વીક એન્ડ

જીતની આગાહી કરનાર પોપટ પાંજરે પુરાય ને એકઝિટ પોલવાળા ‘ચિયર્સ ’ કરે?!

ઊડતી વાત – ભરત વૈષ્ણવ

લોકસભાની ચૂંટણી ધીરે ધીરે મહોબ્બતની જેમ રંગ લાવી રહી છે. ચૂંટણી એ એક રાષ્ટ્રીય પર્વ છે એમ લોકશાહીમાં શ્રદ્ધા રાખનાર માને છે. કાર્યકર અને ઉમેદવાર માટે ગળાકાપ હરીફાઈ છે. તંત્ર માટે ન્યાયી , નિષ્પક્ષ અને મુક્ત ચૂંટણી યોજવી એ પડકારજનક છે. ચૂંટણી પંચ શાસક ટીમનો બારમો ખેલાડી છે એ વાત વિપક્ષો ગાઇવગાડીને કહે છે. આદર્શ આચારસંહિતા માત્ર ને માત્ર વિપક્ષ માટે અમલી છે એવું ઇલેકશન કમિશનના કરતબ પરથી સાબિત થાય છે. આમેય, ‘સમરથ કો નહીં દોષ ગુંસાઇ ’ એમ તુલસીદાસ કહી ગયા છે, પણ ‘અસમરથકો નહીં રોષ ગુંસાઇ…! ’ એવું અમારો રાજુ રદી દાસ કહે છે!
ચૂંટણી લડી રહેલો ઉમેદવાર- પાર્ટી જ્યોતિષી, તાંત્રિક , બાબા વગેરેના પગે પડીને પોતાને જીત મળશે કે કેમ તેનો તાળો મેળવવાના સરવાળા- બાદબાકી- ગુણાકાર-ભાગાકાર કરે છે!

બીજી તરફ, નજૂમી-જ્યોતિષી- તાંત્રિક-ભૂવા ચિકકાર રૂપિયા પડાવી જીત કે હારની આગાહી કરે છે. આગાહી કરનાર પરિણામ પહેલાં આગાહી જાહેર કરતા નથી, પણ, ‘ચૂંટણીનાં પરિણામ આવ્યા પછી પોતાની આગાહી સાચી પડી છે’ તેનો ઢોલ પીટતા હોય છે! જો કે, કેટલી આગાહી ખોટી પડી તે વાત ખોંખારો ખાઈને ક્યારેય કહેતા નથી કેમ કે, આ પ્રકારની જાહેરાતથી એના જૂઠના કારોબારના બિઝનેસનો ‘ધી એન્ડ’ આવી જાય..
આ દેશમાં ચૂંટણી સર્વેક્ષણનું પણ ફૂલગુલાબી કે લીલુંછમ ધૂપ્પલ ‘બૂલેટ ટ્રેનની ગતિથી ચાલતું નથી, પણ દોડે છે! પ્રિપોલ-પોસ્ટ અને પોલના નામે પ્રોપેગેન્ડા ચલાવવામાં આવે છે. દેશની વસતિ ૧૪૦ કરોડ છે. આ લેખ તમારા હાથમાં આવે ત્યારે ૧૪૩ કરોડ વસતિ થઇ જવાની ઉજ્જવળ શક્યતા છે… તો એ ૧૪૨ કરોડ વસતિ સામે ટાઇ-કોટ પહેરેલા ચપડચપડ અધકચરી અંગ્રેજી ઝાડનારા લોકો ૧ હજાર કે ૨ હજાર અગર તો ૩ હજાર લોકોનો સેમ્પલ સર્વે કરીને દેશની નસેનસથી વાકિફ હોવાનો દાવો કરે છે. પ્રિ-પોલમાં પ્રશ્ર્નો એ રીતે ગોઠવવામાં આવે છે કે જવાબમાં ગમે એનો જયજયકાર કરી શકાય છે!

પ્રિ-પોલ કે પોસ્ટ પોલ કરનાર કંપની ન્યૂઝ ચેનલ સાથે સર્વે કરે છે. પ્રાઇમ ટાઇમમાં સો કોલ્ડ સેફોલોજીસ્ટ ( કે ફેંકો-લોજિસ્ટ ?! ) પાણી વલોવે છે. ડુંગળીના પડ કે ખાજલીના કરકરા પડની માફક પાર્ટીને કેટલો વોટ શેર મળશે , કેટલી સીટ મળશે કયા જાટ ભારી પડશે તેનું વિશ્ર્લેષણ કરીને દાટ વાળી દે છે જાતભાતની થિયરી વચ્ચે વચ્ચે લાવીને જે પાર્ટીને વધુ સીટ મળવાનો વર્તારો દેખાડે એ નેતા તો ‘અમે ઇડરિયો ગઢ જીત્યા રે’ ના નશામાં ગરકાવ થઇ જાય છે.જેને ઓછી સીટ મળવાનું દેખાડે તે પક્ષોના નેતા ‘સર્વે ખોટો છે -કાઉન્ટિંગની તારીખે જનતા જનાર્દન અમારા પાર્ટીને વિજય તિલક કરશે’ એવો દાવો કરે છે. કોઈ કોઈ કહેવાતા પોલિટિકલ અનાલિસ્ટ કોઇને કોઇ પાર્ટીનો પીઠું જ હોય છે એટલે એ ધૂણે તો નારિયેળ પોતાની પાર્ટી પર જ ફેંકશે!

