
અજય મોતીવાલા
ભારતના બે દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે કારકિર્દીની શરૂઆતથી ઘણાં સામ્યો રહ્યાં છે. બન્નેએ 2007-’08ની સીઝનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી, બન્નેના નામે અનોખા વિશ્વવિક્રમો છે, બન્નેએ રાઇટ-હૅન્ડ ટૉપ-ઑર્ડર બૅટ્સમૅન તરીકે ભારતને એકલા હાથે અનેક મૅચો જિતાડી છે, ભારતની વર્લ્ડ કપ ટ્રોફી પર બન્નેના નામ અંકિત છે, (હવે તો) બન્ને બૅટ્સમૅન આઇપીએલના ચૅમ્પિયન પ્લેયર (એક મુંબઈ ઇન્ડિયન્સનો અને બીજો રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુનો) છે,
બન્નેએ બે વર્ષના અંતરમાં (2015-’17 દરમ્યાન) લગ્ન કર્યાં હતાં, બન્નેને એક દીકરી અને એક દીકરો છે, બન્નેએ 2024માં ટી-20 વર્લ્ડ કપના અંતે સાગમટે ટી-20 આંતરરાષ્ટ્રીય ફૉર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી, બન્નેએ આ વર્ષની શરૂઆતમાં ઑસ્ટે્રલિયા ખાતેના નિરાશાજનક પ્રવાસ બાદ પાંચ દિવસના અંતરે ટેસ્ટ-ક્રિકેટને ગુડબાય કરી હતી અને હવે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં તેમનું નિશાન માત્ર વન-ડે ફૉર્મેટ છે જેમાં તેઓ આગામી ઑક્ટોબરમાં મેદાન પર ફરી જોવા મળશે.
ચર્ચા છે કે આગામી 19મી ઑક્ટોબરે પર્થમાં ઑસ્ટે્રલિયા સામે શરૂ થનારી ત્રણ મૅચની વન-ડે શ્રેણી વિરાટ કોહલી અને રોહિત શર્માની અંતિમ આંતરરાષ્ટ્રીય શ્રેણી બની શકે. જો એવું થશે તો ભારતીય ક્રિકેટમાં સંપૂર્ણપણે મોટો શૂન્યાવકાશ સર્જાશે.
જે ખેલાડીની કરીઅર જો બહુ લાંબી હોય તો તે પરિવારને ખૂબ મિસ કરતો હોય છે અને જ્યારે કારકિર્દીમાં બ્રેક લઈને પરિવાર સાથે લાંબો સમય વીતાવે તો સ્વાભાવિક છે કે તેને પરિવારના સભ્યોનો મોહ ન છૂટે. સામાન્ય રીતે આવા ખેલાડીઓ મહિનાઓ સુધી પરિવાર સાથે રહ્યા પછી ફરી બહુ ઓછું રમવા મેદાનમાં આવતા હોય છે અને વિરાટ-રોહિતની બાબતમાં એવું જ બની રહ્યું છે.
રોહિતે પત્ની રિતિકા તેમ જ પુત્રી સમાઇરા (સૅમી) અને પુત્ર અહાન સાથે ઘણા અઠવાડિયા વેકેશન માણ્યું, દેશ-વિદેશ ફર્યો અને પછી મુંબઈમાં પ્રૅક્ટિસ કરી અને બેંગલૂરુમાં બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના સેન્ટરમાં તેણે ફિટનેસ-ટેસ્ટ આપી છે, જ્યારે વિરાટભાઈ ઘણા દિવસોથી લંડનમાં (સેક્નડ હોમમાં) પરિવાર સાથે જાણે વસી જ ગયા છે.
આ પણ વાંચો…સ્પોર્ટ્સમૅનઃ ભારત-પાકિસ્તાન ક્રિકેટ-યુદ્ધને હવે ગણતરીના કલાકો બાકી…
ઍક્ટ્રેસ-પત્ની અનુષ્કા તેમ જ પુત્રી વામિકા અને પુત્ર અકાય સાથે ઘણા અઠવાડિયાઓ સુધી રહીને જાણે તેણે સંપૂર્ણ નિવૃત્ત લઈ લીધી હોય એવું લાગી રહ્યું છે. જોકે હજી વન-ડે ફૉર્મેટમાં તે સક્રિય છે એટલે તેણે ત્યાં (લંડનમાં જ) ફિટનેસ-ટેસ્ટ આપી હોવાનું મનાય છે.
