વીક એન્ડ

હિટલરનું મનોબળ તોડવા આવું કરવાની જરૂર હતી ખરી?!

ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક

ગત બે સપ્તાહ દરમિયાન બીજા વિશ્ર્વયુદ્ધ વખતે મિત્રદેશોની સેનાઓએ નાઝી સેનાને હંફાવવા માટે કરેલા યુદ્ધ સિવાયનાં કારનામાઓની વાત કરી. એમાં અમુક કારનામા તો હાઈસ્કૂલના તોફાની બારકસો જેવા હતા. જર્મન સૈનિકોના યુનિફોર્મ્સથી માંડીને કોન્ડોમમાં ઇચિંગ પાઉડર ભભરાવવો, સૈનિકોના ઓવરકોટમાં માથાફાડ દુર્ગંધ ફેલાવતી કેપ્સ્યુલ મૂકી દેવી, કે પછી નાઝી સમર્થકો અને નાઝી સેનાનું મનોબળ તોડી નાખવા માટે ફેક ન્યૂઝથી માંડીને યલો જર્નાલિઝમનો સહારો લેવા જેવા ‘પરાક્રમ’ કરવામાં બ્રિટનની ‘સ્પેશિયલ ઓપરેશન્સ એક્ઝિક્યુટીવ્સ’ (જઘઊ) અને અમેરિકાના ‘ઓફિસ ઓફ સ્ટ્રેટેજિક સર્વિસીસ’ (ઘજજ) જેવાં સંગઠનો પાછું વાળીને જોતા નહિ! એમાં ઘણી વાર નૈતિક મર્યાદા ચુકાઈ જવાના ય દાખલા બનતા! બલકે એવા દાખલાઓથી બીજા વિશ્ર્વયુદ્ધનો ઇતિહાસ ભરેલો છે! પણ આ શ્રેણીના આજના અંતિમ હપ્તામાં મિત્ર દેશોએ આચરેલા જે ખાસ ‘કારનામા’ઓની વાત છે, એ આપણા ભારતીય માનસને રીતસર અકારા લાગે એવા છે.

યુદ્ધ અને રાજકારણમાં અંગત જીવન ઉપર થતા ગલીચ આક્ષેપોની કોઈ નવાઈ નથી હોતી. પણ હિટલરને નીચો દેખાડવા માટે જેવા ઉપાયો અજમાવવામાં આવ્યા, એ જોતા એમ થાય કે શું ખરેખર આ બધું કરવાની જરૂર હતી ખરી?

