સ્થાપત્યનું વાઈ-ફાઈ: પુણેના પાનશેતનું કોવ આવાસ…
વીક એન્ડ

સ્થાપત્યનું વાઈ-ફાઈ: પુણેના પાનશેતનું કોવ આવાસ…

  • હેમંત વાળા

170 ચોરસ મીટર વિસ્તારનું, સન 2021માં તૈયાર થયેલ `રેડ બ્રિક સ્ટુડિયો’ દ્વારા ડિઝાઇન કરાયેલ પુણેના પાનશેતનું કોવ આવાસ કેટલીક રીતે નોંધપાત્ર છે. આ આવાસનો પ્લાન મૂળભૂત રીતે સામાન્ય કહી શકાય તેવો છે. એક લાંબા લંબચોરસને ત્રણ ભાગમાં વિભાજિત કરાયો છે. વચ્ચેના ભાગમાં દીવાનખંડ તથા ભોજન વિસ્તારનો સમાવેશ કરાયો છે. તેની એક તરફ રસોડું છે. રસોડાની બાજુમાં એક શયનકક્ષ અને તેની યુટીલીટી ગોઠવવામાં આવી છે.

વચ્ચેનાં ભાગની બીજી તરફ બે શયનકક્ષ તથા તેની યુટીલીટી ગોઠવાઈ છે. વચ્ચેના મુખ્ય વિસ્તારની સામે વિશાળ મંચ બનાવાયો છે જેનાં પર ઊભાં રહીને ચારે તરફનો કુદરતનો નજારો માણી શકાય. તેની થોડીક આગળ પાણીનો કુંડ બનાવ્યો છે. મુખ્ય લંબચોરસની એક તરફ પણ પાણીનો ભૌમિતિક આકારનો કુંડ બનાવ્યો છે.

આ સમગ્ર આયોજનનું પ્રવેશ સ્થાન વચમાં છે જે ઉપરના સ્તર પરથી ઓર્ગેનિક કહી શકાય તેવાં પગથિયાં દ્વારા મુખ્ય પ્રવેશ સ્થાન પર પહોંચે છે. પ્લાનની દૃષ્ટિએ આમાં નવીનતા છે તેમ કહી ન શકાય, પરંતુ જે રીતે આ સમગ્ર પ્લાનનું વિગતિકરણ કરવામાં આવ્યું છે અને તે કુદરતી માહોલની અંદર જે રીતે ગોઠવાઈ જાય છે તે સમગ્ર રચનાને રસપ્રદ બનાવે છે.

આ એક રોજના ઉપયોગ માટેનું આવાસ નથી પરંતુ અઠવાડિયાના અંતે પ્રાપ્ત થતાં `અવકાશ’ને કુટુંબીજનો તથા મિત્રમંડળ સાથે માણવા માટેની તક સમાન વ્યવસ્થા છે. આ મકાનના સ્થાનની પસંદગી માટે ખાસ સંવેદનશીલતા તેમજ ચીવટતા રાખવામાં આવી હોય તે સ્વાભાવિક છે.

ચારે બાજુ પશ્ચિમી ઘાટના પર્વતોથી ઘેરાયેલ, શહેરી ચહલપહલથી દૂર, કુદરતી વનરાજી વચ્ચેનું આ સ્થાન પસંદ કરવાથી કેટલાંક પડકાર પણ ઊભાં થાય અને કેટલાંક નિર્ણયો આપમેળે પણ લેવાતાં થાય. એમ કહી શકાય કે આ પ્રકારનું સ્થાન મકાનની રચના માટે કેટલીક ક્લુ આપે તો કેટલીક મુશ્કેલીઓ સર્જે. એમ જણાય છે કે આ રચનામાં ક્લુનો સરસ ઉપયોગ થયો છે અને મુશ્કેલીઓનું અસરકારક નિરાકરણ કરાયું છે.

એક રીતે આ આવાસ કુદરત સાથે ભળી જાય છે તો સાથે સાથે તે પોતાનું વિધાન પણ સ્થાપિત કરે છે. આ રચના કુદરતના રૂપરંગ સાથે ગોઠવાઈ જાય છે અને સાથે સાથે એક દ્રઢ ભૌમિતિકતાને પણ મહત્ત્વ આપે છે. અહીં ભૂગોળની સાથે ભૂમિતિનું પણ મહત્ત્વ જોવાં મળે છે. આ રચના પ્રમાણમાં સૌમ્ય છે પરંતુ પોતાની ઓળખ પણ જાળવી રાખે છે.

