કહો જોઉં, સૌથી પ્રાચીન દેશ કયો?

ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક
તમને ખબર છે, દુનિયાના પ્રાચીનતમ, એટલે કે સહુથી પુરાણા દેશોમાં કોની ગણના થાય છે? સંસ્કૃતિની રીતે વિચારીએ તો સ્વાભાવિકપણે મેસોપોટેમિયા, ગ્રીસ અને ભારતીય સંસ્કૃતિની ગણના સૌથી પ્રાચીન સંસ્કૃતિઓ તરીકે કરી શકાય, જે આજે પણ અસ્તિત્વ ધરાવે છે. પરંતુ પ્રાચીન દેશોના લિસ્ટમાં કેટલાક રસપ્રદ નામો છે. પહેલા કેટલાક આંકડાઓ જાણી લઈએ. 1 billion એટલે એક અબજ. એક અંદાજ મુજબ આપણી પૃથ્વી સાડા ચાર અબજ વર્ષ જૂની છે! સ્વાભાવિક છે કે આટલા વિશાળ કાળખંડ દરમિયાન પૃથ્વીના ગોળા પરની ભૌગોલિક બાઉન્ડ્રીઝ મોટા પાયે બદલાતી રહી હશે. એટલે પૃથ્વી પર આવેલા સૌથી પ્રાચીન દેશોનું લિસ્ટ બનાવીએ, તો એની સાથે દરેક હિસ્ટોરિયન સહમત થાય જ, એ બિલકુલ જરૂરી નથી. દાખલા તરીકે રશિયા પાસે પોતિકી સંસ્કૃતિ અને ઇતિહાસ છે જ, તેમ છતાં સોવિયેત યુનિયન તૂટ્યા બાદ રશિયાનો એક ‘દેશ’ તરીકે જન્મ થયો હોવાને કારણે એની ગણના ‘પ્રાચીન દેશો’ના લિસ્ટમાં ન કરી શકાય!
બીજી તરફ ઈરાન, ઈજિપ્ત, ભારત, ચીન જેવા દેશોએ છેલ્લા હજારો વર્ષો દરમિયાન -સરહદોમાં ફેરફારો થતા રહ્યા હોવા છતાં – પોતાની મુખ્ય ભૂમિ (મેઈન લેન્ડ) જાળવી રાખી છે. તો શું આ દેશોને પ્રાચીન ગણી શકાય? જવાબ આપવો અઘરો છે.
એક અદ્ભુત દેશ છે સાન મરીનો. આ દેશ અદ્ભુત એટલા માટે છે કે તે ચારેય તરફથી જમીન સરહદે ઘેરાયેલો છે. એટલું જ નહિ પણ એની દરેક સરહદ ઇટલીને અડીને આવેલી છે. બીજા શબ્દોમાં કહીએ તો ઇટલીના જમીની પ્રદેશ વચ્ચે આવેલું એક સ્થળ ‘સાન મરીનો’ દેશ તરીકે ઓળખાય છે. આ દેશનું કુલ ક્ષેત્રફળ છે ૬૧.૨ વર્ગ કિલોમીટર. આથી એને સ્ટેટ કહેવાને બદલે ‘માઈક્રો સ્ટેટ’ પણ કહી શકાય. અહીં પ્રશ્ર્ન થાય કે આવડો અમથો દેશ કઈ રીતે સદીઓથી પોતાનું અસ્તિત્વ ટકાવી શક્યો હશે? હકીકતે યુરોપમાં આવા ટચુકડા દેશોની જરાય નવાઈ નથી. અહીં સાન મરીનો જેવા કુલ છ ટચૂકડા દેશો આવેલા છે. એન્ડોરા, લિક્ટેંસ્ટેઇન, માલ્ટા, મોનાકો, સાન મરિનો અને વેટિકન સિટી. આ બધામાં સાન મરીનો વિશિષ્ટ છે, કારણકે આજની તારીખે અસ્તિત્વ ધરાવનાર સૌથી પ્રાચીન પ્રજાસત્તાક (republic) દેશ તરીકે એની ગણના થાય છે. જીસસ ક્રાઈસ્ટના જન્મ પહેલાના વર્ષો B.C. – ઈસવીસન પૂર્વે (Befre Christ) અને ક્રાઈસ્ટના જન્મ પછીના વર્ષો C.E. – કોમન એરા (Common Era) તરીકે ઓળખાય છે. એક માન્યતા મુજબ સેન્ટ મરીનસ દ્વારા ૩ સપ્ટેમ્બર, ૩૦૧ C.E.