વીક એન્ડ

ક્લોઝ અપ : સૈનિકોની જેમ પત્રકારોને માથે પણ સતત મોત ભમે છે!

ભરત ઘેલાણી

સીમાડા પર તહેનાત સૈન્યના જવાન માથે મોતનો ભય હંમેશા રહે છે. એ જ રીતે, યુદ્ધમોરચે કે ઘરઆંગણે ફરજ બજાવતી વખતે `શહીદ’ થતા પત્રકારો-ફોટોગ્રાફરની સંખ્યા પણ ધ્રુજાવનારી અને ચોંકાવનારી છે.

યુદ્ધમોરચે તસવીરો ક્લિક કરવા જબરું જોશ અને જવામર્દી જોઈએ * જમ્મુ-કાશ્મીર આજે શાંત છે, પણ એક સમયે અહીં પાકિસ્તાની આતંકવાદીઓ સ્થાનિક પત્રકારો માટે આફતરૂપ હતા. * પુલિત્ત્ઝર' એવોર્ડ વિજેતા તસવીરકાર દાનિશનીઓન ડ્યુટી’ શહીદી * ઈઝરાયલ – પેલેસ્ટાઈન વચ્ચે પણ સતત અથડામણ ચાલુ રહે છે. અહીં પણ પત્રકારોની કામગીરી કઠિન હોય છે.

આ પણ વાંચો : ભાત ભાત કે લોગ: એક માતાએ લખ્યું: `બી અ ગુડ બોય!’ ને અમેરિકન મહિલાઓનું ભાગ્ય પલટાઈ ગયું!

આવાં શીર્ષક સાથે અખબારમાં કે ટીવી પર ચમકતા સમાચાર હવે `બ્રેકિગ ન્યૂઝ’ નથી રહ્યા… આવી હત્યા હવે કોઈને આઘાત કે આશ્ચર્ય નથી જગાડતી. દેશ-વિદેશમાં આવી ખૂનામરકીને આડકતરી રીતે સ્વીકારી લેવામાં આવી છે.

દસેક દિવસ પહેલાં આદિત્યનાથ યોગીજીના ઉત્તરપ્રદેશમાં એક જાણીતા પત્રકારની હત્યા થઈ. અહીંના સીતાપુર જિલ્લાના માહોલી ટાઉનમાં 35 વર્ષીય રાઘવેન્દ્ર બાજપેયી નામના પત્રકારને ગોળીઓથી વીંધી નાખવામાં આવ્યો. દૈનિક જાગરણ'માં કાર્યરત રાઘવેન્દ્રનોગુનો’ માત્ર એટલો જ કે એ ત્યાંના જમીન માફિયા વિરુદ્ધ પુરાવા એકઠા કરીને અહેવાલ લખતો હતો અને આવા હિંમતભર્યા અહેવાલો માટે એને અગાઉ મોતની ધમકીઓ સુદ્ધાં મળી ચૂકી હતી, પણ રાઘવેન્દ્રએ એ ધમકીઓ ગણકારી નહીં અને…

દેશ હોય કે વિદેશ, પત્રકારોની હત્યા થાય એનો આવો જ સિનારિયો હોય છે. અપરાધી તત્ત્વો સામે કોઈ નીડર પત્રકાર પડે પછી એણે આવી જ શહીદી વહોરવી પડે છે.

અહીં માત્ર સમય નક્કી નથી હોતો. દિશા નક્કી નથી હોતી, પણ નિયતિએ આગોતરા નક્કી કર્યું હોય તેમ એનો કાળ અકળ છતાં નિશ્ચિત હોય છે. સનનન્… કરતી કોઈ પણ દિશામાંથી બુલેટ આવે ને ક્ષણેક્માં એને વીંધી જાય. આવી યુદ્ધમોરચે દુશ્મનો સામે લડી રહેલા કોઈ લશ્કરી જવાન જેવી જ અદલોદલ સ્થિતિ હોય છે ફરજ બજાવતા તસવીરકાર-પત્રકારની…

