સ્થાપત્યનું વાઈ-ફાઈઃ સ્થાપત્ય શીખવા માટેના ચાર માર્ગ…

હેમંત વાળા
કોમ્પ્યુટર બે રીતે શીખી શકાય. એક, જે વ્યક્તિને કોમ્પ્યુટર શીખવું છે તેને કોમ્પ્યુટર આપી દેવાનું અને તે જાતે જાતજાતના પ્રયોગો કરી ધીમે ધીમે શીખી લે. બીજું, વ્યવસ્થિત શૈક્ષણિક પદ્ધતિ દ્વારા તેને કોમ્પ્યુટરના ઉપયોગ બાબતે જાણકારી આપવામાં આવે અને આગળ જતાં તે જાણકારીને આધારે વ્યક્તિ કોમ્પ્યુટરનો ઉપયોગ કરતો થાય. ચોક્કસ પ્રકારનાં સંજોગોમાં બંને રીત યોગ્ય છે. બંનેમાં સંભાવના પણ છે અને બંનેમાં મર્યાદાઓ પણ છે. બંનેના કંઈક ફાયદા છે અને કંઈક નુકસાન છે. ચોક્કસ સંજોગોમાં કયા પ્રકારની રીત વધુ ઇચ્છનીય છે તે વિચારી લેવું પડે.
સ્થાપત્ય શીખવા માટેના પણ ચાર માર્ગ છે.પ્રથમ, સ્થાપત્યની શાળામાં પ્રવેશ લઇ અભ્યાસક્રમ અનુસાર શિક્ષણ પ્રાપ્ત કરવું. બીજું, કોઈ સ્થપતિની ઓફિસમાં કામ કરી તે ક્ષેત્રનું જ્ઞાન પ્રાપ્ત કરવું. ત્રીજું, સારાં સારાં મકાનોનો અભ્યાસ કરી તેનું વિશ્લેષણ કરી ચોક્કસ પ્રકારનાં તારણ કાઢી સ્થાપત્યની મહત્ત્વની વાતો શીખી લેવી. ચોથું, જાતે વિવિધ પ્રકારના પ્રયોગો કરી સ્થાપત્યના ક્ષેત્રને લગતી મૂળભૂત બાબતો સમજી લેવી.
પ્રથમ, શૈક્ષણિક માર્ગમાં સ્થાપત્ય રચનાના મૂળભૂત સિદ્ધાંતો સમજવા અને શીખવા માટે વિધિવત શાળામાં પ્રવેશ લઇ જરૂરી જ્ઞાન તથા કૌશલ્ય પ્રાપ્ત કરવામાં આવે છે.અહીં પ્રશિક્ષિત, અનુભવી તથા સક્ષમ શિક્ષકગણ દ્વારા સ્થપતિ તૈયાર થાય છે. અહીંના અભ્યાસક્રમમાં જાણકારી, કૌશલ્ય તથા સ્થાપત્યકીય મૂલ્યોની વ્યવસ્થિત સમજણ ઊભી થઈ શકે.
બીજા અનુભવ-પરંપરા આધારિત માર્ગમાં યોગ્ય સ્થપતિની ઓફિસમાં કામ કરવાથી સ્થાપત્ય ના ક્ષેત્રની આંટીઘૂટી સમજમાં આવે. અહીં જે પણ જ્ઞાન પ્રાપ્ત થાય એ પ્રત્યક્ષ સંલગ્નતાથી પ્રાપ્ત થાય. આ માર્ગનો આ ફાયદો છે.સાથે સાથે અહીં કોઈ સુનિયોજિત અભ્યાસક્રમ ન હોવાથી કેટલીક બાબતો છૂટી જવાની સંભાવના રહે છે. વળી જો એક જ સ્થપતિને ત્યાં જ કામ કરવામાં આવે તો તેની વિચારધારા તથા તેની શૈલીની પકડમાં વ્યક્તિ આવી જાય. એમ પણ થઈ શકે કે એક કરતાં વધારે સ્થપતિની ઓફિસમાં કામ કરીને વિવિધ પ્રકારની ક્ષમતા કેળવી શકાય. બંને પરિસ્થિતિમાં ફાયદા પણ છે અને ગેરફાયદા પણ. આ રીતે મેળવેલ જ્ઞાન કાયદાની દ્રષ્ટિએ સ્વીકૃત નથી ગણાતું.
ત્રીજા અવલોકન આધારિત માર્ગમાં મકાનની પસંદગીનું મહત્ત્વ રહે છે. અહીં જે તે મકાનને સંપૂર્ણપણે સમજવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તેની શૈલી, તેની સામગ્રી, તેમાં પ્રયોજાયેલ તકનીક, આજુબાજુના સંજોગોને અપાયેલ પ્રતિભાવ, વાતાવરણનાં વિપરીત પરિબળો સામે તેની સ્થિતિ, કાયદાના પાલનની રીત, જેવી અનેક બાબતોનો અભ્યાસ જરૂરી બને. સામાન્ય રીતે આ માર્ગમાં માર્ગદર્શકની ખોટ રહે, તેથી શીખવાની પ્રક્રિયા, વિદ્યાર્થીની ક્ષમતા ઓછી હોય તો, મુશ્કેલ બની રહે. પણ આવા સંજોગોમાં પુસ્તકો મદદરૂપ થાય. આજના સમયમાં યુ-ટ્યૂબ જેવા માધ્યમનો ઉપયોગ પણ કરી શકાય. આ રીતે મેળવેલ જ્ઞાન પણ કાયદાની દ્રષ્ટિએ સ્વીકૃત નથી હોતું.