ગત સપ્તાહે નાઝી ઓફિસર્સ વિષે મનઘડંત-અશ્ર્લીલ વાતો ફેલાવવા માટે શરૂ કરાયેલા ભૂગર્ભ રેડિયો, અને એની પાછળના ભેજા સેફ્ટન ડેલ્મર વિષે વાત કરી. એવા તો અનેક ‘કળાકારો’ને જઘઊ અને ઘજજ વાળાએ કામ પર લગાવેલા. તમને જાણીને નવાઈ લાગશે, પણ આવા લોકોમાં કેટલાક પોર્નોગ્રાફર્સ (અશ્ર્લીલ ચિત્રો બનાવનારાઓ)નો પણ સમાવેશ થતો હતો! મેરિયન વ્હાઈટહોર્ન આવો જ એક ‘ચિત્રકાર’ હતો. ડેલ્મર ઉચ્ચ નાઝી અફસરોના મનઘડંત સેક્સ સ્કેન્ડલ્સ વિષે જે ગપગોળા હાંકતો, એને અનુરુપ ચિત્રો બનાવવામાં મેરિયનની માસ્ટરી હતી. ખુદ એડોલ્ફ હિટલરના ઓરિજિનલ ફોટોગ્રાફ પર ‘કારીગરી’ કરીને મેરિયન એમાં હિટલરનું શિષ્ન દેખાતું હોય એવું ચિત્ર બનાવતો. એટલું જ નહિ, પણ હિટલરનું જનનાંગ જાણી જોઈને અત્યંત નાનું દર્શાવવામાં આવતું! વાત આટલેથી જ નહોતી અટકતી. એમાં વળી ધાર્મિક ‘એન્ગલ’ પણ ઉમેરવામાં આવતો. હિટલરના આવા વિકૃત ચિત્રમાં એની સુન્નત થયેલી હોય એવું દર્શાવાતું, જેથી હિટલર મૂળે એક યહૂદી હોવાનું નેરેટિવ સેટ કરી શકાય! એ સમયે જર્મનીની પેરામિલીટરી ફોર્સ જજ તરીકે ઓળખાતી. જજવાળા પોતાના પ્રચાર માટે પેમ્ફલેટ્સ છપાવતા. ડેલ્મર આ પેમ્ફલેટ્સની ભદ્દી પેરોડી ડિઝાઈન બનાવડાવતો, અને એવા અશ્ર્લીલ પેમ્ફલેટ્સ લોકોને વહેંચતો. આ પેમ્ફલેટ્સ પહેલી નજરે ઓરિજિનલ – જજ દ્વારા છપાયા હોય એવા જ લાગતા, પણ એમાં હિટલરના ફોટો સાથે ગંદી રમત રમવામાં આવતી. હિટલરના શરીર સાથે એવડું મોટું જનનાંગ જોડવામાં આવતું, જે જોતાની સાથે જ અવાસ્તવિક (નકલી) હોવાનું પ્રતીત થાય. અને એવા ફોટો નીચે લખવામાં આવતું, બધાને ખબર છે કે ફ્યુહરર (સર્વોચ્ચ નેતા) પાસે વાસ્તવિક ગણાય એવું કશું નથી! (યદયિુજ્ઞક્ષય સક્ષજ્ઞૂત વિંય ઋીવયિિ મજ્ઞયત ક્ષજ્ઞિં ાજ્ઞતતયતત ફક્ષુવિંશક્ષલ જ્ઞર વિંય સશક્ષમ) હવે હિટલરના ખોટા દાવાઓની પોલ ખોલવા માટે બીજા અનેક રસ્તા હોઈ શકે, પણ સાવ આવું?!

હકીકતે જઘઊ અને ઘજજ માટે નૈતિકતા જેવું કશું હતું જ નહિ. આ બંને સંસ્થાના અધિકારીઓનું એક જ લક્ષ્ય રહેતું, ગમે તે ભોગે નાઝી સેનાને હેરાન કરવી અને નાઝી સેના તેમજ એના સમર્થકોને નીચા પાડવા. આ માટે જે કરવું પડે તે કરવું. એક વખત રોમ ખાતેના ઘજજ અધિકારીઓને ખબર પડી કે નાઝી સેના પાસે ટોઇલેટ પેપર્સની તંગી છે. હવે ભારતીય પ્રક્ષાલન પદ્ધતિથી અજાણ એવા પશ્ર્ચિમી દેશો ટોઇલેટ પેપર વિના કેવા લાચાર થઇ જાય છે, એ તો આપણે કોરોના સમએ યુરોપના સ્ટોર્સમાં થતી ટોઇલેટ પેપર રોલ્સની લૂંટાલૂંટ જોઈને બરાબર સમજી ગયા છીએ. ઘજજ વાળાએ ટોઇલેટ પેપરની તંગીનો અળવીતરો ફાયદો ઉઠાવ્યો. એમણે ઢગલાબંધ ટોઇલેટ પેપર રોલ્સનું પ્રોડક્શન કરાવ્યું, અને આ તમામ રોલ્સ તટસ્થ રાષ્ટ્ર ગણાતા સ્વિત્ઝરલેન્ડ પહોંચાડ્યા. જર્મની જતી ટ્રેન્સમાં મોટા ભાગના ટોઇલેટ્સમાં ઘજજ દ્વારા નિર્માણ પામેલા ટોઇલેટ પેપર્સ જ હોય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી. હવે પહેલી નજરે તો આમાં ‘સમાજ સેવા’ દેખાશે, પણ ઘજજની બદમાશી એવી કે આ તમામ ટોઇલેટ પેપર્સ ‘એન્ટી-નાઝી’ હતા. એટલે કે આ પેપર્સ પર નાઝીવાદનાં સૂત્રો લખાયેલા રહેતા! કેટલાક ટોઇલેટ પેપર્સ પર તો વળી ખુદ એડોલ્ફ હિટલરનો ફોટો છાપીને નીચે લખવામાં આવતું, ઝવશત તશમય ીા!” આવી અળવીતરાઈથી નાઝીઓનું મગજ કેવું ફાટતું હશે, એની કલ્પના કરી શકાય એમ છે.

