વીક એન્ડ

ગંધઃ ઇન્સ્પેક્ટર કરણ બક્ષી: કેસ ફાઈલ્સ

ટીના દોશી

રાજધાનીમાં ખાસ્સો સળવળાટ હતો. બે દિવસ પછી તો શિખર પરિષદ શરૂ થઇ જશે. ટકાઉ વિકાસ અને પર્યાવરણની સુરક્ષા એ પરિષદનો મુખ્ય એજન્ડા હતો. પરિષદની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહેલો. પાડોશી દેશોના પ્રતિનિધિઓ આવવાના શરૂ થઇ ગયેલા. રાજ્ય સરકારે સૌને ભવ્ય, આરામદાયક અને અદ્યતન સુવિધાથી સજ્જએવી પંચતારક હોટેલમાં ઉતારા આપેલા.

સાતેક દેશના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ અપેક્ષિત હતી. એમાંથી છ પ્રતિનિધિ તો આવી પહોંચેલા. તેમણે ક્યાંક ફરવું હોય, ખરીદી કરવી હોય કે રંગારંગ કાર્યક્રમોનું મનોરંજન માણવું હોય તો તે માટેની તમામ સગવડ સરકાર તરફથી કરવામાં આવેલી. સૌને માટે શોફર ડ્રીવન કાર અને ગાઈડ તરીકેની ભૂમિકા ભજવી શકે એવા એક એટેન્ડેન્ટની વ્યવસ્થા કરાયેલી.

જોકે સ્વાભાવિક જ એનો હેતુ તો દરેક પ્રતિનિધિની હિલચાલ પર નજર રાખવાનો જ હતો. પ્રતિનિધિ અને તેની સાથે આવનારાઓની દાનતમાં શંકા પડે એવું કાંઈક જણાય તો એનો બંદોબસ્ત કરી શકાય. એથી જ છૂપી પોલીસના બાહોશ માણસોને પ્રત્યેક પ્રતિનિધિને ફાળવાયેલી કારના શોફર અને એટેન્ડેન્ટ તરીકે ગોઠવવામાં આવેલાં. જોકે બે-ત્રણ વિશ્વાસુ અધિકારીઓ સિવાય આ ભેદ કોઈ જાણતું નહોતું.

વિદેશી વિભાગના સચિવ શિવપ્રસાદ માટે આ પ્રકારની પરિષદો યોજવી એ કાંઈ નવી વાત નહોતી. એ જ તો એમનું કામ હતું. પ્રત્યેક કાર્યક્રમમાં પરદા પાછળ રહીને મહત્ત્વની ભૂમિકા એમણે ભજવેલી. પણ આ વખતે ક્યારેય ન થયો હોય એવો અજંપો મનમાં થઇ રહેલો. શિવપ્રસાદની છઠ્ઠી ઇન્દ્રિય એવો સંકેત કરી રહી હતી કે ક્યાંક કાંઈક ગરબડ થવાની છે. પણ શું થવાનું છે એ સમજાતું નહોતું.

જોકે પોતે ગોઠવેલી વ્યવસ્થાથી એ સંતુષ્ટ હતા. પોતાને પળપળની માહિતી મળતી રહે એવી વ્યવસ્થા પોતે ગોઠવી શકેલા. એટલે જો કાંઈક ખોટું થવાનો સંકેત મળે તો પોતે તાબડતોબ પગલાં લઇ શકે. રોગ અને શત્રુને ઊગતા ડામવા જ સારા!

