વીક એન્ડ

આપણી ખરી ઓળખ… આપણી માતૃભાષા!

ફોકસ – લોકમિત્ર ગૌતમ

`અમારી અનંત ઓળખાણોમાં સૌથી ગાઢ અને સાચી ઓળખાણ છે અમારી માતૃભાષા…’પાકિસ્તાનની રચના બાદ તેના શાસકોએ પૂર્વ ભાગમાં (હાલનું બાંગ્લાદેશ) પર ઉર્દૂ લાદવાની કોશિશ કરી હતી ત્યારે 1950ના દાયકામાં ઢાકાથી લઈને ચિટ્ગાંવ સુધીની ગલીઓમાં `અમાર બાંગ્લા’નો નાદ ગુંજી ઊઠ્યો હતો. અંતે આ લોકો અલગ દેશ બનાવીને જ રહ્યા. 21 ફેબ્રુઆરી 1999માં બાંગ્લાદેશના વિદ્યાર્થીઓએ માતૃભાષા માટે શરૂ કરેલા આંદોલનથી પ્રેરાઈને `યુનેસ્કો’એ 1999માં આ દિવસને `આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઘોષિત કર્યો. આજે આખું વિશ્વ આ દિવસને ઉમંગ સાથે મનાવે છે.

સવાલ એ છે કે સમાજ માટે માતૃભાષા કેમ આટલી મહત્ત્વની હોય છે? આનું મોટું કારણ એ છે કે દુનિયાનો કોઈ પણ સમાજ માતૃભાષા વગર તેની ઓળખાણ બનાવી શકતો નથી. કોઈ પણ સમાજમાં સંસ્કૃતિ અને એની ઓળખાણ તેની માતૃભાષા સાથે જોડાયેલી હોય છે. આથી જ ભાષાઓના ઇતિહાસમાં માતૃભાષાનું ખાસ સ્થાન હોય છે. વિવિધ સમુદાયોની હયાતીમાં મુખ્ય ભૂમિકા માતૃભાષાની હોય છે. માતૃભાષા કોઈ પણ સમાજની પરંપરા અને સંસ્કૃતિને પોષણ આપે છે. લોકકથા, સાહિત્ય, ધાર્મિક ગ્રંથ અને સ્થાનીય જ્ઞાન માતૃભાષાને લીધે જ પેઢીઓને મળે છે. વાસ્તવમાં માતૃભાષા જ વિચાર અને અભિવ્યક્તિની સહજતા પ્રદાન કરે છે. લોકો માતૃભાષામાં જ પોતાના વિચાર સર્વાધિક સજાગતા અને ચોકસાઈપૂર્વક રજૂ કરી શકે છે. માતૃભાષા શિક્ષણ અને વિકાસમાં સહાયક હોય છે. દુનિયાના વિવિધ ભાગોમાં થયેલા મનોવૈજ્ઞાનિક અભ્યાસ બતાડે છે કે જે બાળકો શરૂઆતમાં માતૃભાષામાં અભ્યાસ કરે છે એ લોકો માતૃભાષામાં તો સારું પ્રદર્શન કરે જ છે એટલું જ નહીં, બીજી ભાષાઓમાં પણ સારો દેખાવ કરે છે.

માતૃભાષા આપણી નસે નસની ઓળખાણ આપે છે. તે આપણી રાજકીય અને સામાજિક ઓળખાણને તાકાત આપે છે. જો એમ ન હોત તો બાંગ્લાદેશમાં થયેલું બાંગ્લા ભાષા આંદોલન સ્વતંત્રતા અને સ્વાયત્તતાનું પ્રતીક ન બનત. અમુક લોકો એવો સવાલ કરી શકે છે કે શું આજના ગ્લોબલાઈઝેશનના યુગમાં માતૃભાષાનું એટલું જ મહત્ત્વ છે જેટલું દુનિયા અલગ અલગ ટાપુમાં વસેલી હતી ત્યારે હતું? યસ, નિશ્ચિત રીતે માતૃભાષાનું મહત્ત્વ કોઈ પણ સમય કે યુગમાં ઓછું નથી થયું. જોકે સૌથી મોટું સંકટ એટલે કે ગ્લોબલાઈઝેશનનું દબાણ એટલું છે કે સવાલ થાય છે કે માતૃભાષા જીવિત બચે તો કેવી રીતે બચે. એનો વિકાસ કેવી રીતે થાય? અલબત્ત એવું પણ નથી કે આપણે પ્રયાસો કરીએ તો માતૃભાષા બચી ન શકે. એમાં કોઈ બેમત નથી કે ગ્લોબલાઈઝેશનને લીધે વેપાર, કારોબાર અને રોજગારનું દબાણ સૌથી વધારે માતૃભાષા પર પડે છે. જો સરકાર અને સામાન્ય જનતા માતૃભાષા માટે સજાગ રહે તો ગ્લોબલાઈઝેશનના યુગમાં પણ માતૃભાષા બચી શકે છે.