તસવીરકાર વત્તા પત્રકારની કામગીરી બજાવી રહેલો ભારતીય યુવાન દાનિશ સિદ્દિકી ચાર વર્ષ પહેલાં પાકિસ્તાન સીમા નજીકના વિસ્તારમાં અફઘાનિસ્તાન સેના તથા તાલિબાન ત્રાસવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણ-ઝપાઝપીનો સ-તસવીર અહેવાલ લેવા પહોંચ્યો હતો. આમ તો યુદ્ધ જેવા ખતરનાક મોરચા પર રિપોર્ટિંગ કરવું કે તસવીરો ક્લિક કરવું એના માટે નવું નહોતું. યુદ્ધમોરચે દાનિશે ઝડપેલી અનેક અફલાતૂન તસવીરોથી જગતભરનું મીડિયા માહિતગાર હતું, આવી એક તસવીર માટે પત્રકારત્વમાં જેની સરખામણી નોબેલ પારિતોષિક સાથે થાય છે એવું પુલિત્ત્ઝર પ્રાઈસ’ પણ દાનિશને 2018માં એનાયત થયું હતું. આંતરરાષ્ટ્રીય ન્યુઝ એજન્સીરોયટર્સ’ સાથે સંકળાયેલો આવો પુલિત્ત્ઝર’ પારિતોષિક વિજેતા દાનિશ અફઘાન ક્માન્ડો ટીમ તાલિબાનો પર ત્રાટકવાની હતી ત્યારે સામસામી થઈ રહેલી ભીષણ ફાયરિગની વચ્ચે દાનિશ દિલધડક તસવીરો ઝડપી રહ્યો હતો એ વખતે અચાનક એક બુલેટ દાનિશને વીંધી ગઈ… એ વખતની એની છેલ્લી તસવીરો આખી દુનિયાએ નિહાળી, એકમાત્ર દાનિશ સિવાય! 41 વર્ષીય દાનિશ સિદ્દિકીની આઓન ડ્યુટી’ શહીદીની નોંધ જગતભરના મીડિયાએ લીધી હતી.

યુદ્ધ મોરચે આવી જોખમભરી કામગીરી બજાવી રહેલા તસવીરકાર-પત્રકારની વાત કરીએ તો એકલા 2006નું વર્ષ પત્રકારો માટે સૌથી વધુ ખતરનાક પુરવાર થયું હતું. એ વર્ષે 155 જર્નાલિસ્ટ માર્યા ગયા. એ પછી 2012માં સૌથી વધુ 147 પત્રકાર ફરજ બજાવતા માર્યા ગયા હતા. તાજેતરમાં આરબ-પૅલેસ્ટાઈન આતંકવાદીઓ-`હમાસ’ના હાથે છેલ્લા 3 મહિનામાં 16 પત્રકારે જાન ગુમાવ્યા છે.

આ જ રીતે, જેના હમણાં જ ત્રણ વર્ષ પૂરાં થયાં એ રશિયા-યુક્રેન યુદ્ધમાં બન્ને દેશના મળીને – ટીવી જર્નાલિસ્ટ સહિત કુલ 14 લોકો માર્યા ગયા હતા. એમાં `યુએનઓ’ની શાંતિ સેના સાથે સંકળાયેલા અન્ય ચાર પત્રકારો પણ હતા.

આ પણ વાંચો : વિશેષ: જોજો, ભારતમાં વસંત ફક્ત પુસ્તકોમાં જ રહી ન જાય!

એટલું જ નહીં, 150થી વધુ પત્રકાર-ફોટોગ્રાફરો સાથે રશિયન સૈન્યે દુર્વ્યવહાર કર્યો હોવાની ફરિયાદ પણ નોંધવામાં આવી છે. યુક્રેન તેમ જ વિદેશના 47 પત્રકાર ગંભીર ઘવાયા પણ છે.. અધૂરામાં પૂરું, યુક્રેનની 3 મહિલા સહિત 19 પત્રકારોને રશિયાના સૈન્યે બંદી પણ બનાવ્યાં છે.

`યુનેસ્કો’ના અહેવાલ મુજબ જગતભરમાં ચાલતા જંગમાં એકલા 2024માં કુલ 68 પત્રકાર તસવીરકાર પોતાની ફરજ બજાવતા માર્યા ગયા છે.

જોકે, આજે પત્રકારો માટે કામ કરવા માટે સૌથી વધુ ખતરનાક સ્થળ હોય તો એ પૅલેસ્ટાઈન અને ગાઝા વિસ્તાર છે. અહીં અત્યાર સુધીમાં – ફેબ્રુઆરી-2025 સુધીમાં 171થી વધુ પત્રકાર તથા મીડિયા સાથે સંકળાયેલા સ્ટાફના લોકોએ જીવ ગુમાવ્યા છે!

લશ્કરી યોદ્ધા તો જંગની કટોકટી માટે પૂરતા તાલીમબદ્ધ હોય, પણ એક જમાનામાં તો પત્રકાર કે તસવીરકાર આવાં જોખમભર્યાં કામ માત્ર જોમ-જુસ્સાના જોરે પાર પાડતા.

પહેલા વિશ્વયુદ્ધ વખતે બ્રિટન અને ફ્રાન્સની સરકાર કોઈ પત્રકારને યુદ્ધમોરચે જવાની પરવાનગી આપતી નહીં. આમ છતાં અમુક ગુના માટે ભાગેડુ એવા બાસિલ ક્લાર્ક અને ફિલિપ્સ ગીબ્સ નામના બે રિપોર્ટર છૂપી રીતે મોરચા પરથી બ્રિટિશ અખબારો માટે અહેવાલ મોક્લતા..!

