વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડ: જાપાનમાં કોન્બિની એટલે કે કન્વિનિયન્સ સ્ટોરની બોલબાલા…

  • પ્રતીક્ષા થાનકી

જાપાનની પહેલી રાત્રે ટોક્યો ટાવર સુધી ચાલીને જવામાં અને પાછાં આવવામાં રસ્તામાં દર થોડાં પગલે એક કન્વિનિયન્સ સ્ટોર નજરે પડ્યો હતો. ગરમાગરમ, તીખી તમતમતી રામેન ખાધા પછી કંઇક ઠંડકવાળું સ્વીટ ખાવા માટે આ સ્ટોરનો ઉપયોગ કરીશું એમ વિચારેલું. રાત્રે ટોક્યો ટાવરની ફોટોગ્રાફી કરવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ટ્રાઇપોડથી રસ્તો રોકીને બેઠાં હતાં. ક્યાંક રીલ્સ અને ટિકટોક બની રહૃાાં હતાં. એવામાં સેંટ એન્ડ્રુઝ ચર્ચ પાસેથી ટાવરનો મસ્ત વ્યુ આવતો હતો. તે રાત્રે વળી ફુલ મૂન સાથે ટાવરની ફોટોગ્રાફી થાય તેમ હતું, એટલે પબ્લિકને તે દિવસે ખાસ ટાવરને કેેમેરામાં કેદ કરવાનું ઘેલું લાગ્યું હોય તેવું લાગતું હતું. એવામાં ટાવરને જોવા સાથે નજર એક નાનકડાં ચર્ચ પર પણ પડી.

આ સેંટ એન્ડ્રુઝ ચર્ચ થોડું આઉટ-ઓફ-પ્લેસ અને નાનકડું લાગતું હતું. આમ પણ જાપાન તેનાં મંદિરો અને મોનાસ્ટરી માટે જાણીતું છે, પણ અહીં ઓછી સંખ્યામાં થોડાં ખ્યાતનામ ચર્ચ પણ છે. બહુમાળી ઇમારતો, ચળકતો આખો ચાંદો, લાલ ટોક્યો ટાવર અને 1870ના દશકમાં બનેલું આ ચર્ચ, આખાય રોપોન્ગી વિસ્તારના આ સુંદર ખૂણાને વધુ સુંદર બનાવે છે.

હજી એપ્રિલમાં તો અહીં સ્પ્રિંગ બ્લોસમ પણ ઉમેરાય છે, એટલે રાતના ચાંદાને બદલે દિવસનાં ફૂલોનાં રંગો આવી જાય. ત્યાંથી ચાલીને હોટલ તરફ પાછાં જતાં પહેલાં એક ફેમિલી માર્ટ આવી. તે પછી લૉસન આવી. તે પછી એક સેવન-ઇલેવન આવી. થોડે આગળ જઈને વધુ એક ફેમિલી માર્ટ અને સેવન-ઇલેવન આવી. આમ આમ કરતાં, માહિતી મળી કે આખાય જાપાનમાં બાવીસ હજાર જેટલી સેવન-ઇલેવનની દુકાનો છે. તેને મિની સુપરમાર્કેટ કે કન્વિનિયન્સ સ્ટોર કહી શકાય. જાપાનીઝ તેને કોન્બિની કહીને બોલાવે. જે પણ જોઇએ તે આ ચોવીસ કલાક ખુલ્લી રહેતી કોન્બિનીમાં મળી જાય.

આ પણ વાંચો: અરાઉન્ડ ધ વર્લ્ડ: ટોક્યોમાં પહેલી સાંજ ને લાલ ટાવર…

જાપાન જવાની તૈયારી દરમ્યાન પણ ત્યાંના કન્વિનિયન્સ સ્ટોર વિષે ઘણા આર્ટિકલ અને વીડિયો ધ્યાનમાં આવેલા. ખાસ કરીને ત્યાંની સ્ટ્રોબેરી એન્ડ ક્રીમ સેન્ડવિચ, એગ સેન્ડવિચ, વિવિધ શેપમાં બનતી સ્ટફ્ડ પેનકેક્સ, પુડિગ્સ, અનોખા ફ્લેવર અને એસ્થેટિક શેપવાળી આઇસક્રીમ અને દુનિયાભરની કેક્સ, જાપાનમાં ખરેખર કન્વિનિયન્સ સ્ટોરની સ્વીટ્સની એક અલગ જ ફેનક્લબ છે. વળી દરેક સ્ટોરની આગવી વાનગી વખણાય એ પણ ખં.

બધે જ ત્યાંની સ્થાનિક રાઇસની વાનગી `ઓનિગિરી’ની પણ મોટી વેરાઇટી મળે. આ સ્ટોર માત્ર ટૂરિસ્ટ ફોકસ્ડ નથી. ચોવીસ કલાક ખુલ્લા રહેતા હોવાને કારણે સ્થાનિકો પણ અહીં જ જાય છે. દરેક ગલીમાં કમસેકમ એક સ્ટોર તો છે જ. અહીં ઘરવખરી માટેની મોટી અલગ સુપરમાર્કેટ તો છે જ, પણ કન્વિનિયન્સ સ્ટોર માટે સ્થાનિકો અને ટૂરિસ્ટ બધા જ ગાંડા છે.