દુનિયામાં અનેક એવાં શહેરો જે રોજગાર, કારોબાર અને શાસન-પ્રશાસનની દૃષ્ટિથી સામાન્ય લોકોની અપેક્ષાની સમીપ છે ત્યાં માતૃભાષા એ શહેરો અને વિસ્તારો કરતાં વધુ તંદુરસ્ત છે જ્યાં શાસન-પ્રશાસનથી લઈને રોજગાર અને આજીવિકાનું દબાણ વધુ છે. આનું કારણ એ છે કે જો આપણે આપણી રોજિંદી જરૂરિયાતોને પૂરી કરવામાં અસાનીથી સફળ થઈએ તો આપણે આપણી માતૃભાષાને જીવતી રાખી શકીએ. એવાં શહેરો, દેશો અને પ્રદેશોની સત્તા પણ એને જીવતી રાખવામાં સકારાત્મક ભૂમિકા ભજવે છે.

જો નાગરિક સમાજ અને સરકાર માતૃભાષા માટે સજાગ અને ચિંતાતુર હોય તો નીતિ, નિર્માણ અને કાનૂની સંરક્ષણના માધ્યમથી માતૃભાષાને શિક્ષણ, પ્રસારણ અને પ્રસાર માધ્યમોની મદદથી મજબૂત બનાવી શકાય છે. આ ડિજિટલ યુગમાં માતૃભાષાને જીવંત રાખવાનું ભલે મુશ્કેલ લાગતું હોય, પરંતુ હકીકતમાં હવે માતૃભાષાને જીવંત રાખવી પહેલાંથી વધારે આસાન છે. આજનો જમાનો સોશિયલ મીડિયાનો છે જે રોજિંદી જીવનધારાના દબાણથી ઉપર છે અને લોકો પોતાનાં કામકાજ ઉપરાંત બીજે હિસ્સો આપીને માતૃભાષાને જીવંત રાખી શકે. શરત એટલી માત્ર છે કે આપણે સોશિયલ મીડિયામાં આપણી માતૃભાષામાં સંવાદ કરીએ. આજે લાખો વેબસાઈટ છે જે આ કામ કરી રહી છે. મોબાઈલ એપ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) વડે પણ માતૃભાષાને જીવંત રાખી શખાય, જો વિવિધ સરકાર માતૃભાષા અંગે સજાગ અને ચિંતિત રહે તો ઉચ્ચ શિક્ષણ ભલે રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ભાષામાં અપાય, પરંતુ પ્રારંભિક શિક્ષણ માતૃભાષામાં આપીને તેને જીવાડી શકાય અને આનાથી ઉચ્ચ શિક્ષણ પણ માતૃભાષામાં આપવાનો તખ્તો ગોઠવાય છે.

જો સમાજ માતૃભાષાને જીવતી રાખવાનું દાયિત્વ એકલી સરકાર પર ન નાખે. સમાજ પ્રાદેશિક સાહિત્ય અને કળાને પ્રોત્સાહિત કરી શકે. સ્થાનિક લેખકો, કવિઓ અને કલાકારોને પ્રોત્સાહન આપીને સમાજ માતૃભાષાને જીવંત રાખી શકે એટલું જ નહીં, પરંતુ તેને ટકાવી રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે. સ્થાનિક નાગરિક પ્રશાસન સંસ્થાઓ જેવી કે નગરપાલિકા, ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત માતૃભાષાને જીવંત રાખવામાં પોતાની ભૂમિકા ભજવી શકે. તેમના પર સ્થાનિક જાહેરાત, સાઈનબોર્ડ અને સરકારી ઘોષણાને જનતા સુધી પહોંચાડવાનું દાયિત્વ હોય છે. જો તેઓ માતૃભાષા અંગે સજાગ રહે તો એકદમ આસાનીથી નીચલા સ્થાનિક સ્તરે પણ માતૃભાષા મજબૂત રહેશે અને એનો વિકાસ પણ થશે.

આમ કરવાનું એટલા માટે જરૂરી છે, કારણ કે ગ્લોબલ વૉર્મિંગની જેમ માતૃભાષા પર પણ અતિશય મોટું જલવાયુ સંકટ ઘેરાયેલું છે. `યુનેસ્કો’એ પણ એવી કબૂલાત કરી છે કે દર પખવાડિયે કોઈ એક સ્થાનિક ભાષા લુપ્ત થાય છે. ઑસ્ટે્રલિયા અને પ્રશાંત દ્વીપમાં અંગ્રેજીને લીધે અહીંની હજારો સ્થાનિક ભાષા લુપ્ત થઈ. લાંબા સમય સુધી વસાહત રહેવાને લીધે આફ્રિકામાં મોટા સ્તરે સ્થાનિક ભાષા ખતમ થઈ ગઈ અને અહીં અંગ્રેજી, ફ્રેન્ચ અને પુર્તગાલી ભાષાઓએ કાયમી પ્રભુત્વ જમાવ્યું.