પોતાની વિશાળ બેલ્જિયમ કાચની ચેમ્બરમાં રોયલ બ્લુ રંગની રિવોલ્વિંગ ચેર પર બિરાજેલા જાજરમાન શિવપ્રસાદ સાતમા પ્રતિનિધિના આગમન માટે સજ્જ થયા. થોડાક સાવધ પણ. જોકે પાડોશી દેશમાંથી આવેલા પ્રત્યેક પ્રતિનિધિ માટે તેઓ સાવધ હતા, પણ જે આવવાના બાકી હતા એ સાતમા પ્રતિનિધિ માટે થોડા વધુ સાવધ હતા. એ પાડોશી દેશ સાથેની દુશ્મની જગજાહેર હતી. શિવપ્રસાદે દુશ્મન દેશના પ્રતિનિધિને મીઠો આવકાર પણ આપવાનો હતો અને એની સુરક્ષાની જવાબદારી પણ એમના જ માથે હતી.

શિવપ્રસાદ ઉપર આકાશ તરફ જોઇને બબડ્યા, હે પ્રભુ, આ ન્યાય નહીં, અન્યાય છે! પણ ફરજ એ ફરજ હોય છે, એમાં ન્યાય કે અન્યાયને કોઈ સ્થાન નથી. શિવપ્રસાદના મનમાં બીજો વિચાર આવે એ પહેલાં ગોળાકાર મેજના ગ્લાસ ટોપ પર પડેલા લાલ રંગના ટેલિફોનની ટોકરી રણકી ઊઠી. શિવપ્રસાદે ત્વરાથી રિસીવર ઉઠાવીને કાને ધર્યું. સામેથી સાતમા પ્રતિનિધિને ફાળવાયેલો એટેન્ડેન્ટ આશુતોષ બોલ્યો: `સર, સાતમા મહેમાન સુલેમાન સાહેબ આવી પહોંચ્યા છે. પણ…’
પણ શું? શિવપ્રસાદ એમના ધૈર્ય માટે જાણીતા હતા, પણ એમના મનમાં ધ્રાસકો પડ્યો. પાડોશી દેશે છેલ્લી ઘડીએ આમીરઅલીને બદલે સુલેમાનને મોકલવાનું નક્કી કરેલું. ક્યાંક પોતાનો અંદેશો સાચો તો નહીં પડેને!

સર, સુલેમાન સાહેબે કહ્યું કે આપણે એમની જ્યાં વ્યવસ્થા કરી છે એ પંચતારક હોટેલમાં એ નહીં રહે. પણ પોતાના દેશના આલીશાન ગેસ્ટહાઉસમાં રહેવાનું જ પસંદ કરશે. એથી હું એમને એમના ગેસ્ટહાઉસમાં મૂકી આવ્યો છું.’ ભલે. શિવપ્રસાદ ઓછું બોલવા અને વધુ વિચારવા ટેવાયેલા હતા. મને સુલેમાનમાં વિશ્વાસ નથી એમ સુલેમાનને પણ મારી ગોઠવણમાં ભરોસો નહીં હોય એમ મનોમન વિચારીને બોલ્યા:બીજું કાંઈ?’

જી સર…’ કહીને છૂપી પોલીસમાં અગનગોળા નામે પંકાયેલા આશુતોષે સ્ફોટક માહિતી આપી:હું સુલેમાનને મૂકીને નીકળતો હતો ત્યારે જ એમના દેશની એમ્બેસીની એક ગાડી આવીને ઊભી રહી. એમાંથી યોગ્ય તાલીમ આપીને કેળવ્યો હોય એવો વિકરાળ લેબ્રાડોર કૂતરો નીકળ્યો. સુલેમાને કહ્યું કે એને આપણી સુરક્ષાની જરૂર નથી. આ કૂતરો જ એની રખેવાળી કરશે. વળી સુલેમાને શેરૂ કહીને સાદ કર્યો તો કૂતરો દોડતો આવીને એને વળગી પડ્યો.’