ને દિવસે સાન મરીનોની સ્થાપના થયેલી. જો કે કેટલાક ઇતિહાસકારોને આ તારીખમાં ગરબડ જણાઈ છે. પરંતુ સાન મરીનો નામનો ટચૂકડો દેશ ઠેઠ તેરમી સદીથી પ્રજાસત્તાક હોવા વિષે ઇતિહાસવિદો એકમત છે. યુનેસ્કોના મત મુજબ, સાન મરિનો એકમાત્ર હયાત ઇટાલિયન શહેર-રાજ્ય છે, જે યુરોપ અને વિશ્ર્વભરમાં લોકશાહી મોડલના વિકાસમાં એક મહત્ત્વપૂર્ણ તબક્કાનું પ્રતિનિધિત્વ કરે છે. સાન મરીનોના એક શહેર મોન્ટે ટાઇટેનોને તો યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કર્યું છે. યુરોપમાં સદીઓ સુધી ચાલેલા વિવિધ સંઘર્ષો વચ્ચે આ ટચૂકડો દેશ જે રીતે પોતાનું અસ્તિત્વ જાળવી શક્યો, એ એક ચમત્કારથી કમ નથી. વિશ્ર્વવિજેતા બનવા માંગતા નેપોલિયને જ્યારે ઇટલી પર હુમલો કર્યો, ત્યારે એણે પણ આ ટાઈની નેશનના સાર્વભૌમત્વનો આદર કર્યો હતો, અને આ દેશને હુમલાઓમાંથી બાકાત રાખ્યો હતો. એ પછી ઇસ ૧૮૬૧માં જ્યારે ઇટલી ફરીથી એકીકૃત થયું, ત્યારે ઔપચારિક સંધિઓ દ્વારા સાન મરીનોએ સ્વતંત્ર દેશ તરીકેનું અસ્તિત્વ જાળવી રાખવાનું પસંદ કર્યું હતું.
આર્મેનિયન ઈતિહાસકાર મોવસેસ ખોરેનાત્સી દ્વારા લિખિત (Movses Khorenatsi) “History of the Armeniansમાં આર્મેનિયાના સર્જનથી લઈને ઇસ ૪૨૮ સુધીના સમયગાળાને આવરી લેવાયો છે. ખોરેનાત્સીના મતે તો આર્મેનિયાની સ્થાપના ઈસવીસન પૂર્વે અઢી હજાર વર્ષ પહેલા થઇ હતી. પરંતુ આ તારીખને નક્કર સમર્થન મળે, એવા પુરાવાઓ હજી સુધી મળ્યા નથી. બટ એટ ધી સેઇમ ટાઈમ, આ વાત સાવ કાઢી નાખવા જેવીય નથી. ઇસ ૨૦૧૬માં નેચર જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ ૩૦૦૦ અને ૨૦૦૦ B.C.E વચ્ચેના આર્મેનિયન મૂળના આનુવંશિક પુરાવા મળ્યા છે. આ અભ્યાસ કરનારાઓએ જર્નલમાં લખ્યું છે કે અમે નોંધ્યું છે આ આનુવાંશિક પુરાવાઓ ૨૪૯૨ B.C.E આસપાસના છે, જે આર્મેનિયાની સ્થાપના અંગેના પ્રચલિત મત સાથે પણ સુસંગત છે. અર્થાત્ ઈતિહાસકાર મોવસેસ ખોરેનાત્સીએ આપેલ સમયકાળ સાચો હોવાની શક્યતાઓ છે જ. એન્ડ ઇન ધેટ કેસ, આર્મેનિયાને વિશ્ર્વનો સૌથી પ્રાચીન દેશ ગણી શકાય.