પણ આ બધા કરતાં ચાર ચાસણી ચડે (કે ઊતરે) એવી હલકટાઈ અમલમાં મૂકવાની કોશિશ પણ થયેલી. કોઈ પણ લોકપ્રિય/વિવાદાસ્પદ નેતાની માફક હિટલરના જાતીય જીવન વિષે પણ અનેક માન્યતાઓ/અફવાઓ પૂરબહારમાં ચાલતી. ખાસ કરીને હિટલરનો સૂરજ ઢળવા માંડ્યો એ પછી! હિટલર હોમોસેક્સ્યુઅલ હોવાથી માંડીને વિકૃત હોવા અંગેની અનેક વાતો ચાલતી રહી. પણ એમનું કશું સાબિત થઇ શક્યું નથી. એની કેટલીક પ્રેમિકાઓએ આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે, પણ એ વિષે ય છાતી ઠોકીને કહી શકાય એમ નથી. હિટલરની એકમાત્ર જાણીતી પ્રેમિકા ઇવા બ્રાઉન હતી. હારના સ્વીકાર તરીકે હિટલરે અને ઈવાએ સજોડે આત્મહત્યા કરી, એના થોડા કલાકો પહેલા બંને પરણી ગયેલા. એ સિવાય હિટલર જીવિત હતો, એનો સૂર્ય તપતો હતો, ત્યાં સુધી એની છાપ બ્રહ્મચર્યનું પાલન કરનાર વ્યક્તિ તરીકેની હતી. સાવ એવું ન હોય તો પણ બીજા સરમુખત્યારોની જેમ એના ‘સેક્સ ક્રાઈમ’ સાબિત નથી થઇ શક્યા. એટલે આ બાબતે લોકોના મનમાં એની ‘સજ્જન’ તરીકેની છાપ દ્રઢ હતી. અને મિત્ર દેશોની સેના આ છાપ ખરડવા માગતી હતી.

અહીં એક બીજો મુદ્દો પણ મહત્ત્વનો છે. આ એ સમયગાળો હતો જ્યારે બીજું વિશ્ર્વયુદ્ધ અંતિમ તબક્કામાં હતું, અને હિટલર પોતે બંકરમાં આશરો લઈને રહેતો હતો. મિત્ર દેશો-ખાસ કરીને રશિયા પોતાનો પંજો કસી રહ્યું હતું, જેની સામે જર્મન સેનાની ડરે મોરચે પીછેહઠ થઇ રહી હતી. આ સમયે બ્રિટન-અમેરિકા નહોતા ઇચ્છતા કે હિટલરને યુદ્ધમાં સીધી રીતે મારી નખાય. કેમકે એમને ડર હતો કે ક્યાંક હિટલરને ‘શહીદ’નો દરજ્જો ન મળી જાય! એટલે એ લોકો હિટલરને માનસિક રીતે ખતમ કરી નાખવા માગતા હતા. આંતરરાષ્ટ્રીય બાબતોમાં આવી તકેદારી દરેક ચાલાક દેશ રાખે છે. ખાસ કરીને ઘજજના કેટલાક અધિકારીઓ માનતા હતા કે જો હિટલરને સેક્સ્યુઅલી અન-સ્ટેબલ કરી નાખવામાં આવે, તો એનું મનોબળ તોડી શકાય! (ટૂંકમાં, એ લોકો પણ અંદરખાને સ્વીકારતા હતા કે હિટલર સેક્સ બાબતે બહુ સાવધ રહે છે.) આ માટે ઘજજ વાળાએ બહુ નિમ્ન કક્ષાનો માર્ગ અપનાવવાનું નક્કી કર્યું.