આ છેલ્લું વાક્ય સાંભળીને શિવપ્રસાદના મનમાં જોખમની ઘંટડી રણકવા લાગી. સુલેમાન અને શેરૂની જુગલબંધી ઉપરથી દેખાય છે એવી સામાન્ય ન જ હોય. એમણે તાત્કાલિક પોતાના પાડોશી દેશના રાજદૂત મુસ્તાકનો સંપર્ક કર્યો. આમીરઅલીની તપાસ તો પોતે કરી લીધેલી, પણ સુલેમાન અંગે વધુ વિગતો એકઠી કરી શકાઈ નહોતી. શિવપ્રસાદે સુલેમાન અને શેરૂની રજેરજની માહિતી તાત્કાલિક મોકલવા મુસ્તાકને આદેશ આપ્યો. મુસ્તાક અત્યંત તરવરિયો ને ચાલાક હતો. એણે બીજે દિવસે શિવપ્રસાદની હોટલાઈન પર ઊકળતા સીસા જેવી માહિતી ઠાલવી:

`સર, સુલેમાન વાસ્તવમાં કોઈ ઉચ્ચ અધિકારી નથી. એ જાસૂસ છે. કુશળ ચિત્રકાર છે. પાડોશી દેશે એને શિખર પરિષદના બહાને આપણા સંવેદનશીલ સ્થળો જોવા મોકલ્યો છે. સુલેમાનની વિશેષતા એ છે કે એની મેમરી ફોટોજેનિક છે. એ એકવાર જે જગ્યા જોઈ લે એ એના માનસમાં આબેહૂબ કોતરાઈ જાય છે. કેમેરા પણ જે ન ઝીલી શકે એ વિગતો એની સ્મૃતિમાં સમાઈ જાય છે. એટલે જ્યાં ફોટા પાડવાની મનાઈ હોય એવા તમામ સ્થળોએ જઈને, ઝીણામાં ઝીણી વિગતો સ્મૃતિમાં ઝીલી લેશે. પોતાને દેશ પાછા ફરીને એ જોયેલી જગ્યાઓનું હૂબહૂ ચિત્ર બનાવી દેશે. ગુપ્ત યોજના એવી છે કે થોડાક જ દિવસોમાં એ તમામ સ્થળોએ પાડોશી દેશ હુમલા કરશે.’

હમ,,: શિવપ્રસાદે સ્વસ્થતા ધારણ કરી. પછી એક જ શબ્દ બોલ્યા: શેરૂ?

`સર, શેરૂને સારી રીતે તાલીમ આપીને કેળવવામાં આવ્યો છે. સુલેમાન અને શેરૂની દોસ્તી છે. કોઈ પણ મિશન પર સુલેમાનની સાથે શેરૂ હોય જ છે. શેરૂ સુલેમાનના પરસેવાની ગંધ ઓળખે છે. એટલે સુલેમાન સિવાય જો કોઈ પણ વ્યક્તિ ગેસ્ટહાઉસમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરશે, તો શેરૂ એને ફાડી ખાશે.’

હમમ.. કહીને શિવપ્રસાદે ભૂંગળું મૂકી દીધું. એટલામાં સુલેમાનના શોફર તરીકે ગોઠવાયેલા ગુપ્તચર સંદીપે માહિતી આપી કે, `ગઈકાલથી આજ સાંજ સુધીમાં સુલેમાને ઘણાયે સંવેદનશીલ સ્થળોની મુલાકાત લીધી છે!’

હવે આ ખરેખરૂં જોખમ હતું. શિવપ્રસાદના હાથની મુઠ્ઠી વળી ગઈ. એમણે જડબાં ભીંસ્યા. ચહેરા પર દૃઢતાના ભાવ ઉપસ્યા. હવે સુલેમાનને અહીંથી જીવતો જવા ન દેવાય. કોઈ પણ ભોગે નહીં. જો એને જવા દેવામાં આવે તો ખૂબ માઠાં પરિણામ પોતાના દેશે ભોગવવાં પડશે. એ ન ચલાવી લેવાય. સુલેમાનનું ષડ્યંત્ર સફળ થઇ જાય તો પોતે પોતાને કોઈ કાળે માફ નહીં કરી શકે. કાલે તો શિખર પરિષદ છે અને મોડી રાત્રે સુલેમાન નીકળી જવાનો છે. સમય બહુ ઓછો છે. રાત નાની ને વેશ ઝાઝા જેવો માહોલ છે. શું કરવું… એમ વિચારી રહેલા શિવપ્રસાદના મનમાં એક નામ ઊગી નીકળ્યું. ઇન્સ્પેક્ટર કરણ બક્ષી!

