વીક એન્ડ

ટૅક વ્યૂહ: ડિજિટલ લિટરસી: સમજ-સુરક્ષા ને સ્વીકૃતિ

વિરલ રાઠોડ

દુનિયાના તમામ માણસ ઓછા વત્તા અંશે મોબાઈલ ફોન કે કોઈ સ્માર્ટ ડિવાઈસનો ઉપયોગ કરે છે. ગ્લોબલ પોપ્યુલેશન કરતાં ઉપયોગમાં લેવાતા એકથી વધારે ડિવાઈસની સંખ્યા અબજોમાં છે.

ઓસ્ટ્રેલિયાની એક યુનિવર્સિટીએ જુદા-જુદા સ્માર્ટ ડિવાઈસ પર કરેલા સર્વેનું આ તારણ છે કે દુનિયાના દેશની કુલ વસતિના જ્યાં 70 ટકા લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે એવામાં ભારતમાં સ્માર્ટફોન યુઝર્સ 140 ટકા છે. ઈન્ટરનેટ કનેક્ટિવિટીવાળા ફોનની ટકાવારી 85 છે, જે નિયમિતપણે જે તે ટેલિકોમ કંપની પાસેથી રીચાર્જ કરાવીને દેશ-દુનિયા સાથે ક્નેક્ટેડ રહે છે.

આ તમામ ટકાવારી કરતાં ઓસ્ટ્રેલિયા થોડું અલગ દિશામાં ચાલે છે. અહીં 18 વર્ષ સુધીના કોઈ પણ ટીનએજને મોબાઈલનો કે બીજા કોઈ ઈન્ટરનેટ ક્નેક્ટેડ સ્માર્ટફોનનો ઉપયોગ કરવો હોય તો વાલીઓ અને સરકાર બન્ને પાસેથી લેખિત મંજૂરી લેવી પડે છે.

આપણ વાચો: ટૅક વ્યૂહ : ડિજિટલ પ્લેટફોર્મનો સમ્રાટ છે કોન્ટેન્ટ

બંન્નેમાંથી કોઈ એક પક્ષ પણ નકાર કરે તો એ ડિવાઈસનો ઉપયોગ એ નથી કરી શકતા . આમ છતાં કોઈ પોતાની સ્માર્ટનેસથી ડિવાઈસ વાપરે છે તો વાલીઓ તો ઠીક ડિવાઈસ વિક્રેતાને પણ કાયદા ભંગ બદ્લ સજા ભોગવવી પડે.

સ્માર્ટફોન અને ડિવાઈસના ઉપયોગથી લાઈફસ્ટાઈલ તો સરળ થઈ ગઈ, પણ વ્યક્તિ-વ્યક્તિ પ્રત્યેની વર્તણૂંક બદલી ગઈ છે. ડિવાઈસ હાથમાં આવતા કેમ વર્તવું એ પણ હવે શીખવા- નહીં શીખવાડવા જેવું છે. સુવિધાઓનો ઢગલો છે, પણ શું સ્વીકારવું એ નક્કી કરવું પડે એમ છે.

સતત બદલાતા ડિજિટલ વર્લ્ડ સાથે વધ્યા છે સાયબર ક્રાઈમના કેસ. હેકિંગથી લઈને ક્રેકિંગ સુધી, ડિજિટલ અરેસ્ટથી લઈને ડેટા ચોરી સુધી, ઓટીપી સ્કેમથી લઈને સ્ક્રિન રેકોર્ડ સુધી. એ જ રીતે નકલી અવાજથી લઈને ફ્રોડ કોલ સુધીની માયાજાળ એવી પ્રસરી ગઈ છે કે કોઈ ત્રીજો વ્યક્તિ ઑપરેટ કરીને સામેવાળાના ખિસ્સા ખંખેરે છે. છેતરામણી લિંક મોકલીને ખાતું ખાલી કરે છે. આ બધુ એકસાથે રોકવું શક્ય નથી પણ એનાથી બચવું તો શક્ય છે અને સરળ પણ છે.

