ભાત ભાત કે લોગ: રશિયાના સરમુખત્યાર સ્ટાલિને જર્મનીના હિટલરને સોઈ ઝાટકીને કહી દીધું કે હું મારા દીકરાનો સોદો નહિ કરું! | મુંબઈ સમાચાર
વીક એન્ડ

ભાત ભાત કે લોગ: રશિયાના સરમુખત્યાર સ્ટાલિને જર્મનીના હિટલરને સોઈ ઝાટકીને કહી દીધું કે હું મારા દીકરાનો સોદો નહિ કરું!

-જ્વલંત નાયક

એક સમયે પાદરી બનીને ધર્મનું કામ કરવા માગતો સ્ટાલિન કોઈક રીતે લેનિનના સંપર્કમાં આવ્યો અને માર્ક્સવાદથી આકર્ષાઈને રાજકારણમાં આવી ગયો. એન્ડ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. બીજા વિશ્વયુદ્ધ પછી આ નામ વિશ્વના પાવર પિરામિડની ટોચે બિરાજતુ હતું. 1924થી માંડીને પોતાના મૃત્યુ સુધી સ્ટાલિને રશિયા જેવા વિશાળ દેશ પર એકચક્રી શાસન કર્યું. ઘણા એને ક્રૂર સરમુખત્યાર ગણે છે તો કેટલાકને મતે જોસેફ સ્ટાલિન એટલે સોવિયેત યુનિયનને મહાસત્તા બનાવનાર મહાન નેતા…. હકીકતે સ્ટાલિન આ બંને અંતિમો વચ્ચેના કોઈક બિંદુએ હતો, પણ કેવું હતું સ્ટાલિનનું અંગત જીવન? બાળવયે ગરીબીનો ત્રાસ વધુ હતો કે પછી દારૂડિયા બાપનો, એ કહેવું મુશ્કેલ છે. જ્યારે પોતે બાપ બન્યો ત્યારે એ પોતે ય શિસ્તના નામે સંતાનો સાથે `ક્રૂરતા આચરનાર બાપ’ તરીકે કુખ્યાત થયો. થોડો વાંક સંતાનોનો ય હતો અને થોડો વાંક સંજોગોનો ય ખરો જ. સ્ટાલિનના બે લગ્ન થયા, જે થકી ત્રણ સંતાન જન્મ્યાં. પ્રથમ પત્નીનો પુત્ર યાકોવ તેમજ બીજી પત્ની દ્વારા પુત્ર વસિલી અને પુત્રી સ્વેતલાના હતા.

સ્ટાલિનનું મૂળ નામ હતું લોસેબ. 1907ના જૂન મહિનામાં યુવાન ક્રાંતિકારી લોસેબ એક બેન્ક લૂંટી લે છે. ધરપકડથી બચવા માટે પત્ની અને થોડા મહિના પહેલા જ જન્મેલા બાળકને લઈને ભાગી છૂટવાની નોબત આવી. એ જ વર્ષે પત્ની બીમારીનો ભોગ બનીને મૃત્યુ પામી અને લોસેબે પોતાના આઠ મહિનાના દીકરા યાકોવને સગાઓના ભરોસે મૂકીને પાછું ભાગવું પડ્યું. લોસેબ પછીથી નામ બદલીને જોસેફ સ્ટાલિન' તરીકેની ઓળખ ઊભી કરે છે, પણ ચૌદ વર્ષ સુધી પોતાના પુત્ર સાથે મેળાપ થઇ શકતો નથી. દોઢ દાયકાના અંતરાલ બાદ ટીનએજર પુત્ર પિતાનાનવા’ પરિવાર સાથે રહેવા આવે છે ખરો, પણ જોસેફ સાથે યાકોવને બહુ મનમેળ થઇ શકતો નથી. કદાચ બંને પુષના સંજોગો જ એવા નહોતા કે કોઈ મજબૂત સંબંધસેતુ બંધાય.

