અરાઉન્ડ ધ વર્લ્ડ : ઉએનો પાર્ક – જાપાનીઝ બ્લોસમ્સની પહેલી ઝલક…

પ્રતીક્ષા થાનકી
ટોક્યોનો પહેલો દિવસ ત્યાંની કલાએ ટેકઓવર કરી લીધો હતો, એટલે અમે બીજા દિવસે ત્યાંનાં કુદરતી અને સાંસ્કૃતિક સ્થળો પર ફોકસ કર્યું. પ્લાનિંગ કરતી વખતે ખબર તો હતી કે અહીં ઘણું ચાલવું પડશે, પણ દિવસનાં ત્રીસ હજાર સ્ટેપ્સ પહોંચ્યા પછી લાગ્યું કે હવે જરા માઇન્ડફુલ બનીને પ્લાન કરવું પડશે. અમે માર્ચના પહેલા અને બીજા વીકમાં ત્યાં હતાં એટલે હજી ક્યોટોનાં સકુરા બ્લોસમ્સને વાર હતી, પણ પ્લમ બ્લોસમ્સ તો આવી જ ગયાં હતાં. હોટલ પર લોકલ છાપાંમાં આગલા દિવસે પાડેલી ઉએનો પાર્કની તસવીરો જોઈને લાગ્યું કે સીધું ઉએનો પાર્ક જવું જોઈએ. સવારમાં ત્યાંની ખ્યાતનામ તૈયાકી એટલે કે સ્ટફ્ડ પેન કેકનો નાસ્તો કરીને એનર્જી હાઈ હતી. અમે હાકાઇડો મિલ્ક પણ લીધું હતું. તેના પરથી સમય મળે તો અહીં મિલ્ક ટેસ્ટિગ કરવાનો પ્લાન પણ બનાવી લીધેલો. ત્યાંની સાકે, સોચુ, વિસ્કી એવાં ઘણાં જાપાનીઝ ડ્રિંક્સ જાણીતાં છે, પણ ખરેખર ત્યાંનું સૌથી મજેદાર ડ્રિંક ત્યાંનું દૂધ છે. દૂધ અને જાપાનીઝ પેનકેકની એનર્જી અમને રોપોન્ગીથી છેક ઉએનો પાર્ક લઈ આવી.
ઉએનો પાર્ક જવામાં ટોક્યોના વોર્ડ્સ વિષે પણ જાણવા મળી ગયું. આપણને તો ટોક્યો એક જ શહેર હોય તેવું લાગે, પણ ટોક્યોમાં કુલ 23 વોર્ડ્સ છે. રોપોન્ગી મિનાટો વોર્ડમાં છે. જિબલી મ્યુઝિયમવાળો મિતાકા વિસ્તાર પણ એક વોર્ડ જ છે. ઉએનો પાર્ક ટાઇતો વોર્ડમાં છે. રોપોન્ગીથી ટાઇતો પહોંચવામાં ચાર વોર્ડ પાર કરીને જવું પડે તેવું હતું. અમે ઘણો બધો સમય અન્ડરગ્રાઉન્ડ સ્ટેશનમાં ચાલવામાં અને ટે્રનમાં ઊભાં રહેવામાં વિતાવ્યો, પણ આખરે ઉએનો પાર્ક આવ્યો ખરો, અને અંદર જવા માટે ઘણાં પગથિયાં ચઢવા પડ્યાં. ત્યાં હજી બ્લોસમ્સ તો એટલાં ન હતાં, પણ લોકોની ભીડ જરૂર જામી ગઈ હતી. 1873માં બનેલો આ પાર્ક ટોક્યો શહેરનો પહેલો પબ્લિક પાર્ક હતો.
ટોક્યો પર મેઇજી શાસન દરમ્યાન આ પાર્કને તેનું આજનું સ્વરૂપ મળ્યું હતું. બાકી એક સમયે આ પાર્ક માત્ર કાનાઇજી મંદિરનો ભાગ હતો. સમય સાથે આ પાર્ક હવે વધુ પડતો વેસ્ટર્ન સ્ટાઇલનો બની ગયો છે એવું સ્થાનિક લોકોને લાગે છે. ટૂરિસ્ટ માટે ભલભલા દેશોનું કલ્ચર હોમોજિનાઇઝ થઈ રહૃુાં છે. જાપાને હજી શક્ય હોય એટલું આગવું કલ્ચર જાળવી રાખ્યું છે. તો પણ લોકોને તો લાગે છે કે અહીં ઘણું વેસ્ટર્નાઇઝેશન થઈ રહૃુાં છે. અમે પ્લમ બ્લોસમ્સને ફોલો કરતાં ગયાં અને એક શ્રાઇન આવી ગઈ. ત્યારે ખબર ન હતી કે એ જ કાનાઇજી મંદિર છે.
આખું જાપાન આવાં શ્રાઇન અને મંદિરોથી ભરેલું છે. આ બૌદ્ધ મંદિરમાં બુદ્ધના માત્ર ચહેરાની પ્રતિમા છે, આખું માથું પણ નહીં, માત્ર મુખોટા જેવું. બુદ્ધની આવી પ્રતિમા બીજે ભાગ્યે જ ક્યાંય હોય તેવું લાગ્યું. છેક 1632માં બનેલી આ પ્રતિમા પહેલાં આખા શરીરની હતી, પણ અવારનવાર આવેલા ભૂકંપ પછી હવે માત્ર ચહેરાનો આ હિસ્સો જ બચ્યો હોવાની વાત છે. આ શ્રાઇનમાં જઈને કઈ રીતે દર્શન કરવાં તે પણ ઇન્ટરનેટ પરથી જ જાણવા મળેલું. પણ આગળ જઈને પાંચ-છ દિવસ પછી હિમેજી કાસલમાં એક સ્થાનિક હિસ્ટ્રી ટીચર પાસેથી ખરેખર અહીં કઈ રીતે દર્શન કરવાં એ લાઇવ શીખવા મળેલું. તે સમયે તો અમે નવાઇથી જે પણ દેખાતું હતું તેના ફોટા પાડીને આગળ ચાલવા માંડતાં.