આપણ વાચો: ટૅક વ્યૂહ: ટેલિગ્રામ: મેસેજ જ નહીં, કોન્ટેન્ટ શેરિંગનું ફ્રી પ્લેટફોર્મ છે એ…

આવી સુરક્ષતાનું પહેલું પગથિયું છે ડિજિટલ લિટરસી. માત્ર ડિવાઈસના તમામ ફીચર્સને વાપરતા આવડે એ ડિજિટલ લિટરસી નથી. આઈફોન જેવો સુરક્ષિત સ્માર્ટફોન હોય એમાંથી પણ ફ્રોડ કોલનો ભોગ બનેલા લોકો છે.

માહિતી સર્ચ કરીને, એને વ્યવસ્થિત સાચવીને અને તેનો યોગ્ય ઉપયોગ કરીને જે આપે એને ડિજિટલી સાક્ષર કહેવાતા,પણ હવે યુગ એવો છે કે, ખોટા AIના પ્રોમ્ટથી બચીને માહિતીની ખરાઈ ચકાસીને જે રજૂ કરે એ ડિજિટલી સાક્ષર છે.

ઓનલાઈન શોપિંગ કરવામાં કંઈ ખોટું નથી, કોમ્યુનિકેટ કરવામાં પણ કંઈ વાંધો નથી, પરંતુ ખોટી લિંકને ઓળખીને એના પર ક્લિક ન કરીને-એને ઈગ્નોર કરવામાં જ સમજદારી છે. આ બધું હવે ડિજિટલ સાક્ષરની નવી વ્યાખ્યામાં આવે છે.

આપણ વાચો: ટૅક વ્યૂહ: પરફેક્ટ વીડિયો કે રીલ્સ કેમ બનાવશો?

શોપિંગ સાઈટ કે એપ્સનો ઉપયોગ કરતી વખતે એની કોઈ લિંક આવે તો પહેલા એના સ્પેલિંગ ચેક કરવા કારણ કે, નજીવા સ્પેલિંગના ફેરફારથી કે એક અક્ષરના મિસિંગથી તમારી આકરી મહેનતની કમાણી પર પાણી ફરી શકે છે. દરવર્ષે સાક્ષરતાના રિપોર્ટ જાહેર થાય છે. એની ટકાવારી જાહેર કરવામાં આવે છે, પરંતુ એનાથી ડિજિટલી સાક્ષરતા મામલે હજુ ચિત્ર સ્પષ્ટ નથી થતું.

ડિવાઈસનો ઉપયોગ કરવો અને ડિજિટલી સાક્ષર રહેવું એ બન્નેમાં પાતળી ભેદરેખા છે. અજાણી લિંક પર ક્લિક ન કરવી, આકર્ષક ફોટો જોઈને ભરમાવું નહીં, AIના પ્રોમ્ટથી ગભરાવું નહીં, પ્રોમ્ટથી તૈયાર થયેલી ઈમેજને પારખવી, એપ્સમાં વારંવાર એકાઉન્ટ લોગઆઉટ થતું હોય તો એલર્ટ થવું, ફ્રોડ કોલને ઓળખીને તરત કાપી નાખવો, ઓટોપીની માગ કોઈ કરતું નથી એ સારી રીતે સ્વીકારવું…આ આજની ડિજિટલ લિટરસી છે.