આ પણ વાંચો: ભાત ભાત કે લોગ : પોન્ડ્સ મેન ઓફ ઇન્ડિયા: ખિસકોલી કર્મના હિમાલય જેવડાં પરિણામ…

બીજી તરફ જોસેફના જીવનમાં બીજા લગ્ન થકી બીજાં બે સંતાન ઉમેરાઈ ગયાં હતાં. આ નવા વાતાવરણમાં સેટ થવું ટીનએજ યાકોવ માટે કદાચ અમુક હદે શક્ય ન હતું, આ દરમિયાન જોસેફ સ્ટાલિન રશિયન રાજનીતિના શિખરે પહોંચ્યો, પણ દીકરો યાકોવ રશિયન આર્મીમાં લેફ્ટેનન્ટ બનીને રહી ગયો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરના જર્મન સેનાએ એ રશિયા પર આક્રમણ કરી દીધું. એ ભીષણ લડાઈ દરમિયાન સ્ટાલિને પોતાના સૈનિકોને સૂચના આપેલી કે જર્મનોના હાથે પકડાઈ જવા કરતા આત્મહત્યા કરવાનું પસંદ કરજો. તેમ છતાં એક રશિયન સોલ્જર જીવતો પકડાયો એ હતો ખુદ સ્ટાલિનનો દીકરો યાકોવ! યાકોવે જર્મનોના હાથે જીવતા પકડાઈ જવા કરતા મોત વહાલું કેમ ન કરી લીધું એને લઈને સ્ટાલિનને ભારે ખીજ ચડી, કેમકે હવે જર્મનો યાકોવના નામે સોદાબાજી કરી રહ્યા હતા.

રશિયાને ઓફર આપવામાં આવી કે જો રશિયન આર્મી દ્વારા પકડી લેવાયેલા જર્મન ફિલ્ડમાર્શલ ફ્રેડરિક પોલસને માનપૂર્વક છોડી મૂકવામાં આવશે તો રશિયા સ્ટાલિનના દીકરાને પણ માનપૂર્વક પાછો સોંપી દેશે….

આ પણ વાંચો: ભાત ભાત કે લોગ: ઈશ્વરમાં નથી માનતા એવા લોકોય ભૂતમાં માને છે!

હિટલરના મનમાં એમ હતું કે સ્ટાલિન પોતાના દીકરા માટે નમતું જોખશે, પણ સ્ટાલિને તો ઓફરને ઠોકર મારીદીધી. `યુદ્ધભૂમિમાં લડતો દરેક રશિયન સૈનિક મારો દીકરો છે. રશિયાનો કોઈ સૈનિક મારા દીકરા કરતા સહેજે ય ઊતરતો નથી માટે હું યાકોવને છોડાવવા માટે કોઈ સોદો નહિ કં!’

હવે આ ઘટનાને તમે કઈ રીતે મૂલવશો? એક બાપની નિષ્ઠુરતા કે પછી એક દેશહિત માટે બાપે કરેલો ત્યાગ?
જર્મન કેમ્પમાં રહેલો યાકોવ રશિયન રેડ આર્મી અને બ્રિટન સહિતના મિત્ર દેશોનો ટીકાકાર બની ગયો. એણે હિટલર અને જર્મનીના વખાણ પણ કર્યા. જર્મનીએ તો યાકોવના નિવેદનો છાપેલા પેમ્ફલેટ પણ રશિયન સૈનિકો સુધી પહોંચતા કરેલા, જેથી રેડ આર્મીનું મોરલ તોડી શકાય, પણ સ્ટાલિન ટસનો મસ ન થયો. આખરે જર્મન કેમ્પમાં જ 36 વર્ષના યાકોવનું શંકાસ્પદ મૃત્યુ થયું.

બીજી પત્ની થકી થયેલાં સંતાનો સાથે શું થયું?