આ સ્થાને જમીનની જે ઊંચનીચ હોય તેનો રચનાત્મક ઉપયોગ પણ અહીં જોવા મળે છે અને જ્યાં જરૂર જણાય ત્યાં જમીનને સમતલ પણ બનાવી દેવાઇ છે. આજુબાજુની પરિસ્થિતિ સાથે દ્રશ્ય સંપર્ક સાધવા માટે અહીં પ્રયત્ન પણ કરાયો છે અને જ્યાં જરૂર જણાય ત્યાં ગોપનીયતાને પણ મહત્ત્વ અપાયું છે. આ આવાસ આમ તો આધુનિક જીવનશૈલીને પ્રતિબિંબિત કરે છે, પરંતુ તેની બનાવટમાં જે સામગ્રીનો ઉપયોગ થયો છે તેમાં પરંપરાગત શૈલીની અસર વર્તાય છે.

એક રીતે જોતાં આ આવાસનો મોટાભાગનો વિસ્તાર એક છત દ્વારા જ આચ્છાદિત છે, આ છત ઘરની લગભગ પૂરેપૂરી લંબાઈમાં ઊંધા વળાંકાકાર બનાવાઈ છે જે સમગ્ર મકાનને નાટકીયતા પ્રદાન કરે છે. આ છત `વી’ આકારના લોખંડના માળખા પર ટેકવવામાં આવી છે અને તેની નીચે ચારે તરફ બારીઓ ગોઠવાઈ છે

જેનાથી આ છત જાણે કે હવામાં તરતી હોય તેમ, હલકી ફુલકી પ્રતીત થાય છે. આને કારણે આ મકાનનું દ્રશ્ય પ્રમાણમાપ સૌમ્ય અને આવાસીય બની રહે છે. આ છતની બનાવટ ફેરો-સિમેન્ટ તકનીકથી કરવામાં આવી છે અને તેથી તેની જાડાઈ માત્ર બે ઇંચ જેટલી જ જરૂરી બની છે. વળી તેના ઊંધા આકારને કારણે અહીં વરસાદનું પાણી એકત્રિત થઈ શકે છે જ્યાંથી તેનો યોગ્ય રીતે સંગ્રહ થાય છે.

સામાન્ય રીતે નજરે ન ચડતું પ્રવેશ, નીચેના સ્તરે ગોઠવાયેલ સમગ્ર આવાસ, ત્યાં સુધી પહોંચવા માટે જાણે કુદરતી માહોલ વચ્ચે બનાવવામાં આવેલ રસપ્રદ પગથિયાં, કુદરત સાથે દૃશ્ય સંપર્ક સ્થાપવામાં સરળતા રહે તે માટે ગોઠવાયેલા વિશાળ બારી-બારણાં, કુદરત સાથે સામીપ્ય કેળવી શકાય તે માટે બનાવવામાં આવેલ વિશાળ `ડેક’, મિત્રમંડળ અને કુટુંબ સાથેની હળવાશ ભરેલી ક્ષણોને સમાવવા સ્થાનના મનોવૈજ્ઞાનિક વિસ્તાર માટે રહેલી સંભાવનાઓ, પગથિયાં પરથી જ ઘરમાં પ્રવેશતાની સાથે જ આવાસની આરપાર કુદરતી પરિસ્થિતિ સાથે સ્થપાતો દૃશ્ય સંપર્ક, સ્થાન આયોજનમાં રહેલી સાદગી, જરૂરિયાત પ્રમાણે મકાનના દરેક અંગનું થયેલું નિર્ધારણ, કુદરતી હવા-ઉજાસ માટે યોગ્ય આયોજન, સરળ આયોજન સાથે પણ જળવાઈ રહેતી રસપ્રદતા તથા રચનાના દરેક નિર્ણયની પરસ્પરની સુસંગતતા – આ આવાસની કેટલીક ખાસિયતો છે.

આ આખા આવાસને ઘેરા લાલ રંગના ગ્રિટ ફિનિશ્ડ – પથ્થરની નાની-નાની કપચીમાંથી તૈયાર કરાયેલ પ્લાસ્ટરનો ઓપ અપાયો છે જેનાથી એક રીતે આવાસ કુદરતી પથ્થરના માહોલ સાથે મેળ પણ ખાય છે અને નજર પણ આકર્ષિત કરે છે. તેની અપેક્ષાએ અંદરની મોટાભાગની દીવાલો સફેદ તેમજ લીસી રાખવામાં આવી છે.

ક્યાંક પથ્થરની પ્રસ્તુતિ તો ક્યાંક જમીન સાથે મેળ ખાય તેવો ઓપ, ક્યાંક ડોકીયું કરતું પાણી તો ક્યાંક નિર્ધારિત લીલોતરી, ક્યાંક કુદરતની વ્યવસ્થાને અપાયેલું સન્માન તો ક્યાંક માનવીય હસ્તક્ષેપ, આ આવાસમાં આવી ઘણી બાબતો ચીવટતાથી નિર્ધારિત કરાઈ હોય તેમ જણાય છે. એકંદરે આ એક માણવા જેવું આવાસ છે તેમ કહી શકાય.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button