રાજધાનીમાં કુશળ અને બાહોશ પોલીસ અધિકારીઓ નહોતા એવું જરાયે નહોતું, પણ ગયે મહિને જ મળેલા મુખ્યમંત્રી દેવદત્ત દેસાઈએ કરણની હોંશિયારીનાં ભરસક વખાણ કરેલા. મુખ્યમંત્રીએ કહેલું કે `સમય ખૂબ ઓછો હતો ત્યારે ગણતરીના કલાકોમાં કરણે બાહોશીથી કેસ સોલ્વ કરેલો.’ શિવપ્રસાદને એ વાત બરાબર યાદ રહેલી. જોગાનુજોગ એવો થયેલો કે અત્યારે રાજધાનીમાં પોલીસ તાલીમ શિબિર ચાલી રહેલી. કરણ પણ એમાં આવેલો. એક પળનો પણ વિલંબ કર્યા વિના શિવપ્રસાદે કરણને તેડાવી લીધો.

કરણ બક્ષી હાજર થયો એટલે ઔપચારિકતા કર્યા વિના શિવપ્રસાદ સીધા જ મુદ્દા પર આવી ગયા: ઇન્સ્પેક્ટર, મેં તમને અચાનક બોલાવ્યા એટલે નવાઈ લાગી હશે, ખરૂંને?’ સર, જરૂર કોઈ તાકીદનું કામ હશે. ઓછા સમયમાં કોઈ ગંભીર કામ પાર પાડવાનું હશે.’ કરણ નમ્રતાથી બોલ્યો.

શિવપ્રસાદ ચકોર નજર અને તીક્ષ્ણ બુદ્ધિવાળા ચપળ ઇન્સ્પેક્ટર કરણને જોઈ રહ્યા. પોતે યોગ્ય જ પસંદગી કરી છે એવી લાગણી સાથે એમણે ટૂંકમાં સુલેમાન અને શેરૂની વાત કરી. પછી કહ્યું: `સુલેમાન અહીંથી જીવતો જવો ન જોઈએ. એનો મૃતદેહ જ અહીંથી જાય. આપણી પાસે કાલનો જ દિવસ છે. મોડી રાત્રે પાછા ફરવાનું એણે નક્કી કર્યું છે. પણ એ પહેલાં એનું કામ તમામ થવું જોઈએ. એ કામ કઈ રીતે કરવાનું છે એ તમારે નક્કી કરવાનું છે.’

કરણ વિચારમાં પડ્યો. એ જોઇને શિવપ્રસાદ બોલ્યા: `ઇન્સ્પેક્ટર, તમને થતું હશે કે એનો ઘાટ તો હું પણ ઘડી શકું. મોટર, ટ્રક કે અન્ય વાહન સાથે અકસ્માત કરાવીને, છત પરથી નીચે ધકેલીને, રિવોલ્વરની ગોળી એના શરીરમાં ધરબી દઈને, કાતિલ વિષ એની ખાણીપીણીમાં ભેળવીને કે પછી ઝેરી સાપ દ્વારા કરડાવીને. કેમ એનો જ વિચાર કરી રહ્યા છો ને?’

