અરાઉન્ડ ધ વર્લ્ડ: અસકુસા ફૂડ સ્ટ્રીટ પર વાયરલ ફોટોજેનિક વાનગીઓ…

- પ્રતીક્ષા થાનકી
ટોક્યોના ખ્યાતનામ સેન્સોજી મંદિરથી બહાર નીકળવાના ઘણા રસ્તા હતા, અને દરેક રસ્તો કોઈ ને કોઈ રેસ્ટોરાં, હોટલ, ફૂડ સ્ટોલ તરફ નીકળતો હતો. આ અસાકુસા વિસ્તાર ટોક્યોના અત્યંત વૈવિધ્યસભર માહોલના સેન્ટરમાં હતો. દુનિયાભરથી અહીં લોકો ફોટોજેનિક મિષ્ટાન ચાખીને વીડિયો લેવા આવે છે. હજી થોડા સમય પહેલાં કોઈ ખ્યાતનામ રેસ્ટોરાંની ઓળખ એ હતી કે ત્યાંની વાનગીઓ મજેદાર હોય છે અને ત્યાં દુનિયાભરથી લોકો જમવા આવે. હજી ફૂડ માટે જાણીતાં રેસ્ટોરાં તો હતાં એવા ને એવા જ છે, પણ તેમાં ઇન્ફ્લુઅન્ઝરનાં માનીતાં રેસ્ટોરાંનો નવો ટે્રક ઉમેરાયો છે. ઇન્સ્ટાગ્રામ પર લોકપ્રિય હોય એ જગ્યાએ જમવાનું પણ સાં મળતું હોય તેની કોઈ ગેરેન્ટી નથી હોતી, પણ વાયરલ થઈ ચૂકેલાં સ્થળો પર લોકો માત્ર ટે્રન્ડ ફોલો કરવા માટે પણ જવા તૈયાર હોય છે. ટોક્યોના આ ખૂણામાં લોકોનું કોઈ પણ સ્થળે કંઇ ખાવા માટે ભૂખ્યા હોવું જરૂરી ન હતું. અમને તો ભૂખ લાગી ચૂકી હતી અને અહીં વેરાઇટી
સભર ચીજો ખાવામાં બધે લાઈનમાં ઊભાં રહેવાનું હતું.
પહેલાં મેલન પાનનો વારો આવ્યો. આ મેલન પાન કાપેલી ટેટી જેવું દેખાતું હતું, પણ ખરેખર એ શેપની બ્રેડ હતી અને તેની વચ્ચે વિવિધ સ્ટફિગ વાનગીને સ્વાદિષ્ટ બનાવવાનો પ્રયત્ન કરતાં હતાં. આ મેલન પાન હવે ઓલમોસ્ટ દરેક કન્વિનિયન્સ સ્ટોરમાં પણ મળતું હતું. તેના શેપનાં સુવિનિયર્સ, પર્સ, મેગ્નેટ બધું જ મળતું હતું. મેલન પાન આમ તો આખા જાપાનમાં ગમે ત્યાંથી ખરીદી શકાય, પણ અસકુસાનો તે સ્ટોલ વાયરલ મેલન પાનનો સ્ટોર હતો. ત્યાં બીટીએસથી માંડીને ઘણાં એશિયન અને હોલિવૂડ સ્ટાર્સ અને ઇન્ફ્લુઅન્સર આવી ચૂક્યાં છે. ઘણાંના ફોટા પણ લાગેલા હતા. અને તે સમયે અમારી નજર સામે જ બીજે પચાસેક ફોટા તો અમે લાઇનમાં ઊભાં હતાં ત્યાં સુધીમાં જ પડી ગયા હતા. અમારા લિસ્ટ પર હજી બીજી પાંચેક આઇટમ્સ હતી. એટલે ક્યાંય ઓવરઇટિગ ન કરવાનું પણ ધ્યાન રાખવાનું હતું. મેલન પાન સાં તો હતું, પણ તેના માટે ગાંડા થવા જેવું અમને કશું લાગ્યું નહીં. બાકીનાં લોકોને જજ કરવા છતાં ફોટો તો અમે પણ પાડ્યો જ.
હવે સ્વીટ પોટેટો ક્રેમ્બર્લેનો વારો હતો. કોને ખબર હતી કે એક બાફેલા પર્પલ શક્કરીયાને વચ્ચેથી કાપી, તેમાં ખાંડ નાખી, તેને હીટ ગનથી કેરેમલાઈઝ કરીને વેચવાનું કામ કરતી આ દુકાનમાં બીજું કશું જ નહોતું મળતું. બસ ત્રણ પ્રકારના સ્વીટ પોટેટો સિવાય કોઈ મેન્યુ જ ન હતું. અને તેના માટે લાઈન લાગી હતી. નાનકડી દુકાનમાં એક દરવાજેથી એન્ટર થાઓ, ઓર્ડર કરો, પૈસા ચૂકવો, ઓર્ડર હાથમાં લો અને બીજા દરવાજા પાસે સેલ્ફી કોર્નર પર ફૂડ સાથે ફોટો પાડો અને ચાલતા બનો. ત્યાં એક બોર્ડ પણ મારેલું હતું કે અમારા સ્ટાફને ફોટા અને વીડિયોમાં ન લેવા વિનંતી. આ પ્રોફેશનલ વાયરલ દુકાન હતી. ખાસ એ જ ઉદ્દેશથી બનાવી હોય તેવું લાગતું હતું. પર્પલ પોટેટો મજેદાર તો હતું. નજીકમાં એક દુકાનમાં એ જ પર્પલ પોટેટોને સ્પેગેટી આઇસક્રીમના રૂપમાં સર્વ કરવામાં આવતું હતું. આ બધું સાધારણ ભાવ કરતાં લગભગ ડબલ ભાવે મળી રહૃુાં હતું. છતાંય લાઇન જરાય ટૂંકી થતી દેખાઈ નહોતી.
