વીક એન્ડ

આ પણ છે એક અનોખી હોટ હોટ સીટ !

ઊડતી વાત -ભરત વૈષ્ણવ

‘કૌન બનેગા કરોડપતિ’માં અમિતાભ બચ્ચન સન્મુખ બેસી ઇનામી સવાલોના જવાબ આપી સાત કરોડ જીતવાનું દરેક ભારતીયનું સ્વપ્ન હોય છે. સ્પર્ધક જે ખુરશી પર બિરાજમાન થાય (જો તમે મહિલા સ્પર્ધક હો તો મહિલા દાક્ષિણ્યનો સાક્ષાત અવતાર એવા અમિતજી સ્પર્ધકે બેસવાની ખુરશી પાછી સ્વયં ખસેડી મહિલાને ખુરશી પર બાઇજજત બામુલાયજા બેસાડે છે… જો કે, પુરૂષ સ્પર્ધકને આવી લકઝરી નસીબ થતી નથી. સ્પર્ધકની આ ખુરશીને ‘હોટ સીટ’ કહેવામાં આવે છે. આના પર બેસતા પૂર્વે તમામ સ્પર્ધકે એક પૂછવામાં આવેલ સવાલનો સાચો અને ફાસ્ટેસ્ટ જવાબ આપવો પડે છે. જેના માટે સ્પર્ધકને ફોન એ ફ્રેન્ડ, ફીફટી ઓપ્શન, પબ્લિક ઓપિનિયન ફોન એ ફ્રેન્ડ જેવી લાઇફ લાઇન મળતી નથી!

રાજુ રદીએ આ ખુરશી પર હાથ ફેરવ્યો તો હોટ તો સમજ્યા, પણ લ્યુકલોર્મ એટલે કે નવશેકી પણ ન જણાઇ… રાજુ રદીને હજુ પણ સમજ પડતી નથી કે ક્ધટેન્સ્ટન્ટે બેસવાની ખુરશીને કઈ દ્રષ્ટિએ હોટ કહેવામાં આવે છે?

વાહન ચલાવનારની સીટ પણ હોટ હોય છે. કેમ કે, વાહન ચલાવનારની મગજની તપેલી ગરમ રહે છે. વાહન ચલાવનાર ડ્રાઇવિંગ સીટ પર ન બેસે ત્યાં સુધી યુધિષ્ઠિર હોય છે. જેવો તે માણસ ડ્રાઇવિંગ સીટ પર બેસે કે દુર્યોધન કે દુશાસન અવતાર ધારણ કરે છે. વાહન ચલાવતા ડ્રાઇવરને રસ્તે ચાલનાર, વાહનો, ગાય ભેંસ, લારી, ગલ્લા , દબાણેશ્ર્વર દરગાહ કે દેરી અને નોટ ધી લિસ્ટ ઇલેકટ્રિક પોલ સાથે પણ વાંકું પડે છે. કારની બારીના કાંચ બંધ કરી ખુદ ગબ્બર સહિત બધાને મણ મણ કે મેટ્રિક ટનની ચોપડાવે રાખે છે. ટ્રાફિકની ગ્રીન લાઇટ બંધ થયા પછી પાંચ સેક્ધડની ઓરેન્જ લાઇનમાં આગળના વાહન કે વાહનોને કારણે ચાર રસ્તા ક્રોસ કરી ન શકે તો મગજનો બાટલો ફાટે છે.

વાહન ચલાવનારને બબડાટ કરવાનો રાતોપીળો, કાળોધોળો, લીલો પરવાનો આરટીઓ આપતી હશે? ઘરવાળીને એક શબ્દ કહેવાની હિંમત ધરાવતો ન હોય તેવો માણસ હોર્નને તબલું માની ઘરવાળીને ઝૂડતો હોય તેવા વેરભાવે બજાવતો રહે છે. પરિણામે હોર્ન પણ મૌન વ્રત ધારણ કરી લે છે. પોતે રોંગ સાઇડમાં ગાડી ચલાવવાને સ્ટેટસ સિમ્બોલ ગણતો હોય છે.

