વીક એન્ડ

એક નજર ઈધર ભી…: પોસ્ટ ઓફિસનાં પ્રાણીઓની પ્રસિદ્ધિ!

કામિની શ્રોફ

ટપાલી-ડાકિયા-પોસ્ટમેન… માણસના લાગણીતંત્ર સાથે જોડાયેલી વ્યક્તિ. જોકે, એકવીસમી સદીમાં ટેક્નોલોજીએ ટપાલીને એવી જોરદાર ટપલી મારી છે કે ટપાલી અને ટપાલસેવા હવે ઈતિહાસ બની જવાની તૈયારીમાં છે. જોકે, પ્રેમ સંદેશાથી માંડી નોકરી મળી ગઈ છે જેવા ઉર ઉછાળ સંદેશા સાથે `લૂગડાં ઉતારીને વાંચવું’ જેવા ઉર પછાડ સંદેશા માટે ટપાલી અને ટપાલખાતાનો વૈભવ હતો.

યુકેમાં તો 1966માં નેશનલ પોસ્ટલ મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી હતી. 17મી સદીમાં શરૂ કરવામાં આવેલી યુકે પોસ્ટલ સર્વિસમાં માનવ કર્મચારી ઉપરાંત બિલાડી, શ્વાન, ઘોડો અને ગધેડાનું પણ મહત્ત્વ હતું, એવી જાણ થાય તો? તમારી આંખોને આશ્ચર્યથી પહોળી થવા માટે જગ્યા ઓછી પડે, ખં ને!

નંબર વન બિલાડો

કોવિડકાળ દરમિયાન અનેક દેશોમાં પ્રાણી પ્રીતિમાં ભરતી આવી. સ્નેહ અને હૂંફ માટે જનતાની પસંદગી બિલાડી અને શ્વાન પર ઊતરી હતી. મહામારીએ તો વિદાય લઈ લીધી છે, પણ પાળેલા પ્રાણી પ્રત્યેની પ્રેમગાંઠ અકબંધ છે. ચોક્કસ સંખ્યા મળવી મુશ્કેલ છે, પણ શ્વાન કરતાં બિલાડીને દત્તક’ લેવાની ટકાવારી વધુ હશે એવું અનુમાન જરૂર કરી શકાય. હવે જો તમને કહેવામાં આવે કે પોસ્ટ ઓફિસના લંડન સ્થિત હેડક્વાર્ટર્સમાંટિબ્સ ધ ગ્રેટ’ નામનો બિલાડો પોસ્ટ ઓફિસની નંબર વન કેટ હોવા ઉપરાંત બ્રિટનની પ્રખ્યાત `વર્કિંગ કેટ્સ’ની યાદીમાં સ્થાન ધરાવતો હતો તો? એટલું જ નહીં, કેન્સરની બીમારીને કારણે એનું અવસાન થયું ત્યારે એની જીવનઝરમર છપાઈ હતી, બોલો! આને કહેવાય બિલાડીની બોલબાલા…

ઉંદરમામાને ખતમ કરવા મીની માસીની નિમણૂક પોસ્ટ ઓફિસમાં સૌપ્રથમ 1868માં કરવામાં આવી હતી. ઉંદરોની સમસ્યા દૂર કરવા તેમને છ મહિનાનો પ્રોબેશન આપવામાં આવતું હતું અને જો આ સમય દરમિયાન કામગીરી યોગ્ય ન લાગે તો એમને પાણીચું આપવામાં આવતું હતું.1950માં જન્મેલા ટિબ્સની મુખ્ય ડ્યૂટી હતી ટપાલ કચેરીના મુખ્યાલયને ઉંદરમુક્ત રાખવાની, જેથી કોઈના લવ લેટર કે કોઈના મહત્ત્વના દસ્તાવેજ કે અન્ય કાગળિયા ઉંદરો કાતરી ન ખાય.

ટિબ્સ બિલાડાએ નિષ્ઠા સાથે 14 વર્ષ ફરજ બજાવી અને મામા’ને નામશેષ કરી નાખ્યા. આ કામ માટે તેને પ્રતિ સપ્તાહ બે શિલિંગ અને 6 પેન્સ (વર્તમાન વિનિમય દર અનુસાર આશરે 15 રૂપિયા)નું નજીવું મહેનતાણું ચુકવવામાં આવતું હતું. આવડત અનેપર્સનાલિટી’ને કારણે 10 કિલો વજનનો ભરાવદાર લાગતો આ બિલાડો બહુ જલદી સેલિબ્રિટી બની જઈને મીડિયામાં એ ચમકવા લાગ્યો પછી એની લોકપ્રિયતા વધી ગઈ.

1964માં 14 વર્ષની ઉંમરે મોઢાના કેન્સરને કારણે ટિબ્સ મૃત્યુ પામ્યો ત્યારે પોસ્ટ ઓફિસના મ્યુઝિયમમાં તેમજ કેટલાંક અખબારોમાં એની શ્રદ્ધાંજલિ પ્રગટ થઈ હતી. બિલાડી કર્મચારીને આવું સન્માન ભાગ્યે જ મળ્યું છે. 1984માં બ્લેકી નામની બિલાડીના `સ્વર્ગવાસ’ પછી પોસ્ટ ઓફિસના હેડક્વાર્ટર્સમાં બિલાડીને નોકરીએ રાખવાની પ્રથા બંધ કરવામાં આવી.

