સ્પોર્ટ્સમૅનઃ રોહિત-વિરાટ 2027ના વર્લ્ડ કપ માટેની ટીમમાં અત્યારથી જ નામ લખાવીને ઑસ્ટ્રેલિયાથી પાછા આવ્યા છે

સાશા
સામાન્ય રીતે આપણને અમુક બાબત યાદ ન રહેતી હોય તો આપણે એ ડાયરીમાં ટાંકી લેતા હોઇએ છીએ, પણ અમુક વાતો યાદગીરી બની જતી હોય છે એટલે એ લેખિતમાં નોંધવાની જરૂર નથી પડતી. એ આપોઆપ યાદ રહી જતી હોય છે અને એવી તાજેતરની બે ક્ષણો હંમેશાં યાદ રહેવાની છે. એક, વિરાટ કોહલીએ તાજેતરમાં ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝની પહેલી બન્ને મૅચમાં ઝીરોનો આંચકો સહન કર્યો ત્યાર બાદ ત્રીજી મૅચમાં જ્યારે તેણે પ્રથમ રન કર્યો ત્યારે હાથની મુઠ્ઠીથી એવી રીતે આનંદ વ્યક્ત કર્યો કે જાણે તેણે સેન્ચુરી પૂરી કરી હતી.
લાંબા વેકેશન પછી ફરી ફૉર્મમાં આવતાં જ તેણે ચહેરા પર જે આનંદિત ભાવ બતાવ્યો એ તેના માટે હળવો વ્યંગ હશે, પણ તેના કરોડો ચાહકો માટે તો એક જ સંકેત હતો કે તે હવે અસલ મૂડમાં આવીને રમવાનો છે.
વિરાટે એક તરફ સંતુષ્ટ મન:સ્થિતિ વ્યક્ત કરી ત્યાં બીજી બાજુ તેના ફૅન્સે તેની વધુ એક યાદગાર ઇનિંગ્સ જોવાની મનોમન તૈયારી કરી લીધી હતી અને બન્યું પણ એવું જ. વિરાટે અણનમ 74 રન કરીને દિગ્ગજ સાથી બૅટ્સમૅન રોહિત શર્મા સાથે મળીને બીજી વિકેટ માટે 170 બૉલમાં 168 રનની અતૂટ ભાગીદારી કરી હતી.
યાદ રહી જાય એવી બીજી ક્ષણ મૅચના અંત ભાગની હતી જેમાં ભારતને જિતાડ્યા બાદ રોહિત અને વિરાટ એકમેકને ભેટ્યા હતા. ઑસ્ટ્રેલિયા માટે આ મૅચ માત્ર ઔપચારિકતા હતી, પણ બે સુપરસ્ટાર્સ વિરાટ-રોહિત માટે કરીઅરના અંતિમ તબક્કામાં આ મૅચ અત્યંત મહત્ત્વની અને યાદગાર હતી.
રોહિત હવે જીવનની 38 વસંત ઋતુ પૂરી કરી ચૂક્યો છે અને વિરાટનો 37મો જન્મદિન (પાંચમી નવેમ્બર) બહુ દૂર નથી. આધુનિક જગતની ખેલકૂદમાં આ ઉંમર નિવૃત્તિની કહેવાય, પણ આ બન્ને મહારથીઓની ઇચ્છા વધુ એક આઇસીસી ટ્રોફી સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કરવાની છે. રોહિત પોતાની કૅપ્ટન્સીમાં ભારતને ટી-20 વિશ્વ કપનું ટાઇટલ તથા ચૅમ્પિયન્સ ટ્રોફી અપાવી ચૂક્યો છે અને તે વન-ડે વર્લ્ડ કપની ટ્રોફી પણ ઉપાડવા માગે છે.
આ પણ વાંચો…સ્પોર્ટ્સમૅનઃ રોહિત-કોહલીના વિરાટ યુગનો અંત આવી રહ્યો છે!