બાકી આપણા દેશમાં ટ્રાફિકની કે સિવિક સેન્સ નથી…. બધાને ચાબુકથી ચોરાહા પર ઊંધા લટકાડી ફટકારવા જોઇએ…. વિદેશમાં આવું બધું ન ચાલે. આવતા ભવે ભારતમાં જન્મવું જ નથી. ડોકું કાઢીને જોઇ લેવું છે…. જન્મવા માટે ઝિમ્બાબ્વે, જમૈકા કે અફધાનિસ્તાન ચાલશે તેવો અર્થહીન બબડાટ વાહનની હોટ સીટ પર બેસનારો ચાલક કરતો રહે છે……

સદાબહાર અભિનેતા સુનિલ દત્ત સાહેબ એમની મોંઘીદાટ કાર ડ્રાઇવ કરીને મુંબઈમાં ક્યાંક જતા હતા.એમની કાર તે સમયના સ્ટ્રગલર એવા શક્તિ કપૂરની સેક્ધડ હેન્ડ કાર સાથે અથડાઇ. શક્તિકપૂર ગાડીમાંથી ઊતરીને તેની ગાડીને થયેલ નુકસાનની વિગતો આપવા લાગ્યો ત્યારે સુનિલ દત્તે કહ્યું કે મારી કારમાં જે ધોબો પડ્યો છે તેને રિપેર કરવાનો ખર્ચ તારા સેક્ધડ હેન્ડ ખટારા કારની કિંમત કરતાં વધુ થશે…. આ પછી સુનિલ દત્ત સાહેબે પોતાનો પરિચય આપ્યો અને શક્તિકપૂરની અન્ય નિર્માતાઓને સિફારીશ પણ કરી!

ડ્રાઇવરની સમાજમાં ખાસ ઇજ્જત હોતી નથી. પછી ભલે એ શોફર કહેવાતો હોય કે સ્કવોડ્રન લીડર કે એ પછી પાઈલોટ કહેવાતો હોય! છકડા રિક્ષાનો ડ્રાઇવર છકડાને પ્લેનની જેમ ઉડાડે, કેટલાયને હડફટે ચડાવે પણ એને કોઇ પાયલોટ નહીં માને! સરકારી કચેરીમાં સરકારી વાહન ચલાવનાર ડ્રાઇવર અધિકારી ગાડીનો અંગત ઉપયોગ કરતો હોય તેના કરતાં અનેકગણા ઉપયોગ એન્જિન સ્વામી એટલે ડ્રાઇવર કરતા હોય.

ડિઝલ ઓછું પુરાવવું , પેટ્રોલ પુરાવ્યુ હોય તેના કરતાં વધુ લિટરનું
બિલ લેવું, ખાલી વાહનમાં પેસેન્જર બેસાડી રોકડી કરવી, રિપેરિંગના બોગસ બિલો મંજૂરીમાં મૂકવા વગેરે તિકડમ ચલાવે. ડ્રાઇવર જોડે વાયડાઈ કરો તો વાહન ચાલુ હોય અને ગમે તે રીતે બંધ કરી તમારી પાસે વાહનને ધક્કા મરાવે…..!

જો કે કેટલાક માથાફરેલ ડ્રાઇવરો વાહનને રોજીરોટીનું સાધન
માનતા હોવાથી સગા સંતાન કરતાં વધુ સારી રીતે સાચવે છે. પોતાની ગેરહાજરીમાં એના હસ્તકનું વાહન કોઇ ચલાવે તે સહન કરી શકતા નથી…! હમણા એસટીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતાં એક સજ્જન રિટાયર થયા ત્યારે એસટી બસથી વિખૂટા પડવાના ગમમાં એસટી બસને વળગીને ધ્રુસ્કે ધ્રુસ્કે રડ્યા હતા!