તબડક તબડક ટપાલી

ઘોડાનો ઉલ્લેખ થતા મહારાણા પ્રતાપના પરાક્રમી ચેતકનું સ્મરણ થાય તો રેસકોર્સના હોર્સિસ પણ યાદ આવે તો કોઈ વળી હયવદન’ કેતોખાર’નો પણ ઉલ્લેખ કરે. પ્રાણી જગતમાં કોઈને હેન્ડસમ વિશેષણ આપવું હોય તો એ માટે સૌથી વધુ પાત્ર અશ્વ જ છે. યુકેની ટપાલ સેવામાં ઘોડાનો ઉપયોગ 16મી સદીમાં શરૂ થયો હોવાની નોંધ છે.

1930ના દાયકા સુધી ચાલુ રહેલી આ પ્રથામાં ઘોડાનો ઉપયોગ ટપાલ પહોંચાડવા ઉપરાંત આવનજાવન તેમજ માલસામાનની હેરફેર માટે પણ કરવામાં આવતો હતો. `પોસ્ટ હોર્સિસ’ તરીકે ઓળખાતા અશ્વની ગાડીઓનો ઉપયોગ અદાલતના કાગળિયા ઉપરાંત સરકારી, રાજવી અને જનતાના કાગળપત્ર લંડનથી દેશભરમાં પહોંચાડવા માટે કરવામાં આવતો હતો.

લાંબા અંતરે જવાનું હોય તો દર દસ માઈલ પછી ઘોડો બદલવામાં આવતો હતો. રસપ્રદ વાત એ છે કે આ અશ્વ પોસ્ટ ઓફિસના નોકરિયાત’ નહોતા, પણ કોન્ટે્રક્ટરો દ્વારા પૂરા પાડવામાં આવતા હતા. આ ઘોડા કર્મચારીને મળતીસિક લિવ’ (માંદગીની રજા)ના હકદાર હતા.

1898ની નોંધ અનુસાર `મિસ્ટર ટી. સી. પોપલટન (કોન્ટે્રક્ટર) દ્વારા પોસ્ટ ઓફિસને પૂરા પાડવામાં આવેલો એક અશ્વ શારીરિક દુખાવાને કારણે પોતાની નિયત જવાબદારી નિભાવવા હાજર નહીં રહી શકે’ એવી સ્પષ્ટતા કરવામાં આવી છે અને કઈ તારીખથી એ પાછો કામ પર ચડી જશે એ પણ જણાવવામાં આવ્યું છે.1930ના દાયકામાં મોટર વેહિકલનું ચલણ વધતા હોર્સ કાર્ટની સંખ્યા ઘટવા લાગી હતી. જોકે, 1949 સુધી દુર્ગમ વિસ્તારોમાં ટપાલ પહોંચાડવા ઘોડાગાડીનો માર્યાદિત ઉપયોગ થતો હતો.

ભાઉ ભાઉ ને હોંચી હોંચી

પોસ્ટલ સર્વિસના પ્રારંભિક કાળમાં શ્વાન અને ગધેડાની સુધ્ધાં મદદ ટપાલસેવા માટે લેવામાં આવી હતી એ જાણકારી વિસ્મય પમાડનારી જરૂર હતી. ભાઉ ભાઉ કરી રક્ષણ માટે ભસતા શ્વાનનો પોસ્ટ સેવામાં ઉપયોગ 1830થી 1850 દરમિયાન કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. સસેક્સ નામની યુકેની કાઉન્ટીમાં ચાર ઊંચા અને ભરાવદાર શ્વાન સાથે જોડેલી ગાડી (રોયલ મેઈલની ડોગ્સ કાર્ટ)નો ઉપયોગ કાગળપત્રની હેરફેર માટે કરવામાં આવતો હતો.

હાઈવે પર આ ડોગ્સ કાર્ટમાં લૂંટ ચલાવાઈ હોવાના કિસ્સાની પણ નોંધ છે. 1855માં શ્વાનના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. શ્વાન તો સમજ્યા, પણ ગધેડાનો ઉપયોગ ટપાલ માટે? એક સહેલાણીએ જ્યારે પોતાના ફોનમાં ગધેડા સાથે પત્ર પહોંચાડવા આવેલા પોસ્ટમેનનું પેન્ટિંગ દેખાડ્યું ત્યારે શંકા દૂર થઈ. માછીમારી માટે પ્રખ્યાત ઈંગ્લેન્ડના ક્લોવેલી ગામમાં પહોંચવા એ વીસમી સદીના પ્રારંભે વ્યવસ્થિત સડકો નહોતી. શેરીઓ સાંકડી અને ચઢાણવાળી હતી. આવા વિષમ માર્ગ પર પત્રો અને પાર્સલ લોકો સુધી પહોંચાડવામાં ગધેડા ખૂબ જ ઉપયોગી હતા. જોકે, પાકી સડક તૈયાર થયા પછી સેવામાંથી ગર્દભ દૂર કરવામાં આવ્યા હતા.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button