કહેવાનો ભાવાર્થ એ છે કે વિરાટ અને રોહિત હવે ઑક્ટોબરમાં ફરી રમવા આવશે તો પણ બહુ લાંબો સમય સુધી નહીં રમતા રહે, કારણકે હવે તેમને પત્ની અને બાળકોની યાદ તરત આવી જશે એટલે બહુ જલદી તેમની પાસે પહોંચી જવાનું અને તેમની જ સાથે રહેવાનું પસંદ કરશે.
વિરાટ અને રોહિત હવે વન-ડે ક્રિકેટને પણ એકસાથે બાય-બાય કરશે તો નવાઈ નહીં લાગે. 2027નો વન-ડે વર્લ્ડ કપ હજી ઘણો દૂર છે. બની શકે કે તેઓ ત્યાં સુધી વન-ડે ફૉર્મેટમાં ટકી રહેવા માગશે, પરંતુ તેમના ફૉર્મ અને ફિટનેસ પર સિલેક્ટર્સ તથા કોચિંગ-સ્ટાફની નજર સતત રહેશે.
છેલ્લાં પાંચ વર્ષમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માંથી ભારતીય ક્રિકેટને અનેક નવયુવાન સ્ટાર બૅટ્સમેન મળ્યા છે એટલે ભારત પાસે બૅટ્સમેનોની કોઈ જ તંગી નથી. આપણે જેમની વાત કરી રહ્યા છીએ એ બે મહાન બૅટ્સમેનની ટીમ ઇન્ડિયાને હજી પણ ઘણી જરૂર છે, પરંતુ એક વાર લાંબા સમય સુધી ફૅમિલી સાથે તાંતણા જોડાઈ જાય ત્યાર પછી એ પ્લેયરને કરીઅર સંપૂર્ણપણે સમેટી લેવાનું મન થાય છે.
બની શકે કે તેઓ મહેન્દ્રસિંહ ધોનીની જેમ માત્ર આઇપીએલમાં જ રમવાનું ચાલુ રાખશે. દસ મહિના પરિવાર સાથે માણીને ફક્ત બે મહિના આઇપીએલને આપવામાં તેમને કોઈ જ તકલીફ નહીં થાય. 17થી 18 વર્ષ સુધી રમતા રહીને કરોડો રૂપિયા કમાઈ લીધા હોય તો એ પરિવાર માટે ખર્ચ કરવાની આતુરતા તેમ જ પારિવારિક જિંદગી જ માણવાની ઇચ્છા હોય એમાં કોઈ નવાઈની વાત નથી.
દરેક બૅટિંગ કે બોલિંગ-લેજન્ડ કંઈ કોચ નથી બનતા. એમએસ ધોની વર્ષના 10 મહિના પત્ની સાક્ષી તેમ જ પુત્રી ઝિવા સાથે માણે છે. સૌરવ ગાંગુલીએ બીસીસીઆઇના પ્રમુખપદે રહેવાની ઇચ્છા પૂરી કરી અને હવે ફરી ક્રિકેટ ઍસોસિયેશન ઑફ બેન્ગાલ (સી.એ.બી.)નો પ્રમુખ બનવાની તૈયારીમાં છે. જોકે તેને ભારતીય ટીમના હેડ-કોચ પણ બનવું છે.
રાહુલ દ્રવિડ રિટાયરમેન્ટ પછી કોચિંગમાં સંપૂર્ણપણે બિઝી રહ્યો છે. વીવીએસ લક્ષ્મણનું પણ એવું જ છે. જોકે સચિન તેન્ડુલકર માત્ર મુંબઈ ઇન્ડિયન્સનો મેન્ટર બની રહેવા સુધી જ સીમિત રહ્યો છે. એ સિવાય અમુક ટોચની ક્રિકેટ કમિટીનો મેમ્બર બન્યો છે, પરંતુ કોચિંગમાં નથી ઝુકાવ્યું.
