વીક એન્ડ

મસ્તરામની મસ્તી : ટ્રમ્પકાકા, યુદ્ધ નહીં અમારા ન્યૂઝ એંકરોને રોકો!

  • મિલન ત્રિવેદી

ભારત પી. ઓ. કે. પર અડધી રાત્રે 27 મિસાઈલ સાથે ખાબક્યું અને આતંકવાદીઓના ઠેકાણાં, સરનામાં ફેરવી મુકામ પોસ્ટ નર્ક કરી નાખ્યા, જે ઓફિશિયલ ગવર્મેન્ટ ન્યૂઝ તરીકે સેનાના વડાએ અને વડા પ્રધાનશ્રી એ છાતી ઠોકીને કાયદેસર જણાવ્યું, પરંતુ વિશ્વ આખું ભારતભરની અમુક ન્યૂઝ ચેનલોના હાકલા પડકારા અને વિગતો જોઈ ગોટાળે ચડ્યું હતું.

અચાનક જ અમુક ન્યૂઝ ચેનલોમાં ઝીરો વોલ્યુમ રાખીએ તો પણ યુદ્ધમાં ફાટેલ બૉમ્બ જેવા અવાજે મેલ- ફિમેલ એન્કર બૉમ્બ ધડાકાની જેમ માહિતીઓ ઠાલવી રહ્યા હતા. આગલી રાત્રે થયેલા યુદ્ધને `બ્રેકિગ ન્યૂઝ’ તરીકે લોકોના મગજ ઉપર હુમલો કરી ચિપકાવી રહ્યા હતા.

ભારતની પ્રજા મંદબુદ્ધિની હોય અને એક વારમાં એ નહીં સમજે તેવું માની એકને એક વાત દસ વાર રજૂ કરતા હતા. ભારતને આધી રાત કો કિયા હમલા…આધી રાત કો ભારતને કિયા હમલા…હમલા કીયા આધી રાત કો ભારતને…
અબ તક કી બડી ખબર…ભારતને હમલા કિયા આધી રાત કો..!

અરે ભાઈ, એકવાર બોલીશ તો પણ ખબર પડશે જ. બીજી પણ એક જગ્યા છે તેની વાત કરું. અહીં પણ ત્રાસામ ત્રાસ જ હતો. એ હતી વોટસઅપ યુનિવર્સિટી … પાનના ગલ્લે કે ચાની કીટલી પર જઈએ ત્યારે ખબર પડે. અહીં અર્થશાસ્ત્રીઓ, યુદ્ધ શાસ્ત્રીઓ, પરમાણુ વૈજ્ઞાનિક,…જેવી અઘરી નોટો, જેને ઘરે કોઈ સાચવતું ન હોય. ઘરે રીંગણાનું શાક બનાવજો કહીને નીકળ્યો હોય અને બટેટાનું પધરાવે તો પણ દાંત કાઢીને ખાઈ લે તેવા લોકોનો મેળાવડો થતો અને આ ન્યૂઝ ચેનલવાળાઓ સાથે જ તીખા અવાજે ચર્ચાઓ કરતા હતા.

હું આ બધા (ક)મંડળમાં ક્યાંથી ભરાયો તે જાણવા નાનકડી વાત કહી દઉં. બે દિવસથી મારા ઘરે કોઈ ન હોવાથી આનંદમાં ને આનંદમાં મોડો સૂવ છું. સ્વાભાવિક છે કે જાગવામાં પણ મોડું થાય, પરંતુ સવારે પહેલી રામાયણ એ થાય કે ચા કોણ બનાવીને પીવડાવશે? પરંતુ ચુનિયાએ આ જવાબદારી સ્વીકારી સવારના પહોરમાં એક આખી ચાનું પાર્સલ લઈ અને જગાડવા પહોંચી જાય છે. બીજું કોઈ કામ ન હોવાને કારણે ફ્રેશ થઈ અને ચુનિયા સાથે હું પણ ચાની કીટલી પર પહોંચી જાઉં છું. અહીં તમને ભારતે ન વાપર્યા હોય એવા હથિયારો પણ કયારે, ક્યાં, કોની પર વાપર્યા તે જાણવા મળે. આજે રાત્રે શું કરવાનું છે? તે વડા પ્રધાનને ખબર ન હોય, પરંતુ અમારી ચાની કીટલીએ આ ખુફિયા માહિતી પહોંચી જાય.

