વીક એન્ડ

સ્થાપત્યનું વાઈ-ફાઈઃ સ્થાપત્ય ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ…

હેમંત વાળા

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અર્થાત્‌‍ કૃત્રિમ બુદ્ધિ એ ભવિષ્યનું નિર્ધારણ કરી શકવા સમર્થ વિજ્ઞાનની એક મહત્ત્વની શોધ છે. વિજ્ઞાનના દરેક ક્ષેત્રમાં, કળાની દરેક સંભાવનામાં, માનવીય સગવડતા સાચવવામાં તથા અપેક્ષા સંતોષવામાં, સુખાકારી અને સલામતીના સંદર્ભમાં, સમાજની માનસિકતા માં-લગભગ પ્રવર્તિત અને સંભવિત દરેક બાબતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હાવી થઈ જશે. સ્થાપત્ય આમાંથી બાકાત ન રહી શકે. અત્યારથી જ એ વિચારવું પડે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્થાપત્યનાં ક્ષેત્રને વધુ સમૃદ્ધ, વધુ ઉત્પાદન લક્ષી, વધુ કાર્યક્ષમ, વધુ યથાર્થ કેવી રીતે બનાવી શકે. દરેક ક્ષેત્રની જેમ અહીં પણ સ્થાપત્ય અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એકબીજાના પૂરક બને તે ઇચ્છનીય છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશ્લેષણ કરવામાં અને ચોક્કસ ધારાધોરણ અનુસાર નિર્ણય આપવામાં વધુ સક્ષમ છે. જુદી જુદી માહિતીનું જો વિશ્લેષણ કરી માહિતી અનુસાર રચનાકીય નિર્ણય લેવાના હોય તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચોક્કસ મદદરૂપ થઈ શકે.

મકાનની સંભવિત કિમત કેટલી હશે, સ્થાનિક કાયદા અનુસાર કેટલી અને કેવા પ્રકારની સંભાવનાઓ છે, કેવા પ્રકારની માળખાગત રચના મકાનને વધુ મજબૂતાઈ આપી શકે, મકાન ઉપર તડકા-છાંયડાની અસર કેવી રહેશે, માનવીય વ્યવહારની પેટર્ન પ્રમાણે કેવા પ્રકારનું આંતરિક આવનજાવન તથા વિવિધ સ્થાનો વચ્ચેનો પરસ્પરનો સંબંધ વધુ અસરકારક રહેશે, જુદી જુદી સામગ્રીની આવરદા તથા ક્ષમતાના સંદર્ભમાં મકાનમાં કેવા પ્રકારનાં રખરખાવની આવશ્યકતા રહેશે.

વિશેષ પ્રકારની ઉપયોગિતાવાળા મકાનોમાં કેવા પ્રકારની વિશેષ વ્યવસ્થા જરૂરી રહેશે અને તેનું અસરકારક આયોજન કેવી રીતે શક્ય બને, વિશેષ પરિસ્થિતિમાં મકાનને વિશેષ મજબૂતાઈ આપવા માટે કેવા પ્રકારનું પ્રયોજન યોગ્ય રહેશે, સમગ્ર મકાનમાં ઊર્જાનું નિયંત્રણ કેવી રીતે સફળ રહી શકે, કોઈપણ તકનીકી બાબતની કાર્યક્ષમતા મકાનની રચનામાં ઓપ્ટિમાઇઝ કેવી રીતે કરી શકાય – આ અને આવી બાબતો સકારાત્મકતાથી સ્થાપત્યમાં ફાળો આપી શકે.

મકાનના બાંધકામમાં તેમ જ વપરાશમાં ઊર્જાની ખપત કેવી રીતે ઓછી કરી શકાય, ઇલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા મકાનની સલામતી નિર્ધારિત કરવામાં કેવી મદદ કરી શકે, મકાનના ઉપયોગ વખતે સગવડતાની માત્રા કેવી રીતે વધારી શકાય, મકાનનું જે તે અંગ ઉપયોગકર્તાની અપેક્ષા મુજબ કેવી રીતે હંગામી આંતરિક બદલાવ લાવી શકે, કેવા પ્રકારના માપદંડ કેવું પરિણામ આપી શકે, સૂચિત રંગ વ્યવસ્થાથી સમગ્ર દ્રશ્ય કેવું ઊભરશે અને તેની મનોવૈજ્ઞાનિક અસર કેવી રહેશે, અને આ બધી બાબતોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી વધુ અસરકારક રીતે નિર્ધારિત કરી શકાય. પરિણામે મકાન વધુ સ્વીકૃત, વધુ ઉપયોગી તેમ જ વધુ રસપ્રદ બની શકે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સહયોગથી તાત્કાલિક થોડા ફેરફાર કરી રચનાના વિકલ્પો વિશે વિચારી શકાશે, પર્યાવરણ પર થનારી અસરને સચોટ રીતે સમજી શકાશે, મકાનના વિવિધ અંગોની સ્થિતિનું ઝીણવટ ભર્યું મોનિટરિગ શક્ય બનશે, કટોકટી કે અકસ્માત સમયે રક્ષણની સંભાવના વધુ સ્પષ્ટ બનશે, તકનીકી વ્યવસ્થા દ્વારા જે તે પરિસ્થિતિનું ભાવનાત્મક સમીકરણ સમજી શકાશે, સ્થપતિના વિચારોને તાત્કાલિક ધોરણે વર્ચ્યુઅલ રિયાલિટીમાં કન્વર્ટ કરી મકાન અસ્તિત્વમાં આવે તે પહેલાં જ કેટલીક બાબતોની ચકાસણી શક્ય બનશે.