આ પણ વાંચો…અરાઉન્ડ ધ વર્લ્ડ: જાપાનમાં કોન્બિની એટલે કે કન્વિનિયન્સ સ્ટોરની બોલબાલા…
પાર્કમાં એક ઝૂ પણ છે, અને મજાની વાત એ છે કે જાપાનનું આ પહેલું ઝૂ છે. પાર્કમાં ટોક્યો હિસ્ટ્રી મ્યુઝિયમ અને મેટ્રોપોલિટિન આર્ટ મ્યુઝિયમ પણ છે. તે દિવસે અમે મ્યુઝિયમ તરફ તો જવાનાં નહોતાં. જોકે બહાર ફરવા માટે માહોલ જરા ઠંડો હતો. અમે આટલી બધી ઠંડી હશે એ પણ નહોતું ધાર્યું. તેમાંય વરસાદ પડવા લાગ્યો ત્યારે એક સમયે તો ઇચ્છા થઈ પણ ગઈ કે કોઈ મ્યુઝિયમમાં અંદર જઈએ. પછી કાફેમાં ગરમ માચા ટી સાથે કલ્ચરનો આનંદ લઈ લીધો. જોકે એક લોકલ ગાઇડે તો અમને એ પણ કહૃુાં કે માચા કંઈ અહીંની સંસ્કૃતિનો ભાગ નથી. અહીં ટૂરિસ્ટોએ માચાને જાપાન સાથે જોડી દીધું છે. માચા હવે તો જાપાન સાથે એવું જોડાઇ ગયું છે કે લોકો ભૂલી ગયાં છે કે તે મૂળ ચાઇનાનું છે. હવે જાપાન અને ચાઇના વચ્ચે કલ્ચરલ વિવાદ કયા સ્તરનો હોઈ શકે તે પણ ત્યાં જઈને જ ખબર પડી. ત્યાં અમે ખાસ કશું મેડ-ઇન-ચાઇના ન ખરીદવા માટે પણ સજ્જ હતાં. જાપાન જઈને તો મેડ-ઇન-જાપાન ચીજો જ લેવી રહી.
ઉએનો પાર્કમાં કુલ 1000થી વધુ ચેરી અને પ્લમ ટ્રીઝ છે. બધાંની ખરી જમાવટ તો એપ્રિલમાં થાય છે. અમે માર્ચમાં ત્યાં ઊભાં રહીને એપ્રિલમાં આ કળીઓ કેવી ખીલશે તેની કલ્પના કરતાં હતાં. આ જ ફૂલો અમને જર્મનીમાં જોવા મળી જ જાય છે. મજા માત્ર એક સાથે 1000 જેટલાં વૃક્ષો પર આ ફૂલો જોવાની હતી. અમે માત્ર કળીઓ જોઈને તે સમયે સંતોષ માની લીધો હતો. ત્યારે જ ધક્કામુક્કી થઈ જાય એટલી ભીડ હતી, એટલે અમને અહીં પીક સીઝનમાં આવવાની ઇચ્છા પણ નહોતી થતી. ખ્યાતનામ સામુરાય સાઇગો તાકામોરીના સ્ટેચ્યૂને કોઈ સીઝનની જરૂર ન હતી. તેનો પણ ફોટો તો પાડ્યો જ. બરાબર શ્રાઇનને અડીને શિનોબાઝુ તળાવ હતું. ત્યાં પણ સીઝનમાં કમળ ખીલે ત્યારે કેવું લાગતું હશે તેની કલ્પના કરી. જોકે તળાવને ફરતે ગુલાબી પ્લમ બ્લોસમ્સ આવી ચૂક્યાં હતાં. તેની કલ્પના કરવાની જરૂર ન હતી.
જરા ઢાળ પર આવેલા આ પાર્કને સ્થાનિકો માઉન્ટ ઉએનો પણ કહે છે. ખાસ તો ઢોળાવના પાર્ક પરથી આસપાસના વિસ્તારનો પેનોરમા પણ માણી શકાય છે. આખો પાર્ક મ્યુઝિયમ્સથી ભરેલો છે. તેમાં એક શિતામાચી મ્યુઝિયમ પણ છે, ત્યાં એક સાધારણ કામ કરનાર જાપાનીઝ કઈ રીતે રહે છે અને તેનું ઘર કેવું હોય છે તે જાણવા મળે છે. ઉએનો પાર્કનાં દરેક એટે્રક્શન સુધી તો અમે પહોંચી શકવાનાં ન હતાં. માંડ ચાર-પાંચ કલાકમાં પાર્કનો પૂરો આંટો અને મંદિર જોઈ શકાયું. માત્ર આ પાર્કમાં જ અઠવાડિયું વિતાવી શકાય એટલું વૈવિધ્ય છે. ટોક્યોમાં પ્લાન કરેલું અઠવાડિયું અચાનક જ સાવ નાનું લાગવા માંડેલું.
આ પણ વાંચો…અરાઉન્ડ ધ વર્લ્ડ: ટોક્યોમાં પહેલી સાંજ ને લાલ ટાવર…