અરાઉન્ડ ધ વર્લ્ડ: ટોક્યોમાં પહેલી સાંજ ને લાલ ટાવર…

- પ્રતીક્ષા થાનકી
ટોક્યો એરપોર્ટ પર `વેલકમ ટુ જાપાન’ કોલાજનો ફોટો પાડ્યા પછી સીધું બાથરૂમ જવાનું થયું અને બીજો ફોટો સીધો ત્યાંનાં લેડીઝ ટોયલેટની ફેન્સી પેનલનો પાડવો પડ્યો. જાપાનનાં ફેન્સી ટોયલેટ્સ વિષે ઘણું સાંભળવામાં આવ્યું હતું, પણ તે સીધાં એરપોર્ટ જેવી પબ્લિક સ્પેસમાં મળી જશે તેની કલ્પના ન હતી. આજકાલ ભારતીય એરપોર્ટ પર પણ ક્લિન ટોયલેટ્સ તો મળી જ જાય છે. મોટાભાગનાં મોટાં શહેરોનાં ભારતીય એરપોર્ટ ફર્સ્ટ વર્લ્ડ અનુભવ કરાવે જ છે. હા, એરપોર્ટની બહારની વાતમાં ન પડીએે તો સાં. જોકે જાપાન તો જાણે એક સદીથી ટોયલેટ્સની ટેકનોલોજીથી ઓબસેસ્ડ હોય તેવું લાગતું હતું. જાપાન જેવાં ટોયલેટ્સ બીજે ક્યાંય મળવાની શક્યતા પણ નથી. આમ તો દુનિયામાં ક્યાંય પણ જાપાનીઝ ટોયલેટ ખરીદીને ઇન્સ્ટોલ કરાવી શકાય, પણ જાપાનમાં દરેક ટોયલેટ ખરેખર આ લેવલ પર જાપાનીઝ હશે તે પણ નહોતું ધાર્યું.
પાણી અને ટોયલેટ સીટનું ટેમ્પ્રેચર અને વોટર પ્રેશર એડજસ્ટ કરી શકાય, એર ફ્રેશનર, મ્યુઝિક, સીટ હીટિગ, લશ સેન્સર, બધી સગવડની સામે ટોયલેટ પેપર્સ પ્રમાણમાં સાવ પાતળા હોય છે. માત્ર સુવિધાની દૃષ્ટિએ જ નહીં, ત્યાં સ્વચ્છતાની દૃષ્ટિએ પણ અલગ જ સ્તરનો માહોલ હતો. ખાસ કરીને ટોયલેટ ક્લિન રાખવા બાબતે જાણે આખો દેશ અત્યંત ઓબસેસ્ડ હોય તેવું લાગતું હતું.
આ પણ વાંચો: અરાઉન્ડ ધ વર્લ્ડ : બેઇજિંગ ઍરપૉર્ટ એશિયાનાં વૈવિધ્ય માટે તૈયાર…
તેની પાછળ કદાચ ત્યાંનો શિન્ટો ધર્મ પણ જવાબદાર હોઈ શકે. ત્યાં પ્રવેશતાંની સાથે જ દેશના હાયજીન અને પ્રાઇવેટ સ્પેસ ડિગ્નિટીની ઝલક તો તરત જ મળી ગઈ. તે પછી લાઇન લગાવવાનો વારો હતો. અહીં દરેક જગ્યાએ લાઈનમાં ઊભા રહેવું પડે તે તો ખબર હતી, પણ અહીંની લાઇનો કેટલી ઓર્ગ્ોનાઇઝ્ડ હતી એ કલ્પના નહોતી.
નારીટા એરપોર્ટ જરા શહેરની બહાર હતું. ટોક્યોથી વધુ નજીક હાનેડા એરપોર્ટ પણ છે. અમને અનુકૂળ આવતી ફ્લાઇટ નારીટા લઈને આવી હતી. અહીંથી સેવન-ઇલેવન એટીએમથી કેશ વિથડ્રો કરી અને હવે બસ પર સવાર થવાનો વારો હતો. બસમાં જે સ્લાઇડરથી સામાન મૂકવામાં આવતો હતો તે જોઈને ત્યાંનાં હાર્ડવેર અને ટેકનોલોજીથી ઇમ્પ્રેસ થયા વિના રહી શકાય તેમ ન હતું. બસ પર વાઇફાઈ ઘણું સ્ટ્રોંગ હતું. ખાસ તો નવા દેશમાં ફોનનો સ્ક્રીન જોયા કરવાને બદલે બારીની બહાર જોવાનું અઘં પડે તેમ હતું. એવામાં મન મક્કમ કરીને ફોન બંધ જ રાખ્યો. બહાર ટોક્યોનાં પરાં પાસેનાં ગામ, ખેતરો, ઘરો, હાઇવે, બ્રિજ,બધું કોઈ અલગ દુનિયાનું લાગતું હતું. અને થોડી જ મિનિટોમાં ગીચ બહુમાળી ઇમારતોથી લદાયેલું ટોક્યો આવી જ ગયું.
