વીક એન્ડ

આવો, જાણીએ સ્ત્રી-પુરુષની જાણીતી ઓછી ને અજાણી વાતો વધુ!

પહેલી નજરે સરળ, પણ સરવાળે અટપટા કોયડા જેવા લાગતા કુદરતના આ બે અનુપમ સર્જનને અહીં સમીપથી ઓળખીએ, જસ્ટ જરા બીજી રીતે !

સ્ત્રી-પુરુષ: ઘરમાં-કિચનમાં 

ક્લોઝ અપ – ભરત ઘેલાણી

 આમ તો એક જ કુદરત એક જ પ્રકૃતિનાં એ બન્ને સર્જન છે. આમ છતાં , એ બન્ને વચ્ચે અમુક સામ્ય કરતાં કેટલાંક તફાવત એવાં છે, જે સ્ત્રી- પુરુષને એક અલગ અને આગવું અસ્તિત્વ તથા વ્યક્તિત્વ પ્રદાન કરે છે.

આપણે અહીં એ થોડા જૈવિક અને વર્તણૂંક તફાવતની વાત કરીએ તો નર-નારીની પ્રજન્ન ભૂમિકા બન્નેના હોર્મોન્સ મગજની રચના સાવ ભિન્ન-વિભિન્ન છે. બન્નેની શારીરિક ઊંચાઈ-વજન દેખાવ અલગ પડે છે. બન્નેની વાતચીતની ઢબ-શૈલી અલગ હોય છે. પુષની સરખામણીએ સ્ત્રીના હ્રદયના ધબકારા વધુ ઝડપી, પણ બ્લડ પ્રેશર ઓછું હોય છે.

એ બન્ને એમની સામાન્યથી લઈને સામાજિક સાંસ્કૃતિક ભૂમિકામાં સાવ અલગ તરી આવે છે. ખેર, આ બધી વાત તો સામાન્ય જ્ઞાનની છે.

આ પણ વાંચો: ક્લોઝ અપ: શબ્દ જો જાદુગર છે તો સમય છે બાજીગર…!

આપણે અહીં વાત કરવી છે નર-નારીની કેટલીક ઓછી જાણીતી, છતાં રોજિંદા જીવનમાં બનતી તો પણ આપણી નજરે છતી ન થઈ હોય એવી કેટલીક વાતની, જેમકે…

સ્ત્રી-પુરુષ: કેટલી મિનિટમાં શું શું કરે?

કેટલીક વાર શબ્દો કરતાં આંકડા ટૂંકાણમાં પણ સચોટ વાત કહી જતા હોય છે અને મજાની વાત એ છે કે આ આંકડાબાજીમાં કુદરતનાં બે અજોડ કરામતી સર્જન નર- નારી સામેલ છે.

 કેન્દ્ર સરકારની અનેકવિધ આંકડા એકઠા કરતી એક એજન્સી (`સેન્ટ્રલ સ્ટેટિસકલ ઓફિસ’ CSO ) એ પુરુષ-સ્ત્રી અમુક કલાક-  અમુક દિવસ દરમિયાન શું શું પ્રવૃત્તિ કરે છે એનું સર્વેક્ષણ કર્યું પછી એમાંથી તારવેલી ઘણી માહિતી ખરેખર રસપ્રદ છે.

ઉદાહરણ તરીકે, શહેરનો પુરુષ 24 કલાકમાં 534 મિનિટ નિંદ્રા કરે છે, જ્યારે સ્ત્રી 553 મિનિટની મસ્ત ઊંઘ ખેંચી કાઢે છે. આ શહેરીઓની સરખામણીમાં ગ્રામીણ પુરુષ નિરાંતે 554 મિનિટની ઊંઘ લે છે તો ગામની મહિલા ત્યાંના પુરુષ કરતાં 3 મિનિટ વધુ એટલે કે 557 મિનિટ પથારીમાં ગાળે છે.

 ઘરકામમાં મદદરૂપ થવામાં પુરુષ શહેરનો હોય કે ગામનો, એ સ્ત્રીની સરખામણીમાં હંમેશાં ઊણો જ ઊતરે… મહિલા ઘરગથ્થુ કાર્યમાં પૂરેપૂરી 551 મિનિટ આપે તો એનો ધણી રોકડી 94 મિનિટ જ પરખાવે…!

 ખાવા-પીવાની બાબતમાં શહેર-ગામનાં પુરુષો લગભગ એક્સરખો 101-103 મિનિટનો સમય લે છે. આ વિશે મહિલાના કોઈ ચોક્કસ આંકડા મળતાં નથી, કારણ કે સર્વેવાળા કહે છે તેમ સ્ત્રીનું દિવસ દરમિયાન ક્ંઈને ક્ંઈ આચર-કુચર ચાલતું જ હોય છે.