ઘજજ ના પ્લાન મુજબ મોટી સંખ્યામાં જર્મન પોર્નોગ્રાફિક મેગેઝિન એકઠા કરવાના હતા. અને ત્યાર પછી આ તમામ ગંદકી હિટલરને પહોંચાડવાની હતી! આ માટે પાછો એક અલગ જ નુસખો વિચારવામાં આવ્યો. જો લોન્જરી કેટેલોગ્સથી માંડીને ફોટોગ્રાફ્સ સહિતની અશ્ર્લીલ સામગ્રી પોસ્ટ મારફતે મોકલવામાં આવે તો એ નિશ્ર્ચિતરૂપે હિટલર સુધી પહોંચે જ નહિ. ઘજજ ના ‘જાંબાઝ’ અધિકારીઓએ નક્કી એવું કર્યું કે આ બધી ‘સામગ્રી’ હવાઈદળના વિશેષ પ્લેન મારફતે હિટલરના બંકર પાસે ‘એર-ડ્રોપ’ કરવામાં આવે. અમેરિકન હવાઈ કાફલાનો એટેક થતા જ નાઝીઓ સાવચેતીની સાઈરન વગાડે અને હિટલર બંકરમાં ભરાઈ જાય. હવાઈ કાફલો કશું નુકસાન કર્યા વિના, માત્ર પેલી સામગ્રી હિટલરના બંકર બહાર ડ્રોપ કરીને ઊડી જાય. એ પછી હિટલર જ્યારે બંકરની બહાર આવીને એકસામટી આટલી બધી અશ્ર્લીલતાનો ઢગલો જુએ, અને પોર્નોગ્રાફીના ઓવરડોઝથી એનું મગજ ચસકી જાય! બોલો, ઘજજના અધિકારીઓએ શેખચલ્લીને સારો કહેવડાવે એવો આ પ્લાન ઘડ્યો હતો. હિટલરને ભાંગવાની એમની તાલાવેલી એટલી ચરમસીમાએ હતી કે કોઈને સારાસારનો જરાસરખો વિવેક ન રહ્યો. અમેરિકન હવાઈદળના એક કર્નલને આ ‘યોજના’ સમજાવવા માટે ખાસ ઘજજ હેડક્વાર્ટર ખાતે તેડાવવામાં આવ્યો. સદનસીબે આ કર્નલનું મગજ ઠેકાણે હતું. આખો પ્લાન સાંભળીને કર્નલ વિફર્યા! “આ શું માંડ્યું છે? આવા વાહિયાત પ્લાન માટે હું મારા પાઈલટનો જીવ જોખમમાં મૂકું? કદાપિ નહિ! એ પછી ઘજજવાળાને પોતાનો આ પ્લાન પડતો મુકવાની ફરજ પડી. બાકી આવા અધમ-અશ્ર્લીલ કૃત્ય બદલ અમેરિકન દળોને માથે કલંકની કાળી ટીલી ચોંટી હોત!

આ બધું જાણ્યા પછી એવો પ્રશ્ર્ન જરૂર થાય, કે શું હિટલરને હરાવવા માટે આટલું નીચે ઊતરવું જરૂરી હતું? બીજા વિશ્ર્વયુદ્ધ વખતે મિત્ર દેશોની સેનાઓએ હિટલર અને એની નાઝી સેનાનું મનોબળ તોડવા માટે જે નુસ્ખાઓ અપનાવ્યા, એની વાત ત્રણ હપ્તાની આ શ્રેણીમાં આપણે જાણી. યુદ્ધમાં આવા નુસખાઓની કોઈ નવાઈ નથી હોતી. બની શકે કે નાઝીઓ અને ફાસિસ્ટ ઇટલીની સેનાએ પણ આવા નુસખા અજમાવ્યા હશે. ‘એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર’ ભલે કહેવાતું હોય, પણ આ બંને બાબતો જ એવી છે, જેમાં ભારોભાર નૈતિકતા જળવાવી જોઈએ, એવું નથી લાગતું? ખેર, દ્વિતીય વિશ્ર્વયુદ્ધના મહિના તરીકે જાણીતો સપ્ટેમ્બર મહિનો આજે પૂરો થાય છે, એ સાથે આ શ્રેણી પણ પૂરી કરીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button