સ્પોર્ટ્સમૅનઃ ગૌતમ માટે સ્થિતિ ગંભીર, હેડ-કોચ માટે ટેસ્ટના પરાજય બન્યા હેડેક…

અજય મોતીવાલા
વન-ડેમાં અને ટી-20માં ભારત આઇસીસી રૅન્કિંગમાં પહેલા નંબરે છે, પરંતુ ટેસ્ટમાં છેક ચોથા સ્થાને છે. આ સ્થિતિ બતાવે છે કે વાઇટ-બૉલ ક્રિકેટમાં ભારતીય ખેલાડીઓ સારું પર્ફોર્મ કરી રહ્યા છે, જ્યારે રેડ-બૉલ ક્રિકેટમાં ટીમ વધુને વધુ નીચા લેવલ પર જઈ રહી છે. સ્થિતિ ગંભીર છે અને આ નાજુક સમયમાં દોષનો ટોપલો ખાસ કરીને હેડ-કોચ ગૌતમ ગંભીર પર ઢોળવામાં આવી રહ્યો છે.
ભારત ગયા વર્ષે રાહુલ દ્રવિડના કોચિંગમાં ટી-20નો વર્લ્ડ કપ જીત્યું હતું. ત્યાર બાદ ટીમ ઇન્ડિયાના કોચિંગની કમાન ગૌતમ ગંભીરને સોંપવામાં આવી હતી. તેના શાસનમાં વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં અને પછી ટી-20ના એશિયા કપમાં ભારતે ચૅમ્પિયનપદ જીતી લીધું અને એકંદરે ટી-20 તથા વન-ડેમાં ભારતીય ટીમે સારું પર્ફોર્મ કર્યું છે, પરંતુ ટેસ્ટ-ક્રિકેટમાં ટીમના વળતા પાણી જોવા મળ્યા છે.
ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામે 0-3ની હાર પછી ઑસ્ટ્રેલિયામાં ભારતે 1-3થી હાર જોઈ અને ત્યાર બાદ વેસ્ટ ઇન્ડિઝ સામે ઘરઆંગણે 2-0થી જીત્યા, પણ ઇંગ્લૅન્ડ સામે મહા મહેનતે ટેસ્ટ શ્રેણી 2-2થી ડ્રૉ કરાવી શક્યા હતા. ત્યાર પછી હવે સાઉથ આફ્રિકા સામે 0-1થી પાછળ રહ્યા બાદ વાઇટવૉશથી સિરીઝ ગુમાવવાનો સમય આવી ગયો હોય એવો ભય છે.
આ ચિંતાજનક સ્થિતિ માટે ચીફ સિલેક્ટર અજિત આગરકરના અધ્યક્ષસ્થાન હેઠળની પસંદગીકાર સમિતિ કરતાં હેડ-કોચ ગૌતમ ગંભીરને વધુ જવાબદાર ગણાવવામાં આવી રહ્યો છે. ઘરઆંગણે છેલ્લી છમાંથી ચાર ટેસ્ટમાં ભારત હાર્યું એને પગલે બૅટ્સમેનો અને બોલર્સ કરતાં ગંભીર પર ટીકાનો વધુ વરસાદ થયો છે.
બૅટ્સમૅન ટી-20ના જોશમાં (આઇપીએલની સ્ટાઇલમાં) ઊંચા શૉટ મારવામાં કે ધૈર્ય ગુમાવીને શૉટ મારવા જતાં વિકેટ ગુમાવી બેસે એમાં ગંભીર શું કરે? સારા ટર્ન અપાવતી ઘરઆંગણાની પિચ પર આપણા સ્પિનર્સ બહુ જ સારું પર્ફોર્મ કરે, પણ આપણા બૅટ્સમેનો હરીફ ટીમના (ન્યૂ ઝીલૅન્ડ અને સાઉથ આફ્રિકાના) સ્પિનર્સ સામે પાણીમાં બેસી જાય એમાં ગંભીર શું કરે?
રાહુલ દ્રવિડના અનુગામી તરીકે ગૌતમ ગંભીરે જે સમયકાળમાં કોચિંગની જવાબદારી માથે લીધી એ દરમ્યાન ધરખમ ફેરફારો પણ જોવા મળ્યા છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પાંચ દિવસના અંતરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. એ પહેલાં, રવિચન્દ્રન અશ્વિને તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટને જ ગુડબાય કરી દીધી હતી. ગંભીરની નજર સામે આ ત્રણેય દિગ્ગજોએ ટીમ ઇન્ડિયાને ગુડબાય કરી એટલે ખાસ કરીને ટેસ્ટ સિરીઝોમાં જીતવાનું ભારત માટે મુશ્કેલ થઈ ગયું.