ડ્રાઇવર પર બેકસીટ ડ્રાઇવર હાવી હોય છે. બેકસીટ ડ્રાઇવર પાછળની સીટ પર બેસે એવું જરૂરી નથી. બેકસીટ ડ્રાઇવર ડ્રાઇવરની બાજુની સીટ પર બેસે છે.મોટાભાગે બેકસીટ ડ્રાઇવર બહુધા ઘરવાળી હોય છે. જો કે, ઘરવાળી વાહન ચલાવતી હોય ત્યારે ગોરધન બેકસીટ ડ્રાઇવર બની સલાહ-સૂચનાનો ધોધ વહેડાવી શક્તો નથી!

પહેલાના સમયમાં ડ્રાઇવિંગ કરનાર ચાર રસ્તે વાહનની ગતિ ધીમા કરી ચારેબાજુ જોઇને સાવચેતીથી રસ્તો ક્રોસ કરતા. . ઇન્ટર્નલ રોડ પરથી મેઇન રોડ પર દાખલ થતી સમયે હોર્ન વગાડતા. રાહદારી રસ્તો ક્રોસ કરી શકે તે માટે વાહન રોકી લેતા હતા. કદાચ એ સમયે વાહન ચલાવવાનું લાઈસન્સ મેળવવા આટલું પેટ્રોલ બાળવું પડતું ન હતું. ડ્રાઇવિંગ સ્કૂલમાં ટ્રેનિંગ લેવી પડતી ન હતી…ટેસ્ટ ટ્રેકના નામે ઊબડખાબડ મેદાન હોય. હવે અભિમન્યુના કોઠા જેવા ટ્રેક છે .

તમે વાહન ચલાવવા માટે લાઈસન્સ મેળવવા કેટલીવાર લેખિત અને ટ્રેક પર કેટલીવાર પ્રયત્ન કરી શકો? એક વાર , બે વાર, ત્રણ વાર, ચાર વાર ?

અહીં એક ઝનૂની માનુનીના લગન, ધૈર્ય અને સાતત્યપૂર્ણ મહિલાર્થની વાત શેર કરવી છે.

ચા સા સૂન નામની મહિલા દક્ષિણ કોરિયાના જિયોંજૂ શહેરની છે. સા સૂને એનો પ્રથમ લેખિત ડ્રાઈવિંગ ટેસ્ટ એપ્રિલ, ૨૦૦૫માં આપ્યો હતો, પરંતુ, ચા સા સૂનને પ્રથમ ગ્રાસમાં માખી નહીં પણ મગરમચ્છ નડ્યો. એ ફૂલ્લી ફેઇલ થઇ.

પ્રથમ પ્રયાસે નાપાસ થવાથી નાસીપાસ ન થઇ. ચા સા સુને આફતને અવસરમાં પલટાવી નાખી. ચા સા સુન વારંવાર ફેઈલ થવા છતાં એણે પોતાના પ્રયત્નો નિરંતર ચાલુ રાખ્યા હતા. એની ઉંમર ૬૯ વર્ષ છે. આ ઉંમરે પણ લાઈસન્સ મેળવવાનો.

ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા એણે ૧૮ વર્ષ સુધી પ્રયત્નો કર્યા હતા. કુલ ૯૫૯ નિષ્ફળ પ્રયત્નો કર્યા હતા, બાદમાં ૯૬૦માં પ્રયત્ને એને સફળતા મળી હતી. આ લાઈસન્સસૂય યજ્ઞ માટે એણે કુલ સોળ લાખ રૂપિયાનું આંધણ કર્યું છે!

આ જાણીને અમારો જિગરી રાજુ રદી કહે છે કે એ મહિલા સાવ અક્કલ વગરની છે. ગાંધીનગર આવી એજન્ટને પંદરસે રૂપરડી થમાવી દીધી હોત તો ટેસ્ટ આપ્યા સિવાય લાઈસન્સ મળી જાત …! એણે જો આ રીતે પંદરસે રૂપરડીમાં પહેલા ધડાકે લાઈસન્સ મેળવ્યું હોત તો રૂપિયા ૧૫,૯૮, ૫૦૦ની બચત કરીને મોલમાં જઇ મસ્ત મજાની મેગા ખરીદી કરી શકી હોત…!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સંગીત સેરેમની બાદ પાર્ટીમાં Radhika Merchantએ પહેર્યો એવો આઉટફિટ કે લોકોએ… જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને…