સ્થાપત્યનું વાઈ-ફાઈ : ચોક : પોળના આવાસનું હૃદય…

- હેમંત વાળા
ચોક, પોળના આવાસનું આ એક મહત્ત્વનું અંગ છે. આવાસની લગભગ વચમાં રખાતા, ઉપરથી ખુલ્લા, જરૂરિયાતની દૃષ્ટિએ બહુ ઉપયોગી એવા સ્થાનને ચોક કહેવાય છે. તેનું તળ સામાન્ય રીતે આજુબાજુની ફરસના સ્તરથી થોડું નીચું તથા વરસાદનાં પાણીના નિકાલ માટે એક તરફ ઢાળવાળું બનાવાતું. આ ચોકનું માપ આશરે 10 ચોરસ મીટર જેટલું રખાતું. પોળના આવાસની સરેરાશ પહોળાઈ 3.50 મીટર જેટલી રહેતી હોવાથી ચોકની પહોળાઈ સામાન્ય સંજોગોમાં 2.50 મીટર જેટલી રહેતી. તેની લંબાઈ 3.00થી 4.00 મીટરના ગાળામાં, આવાસની લંબાઈના પ્રમાણમાં, તેમ જ તેની ઉપયોગિતાને આધારે નક્કી થતી.
Also read : એલા, વાંચજો… આ મોરે… મોરો છે શું?
વિશ્વનું પરંપરાગત રહેણાક સ્થાપત્ય, જીવન તથા સંજોગોને પ્રતિબિંબિત કરવા સફળ રહ્યું છે. તેમાં પણ આ પ્રકારનાં સ્થાપત્યનાં કેટલાંક અંગ અનેરાં રહ્યાં છે. પોળ-આવાસના `ચોક’ સ્થાપત્યની એક અદ્ભુત ઘટના છે. તેનું સામાજિક-કૌટુંબિક મહત્ત્વ તો છે જ, પણ સાથે સાથે અંદરના ભાગમાં જરૂરી હવા-ઉજાસ માટે પણ તે ખાસ છે. ગરમ અને સૂકી આબોહવાવાળા પ્રદેશમાં આવાસનું તાપમાન અનુકૂળ સ્તરે જળવાઈ રહે તે માટે ચોક અસરકારક રચના ગણાય છે.
ચોકને કારણે આવાસની અંદર મોકળાશની અનુભૂતિ થઈ શકે છે. બે સમાંતર તથા બંધિયાર કહી શકાય તેવી દીવાલો વચ્ચે આકાર પામતાં પોળના આવાસમાં ચોકની હાજરીથી બંધિયારપણું કંઈક ઓછું અનુભવાય છે. કુટુંબના સભ્યોની રોજની દિનચર્યા જોતાં એમ જણાય છે કે ચોક એ આવાસનું કેન્દ્ર સ્થાન છે. આ સ્થાન સાથે કુટુંબની દરેક વ્યક્તિ એક યા બીજા સ્વરૂપે સંકળાયેલી રહે છે. આવનજાવનના માર્ગમાં તો ચોક આવે જ છે, પણ સાથે સાથે જે તે રોજિંદી ક્રિયા માટે પણ તે અનુકૂળ માહોલ ઊભો કરે છે. તેમાં પણ ખાસ કરીને કુટુંબની સ્ત્રી માટે ચોક વરદાન સમાન છે.
ઘરની સ્ત્રી દિવસના મોટા ભાગના સમય દરમિયાન આ સ્થળ સાથે સંકળાયેલી રહે છે અને અહીંથી જ તે જાણે સમગ્ર આવાસનું નિયમન કરે છે. રસોઈસ્થાન પણ ચોકને અડીને હોય છે. બાળક પોતાના અભ્યાસનું ગૃહકાર્ય માતાની દેખરેખ હેઠળ અહીં નજીકમાં જ કરે છે. આ સ્થળે ભોજન પણ લેવાય અને સવારના ચા-નાસ્તા માટે તો જાણે આ ઉત્તમ સ્થાન ગણાય છે. અહીં જ પાણિયાં હોય છે અને અહીં જ ચોકડી પણ ગોઠવાઈ જાય છે. કુટુંબનો કોઈ પણ સભ્ય બપોરે અહીં જ શેતરંજી પાથરીને વામકુક્ષી કરી શકે છે. આમ ચોક રસોઈ, ભોજન, અભ્યાસ, આરામ જેવી મહત્ત્વની ક્રિયા માટે ઉપયોગી અને શાંત પરિસ્થિતિ પૂરી પાડે છે..
