આજે આટલું જ : આખર પછીની અદલાબદલી… | મુંબઈ સમાચાર
ઉત્સવ

આજે આટલું જ : આખર પછીની અદલાબદલી…

  • શોભિત દેસાઈ

ડબલ રોલના આમ તો બે જ મુવીઝ આવ્યા છે. અને એમાં ય બીજું તો અદ્દલોઅદ્દલ પહેલાની કોપી જ. જી હા, હું ‘રામ ઔર શ્યામ’ની જ વાત કરું છું. આવી અદાકારી માટે જ તો દિલીપકુમાર સર્વકાલીન સર્વશ્રેષ્ઠ એક્ટરનું બિરુદ હજી આજે ય ભોગવે છે. ‘મુંહ ખોલો ગજેંદર… મૈ કહતા હું મુંહ ખોલોમાં બીજી વખત ‘મુંહ ખોલો’ વખતની ઠંડી હબકવાળી ક્રૂરતા ઉમેરે ત્યારે મહાવિલન પ્રાણની ય કમર નીચેની કપડાવલી ભીની થઈ જાય. એવો અદાકાર અને એનાં અભિનય સામર્થ્યનો 150 ટકા અદ્ભુત ઉપયોગ કરે પાછો સાઉથનો ડિરેક્ટર તાપી ચાણક્ય.

બોલો, કોઈ જાણતું ય નથી આ નામ અને આ નામ હિન્દી ફિલ્મની તવારિખનું એક જાજ્વલ્યમાન મુવી ડિરેક્ટ કરીને ચૂપચાપ વિલીન થઈ ગયો અને ટીમ કેવી! વહિદા રહેમાન, મુમતાઝ, પ્રાણ, મુકરી અને સુરસર્વજ્ઞ નૌશાદ… બીજુ મુવી આની જ અદ્દલોઅદ્દલ કોપી. દિલીપકુમારને બદલે હેમા માલિની અને એની સાથે એના બન્ને પ્રેમીઓ, જેમાંથી એક બન્યો એનો પતિદેવ અને બીજો, રકીબની સફળતા ન જીરવી શકવાને લીધે જ કદાચ થઈ ગયો વૈંકુઠવાસી.

હાજી ‘સીતા ઔર ગીતા.’ રમેશ સિપ્પીએ અણમોલ ઉઠાંતરી કરીને ‘શોલે’ બનાવી એ પહેલા બનાવી હતી, પણ ‘સીતા ઔર ગીતા’માં સંગીતકાર તરીકે ચક્રવર્તી આર.ડી. બર્મનને પસંદ કરીને પોતાનું કૌશલ્ય તો મૂકી જ દીધું હતું સિપ્પીએ જગતનાં બજારમાં. બાકીની ડબલ રોલની બધી જ ફિલ્મો શ્રીખંડ ખાધા પછી મોળું દૂધ (અશોકમામા) પીતા હોઈએ એવી લાગે.
હવે શીર્ષક પર આવું તો અમારા અતિ અંગત સન્મિત્ર વડિલબંધુતૂલ્ય અશ્વિન મફતલાલ મહેતા અમને બધાને હાથતાળી આપીને નીકળી ગયા અગમની સફરે. 82 વર્ષની ઉમ્મરે ય અમારા બધાના એ પુષ્કળ લાડકા અને એમનું લાડકું નામ કાવસકાકા.

હવે આવે છે વાર્તામાં જબરજસ્ત વળાંક. ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’એ એમની જે નિધન સૂચના છાપી એમાં લખ્યું: ડૉક્ટર અશ્વિન મહેતાનું નિધન. લગભગ અડધા મુંબઈમાં રઘવાટ વ્યાપી ગયો હશે.

ડૉક્ટર અશ્વિન મહેતાના જોખમે કેટલાં હૃદયો પુન: રુધિરાભિસરણ મહેસૂસ કરી રહ્યા છે, આ ક્ષણે એની ગણતરી ચાલુ છે. પૂરી થાય એટલે જણાવીશ. મને, શોભિત દેસાઈને એમણે જસલોકમાં ઓગસ્ટ ’24માં ગ્રાફી પતાવીને કહ્યું: લહેર કર હજી બીજા પંદર વરસ.’ ત્યારે હું ડરમાં ને ડરમાં એમના હાથને ચુંબન દઈ બેઠેલો કે આ અપાર સુખમાં ક્યાંક મને એટેક ન આવી જાય એ જોજો મારા મહેતા સાહેબ! ડૉ. અશ્વિન મહેતા વાજપેયીજી વખતના પદ્મશ્રી અને મોદીજી વખતના પદ્મભૂષણ. તે… ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’એ આ બફાટ પછી ડૉ.ને ફોન કર્યો તો સામેથી સાવ હળવા ફુલ અવાજમાં ડૉક્ટર અશ્વિન મહેતા બોલ્યા: જી હા ‘તમારા પ્રતાપે’ મને કેટલાક ફોન જરૂર આવ્યા. પણ ફોટો જોઈને બધાને હાશ થઈ કે બોડી ડબલ પણ નથી, ફક્ત નામેરી છે.

આપણ વાંચો:  વિશેષ: મલ્ટિનેશનલ કંપનીની જોબ માટે જરૂરી આ EQ શું છે?

હવે આવે છે એક બીજો વળાંક (ઊતરતી ગુજરાતીમાં એને ‘ઝટકો’ કહેવાય) બન્ને અશ્વિન મહેતા- હિરાના વેપારી અને ડૉક્ટર એકબીજાના જીગરજાન મિત્ર. ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’એ આ આખા ભોપાળા ઉપર પડદો ઢાંકતાં એવું સરસ વાક્ય ટાંક્યું છે કે ટાઈમ્સને માફ કરી દેવાનું મન થાય: ‘હે મુંબઈ! તું નિરાંતનાં શ્વાસ ભર.. અમે કાવસકાકાના પરિવારને અત્યંત સહાનુભૂતિપૂર્વકની દિલસોજી પાઠવીએ છીએ અને મુંબઈવાસીઓને જણાવતા અમને આનંદ થાય છે કે આપણા કાર્ડિયોકાકા અત્યંત તનદુરસ્ત અને મનદુરસ્ત અવસ્થામાં આવનારા ઓપરેશનની તૈયારીમાં રત છે આ ક્ષણે…

આજે આ વાત આટલી લંબાણથી એટલે છેડી કે 1980 મે મહિનામાં આવું જ થયું હતું. 7 મેએ મહાશાયર સૈફ પાલનપુરી રૂપની રાણી એક શહેજાદીને પાછી જોવા વિદાય પામ્યા અને ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર ‘પરબ’માં છપાયું: ‘શૂન્ય પાલનપુરીનું અવસાન. ગઝલચાહકોનું ધાડું શૂન્યભાઈના કુર્લાના નિવાસસ્થાને પહોંચ્યું ત્યારે જનાબ અલીખાન ઉસ્માનખાન બલોચ શૂન્ય (ગુજરાતી) અઝલ, (ઉર્દૂ) પાલનપુરીએ ચાહકોના ધાડાને આ કત્આથી તરબતર કરી નાંખ્યા હતા.

શૂન્યના મૃત્યુ વિષેની અટકળો ખોટી પડી.
શું થયું? શું ના થયું? સાચી હકીકત ના જડી.
બુદ્ધિવાળાએ કરી નાખ્યું ઉઠમણું ક્યારનું.
લાગણીવાળા હવે રાખે છે એની સાદડી.
આજે આટલું જ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button