હવે આ બંને દેશો વિષે વાંચ્યા પછી ભારતીય નાગરિક તરીકે તમારા મનમાં એક પ્રશ્ર્ન જરૂર થશે, કે ભારતીય સંસ્કૃતિ તો હજારો વર્ષ જૂની ગણાય છે. રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો જ હજારો વર્ષ પુરાણા છે. તો પછી વિશ્ર્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ-દેશ તરીકે ભારતનું નામ કેમ નથી?! આ મામલો જરા પેચીદો છે.
જો પ્રાચીનતમ સંસ્કૃતિની વાત કરવાની હોય, તો આપણે બેશક સહુથી આગળ ગણાઈએ, પણ રાજકીય સીમાઓને આધારે બનેલ દેશની વાત હોય, તો જરા વિચારવું પડે. વિશ્ર્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ તરીકે ત્રણ નામો આવે. સિંધુ ખીણની સંસ્કૃતિ, મેસોપોટેમિયા સંસ્કૃતિ અને ઈજીપ્તની સંસ્કૃતિ. ઈસવીસન પૂર્વે અઢી હજાર વર્ષ પહેલા સિંધુ ખીણની સંસ્કૃતિ વિકાસ પામી હતી. પરંતુ ઈસવીસન પૂર્વે દોઢ હજાર વર્ષ પહેલા એનું સ્થાન વૈદિક સંસ્કૃતિએ લીધું. એક સમયે આજના પાકિસ્તાનના પશ્ર્ચિમી કિનારા સુધીનો વિસ્તાર ધરાવતા ભારતીય ઉપખંડની રાજકીય સીમાઓ મોટા પાયે બદલાતી રહી. છેલ્લી સદીઓ દરમિયાન વેઠેલી વિવિધ આક્રમણખોરોની ગુલામી બાદ, ગઈ સદીમાં જે સ્વતંત્ર દેશ અસ્તિત્વમાં આવ્યો (આજનું ભારત), એમાં અને સિંધુ ખીણની સંસ્કૃતિના પ્રદેશની સીમાઓમાં ખાસ્સો ફરક પડી ગયો છે.
આપણી સંસ્કૃતિ સાથે વણાયેલ મહાકાવ્ય રામાયણને જો ઇતિહાસ ગણીને ચાલીએ, તો સ્કોલર્સના મત મુજબ વધુમાં વધુ ઈસવીસન પૂર્વેની સાતમી સદી સુધીનો હોઈ શકે. ઈસવીસન પૂર્વે પાંચમી સદીમાં પાંગરેલ બુદ્ધિઝમનો કે પછી મગધ રાજ્યનો ઉલ્લેખ ન હોવાને કારણે ઇતિહાસવિદ્ રોબર્ટ પી. ગોલ્ડમેન રામાયણને વધુ પૌરાણિક ગણે છે, અને એનો સમયગાળો અઢી હજાર વર્ષથી વધુ પૌરાણિક હોવાનો મત આપે છે. બીજી તરફ, નિષ્ણાતો માને છે કે મેસોપોટેમિયા (આજનું ઈરાક)ની સંસ્કૃતિ વિશ્ર્વની સૌથી પૌરાણિક સંસ્કૃતિ છે, જેનો સમયગાળો ઈસવીસન પૂર્વે દસ હજાર વર્ષનો ગણાય છે! (રીયલી?!) માનવીય સભ્યતાનો વિકાસ અહીંથી શરૂ થયો હોવાનું મનાય છે. ઈસવીસન પૂર્વે આઠ હજારમાં અહીં ઘઉંની ખેતી શરૂ થઇ હોવાનું મનાય છે.
ઓકે ફાઈન. તો પછી સૌથી પ્રાચીન દેશ કયો? ઇતિહાસકારો સૌથી પ્રાચીન દેશ તરીકે ઈજીપ્તની ગણતરી કરે છે, જેની સ્થાપના ઈસવીસન પૂર્વે ત્રણેક હજાર વર્ષ પહેલા થઇ. જો કે લાગણીની રીતે વિચારીએ, તો આપણને ભારતીય ઉપખંડની સંસ્કૃતિને જ સૌથી પ્રાચીન માનવાનું મન થાય છે. શું ભારત સરકારે આ દિશામાં સંશોધનો કરાવવા જોઈએ? તમને શું લાગે છે?