સ્થાપત્યનું વાઈ-ફાઈ : `બિયોન્ડ ધ એજ’ પ્રવાસી કેન્દ્ર – સર્ગે – પોર્ટુગલ કલ્પનાની રોમાંચક દુનિયા

- હેમંત વાળા
સ્થપતિ અટેલીએર મોનોલીટ દ્વારા પોર્ટુગલના દુનિયાનો છેડો ગણાતાં સ્થાન માટેની આ કાલ્પનિક રચના છે. સ્થાપત્યના ક્ષેત્રમાં આ પ્રકારના પ્રયોગોનું મહત્ત્વ વધતું જાય છે. અહીં નથી હોતી સ્થાન નિર્ધારણમાં મર્યાદા કે નથી હોતો અંદાજિત ખર્ચ માટે કોઈ બંધન. અહીં ઉપયોગકર્તા – વપરાશકર્તા પણ કાલ્પનિક હોય છે. આ પ્રકારની રચના કેટલાં સમયગાળામાં તૈયાર થઈ શકે તે માટે પણ કોઈ રૂપરેખા નથી હોતી. આ પ્રકારની રચના એક પૂર્વ ધારણા સમાન જ હોય છે કે જ્યાં તેની તકનીકી બનાવટ બાબતની ચોકસાઈ માટે પણ શંકા રહેતી હોય.
આ પ્રકારની રચના એવા સ્થાને સૂચિત કરવામાં આવે છે કે જ્યાં કાયદા કાનૂન પણ પ્રમાણમાં ઓછાં લાગુ પડે. નથી અહીં હોતી કોઈ ગ્રાહકની જરૂરિયાત માટેની રૂપરેખા કે નથી હોતો તેની પસંદગીનો અગ્રતાક્રમ. અહીં બધું જ સ્થપતિની ઈચ્છા તથા કલ્પના શક્તિ પ્રમાણે નિર્ધારિત થાય છે. અહીં બધું જ સંભવ છે. આ પ્રકારનાં પ્રયત્ન પાછળનો મૂળ હેતુ સ્થાપત્યના ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતા જે તે સોફ્ટવેરના પ્રચાર માટે વધુ હોય છે. સ્થપતિની કલ્પનાશક્તિને જે તે સોફ્ટવેર કેવી રીતે પ્રોત્સાહિત કરી શકે છે તે જણાવવાનો હેતુ અહીં હોય છે.
આ પણ વાંચો: સ્થાપત્યનું વાઈ-ફાઈઃ નિસરણી ને તેનાં આકાર
આ પ્રકારની કાલ્પનિક રચનાની સંભાવના માટેની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પસંદ પામેલ આ રચના છે. વસ્તીથી દૂર, જ્યાં કુદરત સાથેનું સાનિધ્ય વધુ સંભવ હોય તેવી છેવાડાની જગ્યાએ, ખડકાળ વિસ્તારમાં સૂચિત કરાયેલી આ રચના છે. અહીં માનવીના કુદરત સાથેના સંભવિત સમીકરણને અને કુદરતના અનુભવને સ્પષ્ટ રીતે વ્યક્ત કરવાનો પ્રયત્ન થયો છે. આ માટે રચનામાં ભૌમિતિક સ્પષ્ટતા, એકશૈલ્યતા, કોઈપણ સ્વરૂપની જટિલતાનો અભાવ – સાદગી તથા ન્યૂનતમવાદને પ્રોત્સાહન અપાયું છે. કુદરત સાથે સંલગ્ન થવાની અહીં વિવિધ પ્રકારની સંભાવના ઊભી થાય છે. તે સાથે અહીં વ્યક્તિને, સામાજિક નીતિ-નિયમોના માળખામાં રહીને, જે કરવું હોય તે કરવા માટેની સ્વતંત્રતા પણ મળે છે. ખડકમાંથી નીકળી આવેલ હોય તેમ જણાતી આ રચના કુદરતના સૌંદર્યને માણવા માટે છે પણ સાથે સાથે તે કુદરત સાથે વિરોધાભાસ પણ ઊભો કરે છે
અગાસી પરથી આ મકાનમાં પ્રવેશ મળે છે. અહીંથી શરૂ થતી નિસરણી મકાનના મુખ્ય ભાગના પ્રવેશ સ્થાન સુધી લઈ જાય છે. આ સ્થાન સાથે સ્થાપત્યની ત્રણ ઘટનાઓ સંકળાય છે. પ્રથમ, બેસી શકાય અને કુદરતને માણી શકાય તેવું આરામ-સ્થાન, બીજું, જ્યાં નાના પ્રમાણમાં કેટલીક પ્રવૃત્તિ થઈ શકે તેવું બહુ-ઉપયોગી સ્થાન અને ત્રીજું ચોરસ આકારમાં ઝુલતો સેતુ જેના પર આવનજાવન કરવાથી કુદરતની નજીક પહોંચવાનો ભાવ ઊભો થઈ શકે. આ ત્રણેય સ્થાન પરથી કુદરત સાથે અનેરો સંબંધ સ્થાપી શકાય. આ માત્ર કુદરત સાથે સંવાદ સ્થાપના માટેનું સ્થાન છે. જેનું મહત્ત્વ આજુબાજુની કુદરતની પરિસ્થિતિને કારણે ઊભરે છે. આ દરેક સ્થાન ઉપર કુદરત સાથેનો સંવાદ ભિન્ન રહે તેવી સંભાવના હોવાથી દરેક સ્થાનની અનુભૂતિ પણ ભિન્ન ભિન્ન હોઈ શકે. આ સાથે આ મકાનના પાછળના ભાગમાં ટોયલેટ અને નાનકડો સ્ટોરેજ પણ છે.