કૌટુંબિક સંપર્ક તથા કૌટુંબિક ભાવના દૃઢ કરવા માટે ચોક મહત્ત્વનો ભાગ ભજવે છે. ચોકની હાજરીથી આવાસમાં એક પ્રકારની પારદર્શિતા સ્થપાય છે. અહીં જ સભ્યોનો પરસ્પર આકસ્મિક કે પ્રયોજિત સંપર્ક સ્થપાય છે. ચોક કુટુંબના સભ્યોને પરસ્પર જોડતી અનેરી કડી બની રહે છે. બાળક અથવા સ્ત્રી નવરાશના સમયે અહીં જ સમય પસાર કરવાની ઇચ્છા રાખતા હોય છે કારણ કે હવા-ઉજાસ અને સંપર્ક માટે આ ચાવીરૂપ સ્થાન છે. વળી ચોક ઉપરથી ખુલ્લો હોવાથી તેની હયાતી ઉપરના દરેક માળ પર પણ વર્તાય છે. આ ચોક થકી જ ઉપરના માળ સાથેનો સંપર્ક સ્થપાય છે – જળવાય છે. એમ કહેવાય છે કે પોળ આવાસના ચોકની બનાવટ તથા તેની ઉપયોગિતાનો અભ્યાસ કરવાથી કુટુંબના સભ્યો વચ્ચેનું સમીકરણ કેવું હશે તે જાણી શકાય.
Also read : સ્થાપત્યનું વાઈ-ફાઈ ઃ નિસર્ગ આર્ટ હબ-કેરળ: છતની મજા…
આબોહવાની દૃષ્ટિએ ચોક એક વૈજ્ઞાનિક ઉકેલ સમાન છે. ગરમ અને સૂકી આબોહવાવાળા પ્રદેશમાં રાત્રિના સમયે હવાનું તાપમાન ઓછું રહે છે, હવા ઠંડી થાય છે. તે સમયે આ ઠંડી હવા ચોકમાં એકત્રિત થાય છે અને તેની ઠંડક જાણે સમગ્ર દિવસ દરમિયાન આખા આવાસમાં પ્રસરતી રહે છે. દિવસ દરમિયાન જ્યારે હવાનું તાપમાન વધે ત્યારે ચોકમાં સંગ્રહિત થયેલી હવા ઉપરથી જ ગરમ થાય અને તે ઉપર જ રહે, જ્યારે ઠંડી હવા તેની ઘનતા વધુ હોવાને કારણે નીચેના ભાગમાં જળવાયેલી રહે. આ હવા જ સમગ્ર આવાસમાં ઠંડક પ્રસરાવે.
આ ચોક ઉપરથી ખુલ્લો હોવા છતાં તે ગરમીના પ્રવેશને રોકી રાખે છે. આમ થવા પાછળ ચોકનું પ્રમાણમાપ મહત્ત્વનું છે. ચોકના ક્ષેત્રફળના પ્રમાણમાં તેની ઊંચાઈ વધુ હોવાથી સીધો તડકો બહુ થોડીક મિનિટો માટે જ ચોકમાં પ્રવેશી શકે છે. સૂર્યપ્રકાશનો આટલો પ્રવેશ જરૂરી પણ છે. ચોકનું ખુલ્લાપણું આવાસની અંદર વરસાદને પણ આવવા દે છે. આનાથી મકાનની અંદર બેઠાં બેઠાં જ, વરસાદ માણતાં માણતાં ચા-ભજિયાની મજા લોકો લેતાં હોય છે. વળી ચોકથી આવાસને આંતર્ભિમુખપણું મળે છે જેને કારણે પોળ જેવી ગીચ વસ્તીમાં પણ જરૂરી ગોપનીયતા જળવાઈ રહે છે.
ભારતના કેટલાક વિસ્તારોમાં ચોકવાળાં મોટાં પરંપરાગત આવાસ પણ બનાવાયાં છે. આમાં આશરે 25.00 થી 35.00 ચોરસ મીટર વિસ્તારવાળા ચોકની ચોફરત વરંડાની રચના કરાય છે. આ વરંડાની બહારની તરફ ઓરડાઓ બનાવાય છે. આવા ચોકની વચ્ચે તુલસી ક્યારો પણ બનાવવામાં આવે છે. પરિસ્થિતિ પ્રમાણે આ ચોકમાં ઝાડ પણ હોઈ શકે. આવા ચોકમાં એક પ્રકારની ઔપચારિકતા જોવા મળે. આ પ્રકારના ચોક સાંસ્કૃતિક પરિબળોનું પરિણામ કહી શકાય. જ્યારે પોળ આવાસના ચોક સાંજોગિક પરિસ્થિતિને કારણે ઉદ્ભવતી ઘટના છે.
Also read : ‘બિયોન્ડ ધ એજ’ પ્રવાસી કેન્દ્ર – સર્ગે – પોર્ટુગલ: કલ્પનાની રોમાંચક દુનિયા…
પોળના આવાસમાં ચોક એક જીવંત ધબકતું સ્થાન છે, સાથે સાથે તે કુટુંબના સભ્યોનો ધબકાર ઝીલે પણ છે. મારી સમજ પ્રમાણે ચોક એ પોળના આવાસનું હૃદય છે.