ખાસ કરીને અમદાવાદમાં 2023ના વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં નિરાશાજનક હાર બાદ તેની ઇચ્છા વધુ પ્રબળ થઈ હતી. ગયા શનિવારે તેણે ઑસ્ટ્રેલિયા સામેની છેલ્લી વન-ડેમાં અણનમ 121 રન કરીને દેખાડી દીધું કે તે હવે ફૉર્મ ગુમાવી બેઠો છે એવું માનવાની ભૂલ હવે પછી કોઈ ન કરે. રોહિતે 2024માં ટી-20માંથી અને આ વર્ષે ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ લઈ લીધું હતું (કે પછી તેને નિવૃત્તિ લેવા સિલેક્ટરો કે ટીમ મૅનેજમેન્ટે મજબૂર કર્યો?), પરંતુ વન-ડેમાં રમવાનું તેણે ચાલુ રાખ્યું છે કે જેથી 2027ના ઑક્ટોબર-નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે તથા નામિબિયામાં યોજાનારા વન-ડેના વર્લ્ડ કપમાં તે રમી શકે.
ઑસ્ટ્રેલિયા સામેની ઓડીઆઇ સિરીઝ પહેલાં રોહિતનો તેના ટીકાકારો દ્વારા જાણતાં-અજાણતાં ઘણી વખત માનભંગ કરવામાં આવ્યો હતો. તેને કૅપ્ટનપદેથી હટાવવામાં આવ્યો અને (2027ના વર્લ્ડ કપની પૂર્વતૈયારી તરીકે) તેના સ્થાને શુભમન ગિલને અત્યારથી કૅપ્ટન્સી સોંપવામાં આવી. એક તરફ ગિલને ટેસ્ટ પછી વન-ડેનું સુકાન પણ સોંપાયું છે, જ્યારે બીજી બાજુ રોહિતે કૅપ્ટન્સીની જવાબદારીમાંથી બહાર આવીને પાછું એવું ફૉર્મ બતાવ્યું કે 73 રનની ઇનિંગ્સ બાદ સીધી સેન્ચુરી જ ફટકારી દીધી.
રોહિતને કૅપ્ટનપદેથી હટાવીને સિલેક્ટરો એવો સંકેત આપવા માગતા હતા કે 2027ના વિશ્વ કપ માટે તે (રોહિત) અને વિરાટ તેમના પ્લાનમાં છે જ નહીં. બીજા શબ્દોમાં કહીએ તો રોહિત અને વિરાટને ઇશારામાં કહી દેવામાં આવી રહ્યું હતું કે તમે પોતે જ સંપૂર્ણ સંન્યાસ જાહેર કરી દો નહીંતર મોહમ્મદ શમીની માફક તેમને પણ દૂધમાંથી માખી કાઢવામાં આવે એમ ટીમ ઇન્ડિયામાંથી બહાર કરી દેવામાં આવશે.
2023ના વન-ડે વિશ્વ કપમાં સૌથી વધુ વિકેટ લેવા ઉપરાંત 2025ની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં સ્પિનિંગ પિચો પર પણ સૌથી સફળ પેસ બોલર બન્યો હતો તેની ફિટનેસ બાબતમાં ચીફ સિલેક્ટર અજિત આગરકર પોતાને અજાણ બતાવી રહ્યા છે, જ્યારે બીજી તરફ શમી રણજી ટ્રોફીમાં વિકેટ પર વિકેટ લેતો રહ્યો છે. આ અઠવાડિયે તેણે બેન્ગાલ વતી ગુજરાત સામેની ચાર દિવસીય મૅચમાં કુલ આઠ વિકેટ લીધી હતી. ખુદ શમી કહે છે કે તેનું રિધમ પાછું આવી ગયું છે અને તેને હજી ઘણું રમવું છે.
રોહિત અને વિરાટની વાત પર પાછા આવીએ તો ઑસ્ટ્રેલિયા સામેની તાજેતરની વન-ડે શ્રેણી પહેલાં બન્ને દિગ્ગજ ફૉર્મ ગુમાવી બેઠા હતા અને વિરાટ તો કાગારુંઓ સામેની પહેલી બેઉ મૅચમાં શૂન્યમાં આઉટ થયો હતો એટલે એવું મનાતું હતું કે આ બન્ને સુપરસ્ટાર ખેલાડી હવે ટેસ્ટ અને ટી-20 નથી રમતા એટલે તેમને પૂરતી મૅચ પ્રૅક્ટિસ નથી મળતી એટલે 2027ના વન-ડે વર્લ્ડ કપમાં તેમની કોઈ જ જગ્યા નથી.