કાળક્રમે બે વિશ્વ યુદ્ધ વિયેટનામ-ગલ્ફ વૉર પછી અફઘાન તાલિબાન જેવી હિંસક અથડામણ વખતે પત્રકારોની સાથે ફોટોગ્રાફર અને પછી તો ટીવી ચેનલોની ટીમોને વૉર ઝોનમાં જવાની પરવાનગી આપવામાં આવતી અને આવી ટીમને પણ પ્રાથમિક લશ્કરી તાલીમ પણ આપવામાં આવતી. આજે જેમ યુદ્ધ આધુનિક થતાં ગયાં તેમ વૉર ઝોનમાં ડ્યુટી બજાવતા પત્રકારો-ફોટોગ્રાફરો પણ વધુ તાલીમબદ્ધ થઈ ગયા છે…

જોકે, આજે પણ મીડિયા સાથે સંકળાયેલા બધા જ કંઈ યુદ્ધમોરચે માર્યા જાય છે એવું પણ નથી. અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર `વૉશિંગ્ટન પોસ્ટ’ અનુસાર, છેલ્લાં 12-13 વર્ષમાં પત્રકારો-ફોટોગ્રાફર- ટીવી કૅમેરામેનની ટીમના ડ્રાઈવર – દુભાષિયા સહિત કુલ 599 જેટલી વ્યક્તિએ અન્ય ફરજ બજાવતાં જાન ગુમાવ્યો છે.

આ સિવાય, ઈસ્લામી ત્રાસવાદીઓ – ડ્રગ માફિયા અને અંધારી આલમના રીઢા અપરાધીઓ દ્વારા પણ પત્રકારોની નિર્મમ હત્યાઓ થઈ છે. ખાસ કરીને યુદ્ધમોરચા પછી પત્રકારો માટે સૌથી જોખમી ગણાય છે એ છે ડ્રગ્સ લોર્ડસ- માફિયાથી છલોછલ ઊભરાતો દેશ… મેક્સિકો! મેક્સિકોમાં સાલ 2000થી અત્યાર સુધીમાં 153 પત્રકારો માર્યા ગયા છે અને 2022માં લેટિન અમેરિકામાં 67 પત્રકારની હત્યા થઈ, એમાં એકલા મેક્સિકોમાં 32 જર્નાલિસ્ટ માફિયાની બુલેટના શિકાર બન્યા, જેમણે ડ્રગ્સ કાર્ટેલ્સનાં કારસ્સ્તાન ઉઘાડાં પાડ્યાં હતાં..!

આપણે ત્યાં પણ યુદ્ધ સિવાય ફરજ બજાવતા પત્રકારોનાં માથે પણ મોત સતત ભમતું રહે છે. છેલ્લાં 6 વર્ષના આંકડા પર નજર ફેરવીએ તો આપણે ત્યાં પીધેલા પોલીસ અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરનારા ભ્રષ્ટ રાજકારણી તથા રીઢા અપરાધીઓ વિરુદ્ધ તેજાબી અહેવાલ લખવા બદલ 28 જેટલા જર્નાલિસ્ટની ધોળે દિવસે હત્યા થઈ અને 198થી વધુ જીવલેણ હુમલા પણ પત્રકારો પર થયા છે.

માત્ર ભ્રષ્ટાચાર કે કૌભાંડ ઉઘાડાં પાડવા માટે હત્યા નથી થતી. પર્યાવરણનો ખુલ્લેઆમ ભંગ કરનારાની પોલ ખોલનારા પત્રકાર પર પણ હિંસક હુમલા થાય છે.

આ પણ વાંચો : સ્થાપત્યનું વાઈ-ફાઈ : ચોક : પોળના આવાસનું હૃદય…

આપણે ત્યાં મોટા ભાગે પત્રકારો પર હુમલા ઉત્તર પ્રદેશ – બિહાર અને મધ્ય પ્રદેશમાં થાય છે. ત્યાંનાં શહેરો કરતાં નાનાં કસબા-ટાઉનોમાં પત્રકારોની સ્થિતિ વધુ વિષમ અને વિકટ હોય છે. ત્યાંના પત્રકારોને દામ-દંડ-ભેદથી વશમાં રાખવાનો પ્રયાસ થતો રહે છે. આવા સંજોગોમાં – આવા મુશ્કેલ માહોલમાં માત્ર નિષ્ઠાવાન-જાંબાઝ પત્રકાર જ ગુંડાગર્દી સામે ટકકર લઈને ટકી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button