ના, સર.. કરણ શાંતિ અને સ્વસ્થતાથી બોલ્યો: `એ બધું શક્ય હોત તો તમે એ ઉપાય અજમાવ્યા જ હોત. પણ એમની સુરક્ષાની જવાબદારી પણ આપની છે. એ સંજોગોમાં તમે કહેલા ઉપાય અમલમાં મૂકી શકાય એમ નથી. જો આમાંના કોઈ ઉપાયથી સુલેમાનનું મૃત્યુ નીપજાવવામાં આવે તો પાડોશી દેશ દુનિયાભરમાં આપણને બદનામ કરી મૂકશે. આપણી સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઊડશે. અને માનવ અધિકારોવાળા આપણા પર તૂટી પડશે એવું હું સમજું છું.’

હં, આખી વાત તમે બરાબર સમજી ગયા છો. હવે આપણા દેશની આબરૂ તમારા હાથમાં છે.’ કહીને શિવપ્રસાદે વાક્ય પૂરૂ કર્યું:અને સુરક્ષા પણ..ઇન્સ્પેક્ટર બક્ષી.’

હું આપને નિરાશ નહીં કરૂં.’ કહીને કરણ તરત જ ઊભો થઇ ગયો. જે કરવાનું હતું તે કાલના દિવસમાં જ કરવાનું હતું. એકાએક એને પોલીસ ડોગટ્રેનર તેજપાલનું સ્મરણ થયું. કરણે તરત જ એને ફોન કર્યો. કરણનો અવાજ સાંભળીને ખુશ થયેલો તેજપાલ કાંઈ બોલે એ પહેલાં જ કરણે પૂછ્યું:તેં એકવાર કૂતરાની ગંધ પારખવાની શક્તિ વિશે કહેલું ને?’

હા, જેમ કોઈ પણ બે વ્યક્તિની ફિગરપ્રિન્ટ સરખી હોતી નથી એમ કોઈ પણ વ્યક્તિના શરીરમાંથી નીકળતી ગંધ પણ એકસરખી હોતી નથી…’ તેજપાલ વિષય નિષ્ણાત હતો. કહ્યું:કૂતરાની સૂંઘવાની શક્તિ માણસ કરતાં સો ગણી વધારે હોય છે. એટલે એ ગંધ પરથી વ્યક્તિને ઓળખી લે છે.’

આભાર…કહીને કરણે ફોન બંધ કર્યો. કૂતરાની નજીક તો જઈ શકાય એમ નહોતું. ગંધપારખુ શેરૂ પોતાના પર જીવલેણ હુમલો કરે એવી શક્યતા હતી. એ જ ક્ષણે તાલીમ દરમિયાન સાંભળેલી વાત એને યાદ આવી. એ સફાળો ઊભો થઇ ગયો. બીજે દિવસે શિખર પરિષદ શરૂ થઇ ત્યારે કરણે કેટલાક પાલિકા કર્મચારીઓને બોલાવ્યા. થોડીક સૂચનાઓ આપી.

કર્મચારીઓએ આદેશ મુજબ સુલેમાનના ગેસ્ટહાઉસની આસપાસ સારી એવી માત્રામાં અત્યંત જલદ બ્લીચીંગ પાઉર છાંટ્યો. પછી એટલું જ જલદ પરફ્યુમ પણ છાંટ્યું. દિવસમાં લગભગ ચાર વાર આ કામગીરી કરવામાં આવી. સંપૂર્ણ વિસ્તારમાં બ્લીચીંગ પાઉડર અને પરફ્યુમની મિશ્ર ગંધ છવાઈ ગઈ.

સાંજે શિખર પરિષદ સમાપ્ત થઇ. ભોજન બાદ સૌ પોતપોતાને ઉતારે ચાલ્યા ગયા. સુલેમાન પણ પાછો ફર્યો. એ પોતાને દેશ જેમ બને એમ જલ્દી પાછો જવા માગતો હતો. શિયાળો હોવાથી અંધારૂં થઇ ગયેલું. રાત્રે લગભગ સાડા આઠ વાગ્યે એ ગેસ્ટહાઉસમાં પાછો ફર્યો. વાતાવરણમાં હજુ થોડીક ગંધ વર્તાતી હતી, પણ એ તરફ ઝાઝું ધ્યાન આપ્યા વિના સુલેમાન બેઠા ઘાટના બંગલા જેવા ગેસ્ટહાઉસમાં પ્રવેશ્યો.