અનિલ કુંબલેએ ભારતીય ટીમને હેડ-કોચ તરીકે એક વર્ષ આપ્યું હતું અને આઇસીસીની ટોચની ક્રિકેટ-કમિટીમાં રહ્યો છે, પણ ખાસ તો તે પરિવાર સાથે જ જિંદગી (બીજી ઇનિંગ્સ) માણી રહ્યો છે. વીરેન્દર સેહવાગની પોતાની ક્રિકેટ-ઍકેડેમી છે એટલે એમાં બાળકોને અને યુવા વર્ગના ક્રિકેટરોને તાલીમ આપે છે. એ સિવાય તે પણ ફૅમિલી-મૅન બની રહ્યો છે.
આશા રાખીએ, વિરાટ કોહલી અને રોહિત શર્મા આગામી મહિનાઓમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કર્યા પછી પણ ભારતીય ટીમને ટોચના સ્થાને જાળવી રાખવા કોઈને કોઈ રીતે (માર્ગદર્શક તરીકે) યોગદાન આપતા રહેશે.
કોહલીની રેકૉર્ડ-બુક
(1) પ્રથમ ટેસ્ટ: 2011માં (વેસ્ટ ઇન્ડિઝ સામે)
(2) પ્રથમ વન-ડે: 2008માં (શ્રીલંકા સામે)
(3) પ્રથમ ટી-20: 2010માં (ઝિમ્બાબ્વે સામે)
(4) ટેસ્ટમાં રન: 123 મૅચમાં 30 સેન્ચુરીની મદદથી 9,230 રન
(5) વન-ડેમાં રન: 302 મૅચમાં કુલ 14,181 રન
(6) ટી-20માં રન: 125 મૅચમાં એક સેન્ચુરીની મદદથી 4,188 રન
(7) વન-ડેમાં હાઇએસ્ટ 51 સદી
(8) વન-ડેમાં એક જ દેશ સામે સૌથી વધુ 10 સદીનો વિશ્વવિક્રમ
(9) વન-ડેમાં સૌથી ઝડપે (287 ઇનિંગ્સમાં) 14,000 રનનો વિશ્વવિક્રમ
(10) ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં સૌથી વધુ સાત મૅન ઑફ ધ સિરીઝના અવૉર્ડનો વર્લ્ડ રેકૉર્ડ
(11) ટેસ્ટ, વન-ડે, ટી-20માં સૌથી વધુ 21 મૅન ઑફ ધ સિરીઝના અવૉર્ડનો વર્લ્ડ રેકૉર્ડ
રોહિતની રેકૉર્ડ-બુક
(1) પ્રથમ ટેસ્ટ: 2013માં (વેસ્ટ ઇન્ડિઝ સામે), ટેસ્ટમાં કુલ 4,301 રન
(2) પ્રથમ વન-ડે: 2007માં (આયરલૅન્ડ સામે), વન-ડેમાં કુલ 11,168 રન
(3) પ્રથમ ટી-20: 2007માં (ઇંગ્લૅન્ડ સામે), ટી-20માં કુલ 4,231 રન
(4) વન-ડેમાં 264 રનનો હાઇએસ્ટ વ્યક્તિગત સ્કોર
(5) વન-ડેમાં સૌથી વધુ ત્રણ ડબલ સેન્ચુરી (264, 209, 208 અણનમ)
(6) એક વન-ડે સિરીઝમાં સૌથી વધુ પાંચ સેન્ચુરીનો વિશ્વવિક્રમ
(7) એક વન-ડે ઇનિંગ્સમાં ફોર તથા સિક્સરથી સૌથી વધુ 186 રન બનાવવાનો વર્લ્ડ રેકૉર્ડ
(8) ટી-20માં સૌથી વધુ 205 સિક્સરનો વિશ્વવિક્રમ
(9) ટેસ્ટ, વન-ડે, ટી-20માં કુલ 637 છગ્ગાનો વર્લ્ડ રેકૉર્ડ
(10) ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં 4,231 રનનો વિશ્વવિક્રમ
(11) ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં 159 મૅચનો વર્લ્ડ રેકૉર્ડ
આ પણ વાંચો…સ્પોર્ટ્સમૅનઃ જૂના જોગીઓ વેસ્ટ ઇન્ડિઝની નવી ટીમ તૈયાર કરવા કમર કસે છે…