(જો કે સર્વેવાળાની આ વાત મોટાભાગની મહિલાને ખાસ ગળે ઉતરે એવી નથી, કારણ કે ઘરકામમાં ડૂબેલી નારી કયારેક તો કલાકો પછી એકાદ પ્યાલો પાણી કે એક કપ ચા માંડ પીતી હશે)

આ પણ વાંચો: ક્લોઝ અપ : સૈનિકોની જેમ પત્રકારોને માથે પણ સતત મોત ભમે છે!

 બીજી તરફ, સાંસ્કૃતિક્-રમતગમતની બાબતમાં દિવસ દરમિયાન ગ્રામૂણ પુરુષ 162 મિનિટ તો સ્ત્રી 155 મિનિટ ગાળે છે તો શહેરમાં પુરુષ 171 તો આજની સ્ત્રી અનુક્રમે 187 મિનિટ વ્યસ્ત રહે છે.

આ જંગી સર્વે માટે દેશના 5900થી વધુ ગામના 8300 લોકો તથા વિવિધ શહેરના 4000 બિલ્ડિંગ-ઈમારતોના 55 હજારથી વધુ લોકોની મુલાકાત લેવામાં આવી હતી. આમ સરકારી એજન્સીએ બડી જહેમતથી આંકડા એકઠા કરી વિભિન્ન તારણ કાઢ્યા છે. દર બે વર્ષે સરકાર આ પ્રકારની પ્રવૃતિ કરે છે. હા, 2020ના કોરોના કાળ અને લોકડાઉન વખતે આવા બધા આંકડા-પ્રૃથકકરણનું જ `રામ બોલો ભાઈ..રામ’ થઈ ગયુ હતું.

આમ છતાં, આજનો પુરુષ અને સ્ત્રી કઈ કઈ પ્રવૃતિમાં કેટલો સમય વીતાવે છે એનો અચ્છો એવો અંદાજ જરૂર આવી જાય છે.

પુરુષ સ્ત્રીની વાત નીકળે એટલે એ બન્ને દિવસ દરમિયાન  કેટલી વાર બોલતા હશે, વાતો કરતા હશે એવી જિજ્ઞાસા કોઈને પણ સહેજે થાય અને આ બધી માહિતી તો પહેલાં કરતાં હવે વધુ ઝડપી અને સચોટ વત્તા સરળ થઈ ગઈ છે. થેંકસ ટુ ગુગલ ! `ગુગલ’ની સાથે હવે તો `આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ’ (AI) અર્થાત `કૃત્રિમ બુદ્ધિમત્તા’ ઉમેરાયું છે.

આવા AIના આ વિશેષ પ્રકાર એટલે `ચેટજીટીપી’ ને કેટલાક જિજ્ઞાસુ સંશોધકોએ પ્રશ્ન કર્યો :

`દિવસ દરમિયાન વધુ બોલબોલ કોણ કરે-સ્ત્રી કે પુરુષ?’

બીજા શબ્દોમાં એમ પૂછવામાં આવ્યું કે `પુરુષ અને સ્ત્રી દિવસ દરમિયાન સરેરાશ કેટલા શબ્દો બોલે છે?’

જવાબ મળ્યો :

`સામાન્ય માન્યતા એવી છે કે પુરુષની સરખામણી સ્ત્રી વધુ બોલાબોલ કરે છે. વચ્ચે એક સર્વેનું એક સવિસ્તર તારણ પણ  આવ્યું હતું કે દિવસ દરમિયાન પુરુષ માત્ર 7 હજાર શબ્દ બોલે  છે, જયારે સ્ત્રી મશીનગનમાંથી બુલેટની ધાણી ફૂટતી હોય તેમ દિવસ દરમિયાન 18થી 20 હજાર શબ્દો બોલે છે…!

જો કે એ સર્વેનું તારણ મોટભાગના ભાષાવિજ્ઞાનીઓએ સ્વીકાર્યું નહીં. એ બાદ `યુનિવર્સિટી ઓફ એરિઝોના’ સાથે સંકળાયેલા સાયકોલોજિના વડા પ્રોફેસર મેથિયાસ મેહલની ટીમે ડિજિટલ વોઈસ રેકોર્ડરથી અનેક સ્ત્રી-પુરુષની વાતચીત લાંબા ગાળા સુધી રેકોર્ડ  કરી અને પછી એક વ્યવ્સ્થિત સર્વે કર્યો ને શોધી કાઢ્યું કે એક સ્ત્રી દિવસમાં સરેરાશ 16 હજાર 215 શબ્દા બોલે છે, જ્યારે પુરુષ 15  હજાર 669 શબ્દ ઉચ્ચારે છે…બીજા શબ્દોમાં કહો તો પુરુષ-સ્ત્રી લગભગ એકસરખા પ્રમાણમાં જ બોલે છે. આમ `સ્ત્રી વધુ બોલે છે’ એ માન્યતા ભ્રામક અને ભૂલભરેલી છે.

