સ્થાપત્યનું વાઈ-ફાઈઃ સ્થાપત્યનાં ક્ષેત્રમાં થતા દાવા

હેમંત વાળા
મીડિયામાં આવેલ કોઈપણ મકાન વિશે જે પણ વાત કરવામાં આવે છે તેમાં કેટલીક વાતો સામાન્ય છે. આ વાતો પર્યાવરણ, ઊર્જા, પરંપરાગત શૈલીને લગતી હોય છે. આ બધી બાબતો માટે સાંપ્રત સમયમાં દરેક મકાનની પ્રશંસા કરી ચોક્કસ પ્રકારના દાવા થાય છે.
પ્રથમ, એવો એક દાવો પર્યાવરણલક્ષી રચનાનો રહે છે. દરેક સ્થપતિ પોતાનું મકાન પર્યાવરણની વિવિધ બાબતોને ધ્યાનમાં રાખીને નિર્ધારિત કરાયું છે તેમ કહેતાં હોય છે. અહીં પવનની દિશાનું ધ્યાન રખાયું છે, સૂર્યની ગતિ અનુસાર મકાનની રચના થઈ છે.
આબોહવાની વિવિધ પરિસ્થિતિ માટે વ્યવસ્થિત ગણતરી કરવામાં આવી છે-આવી વાત બધાં જ કરે છે, કોઈ પણ અપવાદ વગર. આની માટે ક્યાં કોઈ વિવરણાત્મક ચિત્ર પણ પ્રસ્તુત કરાય છે. પણ વાસ્તવમાં આમ થયું હોય છે કે નહીં તે વિશે શંકા તો રહે છે જ – તેની ચકાસણી માટે કોઈ સ્થાપિત રીત નથી.
બીજો દાવો ઊર્જાની બચત માટેનો હોય છે. આજકાલનું દરેક મકાન જાણે ઊર્જાની બચત કરતું હોય તેમ સાબિત કરવાનો આ પ્રયત્ન છે. આ ઊર્જાની બચત પણ એક ભેદી વસ્તુ છે. મકાનની અંદર વાતાનુકૂલિત સ્થિતિ હોય અને તેમાં ઊર્જાની થોડી બચત થઈ શકે તેવાં ઉપકરણો પ્રયોજાયા હોય તો વાસ્તવમાં તેને ઊર્જાની બચત કહી શકાય કે નહીં તે એક પ્રશ્ન છે.
ઊર્જા પ્રત્યક્ષ પણ હોઈ શકે અને પરોક્ષ પણ. પ્રત્યક્ષ ઊર્જાને આધારિત ઉપકરણોનો ઉપયોગ થયો હોય ત્યારે ઊર્જાની બચતની સંભાવના તો રહેતી જ નથી. અહીં તો વધુ પડતા વપરાશને થોડો ઓછો કરવાની વાત હોય છે. ખોરાકમાં નિયંત્રણ રાખવાની જરૂર એ વ્યક્તિને હોય કે જે વધુ ખાતી હોય. મકાન અને ઊર્જાનો સંબંધ આવો જ કંઈક છે.
ત્રીજો દાવો એ રીતનો હોય છે કે મકાનની રચનામાં સ્થાનિક સામગ્રી અને તકનીકનો ઉપયોગ કરાયો છે. સ્થાનિક કારીગરો મકાન બનાવે તે વાત સમજી શકાય. બધાં જાણે છે કે આજના આધુનિક સમયમાં આધુનિક રચના-શૈલી, આધુનિક સામગ્રી, આધુનિક તકનીક તથા આધુનિક કહી શકાય તેવી દ્રશ્ય અનુભૂતિ પર જોર અપાય છે.
એવાં સંજોગોમાં સ્થાનિક બાબતોના સમાવેશની વાત મુશ્કેલ લાગે છે. આમ પણ આજના જમાનામાં બહુ ઓછાં સ્થળોએ સ્થાનિક સામગ્રી અને સ્થાનિક તકનીક જેવું કંઈ હજુ જળવાઈ રહ્યું છે.
ક્યારેક સ્થાનિક સાથે પરંપરાગત શૈલીની વાત પણ જોડી દેવાય છે. કેટલાંક આધુનિક મકાનોની રચનામાં પરંપરાગત શૈલી જોવા મળે છે પણ ખરી, પરંતુ તેની માત્રા ઓછી હોય છે અને સાથે સાથે તે માટેની શૈલી પણ મિશ્રિત બની ગઈ હોય છે.
ચોથું, પોતાનું મકાન સેલ્ફ સસ્ટેનેબલ-સ્વયં આધારિત છે તે પ્રમાણેનો દાવો પણ થતો હોય છે. મકાન માટે જરૂરી ઊર્જા સોલર પેનલ થકી ઉત્પન્ન કરવામાં આવે, વરસાદના પાણીનો સંગ્રહ કરી તેનો ઉપયોગ કરવામાં આવે.
