અરાઉન્ડ ધ વર્લ્ડ : બેઇજિંગ ઍરપૉર્ટ એશિયાનાં વૈવિધ્ય માટે તૈયાર…

પ્રતીક્ષા થાનકી
જાપાન જવાનો રસ્તો ચાઇના થઈને જતો હતો. ઇસ્ટર્ન કલ્ચરને નજીકથી ઓળખવાનો મોકો હજી સુધી નહોતો મળ્યો. એવામાં ત્યાં જવાની તૈયારી શરૂ થઈ ત્યારે તેના સંબંધિત વાર્તાઓ, ટ્રાવેલ આર્ટિકલ, બુક્સ, વિવિધ માહિતી અને મિત્રોના અનુભવોનો સંગ્રહ વિકસવા માંડ્યો હતો. જોકે ટિકિટ બુક કરી ત્યાર પછીનો ઉત્સાહ ધીરેધીરે ક્યાંક ભુલાઈ ગયેલો. છેલ્લે છેલ્લે તો કામ પૂં કરીને ચિંતા વિના ઘરની બહાર નીકળી શકાય તો પણ શાંતિ મળશે એ સ્તરે વાત પહોંચી ગઈ હતી. જાપાન માટે પ્લાન કરવું સરળ પણ હતું અને અઘં પણ. સરળ એટલે કે હવે ત્યાં જવા માટે શક્ય એટલી બધી જ માહિતી ઉપલબ્ધ છે જ. અને મુશ્કેલ એટલે કે તેમાંથી શું કરવું અને શું ન કરવું. મર્યાદિત દિવસોમાં માણસની ક્ષમતાને ધ્યાનમાં રાખીને તે માહિતીને પોતાને સુટેબલ આઇટનરીમાં પલટવી હતી.
આ પણ વાંચો : અરાઉન્ડ ધ વર્લ્ડ : પાલ્મિટોસ પાર્કનાં ઓલમોસ્ટ આઝાદ પક્ષીઓ…
અમને સમય અને બજેટ મુજબ એર ચાઇના માફક આવે તેમ હતી. ચીન જવાની ઇચ્છા તો ન હતી, પણ ભૌગોલિક ક્યુરિયોસિટી માટે પણ કોઈ દિવસ તો ચીન તરફ જવાનું જ હતું. ખાસ મારી મિત્ર અને કોલિગ રેગીના ત્રણ અઠવાડિયાં ત્યાં ફરી આવી પછીની તેની વાતોમાં લાગ્યું કે ચાઇના સ્ટોપ ઓવરનો પણ ફાયદો ઉઠાવવો જોઈએ. ફ્રેન્કફર્ટથી બેઇજિંગની ફ્લાઇટમાં અમારી પાછળ એક અત્યંત લાઉડ અને અસભ્ય મિડલ ઇસ્ટર્ન માણસ આખી ફ્લાઇટનાં મુસાફરોની ઊંઘ હરામ કરીને બેઠો હતો. તેનાથી થાકીને ઘણાં જગ્યા બદલાવીને આગળ ચાલ્યાં ગયાં હતાં. જાપાન જતી વખતે તો બેઇજિંગ માત્ર એરપોર્ટમાં જ રહેવાનું હતું, પણ રિટર્નમાં ત્યાં બે દિવસના સ્ટોપ ઓવરમાં ગ્રેટ વોલ ઓફ ચાઇનાની ડે ટ્રિપ લેવાની હતી.
આખી મોટી ટ્રિપમાં તે પહેલાં જાપાનનાં ઘણાં એડવેન્ચર અમારી રાહ જોઈ રહૃાાં હતાં. બેઇજિંગમાં લેન્ડ થયાં અને એરપોર્ટની પહેલી જ લટારમાં એરપોર્ટની અંદર એક ચાઇનીઝ મંદિર જોવા મળી ગયું. બેઇજિંગ ઓલિમ્પિક્સના સમયે એક્સપાન્ડ થયેલા આ એરપોર્ટમાં ચેક-ઇનના સામાનમાં જે ચીજો વર્જિત હતી તે મોટાભાગની તો બાકીની દુનિયાની જેમ એની એ જ હતી, પણ ત્યાં કેરી ઓન લગેજમાં ક્રિસ્ટલ બોલ લઈ જવાની મનાઈ હતી. અડધી રાતે એરપોર્ટ પર આ બધું નોટિસ કરવા સાથે એ વાત પર પણ ધ્યાન ગયું જ કે એરપોર્ટ પર કામ કરનારાં લોકો દુનિયાના કોઈ પણ ખૂણામાં બોર્ડ અને નીરસ લાગતાં હોય છે. એરપોર્ટમાં વિવિધ ચાઇનીઝ પ્રદેશનાં લેન્ડસ્કેપ લગાવેલાં હતાં. આ શહેર હજી ગઈ સદી સુધી પેકિગ તરીકે ઓળખાતું હતું. આજે પણ તેનો એરપોર્ટ કોડ પેકિગ જ છે. ચાઇનીઝમાં પેકિગ અને બેઇજિંગનો સ્પેલિંગ એક જ છે.
