સ્થાપત્યનું વાઈ-ફાઈ : સાંકડા આવાસની હકીકત…

- હેમંત વાળા
એ તો સ્વાભાવિક છે કે આવાસની રચના પ્રાપ્ય જમીનના માપ અનુસાર થાય. જો જમીન વ્યવસ્થિત માપની અને વ્યવસ્થિત આકારમાં હોય તો આવાસની રચનામાં સરળતા રહે અને તેની ઉપયોગિતા પણ સરળ બને. પણ જ્યારે ચોક્કસ સ્થાનનું મહત્ત્વ વધુ હોય ત્યારે જે માપની, જે કારની, જે પ્રમાણેની, જમીન મળે ત્યાં આવાસની રચના કરવી પડે. ઘણીવાર તો જમીન એટલી સાંકડી હોય કે આવાસની રચનામાં તો મુશ્કેલી પડે જ પણ તે આવાસનો ઉપયોગ સગવડતા જનક રહેતો હશે કે કેમ તે વિશે પણ પ્રશ્ન થાય.
સાંકડા આવાસનો ફ્રન્ટેજ ઓછો રહેતો હોવાથી બહારની પરિસ્થિતિ સાથેનો તેનો સંપર્ક મર્યાદિત અને સુનિર્ધારિત રહી શકે. જેને કારણે અહીં સામાજિક ગોપનીયતાનું સ્તર સામાન્ય પરિસ્થિતિ કરતાં વધુ રહેવાનું. આ ગોપનીયતા અંદરની તરફ ક્રમશ: અને ઉગ્રતાથી વધતી જાય. કુટુંબના સભ્યોના પરસ્પરના સમીકરણ માટે આ પરિસ્થિતિ ઈચ્છનિય છે.
પરંતુ સાથે સાથે સાંકડા આવાસમાં આવનજાવનનો માર્ગ વધુ રહે. તેનાથી જે તે સ્થાનની ઉપયોગિતા ઓછી થાય અને ત્યાંની ગોપનીયતાને પણ અસર પડે. આવાં આવાસ પ્રમાણમાં ઊંડા હોવાથી બહારના વાતાવરણની પરિસ્થિતિ પર અંદર ઓછી અસર થાય છે. અંદરના ભાગમાં કુદરતી હવા ઉજાસનું પ્રમાણ પણ ઓછું રહે છે. જો કુદરતી હવા ઉજાસનો આગ્રહ હોય તો વચમાંથી તે આવાસ ઉપરની તરફ ખોલી નાખવું પડે.
સ્થાપત્યની દૃષ્ટિએ કહીએ તો આ પ્રકારની રચનામાં સ્થાપતિની પાસે વિકલ્પો ઓછાં હોય છે. અહીં અગત્યના સ્થાનોને સ્વાભાવિક રીતે આગળ પાછળની ખુલ્લી જગ્યાએ ગોઠવવામાં આવે. પછી વચમાં દાદર, સ્ટોરેજ કે ભોજન કક્ષ છે જેવાં સ્થાન ગોઠવી દેવાય.
પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા માટે પણ આ પ્રકારના આવાસમાં પ્રશ્નો વધુ રહેવાનાં. તે બધાનો ઉકેલ છે, જે વર્ષોથી સ્થાપિત છે. એમ કહી શકાય કે પરંપરાગત સાંકડા આવાસની રચના પરથી આધુનિક સાંકડા આવાસ માટેના ઘણાં ઉકેલ પ્રસ્થાપિત થઈ ચૂક્યા હતાં.
આ પ્રકારના આવાસનો ફ્રન્ટેજ ઓછો રહેતો હોવાથી તેમાં દૃશ્ય અનુભૂતિ માટે પ્રમાણમાં ઓછાં વિકલ્પો મળે. આ માટે અહીં સામગ્રીના ઉપયોગમાં શક્ય હોય તેટલી વિવિધતા લવાય છે. વળી નાના મોટા ચોસલા જેવા આકાર બહાર કાઢી ફસાડને રસપ્રદ બનાવવાનો પ્રયત્ન પણ જોવાં મળે છે.
ક્યારેક છજ્જા બહાર કાઢવામાં આવે છે તો ક્યારેક પરગોલા, દેખાવ એકધારો ન થઈ જાય તે માટે દરેક બાલ્કનીની રેલિંગ પણ ભિન્ન ભિન્ન બનાવવામાં આવે છે. ક્યારેક તો આ સમગ્ર પ્રક્રિયામાં ઘણાં બિનજરૂરી નિર્ણયો પણ લેવાતાં હોય છે. સાંકડા આવાસને દેખાવમાં રસપ્રદ બનાવવા માટે સ્થપતિ પાસે વિકલ્પો બહુ ઓછાં હોય છે.