મેં તો ચુનિયાને પૂછયું પણ ખરું કે તું યુદ્ધમાં જવાનો છે?’ તો મને કહેમારી ઘરવાળીને પૂછવું પડે’. મેં કહ્યું આ બધાં જ લોકોની યુદ્ધ લડવામાં કુનેહ અદ્ભુત છે તેમ માની દેશને જોઈતા હોય તો આપી દેવા જોઈએ….’ ચર્ચામાં ઉગ્રતાથી ભાગ લઈ રહેલ એક ભડવીરને મેં કહ્યું :તમે યુદ્ધ વિશે ઘણું જાણો છો તો બોર્ડર પર જાવ.’ મને કહે : ઉનાળામાં આપણને ન ફાવે. મને પરસેવો ખૂબ વળે છે. વળી મિલિટરીની વર્દી ખૂબ જાડી આવે એટલે ઝીણી ઝીણી ફોડલીને કારણે હું થોડું અનકમ્ફર્ટેબલ ફીલ કરું, શિયાળામાં હોત તો સ્વેટર પહેરીનેય પહોંચી જાત.’

આ સાંભળીને મને એકવાર તો એનાં મોઢા પર ઢીકો મારી લેવાનું મન થયું. આ બધી વાતમાં ચા બે બે વાર પીવાઇ ગઇ હતી. ચાની કીટલી વાળો આચર્ચા કરતા યુદ્ધ પ્રવીણો’ પાસે પૈસા લેવા માટે આવ્યો ત્યારે ખબર પડી કે આમાંના અડધા ચેનલ પર હાકલા પડકારા કરવાવાળા અને અડધા કોઈને કોઈ પક્ષના કાર્યકરો છે. બધાના ખાતા ચડી ગયા છે. ચા વાળાએ બધાને જે રીતે ખખડાવ્યા અને રૂપિયા માગ્યા તે જોઈ અને મને હિન્દુસ્તાન ભરના દર્શકો તરફથી લીધેલો બદલો લાગ્યો. ચાવાળાને અંતરથી આશીર્વાદ પણ આપ્યા.

સૌથી વધારે મજા આવતી હોય તો આપણી ન્યૂઝ ચેનલોની એ કે અમુક તો એવા એવા મિસાઈલ અને રોકેટ તથા વિમાનોના નામ બોલ્યા છે કે બંને દેશના કાયદેસરના સત્તાધીશો ગોટાળે ચડી ગયા કે આવું આપણા શસ્ત્રાગારમાં કાંઈ હતું કે નહીં? વિપક્ષોએ તો આક્ષેપો પણ કર્યા કે છાનીમાની શસ્ત્રોની ખરીદી કરી નક્કી ભ્રષ્ટાચાર કર્યો છે'. પલ પલ કી ખબર, આજ કી એક બડી ખબર, સીધા યુદ્ધભૂમિ સે હમારે સંવાદદાતા મુળજીને કી એક સૈનિક સે બાત… યે વહી સૈનિક હે જિસને રાત કો મિસાઈલ હમલેમેં એકાદ મિસાઈલ છોડીથી…’

એક મિસાઈલ પેલા મુળજી અને સ્ટુડિયો પર દાગવાનું મન થાય. મૂળજી ને પૂં ગુજરાતી આવડતું નથી તો હિન્દીમાં કે અંગ્રેજીમાં તો ક્યાંથી ઇન્ટરવ્યૂ લે? કોઈ પણને વરદી પહેરાવી એના ઇન્ટરવ્યૂ લે તે કેમ ચાલે? આવા બધા માહોલમાં એવી અદમ્ય ઈચ્છા થાય કે અમુક ન્યૂઝ એંકરોને તો મિસાઈલ સાથે બાંધી અને ગમે ત્યાં મોકલી દેવા જોઈએ. બાય ધ વે, યુદ્ધના સમયમાં તમામ ન્યૂઝ ચેનલો બંધ કરી દેવાના હુકમ ન થઈ શકે? અથવા તો બ્લેકઆઉટ ના સમયે માત્ર ન્યુઝ ચેનલની લાઇટ ચાલુ રખાવવી. શું ક્યો છો?

વિચારવાયુ:
બ્રિગેડિયર: હરણભાઈ, તમે જો થોડોક ટાઈમ ન્યૂઝમાં સીઝફાયર કરો તો બોર્ડર ઉપર અમે ફાયર કરીએ…
હાલી નીકળેલી ન્યૂઝ ચેનલોને સમર્પિત

આપણ વાંચો : મસ્તરામની મસ્તી : આ ઠંડી ઓપિનિયન પોલ જેવી છે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button