બસે અમને ટોક્યો મેઇન સ્ટેશન પર ઉતાર્યાં. અહીંથી ટેક્સી કરીને અમારે રોપોન્ગી હિલ્સ જવાનું હતું. અમારી હોટલ રોપોન્ગી સ્ટેશનથી સાવ નજીક હતી, પણ પહેલા દિવસે સામાન સાથે ટોક્યોની અન્ડરગ્રાઉન્ડને સર કરવા માટે હજી અમે તૈયાર ન હતાં. તે દિવસે હજી સ્ટેશનને બહારથી જ જોવાનું હતું. અને ઓલરેડી મગજ ચકરાવે ચડી જાય તેવી ભીડ, રંગો, ક્યુટ આઇકોનોગ્રાફી, અને અનોખા પ્રકારનો સેન્સરી ઓવરલોડ ફીલ થતો હતો. કોણ જાણે કેમ, અહીં મગજ સતત વ્યસ્ત રહે તેવાં દૃશ્યોની જરાય કમી નહોતી લાગતી. મોટાભાગની ટેક્સીમાં સ્ક્રીન સાથે સતત જાહેરાતો ચાલતી રહેતી હતી. રોપોન્ગી હિલ્સ વિસ્તાર તરત આવી ગયો અને ટોક્યોના સાંજના ઓફિસ રશને અમે તે દિવસ પૂરતાં તો ટપાવી ગયાં હતાં.
હોટલ પર રૂટિન સુવિધાઓ સાથે ઓરીગામી અને જાપાનીઝ આલ્ફાબેટ `કાન્જી’ શીખવા માટેની શક્યતા પણ હતી. અમે છેલ્લા દિવસે તેનો પણ લાભ લઈ લીધો હતો. જોકે તે પહેલી સાંજે અમે આટલો નાનો રૂમ આટલો સજ્જ કઈ રીતે હોઈ શકે તે વાત પર રહૃાાં ત્યાં સુધી નવાઈ લગાડી. અમે તો પણ 12 સ્કવેર મીટરનો પૂરતો રેકટેન્ગલ રૂમ બૂક કરેલો, બાકી ઘણાં રૂમ તો માત્ર પોડ જેવાં હોય છે, જેમાં રેલ બર્થ જેટલી જ જગ્યા હોય. અહીં અટેચ્ડ બાથરૂમ અને અલગ ટોયલેટ વચ્ચે અમને જગ્યાનો ખાસ અભાવ ન લાગ્યો. અમેરિકા જેટલી જગ્યાની જાહોજલાલી ન હતી, પણ જાપાનની કુખ્યાત સાંકડનો અનુભવ કરવાની અમારી જરાય ઇચ્છા ન હતી.
રોપોન્ગીમાં સાંજે જમવા ક્યાં નીકળીશુંની વાત ચાલી. ઠંડી ખાસ્સી હતી. એવામાં ગરમાગરમ રામેન સૂપની ક્રેવિંગ થઈ આવી. અમારો કસ્ટમાઇઝ્ડ ગ્ૂાગલ મેપ આખા શહેરનાં ખાવાલાયક રેસ્ટોરાંનાં બુકમાર્કથી ચમકી રહૃાો હતો. અમે ત્રણ ઓપ્શન સાથે હોટલની બહાર નીકળ્યાં. એક મજેદાર રામેન રેસ્ટોરાંમાં પ્રવેશ્યાં. થોડી વાર વેઇટિગમાં અમને પ્રાઇવેટ બૂથમાં એક એક કરીને રામેન ટોપિંગ બિલ્ડ કરવા મળ્યાં. આટલી સ્વાદિષ્ટ રામેન પહેલાં કદી હાથ નહોતી લાગી. આવ્યાં ત્યારે નૂડલ્સ, સૂપ અને ટોપિંગ સાથે બાઉલ્સ અત્યંત મોટાં લાગતાં હતાં. થોડી જ પળોમાં ક્યાં ખાવાનું ગાયબ થઈ ગયું ખબર પણ ન પડી.
આ પણ વાંચો: ભાત ભાત કે લોગ : જંગી માળખાંગત સુવિધા ભાંગી પડે ત્યારે કેવો વિનાશ સર્જાય?
તે પછી અમે રોપોન્ગીમાં એક નાનકડી લટાર મારવાનું વિચાર્યું. હોટલથી સૌથી નજીકનું મોન્યુમેન્ટ હતું ટોક્યો ટાવર. અમે નકશામાં ટોક્યો ટાવર નજીક છે તે ખાતરી કરવા ગયાં તે પહેલાં તો ગલીના છેડે ચળકતો લાલ અને સફેદ ટાવર નજરે પડી ગયો. ત્યાંથી જ ફોટા પાડવાનું ચાલુ થઈ ગયું. જોકે તે લાગતો હતો એટલો નજીક ન હતો. છતાંય થોડી જ વારમાં ટાવર નજીક આવી ગયો. આસપાસની કાચની હાઇરાઇઝમાં લાલ ટાવરના પડછાયા દેખાવા લાગ્યા હતા. દરેક દિશાથી આ ટાવર જોઈને ઉપર જવું કે નહીં તે ચર્ચા ચાલી.
ફરી ક્યારેક દિવસમાં ઉપર જતી લિફ્ટ લઈશું, ત્યાંથી ચોખ્ખા દિવસે માઉન્ટ ફુજી દેખાવાની પણ વાત છે. તે રાતે તો ટોક્યો ટાવરથી નજર અને મન બંને ભરાઈ ગયાં હતાં. હજી તો અહીં માંડ એક સાંજ વીતી હતી. પહેલી સાંજે જ એક વાત નક્કી લાગતી હતી, આ શહેરમાં તો વારંવાર આવવું પડશે.