આ પણ વાંચો…અરાઉન્ડ ધ વર્લ્ડ: સેન્સોજી મંદિરમાં ભીડ વચ્ચે ભગવાનની શોધમાં…
વચ્ચે મોચી અને તૈયાકીનો વારો પણ આવી ગયો. માછલીના શેપની સ્ટફ્ડ પેન-કેક અમે મજાથી ખાધી. છતાંય ચર્ચા એ થઈ કે જાપાનની સૌથી લોકપ્રિય તૈયાકી હિમેજી શહેરમાં મળે છે, ટોક્યોમાં નહીં. હવે મને બેસ્ટ લાગી હતી તે તૈયાકી તો ઓસાકા શહેરમાં હતી, પણ તે સમયે અમને જે તૈયાકી મળી તેમાં જ સંતોષ માનવો રહૃાો. અહીંની વાનગીઓમાં રેડ બીન એટલે કે રાજમાની પેસ્ટને સ્વીટ્સમાં વાપરવામાં આવતી જોઈને પણ નવાઈ લાગી હતી. પણ રેડ બીન પેસ્ટ એવી રીતે વપરાય છે કે પુડિગ, વેનિલા અને ચોકલેટ જેવી કોમન ફલેવર છોડીને જ્યાં પણ જતી ત્યાં રેડ બીન પેસ્ટ જ ઓર્ડર થતી હતી. પહેલાં મિષ્ટાન પેટમાં પધરાવી લીધા પછી લાગ્યું કે થોડાં સોલ્ટી કે મસાલેદાર નૂડલ્સ પણ મળી જાય તો જરા મજા આવે.
અસકુસામાં આ રસ્તે ઘણી ફૂડ ટૂર્સ ગાઇડ સાથે પણ લઈ શકાય છે. અમે પહેલેથી જ તૈયારી કરીને આવેલાં. અને હજી સુધી એક પણ વાનગી નબળી લાગી ન હતી. બસ તેને વાયરલ થવાનાં કારણો સમજી શકાતાં ન હતાં. તે સમયે એમ થતું હતું કે આપણી પાણી-પૂરી, પાંઉભાજી અને વડાંપાંઉ પણ વાયરલ થવાને લાયક છે. તે વિચાર પછી એમ પણ થયું કે કાશ અહીં રેડ બીન પેસ્ટના ઢગલા વચ્ચે ક્યાંક ગરમાગરમ પાંઉભાજી હાથ લાગી જાય તો કેટલી મજા આવે.
અને આખરે કોમુગીનો ડોરી નામની જગ્યાએ મસાલેદાર કરી સ્ટફ કરેલી બ્રેડ મળી. પાંઉભાજી સ્તરની તો ન હતી, પણ મજા જરૂર આવી. આ વાયરલ વાનગી પહેલી વાર લેખે લાગી હોય એવો સ્વાદ હતો. અને એટલે જ અમને માંડ એક હાથ લાગી. તે નાનકડા બૂથ રેસ્ટોરાંમાં લોકો દાદાગીરીથી ધંધો કરે છે. હજી બપોરના બે વાગેલા અને તેમની પાસે વેજિટેરિયન સ્ટફ્ડ બ્રેડનો છેલ્લો પીસ બાકી હતો. તે દિવસે લંચમાં બેસીને ખાવા તો મળવાનું ન હતું. તે પ્લાન સાંજ પર હતો. એક પછી એક સ્ટ્રીટ ફૂડની મજા લીધા પછી એમ લાગ્યું કે કદાચ આમાં ને આમાં જ સાંજ પડી જશે.
રસ્તા પર અલગ અલગ બેનર્સમાં પણ આર્ટિસ્ટક કૂકિગને પ્રતીકાત્મક રીતે રજૂ કરતાં ચિત્રો હતાં. જાપાનમાં જાણે ખાડો પણ એસ્થેટિકલી પ્લીઝિંગ લાગતો હતો. ચિત્ર-વિચિત્ર જાપાનીઝ વાનગીઓથી ધરાઈને અમે અસકુસા કલ્ચર સેન્ટરની હાઇરાઇઝ બિલ્ડિગના ટોપ ફલોરથી સેન્સોજી ટેમ્પલ જોવાના ડેક પર પહોંચ્યાં. ત્યાં બીજી તરફ ટોક્યો સ્કાય ટ્રીનાં પણ દર્શન થઈ ગયાં. ટોક્યોમાં દરેક પગલે કોઈ અલગ ચિત્રવાર્તા જાતે જ શરૂ થઈ જતી હતી. સેન્સોજીને માણવાના ઘણા રસ્તા છે, પણ અમારો મનપસંદ રસ્તો તો આ ટોપ ફલોરના કાફેમાં ગરમ માચા કોફી સાથે ભીડને જોતાં જોતાં રિલેક્સ થવાનો જ છે. અસકુસામાં હજી કિચન માર્કેટ બાકી હતી.
આ પણ વાંચો…અરાઉન્ડ ધ વર્લ્ડ: જાપાનની અમેયા યોકોચો માર્કેટમાં શું જોવું ને શું ન જોવું…