ભારતમાં લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં અત્યાર સુધીમાં જે જે એજન્સી-સંસ્થાએ એકઝિટ પોલનું હમ્બગ ચલાવ્યું છે એ ટાઢા પહોરનું ગપ્પું સાબિત થયું છે. એકાદ સુખદ અપવાદ સિવાય તમામ એકઝિટ પોલને જનતાએ લાત મારીને એકઝિટ કર્યા છે.
આપણા દેશમાં જ્યોતિષી ખોટો ફળાદેશ આપે તો તેની અટકાયત થઇ તેવું સાંભળ્યું છે? કોઇ ભૂવાએ દાણા જોઇ એકી કે બેકીનંબર વધાવવા કહ્યું હોય અને એની ધરપકડ થઇ છે ખરી? નેશનલ ચેનલ પર બેસીને એકઝિટ પોલના નામે ફરેબ ચલાવનાર ખોટા પડે તો એમને વીસ કોરડા ફટકાર્યા હોય તેવું જાણ્યું છે? કયો સેફ્રોલોજીસ્ટ હમ્બગ રિઝલ્ટ પોલ માટે કી જેલમાં ચક્કી પિસિંગ?

આમ તો આપણે જાણીએ છીએ કે એકઝિટ પોલ એ લાફટર શો કે કોમેડી શો છે, કયારેક એની કહાનીમે પણ જોરદાર ટ્વિસ્ટ આવે છે…

આ કિસ્સો તમિલનાડુના કુડ્ડલોર મતવિસ્તારનો છે. હમણા એક માણસ નહીં, પણ પોપટે પોંગા પંડિત બની ચૂંટણી લડી રહેલા ઉમેદવારનું ભવિષ્ય ભાંખ્યું. ભવિષ્ય ભાંખ્યું એટલે કેવું ભવિષ્ય ભાંખ્યું? ચૂંટણી લડતી બીજી પાર્ટીઓની ખટિયા ખડી થઇ ગઇ!

ફિલ્મ નિર્દેશક થાંકર બચ્ચન એક પાર્ટીના ઉમેદવાર છે. એ પોતાના મતવિસ્તારમાં આવ્યા ત્યારે એક પ્રખ્યાત મંદિરની બહાર એક જ્યોતિષી સેલ્વરાજે બચ્ચનની જીતની આગાહી કરવા માટે એના ચાર પોપટમાંથી એકનો ઉપયોગ કર્યો.આ પોપટ તેની સામે મૂકેલા કાર્ડ્સ પસંદ કરીને લોકોનું ભવિષ્ય કહી રહ્યો હતો. થાંકર બચન પણ પોપટ પાસે પોતાનું ભવિષ્ય જાણવા ગયો.પોપટની સામે ઘણા કાર્ડ મૂકવામાં આવ્યા એમાંથી પોપટે તેની ચાંચ વડે એક કાર્ડ ઉપાડ્યું.

એ કાર્ડ પર તે મંદિરના મુખ્ય દેવતાનું ચિત્ર હતું. કાર્ડ જોઈને પોપટના માલિકે થાંકર બચ્ચનની જીતની જાહેરાત કરી, જે તામિલનાડુની સરકારને સહેજે ગમી નહીં. હમારી સરકારમાં હમારે ખિલાફ આગાહી? ના મુમકિન …. એટલે પોપટ, પોપટના માલિક અને એના ભાઇની ધરપકડ કરી, કારણ કે ‘વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ’ મુજબ, પક્ષીઓને પાંજરામાં રાખવા ગેરકાયદેસર છે….એવું સત્તાવાર જાહેર કરવામાં આવ્યું!
જોકે, પોપટની આગાહી મુજબ થાંકર બચ્ચન જીતશે કે કેમ તે રહસ્ય પરથી ૪ જૂન ૨૦૨૪ના દિવસે પડદો ઉઠશે. હાલ તો કૈદ મેં હે પોપટ…!

અમારો રાજુ રદી કહે છે કે આ મામલામાં પોપટ પૂર્ણપણે વાંકમાં છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે પ્રિય બોલો,મીઠું બોલો…. નિર્વિવાદપણે સત્ય બોલો, પરંતુ, કડવું સત્ય ન બોલો…!’
સત્ય બોલવાના ચક્કરમાં રાજા હરિશ્ર્ચંદ્રના સંસારથના ચક્ર તૂટી ગયેલા. સોક્રેટિસે ઝેર તો પીધા જાણી.મહાત્મા ગાંધીએ ગોળી ખાધી. ઇંદિરા ગાંધીએ ગોળી ખાધી. રાજીવ ગાંધીએ બોમ્બ ખાધો. પછી પોપટે સત્ય બોલવા માટે જેલ જવું પડે તેમાં શી નવાઇ ?!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button