આપણ વાચો: ટૅક વ્યૂહઃ વોટ્સએપમાં ચેટ મેનેજમેન્ટનું A-B-C-D…

ટ્રેન્ડ સાથે થ્રીલ ફીલ કરવામાં ખોટું કંઈ નથી. એ થ્રીલ વ્યક્તિગત ડેટાને માઠી અસર કરે તો એ ખોટું છે. વ્યક્તિના એક ફોટોથી એના લોકેશનથી લઈ છેલ્લે કોનો વીડિયો કોલ હતો ત્યાં સુધીનું તમામ ટ્રેક થતું હોય તો એનાથી બચવા જેવું છે. AI ફ્રોડથી બચવા માટેની આંતરરાષ્ટ્રીય ગાઈડલાઈન્સનો પહેલો મુદ્દો જ એ છે કે, આપના ફોટો પર વધારે પડતા પ્રોમ્ટ વાપરીને કે અઈંના જુદા જુદા પ્લેટફોર્મ પર અપલોડ કરીને ડિવાઈસ ટ્રેકિંગને સામેથી આમંત્રણ આપવા જેવું છે.

કોઈ એક પ્લેટફોર્મ પર એનો ઉપયોગ કરી થોડી મજા-આનંદ માણીને અટકવું જોઈએ. AIના જુદા-જુદા અનેક પ્લેટફોર્મ ફોટો પરથી ફોનમાં અને ફોનથી લોકેશન ટ્રેક કરવામાં પાવરધા હોય છે. આ પણ હકીકત છે.

જ્યારે કોમ્યુકેટ કરવા મેસેજિંગ એપ્સ આવી ત્યારે ડિજિટલ લિટરસીનો દાયરો મર્યાદિત હતો. લખવામાં અને ટાઈપ કરવામાં પર્ફેક્શન આવ્યું પછી જ એક પેઢીને એમાં એડિટનો ઓપ્શન મળતા રાહત મળી. જેણે વોટ્સએપના જૂના વર્ઝન વાપર્યા હશે એમને આ વાતનો અંદાજો હશે.

રિએક્શનનો વિકલ્પ ન હતો ત્યારે ઓકે અથવા યસ કહીને વાતનો પ્રતિસાદ આપવામાં આવતો. અત્યારે અંગૂઠો રિએક્શનમાં મૂકીને ટૂંકાવી દેવાય છે અથવા ટૂંકાક્ષરી પ્રતિસાદ અપાય છે. આ ડિજિટલ લિટરસીમાં આવેલો બદલાવ છે. પણ કોઈને પણ મંજૂરી વગર ગ્રૂપમાં એડ કરી દેવા એ ખોટું છે. અયોગ્ય છે.

જે તે વ્યક્તિની મંજૂરી વગર કોલને લાઉડસ્પીકરમાં મૂકીને સામેથી વાત કરનારાની નિખાલસતા સાથે રમવું ખોટું છે. જ્યારે પણ ફોન લાઉડસ્પીકર પર હોય ત્યારે સામેથી વાત કરનારને જણાવો કે, ફોન સ્પીકર પર છે. ફોનને કટ કરતી વખતે કેટલાક મેસેજ રેડી જ હોય છે એને સેન્ડ કરવા કરતા વોટ્સએપ પર કહો કે, ફોન ઊપડે એમ નથી. પછી વાત કરીએ, કારણ કે બેંક, જરૂરી દસ્તાવેજ કે ઓટીપી સિવાય કોઈ SMS વાંચતું નથી.

સતત કોઈના રીપ્લાય પર મેસેજ કરવાના બદલે એ ઓનલાઈન હોય ત્યારે જ મેસેજ કરો અથવા એમને કહો કે, આ સમય પર ઓનલાઈન રહેવું ફાવશે. આવી નાની નાની પણ ચિબાવલી વાત વ્યક્તિની ડિજિટલ લિટરસી જણાવે છે.

આઉટ ઓફ ધ બોક્સ

હરિયાણા એજ્યુકેશન બોર્ડે ધોરણ 11 અને 12ના કોમ્પ્યુટર વિષયમાં ડિજિટલ લિટરસીનો વિષય ઉમેર્યો છે. એમાં ડિવાઈસ હાથમાં આવ્યા બાદ અને કોમ્યુનિકેટ કરતી વખતે શું ન કરવું એની સ્પષ્ટતા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button