યુવાનિયાઓથી ભરેલી ટેસ્ટ ટીમ જેમાં ઓપનિંગમાં યશસ્વી જયસ્વાલનો એકધારો સારો પર્ફોર્મન્સ ન હોય, કે. એલ. રાહુલ ક્રીઝમાં અડીખમ રહી શકતો હોય અને સામા છેડે તેને લાંબો સમય સાથ આપવાવાળું કોઈ ન હોય, ઑલરાઉન્ડર્સને ટીમમાં ભરવાની લાલચમાં સ્પેશ્યાલિસ્ટ બૅટ્સમેનને ટીમમાં સમાવવાનું ટાળવામાં આવતું હોય, મોહમ્મદ શમી જેવા પીઢ પેસ બોલરની મહિનાઓની ગેરહાજરી વિશે રહસ્ય અકબંધ જ રહેતું હોય, કૅપ્ટન શુભમન ગિલ ગરદનની જૂની ઈજાને લીધે મૅચની બહાર થઈ જતો હોય, કાર્યવાહક સુકાની રિષભ પંતની કૅપ્ટન્સી બહુ ભરોસાપાત્ર ન હોય એવા બધા સંજોગોમાં ટીમ ઇન્ડિયા મૅચ હારી બેસે તો એમાં ગંભીર શું કરે?
બૅટિંગ-કોચ અને સૌરાષ્ટ્ર વતી 1992થી 2013 દરમ્યાન સૌરાષ્ટ્ર વતી 15 સેન્ચુરી તથા પંચાવન હાફ સેન્ચુરીની મદદથી કુલ 8,061 રન કરનાર સિતાંશુ કોટકે ગુરુવારે જ કહ્યું હતું કે `અમુક સ્થાપિત હિતોને દોષનો ટોપલો એકલા ગૌતમ ગંભીર પર ઢોળવાનું જાણે ફાવી ગયું હોય એવું લાગે છે. મૅચ પહેલાં હેડ-કોચે ઘણી મહેનત કરી હોય, પરંતુ કોઈ બૅટ્સમૅન કે કોઈ બોલરની નિષ્ફળતાથી પણ હારી શકાય છે એ કેમ કોઈને યાદ નથી આવતું?’
ભૂતપૂર્વ કૅપ્ટન, એક સમયના વિશ્વના અવ્વલ દરજ્જાના લેફ્ટ-હૅન્ડ ઓપનિંગ બૅટ્સમૅન, બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ અને બંગાળ ક્રિકેટ ઍસોસિયેશનના વર્તમાન પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીએ પણ બે દિવસ પહેલાં એક પત્રકાર સાથેની વાતચીતમાં ગંભીરની તરફેણમાં નિવેદનો આપ્યા હતા. ગાંગુલીએ કહ્યું, `ગૌતમ ગંભીરને હાલના તબક્કે હેડ-કોચના હોદ્દેથી હટાવવો જોઈએ કે નહીં એ સવાલ જ મને અસ્થાને લાગે છે. એવું કરવાની કોઈ જરૂર નથી.
કોચ તરીકે ગૌતમે અને કૅપ્ટન તરીકે શુભમન ગિલે ખૂબ સારું પર્ફોર્મ કર્યું છે. જોકે ગૌતમે ટીમના કૉમ્બિનેશનની બાબતમાં થોડું ધ્યાન રાખવું જોઈએ. વૉશિંગ્ટન સુંદર ખૂબ જ સારો ખેલાડી છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં વનડાઉનમાં તેને લાંબા સમય સુધી રાખવાનો પ્લાન હોય તો એ મને ઠીક નથી લાગતું.’ ઘરઆંગણે ગંભીર સામે જ આપણે ટેસ્ટ હારી રહ્યા છીએ એવું નથી. અનિલ કુંબલે અને રવિ શાસ્ત્રીના શાસનકાળમાં પણ આવી નામોશી જોઈ હતી. અત્યારે સોશ્યલ મીડિયા અગાઉ કરતાં વધુ સક્રિય છે એટલે કોઈને આસાનીથી નિશાન બનાવી શકાય છે, એની વ્યાપક અસર પણ થાય છે અને ગંભીર એમાં સહેલાઈથી શિકાર થઈ રહ્યો છે.
શનિવાર, 23મી નવેમ્બરે ગુવાહાટીમાં વર્લ્ડ ચૅમ્પિયન સાઉથ આફ્રિકા સામે શરૂ થનારી સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ જીતીને ભારતીય ટીમે 1-1ની સરસાઈ સાથે ઘરઆંગણે થોડી આબરૂ સાચવી લેવી પડશે. જો એવું નહીં થાય અને ટેમ્બા બવુમાની ટીમ આ મૅચ ડ્રૉ કરાવવામાં કે જીતવામાં સફળ થશે તો ભારતીયો પચીસ વર્ષમાં પહેલી વાર ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ-શ્રેણી હાર્યા કહેવાશે અને એ પરાજય હેડ-કોચ ગંભીર માટે મોટું હેડેક બની શકે. આશા રાખીએ એવું ન થાય અને ઇંગ્લૅન્ડની માફક સાઉથ આફ્રિકા સામે પણ આપણે શ્રેણી બરાબરીમાં લાવવામાં સફળ થઈએ.