 આ અભ્યાસમાં એક રસપ્રદ માહિતી એ પણ મળી કે સર્વે દરમિયાન એક દિવસમાં સૌથી વધુ 47 હજાર શબ્દ બોલનારી વ્યક્તિ એક પુરુષ હતી અને સૌથી ઓછા 701 શબ્દ બોલનારી વ્યક્તિ એક સ્ત્રી હતી!

નર-નારીની વાતચીત-બોલવાની ઢભ ટેવના આ પ્રકારનાં સર્વે વચ્ચે એવી પણ વાત આવે કે : `પુરુષની સરખામણીએ ઘણી સ્ત્રી ઊંચા સ્વરે બોલતી લાગે. 

એ જ રીતે, ઠીંગણા પુરુષ-સ્ત્રી પણ ઊંચા-મોટા અવાજે કેમ બોલે છે?’ આનો જવાબ ENT (આંખ-નાક ગળા) ના સ્પેશિયાલિસ્ટ – વિશેષજ્ઞ આ રીતે આપે છે : `પુરુષ અને સ્ત્રીની વોકલ કોર્ડ (સ્વરપેટી)ની લંબાઈ અલગ અલગ છે. સ્ત્રીની સરખામણીએ પુરુષની વોકલ કોર્ડ લાંબી હોય છે એટલે સ્ત્રી કે ઠીંગણી વ્યક્તિ પોતાનો અવાજ સામે પહોંચાડવા સ્વાભાવિક રીતે અજાણતા જ ઊંચા સ્વરે બોલતી હોય છે! ‘

 બીજી તરફ, આપણને ખ્યાલ પણ નથી હોતો કે કોઈ કોઈ  શબ્દ આપણે અજાણતામાં જ વધુ બોલીએ છીએ. ઉદાહરણ તરીકે, આપણી રોજિંદી ભાષામાં સૌથી વધુ વખત વપરાતો શબ્દ છે `આઈ’ અર્થાત `હું’ !

બોસની સેક્રેટરી-સહકર્માચારી- ટેલિફોન ઓપરેટર્સ, ઈત્યાદિને મળીને સંશોધન કર્યા પછી મનોચિકિત્સકોનું તારણ કહે છે કે આ `હુ’ શબ્દ દિવસમાં સરેરાશ વ્યક્તિ દીઠ 13થી 16 વાર વપરાય છે !

આ શબ્દ વારંવાર વાપરવાનું પ્રયોજન દરેક માટે ભિન્ન હોય છે. પ્રત્યક્ષ-પરોક્ષ રીતે માનવી માત્ર પોતાની મહત્તા પુરવાર કરવા આ `હુ’નો વધારે પડતો ઉપયોગ કરે છે.

આ `હું ‘ને લઈને જાણીતા હાસ્યલેખક સ્વ. વિનોદ ભટ્ટ વાતવાતમાં આવા `હું હું’ કરતાં આપણા કેટલાક લેખકોને  `આઈ(હું) સ્પેશિયાલિસ્ટ’ કહીને જબરી ખિલ્લી પણ ઉડાડતાં !

મનોચિકિત્સકો એવું પણ ઉમેરે છે કે `હું’ની સરખામણીએ લોકો `અમે’ શબ્દનો વપરાશ ઘણો ઓછો કરે છે…   જાણે લોકોમાં સંઘભાવના બહુ ઓછી છે. દરેક કામ- પ્રવૃત્તિનો શ્રેય-યશ માણસ એકલો જ લેવા ઈચ્છે છે…! .

સ્ત્રી-પુરુષની અજાણી, છતાં અવનવી વાત કરીએ ત્યારે કેટલાંક સાધન આપણી રોજિંદી જિંદગીમાં ખરેખર ઉપકારક હોવાં છતાં એનો વધુ પડતો ઉપયોગ નુકસાનકારક સિદ્ધ થઈ શકે. આમાં સૌથી વધુ હાથવગું સાધન મોબાઈલ ફોન છે, પણ એનો વધુ પડતો ઉપયોગ શારીરિક – માનસિક રીતે પણ ઘણી જફા પહોંચાડે છે. પરિવાર કે નજીકની બે વ્યક્તિ વચ્ચેના સંબંધમાંય એ અજાણી પણ ઊભી તિરાડ પણ પડાવે છે. આવા મોબાઈલ મેનિયા કેવી કેવી મોંકાણ સર્જી શકે છે એની કેટલીક વાત વિગતો પણ આંખ ઉઘાડનારી, છતાં રસપ્રદ છે એના વિશે વાત કરીશું ફરી કયારેક્!                                                          

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button