ઉલ્લેખનીય છે કે ભારતની આગામી વન-ડે સિરીઝ 30મી નવેમ્બરથી સાઉથ આફ્રિકા સામે રમાશે. એમાં પણ રોહિત અને વિરાટ સારું રમશે જ એવું ન માનવાને કોઈ કારણ નથી, કારણકે ગયા શનિવારની 168 રનની અતૂટ ભાગીદારી દરમ્યાન તેમણે ઑસ્ટ્રેલિયન ફીલ્ડર્સને બાઉન્ડરી લાઇન સુધી દોડાવવા ઉપરાંત ઘણી વાર ઝડપથી દોડીને એક-બે રન પણ લીધા હતા.
ટીમમાં બન્નેની હાજરી જ યુવાન ટીમ માટે પૂરતી હતી ત્યાં તેમણે 168 રનની પાર્ટનરશિપ કરીને તેમને ભવિષ્ય માટે વધુ પ્રોત્સાહિત કર્યા હતા. નવાઈની વાત એ છે કે તેમણે એ મૅચમાં યુવા ખેલાડીઓ કરતાં પણ સારી ફીલ્ડિંગ કરી હતી અને મુશ્કેલ કૅચ ઝીલ્યા હતા. એના પરથી જ કોઈને તેમની ફિટનેસનો અંદાજ આવી શકે.
રોહિત શર્મા ગયા શનિવારની મૅચમાં જે રીતે વૉશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા વગેરેને સમજાવીને જે રીતે બોલિંગ કરાવતા હતા ત્યારે એવું લાગતું હતું કે કૅપ્ટન ગિલ નહીં, પણ હજીયે રોહિત જ છે. એક તબક્કે વિરાટે તો ગિલને ડાબા હાથથી પાછળની તરફ ખેંચ્યો હતો અને કે. એલ. રાહુલ સાથેની પોતાની વાતચીતમાં તેને પણ જોડાઈ જવા કહ્યું હતું.
વિરાટ તો કરીઅરની શરૂઆતથી હરહંમેશ ફિટ રહ્યો જ છે, રોહિતની ફિટનેસ પણ હવે અગાઉ કરતાં સારી છે. હવે મુખ્ય સવાલ એ છે કે રોહિત-વિરાટે 2027ના વન-ડે વિશ્વ કપ માટેની ટીમમાં હોવું જોઈએ કે નહીં? 2024ના ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં વિરાટ મૅન ઑફ ધ મૅચ હતો, જ્યારે 2025ની ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં એ બહુમાન રોહિત પાસે હતું. એટલું જ નહીં, ઑસ્ટ્રેલિયા સામેની તાજેતરની સિરીઝમાં રોહિત સિડનીનો મૅન ઑફ ધ મૅચ તેમ જ મૅન ઑફ ધ સિરીઝ બન્યો હતો.
બન્ને ટીમમાંથી બીજા કોઈનો પર્ફોર્મન્સ 38 વર્ષના રોહિતથી ચડિયાતો નહોતો. હવે તમે જ વિચારો…વન-ડે ક્રિકેટમાં 33 સેન્ચુરીની મદદથી 11,370 રન કરનાર રોહિત અને 51 સેન્ચુરી સાથે 14,255 રન કરનાર વિરાટ 2027ના વન-ડે વર્લ્ડ કપ માટેના પ્લાનમાં નહીં હોય તો તેમના કરોડો ચાહકો એ ગોઠવણ સ્વીકારશે ખરા? છેવટે જો આ બે મહારથીઓ ટીમમાં નહીં જ હોય તો આ દેશનું તેમ જ ક્રિકેટની રમતનું એ દુર્ભાગ્ય કહેવાશે.