માપની દૃષ્ટિએ કહીએ તો સાંકડા આવાસ એટલે એવાં આવાસ કે જેની પહોળાઈ 3.00 મીટરની આસપાસ હોય. ઉપયોગિતા માટે વપરાતા ઓરડાનું માપ સામાન્ય રીતે 3.00 મીટર રહે તે ઇચ્છનીય ગણાય છે.
અહીં તે પણ મુશ્કેલ બની રહે. વળી આ પ્રકારના સ્થાન સાથે સંકળાયેલ અન્ય સવલતોને પણ આગળ-પાછળ મૂકવી પડે. રચના માટે અને ઉપયોગિતા માટે પણ આ એક અગવડતા ભરેલી પરિસ્થિતિ છે. જે સ્વીકારવી રહી.
મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ સાંકડા આવાસમાં બંધિયારપણાની અનુભૂતિ થાય. અહીં મોકળાશ અનુભવવામાં અને બહારની પરિસ્થિતિ સાથે સંપર્ક સાધવામાં માનવી મુશ્કેલી અનુભવે. આ રચના આંતર્ભિમુખ પ્રકારની કહેવાય. અહીં સ્થાપત્યની રચનાના પ્રકારથી એક આંતરિક- કેન્દ્રની સ્થાપના થાય જેની આજુબાજુ અન્ય પ્રવૃત્તિઓ ગોઠવાઈ જાય.
જોકે આ પ્રકારની રચનામાં આવાસના આંતરિક સ્થાન વધુ સરળતાથી પરસ્પર સંકળાયેલા રહે છે જેનાથી કુટુંબના સભ્યો વચ્ચે પણ એક પ્રકારનું જોડાણ ઉદ્ભવી શકે.
અહીં સ્થાપિત થતાં કેન્દ્રથી કે આવન જાવનના માર્ગથી બધાં જ એકબીજા સાથે સંકળાતા રહે. એમ જોવા મળે છે કે સાંકડા આવાસમાં રહેતા લોકોમાં કૌટુંબિક ભાવના વધુ દ્રઢ રહેતી હોય છે.
સાંકડા આવાસની ચારે તરફ જો ખુલ્લી જગ્યા મળતી હોય તો તેની અનુભૂતિ એક પ્રકારની થાય અને જો તે બે સમાંતર લાંબી બંધીયાર દીવાલો વચ્ચે હોય તો તે અનુભૂતિ ભિન્ન રહેવાની. એમ જોવા મળે છે કે સાંકડા આવાસમાં ચારે તરફ ખુલ્લાપણું નથી મળતું હોતું. જેને કારણે આ પ્રકારના આવાસ એક ચોક્કસ દિશાને સૂચિત કરતાં હોય છે.
આ પ્રકાશના પ્રકારના આવાસમાં દિશાપણું દૃઢતાથી સ્થાપિત થાય છે. અન્ય એક નોંધવા જેવી બાબત એ છે કે આ પ્રકારના આવાસના માળખાકીય રચનાની કિમત પ્રમાણમાં ઓછી રહે છે.
સાંકડા આવાસમાં બે સમાંતર દીવાલોને ભારવાહક બનાવી સરળતાથી તેના પર મકાનનો સમગ્ર ભાર તબદીલ કરી શકાય છે. આ પ્રકારના આવાસમાં મુખ્યત્વે ભારવાહક દીવાલોનો જ ઉપયોગ થાય છે અહીં બીમ-કોલમવાળી માળખાગત રચનાની જરૂર નથી હોતી.
એક મોજણી પ્રમાણે સાંકડા આવાસમાં રહેનાર વ્યક્તિ, જ્યાં શક્ય હોય ત્યાં, બહાર જવાનું જલદી પસંદ કરે છે. આ એક હકારાત્મક પરિસ્થિતિ નથી. અર્થાત પ્રશ્ન તો છે. આનું નિરાકરણ લાવવા માટે સ્થપતિએ ગંભીરતાથી પ્રયત્ન કરવો જોઈએ.
સાંકડા આવાસની પરિસ્થિતિ તો ઊભી થવાની જ, પણ જો માનવીને ત્યાં મોકળાશની અનુભૂતિ થાય તે પ્રકારનું સ્થાન નિર્ધારણ કરવામાં સ્થપતિ અક્ષમ રહે તો પ્રશ્ન તો થાય જ. જરૂરી નથી કે દર વખતે મોકળાશ વાળી જગ્યામાં મકાન નિર્ધારિત કરવાની તક મળે. હકીકત તો એ છે કે જે વ્યક્તિ મર્યાદાવાળી પરિસ્થિતિનો અદ્ભુત ઉકેલ લાવે તે પ્રશંસાને પામે.
આ પણ વાંચો…સ્થાપત્યનું વાઈ-ફાઈ : બદલાવને કારણે જે સ્થાપત્ય શૈલી સાંપ્રત સમયમાં અસ્તિત્વમાં આવી તે આધુનિકતા.