહોતી કરી. જાપાનનો પ્લાન અમારા બાકીના પ્લાનના પ્રમાણમાં જરા સ્પોન્ટેનિયસ હતો.
ઉએનો સ્ટેશન પણ બાકીનાં ટોક્યો સ્ટેશનોની માફક દરેક પ્રકારના સ્ટોર્સ અને રેસ્ટોરાંથી ભરચક હતું. અહીં યુરોપિયન અને અમેરિકન ક્લચરની માફક ચાલતાં ચાલતાં ખાવા-પીવાનું સ્થાનિકોને પસંદ નથી, એટલે ટૂરિસ્ટ પણ ભાગ્યે જ એવું કરતાં દેખાય છે. દૂધ પૂં થયું એટલે કાફેમાં બોટલ્સ પાછી આપી અમે અમેયા યોકોચો માર્કેટ તરફ નીકળ્યાં.
મારા મગજમાં ફલી માર્કેટ હતી, પણ આ સ્તરની નહીં. એટલું જ નહીં, અહીં ભીડ પણ કલ્પના બહારની હતી. જ્યાં પણ જુઓ ત્યાં સ્ટોર્સ, બૂથ્સ, કાર્ટમાં અલગ અલગ પ્રકારની ચીજો વેચાતી હતી. વળી તે ચીજો વચ્ચે કોઈ થીમ પણ ન હતી. બરાબર બેકરી, સી-ફૂડ સ્ટ્રીટ ફૂડની વચ્ચે સેક્નડ હેન્ડ હાઇ એન્ડ બ્રાન્ડ્સનો સેક્નડ હેન્ડ સ્ટોર પણ હતો. ત્યાં લૂઈ વિત્તોં, એર્મેઝ, શેનેલ વગેરે બ્રાન્ડ્સની યૂઝ્ડ ચીજો વેચાતી હતી. જાપાનનું સેક્નડ હેન્ડ બ્રાન્ડેડ માર્કેટ પણ ઘણું લોકપ્રિય છે. એવામાં હવે તો ટેરિફસના લફરા પછી, હજારો ડૉલર્સમાં મળતાં બ્રાન્ડેડ પર્સ અને કપડાં કઈ રીતે સસ્તામાં ચાઈનામાં બને છે તેના વીડિયોઝ જોઈને લાગે કે ખરેખર બ્રાન્ડ્સનું માર્કેટિગ દુનિયાના મગજમાં એવું ઘર કરી ગયું છે કે એસ્પિરેશનલ લોકો તેને કોઈ પણ રીતે મેળવવાના વિચારોમાં રહે.
આ પણ વાંચો…અરાઉન્ડ ધ વર્લ્ડ: જાપાનમાં કોન્બિની એટલે કે કન્વિનિયન્સ સ્ટોરની બોલબાલા…
અમે અમેયા યોકોચોને માત્ર એક ટૂરિસ્ટી સ્થળ તરીકે જોવા ગયેલાં. ત્યાં ન કશું ખાવાનો પ્લાન હતો, ન કશું ખરીદવાનો. જોકે એક પછી એક ઇન્સ્ટાગ્રામ ફેમસ કાફે અને રેસ્ટોરાંની આગળ લાઇનો વટાવતાં લાગ્યું કે વધુ પડતાં કૂલ થવામાં કશું અનોખું મિસ ન થઈ જાય.
ટોક્યો આખું એવી વાનગીઓથી ભરેલું છે કે કશું સોશિયલ મીડિયા પર ફેમસ હોય એટલે તેને ટ્રાય કરવા લાઈનમાં ઊભા રહેવું જરા પણ જરૂરી નથી. અમે પૂરતું રિસર્ચ કરી, અમારી પોતાની પસંદગી મુજબની ખરી મજા આવે તેવી જગ્યાઓ માટે જ પ્લાન બનાવેલો.
માર્કેટમાં સી-ફૂડ માટે લલચાઈ જવાય તેવું જરૂર હતું. અંતે એક માચા આઇસક્રીમ પાસે તો કશું ન ખાવાનો નિર્ણય ન જ ચાલ્યો અને અમે ટ્રિપનો પહેલો માચા આઇસક્રીમ ચાખ્યો. હવે જ્યાં દૂધ મજેદાર હોય, ત્યાં આઇસક્રીમ પણ સારો હોવાનો જ ઉએનો સ્ટેશને ચાલુ કરેલું અને જોતજોતામાં ઓકાચીમાચી સ્ટેશન આવી ગયેલું. અહીં સ્થાનિક અને ચાઇનીઝ ચીજોનું મિશ્રણ હતું. એક જમાનામાં આ માર્કેટ અમેરિકા યોકોચો તરીકે જ ઓળખાતી, કારણ કે ત્યાં અમેરિકન ચીજો મોટી સંખ્યામાં મળતી. ખાસ બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાનો સરપ્લસ માલ અહીં આવતો. હવે અમેરિકન તો ખાસ દેખાયું નહીં, ચાઇનીઝ ચીજો ભરપૂર હતી. વિશ્વયુદ્ધ દરમ્યાન અહીં બ્લેક માર્કેટ અને ચોર બજાર રહૃુાં હોવાની વાત છે.
સિત્તેર અને એંશીના દશકમાં જાપાનની ઇકોનોમી વિકસવાની સાથે જ આ માર્કેટમાં ચીજોનું વૈવિધ્ય વધી ગયું. પણ હવે તો ત્યાં દુનિયાભરનાં લોકોને ખરીદી કરવા મજૂબર થઈ જવાય તેવાં ઓપ્શન જોવા મળી જાય. આજે તો ત્યાં બાર્ગ્ોનિંગ પણ થતું હોવાની વાત છે. જોકે તેના માટે જાપાનીઝ આવડવું જરૂરી છે.
અહીં ખરીદીના પ્રમાણમાં ખાણીપીણી પર વધારે જોર હતું. ટેપિયોકા મિલ્કનું ડ્રિંક, સી-ફૂડ બૉલ, અને સ્થાનિક વાનગી ટાકોયાકી, આ બધું ચાખ્યા પછી લાગ્યું કે અહીં પહેલેથી કંટ્રોલ રાખીને ન ફર્યાં હોત તો કદાચ સાંજ સુધી અહીં જ રહેવું પડ્યું હોત. અહીં જ પહેલી તૈયાકી પણ ખાવા મળી હતી.
વળી જ્યાં પણ જાઓ ત્યાં ખાસ જાપાનીઝ સ્ટાઇલનાં એનિમેટેડ આઇકોન્સવાળાં ચિત્રો અને લાઉડ એનાઉન્સમેન્ટ સતત સાથે ચાલતાં હતાં. ખરેખર ભીડ અને ઘોંઘાટ કોઈ ભારતીય શહેરની માર્કેટ જ યાદ અપાવે તેવો હતો. માત્ર ધૂળ, કચરાનો અભાવ અને ઠંડકવાળા વેધરનો તફાવત હતો.
ઉએનો પાર્કથી અમેયા યોચોકો આવતાં હજી લંચ ટાઇમ માંડ થયો હતો. જાપાનનો દરેક કલાક કોઈ અલગ અનુભવ લઈને આવતો હતો.