વધુ યથાર્થ માહિતીનો વધુ યથાર્થ ઉપયોગ શક્ય બનશે, પ્લાનિંગની કેટલીક બાબતોમાં સ્થપતિએ સંમિલિત થવાની જરૂરિયાત નહીં રહે, સમગ્ર સંરચનાનું નિયમન સરળ બનશે, બાંધકામની પ્રક્રિયામાં સમયને ઓપ્ટિમાઇઝ કરી શકવાની સંભાવના વધશે, પ્રોજેક્ટ મેનેજમેન્ટ વધુ સરળ બની શકશે, રચના-નિર્ધારણ તેમ જ બાંધકામની વિવિધ પ્રક્રિયા વચ્ચેનું સંકલન પરિણામ લક્ષી બની શકશે, અને આ બધાને કારણે સમગ્રતામાં સમય, શક્તિ તથા સંસાધનોમાં બચત શક્ય બનશે.

આ બધી સકારાત્મક બાબતો સાથે સ્થપતિએ પોતાના અભિગમમાં પણ કંઈક ફેરબદલ કરવો પડશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કઈ માહિતી પૂરી પાડવી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જ્યારે કોઈ પરિણામ દર્શાવે ત્યારે તેનું મૂલ્યાંકન શેના આધારે કરવું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા જે કંઈ દર્શાવવામાં આવે તેમાં માનવીય ભાવનાઓનો ઉમેરો કઈ રીતે કરી શકાય.

માનવીય સંવેદનાઓ કે તકનીકી પરિણામ વચ્ચેની નિર્ણાયક સ્થિતિમાં માનવીય મૂલ્યોને કેવી રીતે જાળવી શકાય,
સ્થાપત્યની તકનીકી બાબતો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું મહત્ત્વ સ્વીકારી શકાય પરંતુ સ્થાપત્યની કળાત્મક બાબતોને કેવી રીતે અસરકારક બનાવી શકાય, ભવિષ્યની અનિર્ધારિત બાબતોને કેવી રીતે નિર્ધારિત કરી ડિઝાઇનમાં તેનો સમાવેશ કરી શકાય, શેના માટે ટેકનોલોજી પણ નિર્ધારિત રહેવું અને શું પોતાને હસ્તક રાખવું – આ અને આવી બાબતો માનવીના હસ્તક જ રહેશે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને માનવીય ભાવનાઓ વચ્ચે સંતુલન જળવાવવું જોઈએ. બંનેનું મહત્ત્વ છે અને બંનેને મહત્ત્વ મળવું જોઈએ. બંનેને પોતાની ક્ષમતા અને સંદર્ભ અનુસાર સ્થાન મળવું જોઈએ. સ્થાપત્ય એક જટિલ રચના છે જેમાં સમાજ, વિજ્ઞાન, વ્યક્તિગતતા, સંસ્કૃતિ, પરંપરા, કળા તેમ જ રાજકીય અને આર્થિક બાબતો સંકળાયેલી હોય છે.

આમાંની કેટલીક બાબતોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ખરેખર મદદરૂપ થઈ શકે, પરંતુ બધી બાબતમાં નહીં. જ્યાં જેની જરૂરિયાત હોય અને જ્યાં જેનું સ્થાન ઇચ્છનીય હોય તે અનુસાર નિર્ણયો લેવાવાં જોઈએ. બધી જ બાબતો કોઈ એક પરિબળને-એક પરિમાણને-આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને સોંપી ન દેવાય.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ સાધન છે. સાધનનો ઉપયોગ સાધન તરીકે જ થવો જોઈએ. સાધન જ્યારે માલિક બનવાનો પ્રયત્ન કરે ત્યારે પ્રશ્ન થાય. માલિક માનવી છે અને પોતાની અનુકૂળતા માટે માનવીએ સર્જેલું માળખું એટલે ટેકનોલોજી, પરંતુ જો માનવી ટેકનોલોજી દ્વારા મળતી અનુકૂળતાને અનિચ્છનીય માત્રા સુધી વધારવાની ઇચ્છા રાખશે અને ટેકનોલોજીને વધારે મહત્ત્વ આપવા માંડશે તો ટેકનોલોજી માલિકના સ્થાને ક્યારેક પહોંચી પણ જશે.માનવી દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સીમા નિર્ધારિત થવી જોઈએ, નહીં કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા માનવીનું ક્ષેત્ર નિર્ધારિત થાય.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button