મજાની વાત છે, 1920ના દશકમાં અમેરિકામાં ખૂલેલી સેવન-ઇલેવન ત્યાં પણ મોટી ફ્રેન્ચાઇઝી છે જ, પણ છેલ્લા પાંચ દશકમાં તે જાપાનમાં એટલી લોકપ્રિય બની ગઇ છે કે તેનું હેડક્વાર્ટર અમેરિકામાં ટેક્સાસમાં હોવા છતાં, હવે તેને એક જાપાનીઝ કંપનીએ ખરીદી લીધી છે. ભારતમાં પણ રિલાયન્સે સેવન-ઇલેવન લાવવાનો પ્રયત્ન કર્યો છે. આ સ્ટોરનું કોઈ ને કોઈ વર્ઝન દુનિયાભરમાં છે, પણ જાપાનમાં તે કલ્ચરનો ભાગ બની ગયો છે.

કોન્બિની સ્ટોર, જાપાનમાં માત્ર બિઝનેસ નથી, ત્યાંની રોજિંદી જિંદગીનો અનુભવ છે. અમે તે પહેલી સાંજે ચાખવા માટે પહેલી ઓનિગીરી લીધી, એક તૈયોકી એટલે કે ફિશ શેપમાં બનેલી સ્ટફ્ડ પેનકેક લીધી, એક કેરેમેલ પુડિગ અને એક સોફ્ટ ચીઝકેક. દરેકનો એક નાનકડો પીસ જ હતો, પણ હોટલ સુધી પહોંચતાં, સાથે આટલી બધી આઇટમોના કારણે અમને એકદમ રિચ ફીલ થતું હતું.

આ પણ વાંચો: અરાઉન્ડ ધ વર્લ્ડ : બેઇજિંગ ઍરપૉર્ટ એશિયાનાં વૈવિધ્ય માટે તૈયાર…

નીચેથી તે રાત માટેનો નાઇટડે્રસ લીધો. આ વળી એક વધુ જાપાનીઝ ફીચર હતું. અહીં દરેક હોટલ કોઈ ને કોઈ રૂપમાં નાઇટ ડે્રસ કે ગાઉન પહેરવા આપે, તે રોજ ટોવેલ સાથે બદલાઈ પણ જાય. વળી મોટા ભાગની સારી હોટલમાં ઓનસેન અથવા આર્ટિફિશિયલ હોટ-ટબ અને સૌના પણ રહેતું. એટલે રોજ રાત્રે આખા દિવસનો થાક ઉતારી શકાય. અમે નીચે લાઉન્જમાં સ્વીટ્સની ઉજાણી કરવા બેઠાં. ખરેખર કન્વિનિયન્સ સ્ટોરનું આ સ્વરૂપ બીજે દુનિયામાં ક્યાંય નહોતું જોયું. હજી અહીં પહેલી સવાર પણ નહોતી પડી, પણ આ દેશ કેટલો ખાસ છે તે વાત અહીંની દરેક પ્રવૃત્તિ સાથે જોડાયેલી હતી.

અહીં રોજ ચાલવાનું પણ ઘણું થતું, અને તેનો ઉપાય પણ કન્વિનિયન્સ સ્ટોર પાસે હતો. ત્યાં સૂતી વખતે પગ પર લગાવવાના પેચ મળતા, તે રાત્રે લગાવીને સૂઈ જાઓ એટલે સવારે ફ્રેશ અને પગના દુખાવા વિના ઊઠો. આ પેચ પછી ઇન્ટરનેટ પર શોધ્યાં પણ મળ્યાં નહીં. અહીંની ખાસિયતો અહીંની જ બનીને રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય તેવું લાગતું હતું. અને તેમાંની ઘણી બધી ખાસિયતો આ કોન્બિની સ્ટોરમાં મળી જતી.

કુલ છપ્પન હજારથી પણ વધુ સ્ટોર સાથે જાપાનમાં કોન્બિનીનો બિઝનેસ દસ ટ્રિલિયન યેન્સનો છે. ત્યાં માત્ર ખરીદી જ નથી થતી, તમારો ઓનલાઇન શોપિંગનો ઓર્ડર ત્યાં ડિલિવર કરાવી શકાય, ત્યાં ઇન્શ્યોરન્સનું પ્રિમિયમ ભરી શકાય, પોસ્ટ પણ આપી શકાય. જાપાનમાં ઘર નાનાં હોય છે અને કિચન પણ. એવામાં કોન્બિનીમાંથી જ રોજનું ભાણું લઈને ત્યાં જ ગરમ કરીને ખાનારાઓની સંખ્યા પણ મોટી લાગી. જાપાનીઝ લોકો આ કોન્બિનીને પોતાની અંગત જિંદગીનો અતૂટ હિસ્સો બનાવી ચૂક્યાં છે. સાથે ટૂરિસ્ટને પણ તેમનો પૂરતો લાભ મળી જાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button