આ પણ વાંચો: સ્થાપત્યનું વાઈ-ફાઈ : બોઝિઝ ચેપલ-સાઉથ આફ્રિકા પ્રતીકાત્મક લયબદ્ધ દૃઢતા
અહીં આકાશ સાથેનો સંપર્ક છે, દરિયા પર નજર છે, ખડકનું સાનિધ્ય છે, પ્રકાશ અને છાયાની નાટકીયતા છે, વિવિધ સપાટીઓની બરછટતાની અનુભૂતિ છે, કુદરતના મૂળભૂત રંગને માણવાની તક છે, કુદરતના અવાજને સ્પષ્ટ રીતે સાંભળી શકાય તેવી સંભાવના છે, સેતુ પરથી કુદરતની નજીક પહોંચવાની ચેષ્ટા છે તો આરામ-સ્થાનમાં બેસીને કુદરતને માત્ર નિહાળવાનો આનંદ છે. મારી દ્રષ્ટિએ બીજી મજાની વાત એ છે કે અહીં વ્યક્તિ પોતાની જાત સાથે પણ સંવાદ સરળતાથી સ્થાપી શકે. મનન-ચિંતન માટે પણ આ એક સાં સ્થાન બની શકે. કુદરતના વિહંગાવલોકન માટે આ એક ઇચ્છનીય સ્થાન હોય તો સાથે સાથે વ્યક્તિના `સ્વયં’ આંતર-વિશ્લેષણ માટે પણ અહીં સંભાવના છે.
આ રચના એવા સ્થાન માટે સૂચિત કરાઈ છે કે જ્યાં પ્રવાસીઓ વધારે જતાં હોય, અને તે પણ કુદરત સાથેનું સાનિધ્ય પામવા. પણ આ રચના ક્યાંક પ્રવાસીઓની સંખ્યાને સંબોધવામાં નિષ્ફળ જાય છે. આ રચના ચાર-પાંચ પ્રવાસી માટે બરાબર છે, તેનાથી જો સંખ્યા વધે તો ક્યાંક કુદરત સાથેના સંપર્કમાં ખલેલ પહોંચે. જો આમ થાય તો આ રચનાનો હેતુ જ સિદ્ધ ન થાય. દરેક મકાનની રચના સાથે તેની ઉપયોગિતાનું પ્રમાણમાપ સંકળાયેલું હોય. આ મકાન આ બાબતે નિષ્ફળ જાય.
આ પણ વાંચો: સ્થાપત્યનું વાઈ-ફાઈ : સ્થાપત્યમાં શેની પ્રશંસા કરવી?
આ પ્રકારની રચના નાટકીયતા સમાન હોય છે. સ્થાપત્યના માધ્યમ થકી માત્ર મજા કરવાનો ભાવ અહીં દેખાતો હોય છે. વાસ્તવિકતાથી આ બધી બાબતો દૂર હોય છે. ઘણીવાર તો એમ જણાય છે કે આ પ્રકારની રચના લાંબા સમય સુધી સાર્થક ન રહી શકે. કોઈ એકલી અટૂલી વ્યક્તિ માટે આ પ્રકારનો સ્થાપત્યકિય વિચાર સ્વીકૃત બની શકે, પરંતુ સામાજિક દ્રષ્ટિએ તેની યથાર્થતાની મૂલવણી કરવી પડે. એ વાત સાચી છે કે સ્થાપત્ય એ માત્ર ભૌતિક ઉપયોગિતા માટેનું સ્થાન નથી, તેની સાથે માનસિક ભાવાત્મક સમીકરણો પણ જોડાયેલાં હોય છે. પરંતુ જ્યાં માત્ર માનસિક ભાવ અનુસાર સ્થાપત્યની રચના થતી હોય ત્યાં તેની યથાર્થ ઉપયોગિતા વિશે પ્રશ્નો થાય તે સ્વાભાવિક છે. જ્યાં માત્ર ભાવનાત્મક રજૂઆત હોય તેની ઓળખ સ્થાપત્યની રચનાને બદલે `શિલ્પ’ તરીકે થાય તો વધુ યોગ્ય ગણાય.