આ જ રીતે એશિયામાં જુઓ કે ચીનમાં સ્થાનિક ભાષાઓ મંડારિનના પ્રભાવમાં લુપ્ત થઈ છે. ભારતમાં હિન્દી અને અને અંગ્રેજીના પ્રભુત્વને લીધે અનેક નાની અને આદિવાસી ભાષા લુપ્ત થવાને આરે છે. આવું જ કંઈક રશિયામાં રશિયન ભાષાના પ્રભુત્વને લીધે સ્થાનિક ભાષાઓ પર માઠી અસર પડી છે. ટૂંકમાં કહીએ તો માતૃભાષાને ફક્ત વિદેશી ભાષાનું સંકટ નથી, પરંતુ સ્થાનિક સ્તરે પ્રભુત્વવાળી ભાષાઓનો ખતરો પણ છે.

આઝાદી બાદ રાજકીય રીતે એમ ભલે કહેવાય છે કે હિન્દી જેટલી સશકત થશે એમ મનાતુ હતું એટલી તાકાતવાળી થઈ નથી. માતૃભાષાનાં ચશ્માંથી હિન્દીને જોઈએ તો હિન્દી આજે અનેક નાની બોલી અને માતૃભાષા માટે સંકટ બની ગઈ છે. 2011ની વસતીગણતરી પ્રમાણે ભારતમાં લગભગ બાવન કરોડ લોકો હિન્દી બોલે છે જે વસતિના 43 ટકા થાય છે. હિન્દી બોલનારાના આ વિરાટ આંકડાની અસર એ થઈ કે બોલિવૂડ, ટેલિવિઝન અને મીડિયાનો મોટો ભાગ હિન્દીમય થઈ ગયો અને નાની બોલી અને માતૃભાષા પર સંકટનાં વાદળાં ઘેરાયાં. ભારતમાં હિન્દી બાદ બાંગ્લા બોલનારા 26 કરોડથી વધારે લોકો છે. ત્યાર બાદ ક્રમશ: તેલગુ, મરાઠી, ક્નનડ, ગુજરાતી અને પંજાબી જેવી ભાષા છે જે સ્થાનિક સ્તરે બોલવામાં આવે છે અને મજબૂત દેખાય છે. હાલના દાયકાઓમાં આ મોટી ભાષાઓ પર હિન્દી અને અંગ્રેજીનું દબાણ છે. આથી આ ભાષાઓને બચાવવા સ્થાનિક સમાજો અને સરકારોએ સજાગ રહેવું પડશે. આજે મુંબઈ જેવા મહાનગરમાં પહેલી ભાષા હિન્દી અને બીજા નંબરની ભાષા મરાઠી બની ગઈ છે. સ્થાનિક સ્તર પર આ વાત ઓછી સમજાય છે, પરંતુ કામકાજ, વેપાર અને બીજા બિઝનેસ સંપર્કમાં એવું પ્રતીત થાય છે કે મુંબઈમાં મરાઠીનો દરજ્જો ત્રીજા નંબરે છે. પહેલા નંબરે અંગ્રેજી અને બીજા નંબરે હિન્દી છે.

આવી સ્થિતિમાં સ્થાનિક સમાજોની સંવેદનશીલતાથી જ માતૃભાષાને જીવતી રાખી શકાય છે. `યુનેસ્કો’ના જણાવ્યા પ્રમાણે ભારતમાં 197 ભાષા લુપ્ત થઈ ગઈ અથવા તો એની સમીપ છે. ગ્રેટ અંદમાની, બોગી, જે અને ઉતિકવાર જેવી દ્વીપીય ભાષાઓ જે આંદામાન ટાપુ પર બોલાતી હતી એ હવે હયાત નથી. આ જ રીતે સંથાલી, શૌરસેની અને ઈશાનની બારેક બોલી અને ભાષા લુપ્ત થઈ અથવા એની સમીપ પહોંચી ગઈ છે. આ જ હાલ તેલગુ, મરાઠી અને બીજી સ્થાનિક માતૃભાષા અને બોલીના છે.. દાખલા તરીકે કોંકણી અને તુલુ પર પણ સંકટનાં વાદળાં ઘેરાયાં છે. જો આપણે આ ભાષાઓને બચાવવી હોય તો તરત જ સજાગ થવું પડશે અને પૂરી સંવેદનશીલતાથી આ ભાષાને આપણા જીવન સાથે જોડવી પડશે. આમ કરવાથી જ ગ્લોબલાઈઝેશન છતાં આપણી સ્થાનિક ભાષાઓ ધબકતી રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button