મસ્તરામની મસ્તી: જાતે-પોતે મૂરખ બન્યાની મજા જ જુદી છે…

-મિલન ત્રિવેદી
દસ-બાર જૂના મિત્રો ભેગા થયા હોય અને ખીખીઆટાના અવાજ જો ચાર ઘર લગી સંભળાતા હોય તો સમજી લેવું કે જૂની વાતો નીકળી છે અને એમાં પણ મૂરખ બન્યાની વાતો છે.
મજા એ વાતની છે કે જ્યારે મૂરખ બન્યા હોય ત્યારે આપણે કોઈકના પર ગુસ્સો કરી નારાજ થયા હોઈએ. એ જ વાત અમુક સમય પછી કે વર્ષો પછી આપણે જાતે જ આપણા મિત્રોમાં પરિવારમાં શેર કરીએ અને ‘હું કઈ રીતે મૂરખ બન્યો’ તે વાત વટથી કહી પોતે પણ હસીએ અને બીજાને પણ હસાવીએ.
નાના હોઈએ ત્યારે જ કોઈ મૂરખ બનાવે તેવું નથી આ મૂરખ બનાવવાની અને બનવાની મજા દરેક ઉંમરે આવતી જ હોય છે.
મારી સાથે બનેલી એક ઘટના જણાવું તો…
અજાણતા મૂરખ સાબિત થવાય અને પછી આપણે મૂરખ છીએ તેવું લાગવા માંડે ત્યાર પછીની આપણી હરકત ખરેખર હાસ્ય ઉત્પન્ન કરે તેવી અને હાસ્યાસ્પદ પણ હોય છે. મુંબઈ માં એક જૈન સોશિયલ ગ્રુપના સળંગ ચાર પ્રોગ્રામ હતા. બીજા દિવસે એક જૈન શ્રેષ્ઠી અમારી હાસ્ય શૈલી પર ઓળઘોળ થઈ અમને ત્રણેય કલાકારોને પોતાને ઘરે ચા – નાસ્તા માટે લઈ ગયા.
અડધો પોણો કલાક ચા-પાણી નાસ્તા પછી બેઠા અને જતી વખતે સૌરાષ્ટ્રની સંસ્કૃતિ પ્રમાણે એક નાનકડો છોકરો ત્યાં બેઠો લે બેટા, ચોકલેટ ખાજે’ તરત જ ઘરધણીએ કહ્યું: ‘અરે મિલનભાઈ એને ના હોય’…
મેં કહ્યું, ‘ભલા માણસ, અમારી સૌરાષ્ટ્રની સંસ્કૃતિ છે એટલે પ્રેમથી આપીએ છીએ. લે બેટા, કેડબરી ખાજે ’ ઘરધણીએ પણ પ્રેમથી ઇનકાર કર્યો મિલનભાઈ ‘એને ન હોય’ મેં થોડા ઊંચા અવાજે અને વઢવાની સ્ટાઇલથી કહ્યું, ‘વડીલ, અમે સ્ટેજ પરથી સંસ્કારની વાત કરીએ સંસ્કૃતિની વાત કરીએ અને જો તમારી પરંપરા ભૂલી જઈએ તો વ્યાજબી નહીં. તમે ના બોલો છોકરાનો હક લાગે. લઈલે બેટા, કેડબરી ખાજે.’
આ પણ વાંચો…મસ્તરામની મસ્તી: આ દૂ…ર…ના સાળાની કઠણાઈ કોને કહેવી?
હવે વડીલ પણ અવાજ ઊંચો કરી ને બોલ્યા, ‘મિલનભાઈ, એને ન હોય એ પાડોશીનો છે.’ ત્યાં સુધીમાં તો છોકરાએ અમારા હાથમાંથી ઝપટ કરી અને સોની નોટ લઈ લીધેલી. હવે અમારો ઉમળકો અફસોસમાં પલટાઈ ગયો હતો.
હાસ્ય કલાકારો હું, ગુણવંત ચુડાસમા અને તરુણ કાટબામણા એકબીજા સામે જોઈ અને આંખો આંખોમાં એક નિર્ણય પર પહોંચી ગયા. ત્રણેયને મૂરખ બન્યાનો અહેસાસ તીવ્ર થતો ગયો અને એક મિશનની શરૂઆત થઈ. અમારે કેટલું ધ્યાન રાખવાનું હતું? ‘ઓપરેશન સિંદૂર’માં જેટલું ધ્યાન રખાયું હશે એટલું જ ‘ઓપરેશન 100 ની નોટ’માં રાખવાનું હતું.
