સ્પોર્ટ્સવુમનઃ વર્લ્ડ કપ ટ્રોફી ઘરઆંગણે આવી ગઈ છે, હવે તો પહેલી વખત જીતી જ લો | મુંબઈ સમાચાર
વીક એન્ડ

સ્પોર્ટ્સવુમનઃ વર્લ્ડ કપ ટ્રોફી ઘરઆંગણે આવી ગઈ છે, હવે તો પહેલી વખત જીતી જ લો

અજય મોતીવાલા

પુરુષોની ક્રિકેટમાં ટી-20 એશિયા કપની ચરમસીમા ખૂબ નજીક આવી ગઈ છે ત્યારે હવે મહિલાઓના 13મા વન-ડે વર્લ્ડ કપનું બ્યૂગલ વાગવાની તૈયારીમાં જ છે. મંગળવાર, 30મી સપ્ટેમ્બરથી ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે વિમેન્સ વન-ડે વર્લ્ડ કપનો આરંભ થશે અને એ સાથે મહિલા ક્રિકેટને નવી દિશા મળવાની શરૂઆત થશે.

ભારતની મહિલા ક્રિકેટરો ક્યારેય વર્લ્ડ કપ નથી જીતી શકી, પરંતુ આ વખતે બહુમૂલ્ય ટ્રોફી ઘરઆંગણે આવી છે અને એને ભારતના ક્રિકેટ-ભંડારનો હિસ્સો બનાવી લેવાની સોનેરી તક હરમનપ્રીત કૌર અને તેની ટીમને મળી રહી છે. ભારતમાં મહિલાઓનો વન-ડે વિશ્વ કપ ચોથી વખત યોજાઈ રહ્યો છે. 1978માં, 1997માં અને 2013માં ભારત યજમાન બન્યું હતું, પરંતુ શ્રીલંકામાં પહેલી જ વખત આ ટૂર્નામેન્ટ યોજાવાની છે.

તમને જાણીને નવાઈ લાગશે કે પુરુષો કરતાં મહિલાઓનો વન-ડે વર્લ્ડ કપ પહેલાં રમાયો હતો. 1973માં ઇંગ્લૅન્ડમાં આયોજિત એ વિશ્વ કપમાં યજમાન ઇંગ્લૅન્ડની ટીમ ચૅમ્પિયન બની હતી. એના બે વર્ષ બાદ (1975માં) પુરુષોના પ્રથમ વન-ડે વર્લ્ડ કપનું પણ ઇંગ્લૅન્ડમાં આયોજન થયું હતું અને એમાં વેસ્ટ ઇન્ડિઝે તાજ જીતી લીધો હતો.

ભારત વિરુદ્ધ પાકિસ્તાન મુકાબલો ક્યારે?

આતંકવાદને દાયકાઓથી પ્રોત્સાહન આપનાર પાકિસ્તાનની ક્રિકેટ ટીમ સામે ભારતે મેન્સ એશિયા કપમાં ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના નિયમોને આધીન રહીને રમવું પડી રહ્યું છે અને એવો એક મુકાબલો હવે મહિલાઓની ક્રિકેટમાં પણ જોવા મળશે.

આગામી પાંચમી ઑક્ટોબરે (બપોરે 3.00 વાગ્યાથી) કોલંબોના આર. પ્રેમદાસ સ્ટેડિયમમાં મહિલા વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાન મૅચ રમાવાની છે. મહિલા વન-ડેના ઇતિહાસમાં ભારત-પાકિસ્તાન વચ્ચે કુલ 11 મૅચ રમાઈ છે અને એ તમામ 11 મૅચ ભારતે જીતી લીધી છે. પાકિસ્તાનની મહિલાઓ ભારત સામે 2005થી 2022 દરમ્યાન ક્યારેય વન-ડે નથી જીતી શકી.

ભારતને ઓછો હોમ-ઍડવાન્ટેજ છે!

ભારત મહિલાઓના વન-ડે વર્લ્ડ કપનું સહ-યજમાન છે, પણ ભારતમાં જે પણ મેદાનો પર આ વિશ્વ કપની મૅચો રમાવાની છે ત્યાં મહિલા ક્રિકેટના ઇતિહાસ જેવું કંઈ છે જ નહીં અથવા એ સ્થળે ભાગ્યે જ મહિલાઓની મૅચો રમાઈ છે.

ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં મહિલાઓની આંતરરાષ્ટ્રીય મૅચ ક્યારેય નથી રમાઈ. ગુવાહાટીના બરસાપુરા સ્ટેડિયમમાં આજ સુધી ક્યારેય મહિલાઓની વન-ડે મૅચ નથી યોજાઈ અને આ સ્થળે મહિલાઓની મૅચ (ટી-20) છેલ્લે 2019માં રમાઈ હતી. વિશાખાપટનમમાં મહિલાઓની વન-ડે છેક 2014માં (11 વર્ષ પહેલાં) રમાઈ હતી.

આ વિશ્વ કપની કેટલીક મૅચો નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં પણ રમાવાની છે. આ સ્થળે મહિલાઓની ટી-20 મૅચો તેમ જ વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની મૅચો વખતે સ્ટેડિયમ જૅમ-પૅક્ડ રહેતું હોય છે, પરંતુ અહીં મહિલાઓની વન-ડે ઇન્ટરનૅશનલ મૅચ પહેલી જ વાર યોજાશે. આ બધુ જોતાં, ભારતીય મહિલા ટીમ આ તમામ ભારતીય મેદાનો પરની પિચ વિશે સાવ અજાણ હોવાથી ટીમના પર્ફોર્મન્સ વિશે અત્યારથી 100 ટકા ધારણા બાંધી ન શકાય.