90ના દશકમાં પહેલી વાર એક મેડ-ઇન-ચાઇના પ્રોડક્ટ જોઈ હતી ત્યારે લાગ્યું હતું કે કોઈ વિદેશી ચીજ હાથ લાગી હોય. તે પછી મેડ-ઇન-ચાઇનાનો દુનિયાભરમાં એવો રાફડો ફાટ્યો છે કે આજે ચાઇનાના માલની કોઈ વેલ્યૂ જ નથી. એક સમયે તો દુનિયામાં જ્યાં પણ જાઓ ત્યાંનાં સુવિનિયર પણ ચાઇનામાં બનેલાં મળતાં. જોકે પોસ્ટ-કોવિડ વર્લ્ડમાં તો લોકોને ચાઇનામાંનો રસ દિવસે દિવસે ઘટી રહૃાો છે. તેમાં આપણા ભારતને તો ફાયદો જ છે. હિસ્ટ્રી અને જિયો-પોલિટિક્સની સમજ કેળવવાનું પણ ઘણું મજેદાર બની રહે તેમ છે. ખાસ એટલા માટે પણ કે કોમર્સ હવે દુનિયાને જાણે હોમોજિનસ બનાવી રહૃુાં છે. એ જ પિઝ્ઝા, બર્ગર, કોફી ચેઇન, અંતે આખી દુનિયાને એક ધારી બનાવવા લાગે છે. એવામાં એરપોર્ટ પર એક વેસ્ટર્ન ફૂડ રેસ્ટોરાંનું નામ જ `વેસ્ટર્ન ફૂડ’ હતું.
ભારતીય પરસ્પેક્ટિવથી જુઓ તો ચાઇના પર ગુસ્સો આવ્યા વિના ન રહે. ખરેખર ત્યાં જઈને દરેક બાબત પર પ્રશ્નો થયા વિના ન રહે. ત્યાં ન ગ્ૂાગલ ચાલે ન વોટ્સએપ. એ દેશનાં પોતાનાં અલગ જ રહસ્યો છે અને જાણે બાકીની દુનિયાનેે ત્યાંથી બાકાત રાખવામાં આવી રહી હોય તેવું લાગે. બીજી તરફ ચાઇનાનાં પોતાનાં સોફ્ટવેર દુનિયાભરનો ડેટા ભેગો કરીને પોતાનાં વર્ઝન બહાર પાડ્યે રાખે છે. બેઇજિંગનું એરપોર્ટ, ત્યાંની સાઇન, ત્યાંની વ્યવસ્થા બાકીની દુનિયાનાં એરપોર્ટની માફક જ સાધારણ હતી. ચાઇના પોતાની ઇમેજને પાન્ડા અને ચાઇનીઝ મંદિરોની ઇમેજ સાથે સોફ્ટ અને ટૂરિસ્ટ ફ્રેંડલી બનાવવાનો પ્રયત્ન કરતું દેખાયું, પણ અંતે ત્યાં બધું ફંક્શનલ જ હતું.
આ પણ વાંચો : સિંગાપોર – પરંપરા ને આધુનિકતાનો સમન્વય
એક વાર જાપાન પહોંચ્યાં એટલે તરત જ ડિફરન્સ ખબર પડવા લાગી. હજી એશિયામાં તો હતાં, પણ ત્યાં એરપોર્ટ અને માણસોનું સોફિસ્ટિકેશન અત્યંત સ્પષ્ટ રીતે નજરે પડતું હતું. અને મજાની વાત એ છે કે એરપોર્ટનાં લેડીઝ ટોયલેટ પર જ સીધું ફેમસ જાપાનિઝ ટોયલેટ જોવા મળી ગયું હતું. અહીં એરપોર્ટનાં કર્મચારીઓ જાપાનિઝ બાવ કરીને ગ્રીટ કરતાં હતાં. ટોક્યોમાં હોનેડા અને નારોટા બંને એરપોર્ટ ધમધમતાં હતાં. અમે નારોટા એરપોર્ટ પર ઊતર્યાં અને સીધું જાપાનિઝ આર્ટ આખા દેશને રિપ્રેઝેન્ટ કરતું હોય તેમ દરેક ખૂણે નજરે પડતું હતું. જાપાનમાં પ્રવેશતાંની સાથે જ ત્યાંનો કાર્ટૂન કેરેક્ટર પ્રત્યેનો પ્રેમ સીધો નજરે પડવા લાગ્યો હતો. માત્ર કાફે અને સુવિનિયર શોપ્સમાં જ નહીં, ત્યાંનાં બેન્ક એટીએમના રંગોની પણ અલગ વાઇબ હતી. અહીં સ્થાનિક સીમ કાર્ડ, લોકલ બસ ટિકિટ અને એટીએમ વિડ્રોવલ, બધું સેટ થઈ ગયા પછી અમે બહાર નીકળ્યાં. બહાર બસ માટે આયોજનપૂર્વક બે લાઇન લાગેલી હતી. એક પાંચ મિનિટ પછીની બસ માટે અને બીજી પંદર મિનિટ પછી માટે. અંતે જાપાનમાં પ્રવેશતાંની સાથે જ ચાઇના ક્યાંય ભુલાઈ ગયું. હવે ટોક્યોનાં એડવેન્ચર અમારી રાહ જોઈ રહૃાાં હતાં.