ચોથો જે પ્રાયોગિક માર્ગ છે તેમાં જાતે જ તક ઊભી કરી, તક પ્રાપ્ત કરી વિશ્વાસ અને હિંમતથી પ્રાયોગિક ધોરણે કાર્ય કરતાં કરતાં ક્ષેત્રમાં પારંગતતા પ્રાપ્ત કરવાની હોય છે. આ એક જોખમી પદ્ધતિ છે. સ્થાપત્ય એ ચિત્રકામ કે સંગીત કળા જેવું ક્ષેત્ર નથી કે જેમાં ઓછા ખર્ચથી પ્રયોગો થઈ શકે. અહીં તો એક નાની વાત શીખવા માટે પણ મોટું આર્થિક જોખમ લેવું પડે. આના નિવારણ માટે આ માર્ગમાં અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લેવું જરૂરી ગણાય છે. આ રીતે મેળવેલ જ્ઞાન પણ કાયદાની દ્રષ્ટિએ સ્વીકૃત નથી ગણાતું.
માત્ર પુસ્તકો વાંચીને સ્થાપત્ય શીખી ન શકાય. પણ, સ્થાપત્યના ચોક્કસ પાસા વિશે વધારાની માહિતી પ્રાપ્ત થઈ શકે. વાસ્તુશાસ્ત્ર કે મંડલા આયોજન વિશે થોડુંક સમજી શકાય, પરંતુ સ્થાપત્ય એ જાણકારી કરતાં કૌશલ્યનું ક્ષેત્ર વધુ હોવાથી, કૌશલ્યના વિકાસમાં પુસ્તકનો ફાળો ઓછો રહેતો હોવાથી, સ્થાપત્યનું જ્ઞાન માત્ર પુસ્તક તરફથી પ્રાપ્ત થાય તે શક્ય નથી. અહીંયા તો મન અને હાથનું સંકલન જોઈએ. આ સંકલન વારંવારના પ્રયત્ન થકી જ પ્રાપ્ત થઈ શકે. મગજ જ્યારે અને જે રીતનું વિચારે ત્યારે અને તે બાબત અંકિત થઈ જવી જોઈએ. સ્થાપત્યના શિક્ષણની આ મૂળભૂત ભૂમિકા છે.
સ્થાપત્યના શિક્ષણની મજા એ છે કે આ ચારેય માર્ગોનો સમન્વય શ્રેષ્ઠ ફળ આપે છે. અહીં ઔપચારિક શિક્ષણની પણ જરૂર છે, અનુભવી સાથે તેના હાથ નીચે કામ કરવાની પણ જરૂર છે, સ્વયં-અભ્યાસ તરીકે મકાનોનું આલેખન, અવલોકન અને વિશ્લેષણ કરવું જરૂરી છે, અને તે બધા સાથે જાતે કરેલા પ્રયોગોથી પરિપક્વતા લાવવી પણ જરૂરી છે. શૈક્ષણિક માર્ગથી સિદ્ધાંત જાણમાં આવે, અનુભવી પાસેથી નીચોડ મળે, અવલોકનથી દૃષ્ટિ વિકસે અને વિવિધ મકાનો સાથે ઓળખાણ થાય, જ્યારે પ્રયોગોથી વિશ્વાસ સ્થાપિત થાય. આ ચારેય માર્ગના સમન્વયથી એક પરિપક્વ, સંવેદનશીલ, સમર્થ, કર્મઠ તથા વિશ્વાસ-યુક્ત સ્થપતિ સમાજને મળે. સમાજને તેની જ જરૂર છે.
સારી વાત એ છે કે સ્થાપત્યના શિક્ષણમાં આ ચારેય વાતનો સમાવેશ થાય છે. વર્ગખંડમાં માહિતીનું આદાન પ્રદાન થાય છે, અનુભવી વ્યાવસાયિક શિક્ષકો સાથે મળીને વિદ્યાર્થી રચના કરતાં શીખે છે,શૈક્ષણિક અભ્યાસક્રમના ભાગરૂપે જ વિવિધ સ્થળોએ જઈ સ્થાપત્યના ઉલ્લેખનીય નમૂનાનો અભ્યાસ કરવાનો હોય છે, અને જાતે જ કેટલુંક બાંધકામ પણ કરવાનું હોય છે. આ રીતે સ્થાપત્યનું શિક્ષણ પૂર્ણતાલક્ષી છે તેમ કહેવાય. જોકે એ વાત સાચી છે કે, જે તે વ્યવહા કારણોસર, આ શિક્ષણ સમગ્રતામાં આકાર નથી લઈ શકતું. જુદા જુદા સંજોગોમાં કોઈને કોઈ કચાશ રહી જાય છે.