નવા વિશ્વ કપની નંબર-ગેમ

13મો મહિલા વન-ડે વર્લ્ડ કપ 30મી સપ્ટેમ્બરે શરૂ થશે અને એ પ્રથમ દિવસે ગુવાહાટીમાં સહ-યજમાનો ભારત-શ્રીલંકા વચ્ચે (બપોરે 3.00 વાગ્યાથી) જંગ શરૂ થશે. કુલ આઠ દેશ ભાગ લઈ રહ્યા છે: ભારત, શ્રીલંકા, ઑસ્ટે્રલિયા, ઇંગ્લૅન્ડ, ન્યૂ ઝીલૅન્ડ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાન.

34 દિવસની આ સ્પર્ધામાં કુલ 31 મૅચ રમાશે. રાઉન્ડ-રૉબિન ફૉર્મેટમાં મુકાબલા થશે અને સૌથી ચડિયાતી ચાર ટીમ નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચશે. તમામ મૅચો ભારતીય સમય અનુસાર બપોરે 3.00 વાગ્યે શરૂ થશે અને માત્ર ઇંગ્લૅન્ડ-ન્યૂ ઝીલૅન્ડ મૅચનો સવારે 11.00 વાગ્યાનો સમય નક્કી કરાયો છે.

ભારતીય ટીમ

હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કૅપ્ટન), પ્રતીકા રાવલ, રિચા ઘોષ (વિકેટકીપર), જેમાઇમા રૉડ્રિગ્સ, ઉમા ચેટ્રી, હર્લીન દેઓલ, યસ્તિકા ભાટિયા (વિકેટકીપર), અમનજોત કૌર, સ્નેહ રાણા, દીપ્તિ શર્મા, ક્રાંતિ ગૌડ, અરુંધતી રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, શ્રી ચરની અને રાધા યાદવ.ે

વેસ્ટ ઇન્ડિઝની ટીમ કેમ નથી?

2000ની સાલથી 2022 સુધીના છ વર્લ્ડ કપ બાદ પહેલી વાર એવું બનશે કે જેમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ મહિલાઓના વર્લ્ડ કપમાં નહીં જોવા મળે. ક્વૉલિફિકેશન રાઉન્ડમાં બાંગ્લાદેશે વેસ્ટ ઇન્ડિઝ કરતાં ફક્ત 0.013ના રનરેટથી ચડિયાતું પર્ફોર્મ કરીને વર્લ્ડ કપમાં એન્ટ્રી કરી લીધી હતી.

ભારત માટે 2025નું વર્ષ શુકનિયાળ

ઑસ્ટે્રલિયાની મહિલા ક્રિકેટરો ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે અને 12માંથી સૌથી વધુ સાત વખત વર્લ્ડ ચૅમ્પિયન બની છે. છેલ્લી 31માંથી ફક્ત ચાર વન-ડેમાં પરાજિત થયેલી વન-ડેની વર્લ્ડ નંબર-વન ઑસ્ટે્રલિયન ટીમ આ વખતે પણ ટ્રોફી જીતવા માટે ફેવરિટ છે, પરંતુ વર્લ્ડ નંબર-થ્રી ભારતનો 2025ના વર્ષનો પર્ફોર્મન્સ બતાવે છે કે હરમનપ્રીત કૌરની ટીમ પણ મેદાન મારી શકે એમ છે.

એનું કારણ સ્પષ્ટ છે. ભારત આ વર્ષમાં 14માંથી માત્ર ચાર વન-ડે હારી છે. કૅપ્ટન હરમનપ્રીત દૃઢપણે માને છે કે તેની ટીમ ઑસ્ટે્રલિયાને કોઈ પણ દિવસે અને કોઈ પણ સ્થળે હરાવી શકે એમ છે. હજી થોડા જ દિવસ પહેલાં ભારતીય મહિલાઓનો ઑસ્ટે્રલિયાની વિમેન્સ ટીમ સામે 1-2થી પરાજય થયો હતો, પરંતુ ઑસ્ટે્રલિયાની કૅપ્ટન અલીઝા હિલી (ભૂતપૂર્વ વિકેટકીપિંગ-લેજન્ડ ઇયાન હિલીની ભત્રીજી)એ જ કહ્યું છે કે વર્તમાન ભારતીય ટીમ ખૂબ સ્થિર અને સંતુલિત છે અને આવી ભારતીય ટીમ મેં અગાઉ ક્યારેય નહોતી જોઈ.

જોકે ભારતીય ટીમ ચાર વખત ચૅમ્પિયન બનેલા ઇંગ્લૅન્ડને, એક વખત વિજેતાપદ મેળવનાર ન્યૂ ઝીલૅન્ડને અને છેલ્લા બે વર્લ્ડ કપમાં સેમિ ફાઇનલમાં પહોંચનાર સાઉથ આફ્રિકાને પણ હળવાશથી નહીં લઈ શકે.

આ પણ વાંચો…સ્પોર્ટ્સમૅનઃ વિરાટ-રોહિતની ઑક્ટોબરમાં ફેરવેલ?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button