એ આવે કે તરત જ એની ગંધ ઓળખી જઈને શેરૂ દોડયો આવતો. એને વળગી પડતો ને વહાલ કરતો. પણ એ રાત્રે એવું ન થયું. શેરૂ એને જોઇને ભસવા લાગ્યો. સુલેમાનને આશ્ચર્ય થયું. એ ઝડપથી શેરૂની નજીક ગયો. પણ શેરૂએ ભયાનક રૂપ ધારણ કર્યું. નજીક આવેલાં સુલેમાન પર એણે જોરદાર તરાપ મારી. સુલેમાને બચાવનો પ્રયત્ન કર્યો, પણ એનું કાંઈ ન ચાલ્યું. થોડીક જ ક્ષણમાં શેરૂએ સુલેમાનને ફાડી ખાધો.

રાત્રે નવ વાગ્યે શિવપ્રસાદના ઘરની ઘંટડી વાગી. નોકરચાકર હાજર હોવા છતાં શિવપ્રસાદ જ દ્વાર ખોલવા ધસી ગયા. સામે ઊભેલા કરણ બક્ષીએ કહ્યું: `સર, મિશન સકસેસફૂલ!’

મને ખબર તો પડી…’ શિવપ્રસાદ બોલ્યા: `પણ તમે એવું તો શું કર્યું કે શેરૂએ જ સુલેમાનને મોતને ઘાટ ઉતારી દીધો? આ તો માનવામાં આવે એવું જ નથી!’

સર, કશું જ અશક્ય નથી…’ કરણે કહ્યું:કૂતરાની શક્તિ એના નાકમાં જ હોય છે. એથી સુલેમાન સિવાયના પ્રત્યેક વ્યક્તિ માટે એ જોખમરૂપ હતો. પણ કૂતરાનું નાક બંધ થઇ જાય તો શું થાય? તાલીમ દરમિયાન મેં સાંભળેલું કે જલદ બ્લીચીંગ પાઉડર અને જલદ પરફ્યુમની ગંધથી કૂતરાનું નાક બંધ થઇ જાય છે.

માણસની જોવાની શક્તિ જતી રહે ત્યારે જેવી અવસ્થા સર્જાય એવી પરિસ્થિતિ કૂતરા માટે ત્યારે સર્જાય જયારે એની ગંધ પારખવાની શક્તિ જતી રહે. એ કોઈને ઓળખી ન શકે. એથી મેં એ જ નુસખો અજમાવ્યો. બ્લીચીંગ પાઉડર અને પરફ્યુમથી શેરૂનું નાક બંધ થઇ ગયું અને સૂંઘવાની શક્તિ જતી રહી. એ સુલેમાનની ગંધ પારખી ન શક્યો. એટલે શેરૂએ જ સુલેમાનને ફાડી ખાધો. જે રક્ષક હતો એ જ ભક્ષક બન્યો!’

બક્ષી, આપણે તો એક પંથ દો કાજ થયું. સુલેમાને આપણા દેશ અંગે મેળવેલી ગુપ્ત માહિતી પણ ગુપ્ત જ રહી અને..’ કરણની પીઠ થાબડતાં શિવપ્રસાદ બોલ્યા:એના મૃત્યુ માટે પાડોશી દેશ ન તો આપણા દેશ પર આરોપ મૂકી શકશે, ન તો આપણને દુનિયામાં બદનામ કરી શકશે…. રિયલી, યુ આર ગ્રેટ ઇન્સ્પેક્ટર!’
આવતા અઠવાડિયે નવી કથા

આ પણ વાંચો…દગો: ઇન્સ્પેક્ટર કરણ બક્ષી: કેસ ફાઈલ્સ – ટીના દોશી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button