દીકરો વસીલી પહેલેથી જ ઠોઠ નિશાળિયો હતો મિલિટરી સ્કૂલમાંથી જેમતેમ પાસ થઈને એરફોર્સમાં ભરતી થયો. યાકોવની કારકિર્દી બાબતે ઉદાસીન રહેલા પિતા વસિલીનો સિતારો ચમકાવવાના મૂડમાં હતા એટલે એને ધડાધડ પ્રમોશન્સ મળતા ગયા. વસિલી યુદ્ધભૂમિમાં ઊતરે ત્યારે એની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા થતી. આ તરફ પણ લાર્જર ધેન લાઈફ વ્યક્તિત્વ ધરાવતા પિતાનો પુત્ર અંગત જીવનમાં પછડાતો રહ્યો. વસિલીએ ચાર વખત લગ્ન કરી નાખ્યા, છતાં જીવનમાં સ્થિરતા ન આવી. ઉલટાનું એ દારૂડિયો બની ગયો. 1953માં સ્ટાલિનના મૃત્યુ બાદ વસિલીએ નશાની અસર હેઠળ જાહેર આક્ષેપબાજી કરવા માંડી. એનું કહેવું હતું કે સ્ટાલિનને ઝેર આપવામાં આવ્યું હતું. બીજી તરફ, રશિયામાં સ્ટાલિન વિરોધી પવન ફૂંકાવા માંડ્યો હતો અને રશિયાના વડાપ્રધાન નિકીતા ખ્રુશ્ચોવ દેશનું `ડી- સ્ટાલિનાઈઝેશન’ કરવા માગતા હતાં. એવામાં દારૂડિયા વસિલીના બકવાસને કારણે એને જેલ થઈ. આઠ વર્ષ પછી મુક્તિ મળી, પણ દારૂના વ્યસન,વગેરેને કારણે એ માત્ર 41 વર્ષની વયે ગુજરી ગયો.

આ પણ વાંચો: ભાત ભાત કે લોગ :એવો બદલાવ શું કામનો જ્યાં માણસો પેદા થતા જ બંધ થઇ જાય?

-અને સ્વેતલાના….સ્ટાલિનની આ દીકરી બાપની બહુ લાડકી હતી. પણ એણે જુવાનીના જોશમાં એક યહૂદી
ફિલ્મમેકર સાથે પ્રેમમાં પડવાનો `ગુનો’ કર્યો. સ્ટાલિને પેલા જુવાનિયાને માથે ભળતાસળતા આરોપો મઢીને એને
જેલભેગો કરી દીધો. બાપ-દીકરી વચ્ચે અંતર વધતું ગયું અને એક તબક્કો એવો આવ્યો કે સ્વેતલાનાએ રશિયાથી ભાગી છુટીને અમેરિકામાં શરણ લીધું. સ્ટાલિનના વારસોમાં એ સૌથી લાંબું આયુષ્ય ભોગવીને 85 વર્ષની વયે મૃત્યુ પામી.

કદાચ એક મહાન ગણાતા નેતા માટે બહુ અઘં હોય છે `ફેમિલી મેન’ બનવું. જનતા તરીકે આપણે પળવારમાં ગમે એવી વિભૂતિને વખોડી દઈએ છીએ, પણ જરા આજુબાજુના સમાજમાં નજર દોડાવો. સામાન્ય માણસ સાવ સામાન્ય લાગતી સમસ્યાઓ વચ્ચે પણ સંતુલન ગુમાવી બેસતો દેખાશે તો સ્ટાલિનની કક્ષાએ પહોંચ્યા પછી કોઈએ કેટલું ઝઝૂમવું પડ્યું હશે?

કદાચ દરેક વ્યક્તિને પોતપોતાનું સત્ય હોય છે, જેમાં સ્ટાલિન જેવા બાપ અને એનાં સંતાનોનું સત્ય સાવ જુદું – વિરોધાભાસી પણ હોઈ શકે છે!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button