ગંદા પાણીનું પ્રાથમિક શુધ્ધીકરણ કરી તેને ઈતર ઉપયોગમાં લેવામાં આવે, ઝાડ પાન વડે સૂર્યપ્રકાશ રોકી મકાનની અંદરના તથા આજુબાજુના વિસ્તારમાં ઠંડક ઊભી કરવામાં આવે-આ બધું શક્ય હોય છે. આ બધું થતું પણ હોય છે અને કહેવાતું પણ હોય છે.
પાંચમો દાવો ઉપયોગકર્તા લક્ષી રચનાનો હોય છે. આ મકાનમાં સ્થાનિક જીવનશૈલીને મહત્ત્વ અપાયું છે, સ્થાનિક લોકાચારનું ધ્યાન રખાયું છે, જે તે વ્યક્તિ કે વ્યક્તિ સમૂહનું વ્યક્તિત્વ પ્રતિબિંબિત કરાયું છે, તે લોકોના ભૂતકાળનો વારસો અને ભવિષ્યની સંભાવનાનો સમાવેશ કરાયો છે.
કૌટુંબિક કે સામાજિક સમીકરણો દ્રઢ થાય તેવાં સંજોગો ઊભાં કરાયાં છે, ગોપનીયતા અને સામાજિકરણ વચ્ચે સંતુલન સ્થપાયું છે -આ અને આવી વાતોની પણ એક ફેશન થઈ ગઈ છે. આકસ્મિક રીતે ક્યાંક આવું પરિણામ આવી પણ જાય.
આ ઉપરાંત પણ મકાન માટે અન્ય કેટલાંક દાવા થતાં હોય છે, પણ તેનું પ્રમાણ ઓછું રહેતું હોવાથી આ સૂચિમાં તેને સ્થાન નથી અપાયું. આ પ્રકારના દાવા ખરેખર યોગ્ય છે કે નહીં તે ચકાસવાની કોઈ પદ્ધતિ સ્થાપત્યના ક્ષેત્રમાં હજુ સુધી પ્રચલિત નથી થઈ. પર્યાવરણલક્ષી જે દાવા થાય છે તેની આંકડા થકી મૂલવણીની રીત હજી સુધી શોધાઇ નથી.
ઊર્જા લક્ષી દાવા માટે એનર્જી ઓડિટ-ઊર્જા મૂલ્યાંકન થવું જરૂરી છે. આ પ્રકારના ઓડિટમાં નવી રચના અને તેના અન્ય સંભવિત વિકલ્પ વચ્ચે ઊર્જાની ખપતની સરખામણી થવી જોઈએ. વ્યવહારિક રીતે આ શક્ય નથી, અને તેથી તે પ્રકારનો દાવો ચાલી જાય છે. પરંપરાગત સામગ્રીના ઉપયોગની જે વાત થાય છે તે અમુક અંશે જોવા મળે છે.
પરંતુ વાસ્તવિકતા એ છે કે આ જમાનો આધુનિકતા તરફ ઢળેલો છે, તેથી જે પરંપરાની વાત થાય છે તે ઘણી મર્યાદિત, માત્ર દેખાવ પૂરતી હોય છે. સસ્ટેનેબલ મકાનનો દાવો વાસ્તવમાં હાસ્યાસ્પદ હોય છે. જે વ્યક્તિ કરોડો રૂપિયાનું મકાન બનાવે તેને બે-ચાર સો રૂપિયા બચાવવામાં કોઈ રસ ન હોય.
વ્યક્તિલક્ષી મકાનની જે વાત થતી હોય છે તે અમુક અંશે સ્વીકારી શકાય. તે છતાં પણ એ કહેવું જરૂરી છે કે મોટાભાગના સંજોગોમાં માનવી મકાન પ્રમાણે પોતાની જીવનચર્યા ગોઠવતો જાય છે. આ બધાથી એ વાત સિદ્ધ થાય છે કે વાતો વાતોની જગ્યાએ છે અને વાસ્તવિકતા તેની જગ્યાએ છે.
આ પ્રકારનો દંભી અભિગમ દરેક ક્ષેત્રમાં છે. જીવનમાં કે મકાનમાં-જે બાબતો સાથે ભાવનાત્મક સંબંધ હોય, જે બાબતો ચોક્કસ પ્રકારની છબી ઊભી કરવા માટે મદદરૂપ હોય, જે બાબતો પ્રતિષ્ઠા અપાવી શકે તેવી હોય, જે બાબતો આદર્શ ગણાતી હોય તેની વાતો થાય તે સ્વાભાવિક છે. આમ પણ સમાજ પાસે તેની ચકાસણી માટે સમય નથી.
આ પણ વાંચો…સ્થાપત્યનું વાઈ-ફાઈ : સાંકડા આવાસની હકીકત…