છોકરાને જગ્યા પરથી ઊભો ન થવા દેવો ને સોની નોટ મુઠ્ઠીમાંથી છોડાવવી….અને એ વખતે જૈન શ્રેષ્ઠી પોતાના જ ઘરમાં આ ઘટના સ્થળે હાજર ન હોવા જોઈએ એટલે કે બીજા રૂમમાં હોવા જોઈએ. ઘરધણી પણ અમારા ચાહક હતા એટલે આગતા સ્વાગતામાં અમને રેઢા મૂકવા માગતા ના હતા. પછી મૌન રીતે અમે ત્રણેય અલગ અલગ કાર્યો નક્કી કરી લીધા.
મારે છોકરાને એન્ગેજ રાખવાનો અને ઊભો નહીં થવા દેવાનો. ગુણવંત ભાઈએ ઘરધણીને ગમે તેમ કરી અમારા વચ્ચેથી રવાના કરવાના અને તરુણ એમની સાથે જઈ બે મિનિટ પાછા આવી ન જાય તેનું ધ્યાન રાખે.
દુશ્મનોના દેશમાંથી ટેન્ક પાછી લેવાની હોય તેમ અમે ‘ઓપરેશન 100ની નોટ’ શરૂ કર્યું.
ગુણવંતભાઈએ નવકાર મંત્રના દર્શન કરવા માટેનો તરુણનો નિયમ ઘરધણીને જણાવ્યો અને ઘરધણી ઊભા થયા. તરુણને ઘરધણી પાછળ મોકલ્યો. આ તરફ, છોકરો સજ્જડ મુઠ્ઠી બાંધી અને ઘરે જવાની પેરવીમાં હતો. અમે કોઈપણ સંજોગોમાં સોની નોટ ખોટા હાથમાં જવા દેવા માગતા ના હતા.
આ પણ વાંચો…મસ્તરામની મસ્તી : ટ્રમ્પકાકા, યુદ્ધ નહીં અમારા ન્યૂઝ એંકરોને રોકો!
જેવા ઘરધણી અને તરુણ દેખાતા બંધ થયા એટલે અમે છોકરાને ચીટિયો ભર્યો છોકરાની મુઠ્ઠી થોડી ઢીલી પડી અને સોની નોટ અમે છોકરા પાસેથી પરત પડાવી લીધી. છોકરાએ રડવાનું શરૂ કર્યું એટલે અમે એને આંગળી પકડી બહારના દરવાજા સુધી મૂકી આવ્યા.
ઘરધણી છોકરાના રડવાના અવાજથી વિચલિત થઈ જ્યારે પરત મારી પાસે આવ્યા ત્યારે અમે ડાહ્યા ડમરા થઈ નિરાંતે બેસી ગયા હતા અને સામેથી જણાવી દીધું કે ‘છોકરો જબરો સ્વમાની હો… સો રૂપિયાની નોટ ન લીધી તે ન જ લીધી. કેટલું સમજાવ્યો કે આ લક્ષ્મી કહેવાય, તેને ઠુકરાવાય નહીં, ગલ્લામાં નાખજે, મમ્મીને આપજે, કેડબરી ખાજે,… પણ આ તારે રાખવા ના જ છે.’
છેલ્લે તો ડોળા કાઢીને પણ કીધું તો રોવા મંડ્યો અને સોની નોટ અમારા હાથમાં ધરાહારથી પકડાવતો ગયો.‘ ‘ચાલો વડીલ, ખૂબ મજા આવી. ફરી મળીશું’ કહી અને ત્રણેય કલાકારો વિજય યાત્રામાં નીકળ્યા હોય તેમ હોટલ પરત ફર્યા. અલબત્ત, પેલી સોની નોટ ટેક્સી ભાડામાં વપરાઈ ગઈ. વિચારવાયુ દસ રૂપિયાની ખોટી નોટ આપી અને ખરીદેલું છાપુ ચાર દિવસ પહેલાનું જૂનું નીકળે તેનું નામ કર્મનો સિદ્ધાંત.
આ પણ વાંચો…મસ્તરામની મસ્તી: કોઈ લોન આપો રે… લોન, આ ભાણિયાઓને સાચવવા!