વીક એન્ડ

સ્પોર્ટ્સમૅન: લૉર્ડ્સમાં ભારતે બ્રિટિશરોને 1932થી લડત આપી છે

  • અજય મોતીવાલા

93 વર્ષ પહેલાંની સૌપ્રથમ ટેસ્ટમાં ભારતીયો પહેલા એક જ કલાકમાં બ્રિટિશ ટીમને ભારે પડી ગયા હતા…
મોહમ્મદ નિસારે બે મહાન બૅટ્સમેનોને ક્લીન બોલ્ડ કર્યા હતા!

કર્નલ સી. કે. નાયુડુ 1932માં ભારતના સૌપ્રથમ કૅપ્ટન બન્યા હતા. (બીસીસીઆઇ)
1932માં ઇંગ્લૅન્ડના પ્રવાસ દરમિયાન લૉર્ડ્સના ઐતિહાસિક ગ્રાઉન્ડ પર ભારતની સૌપ્રથમ ટેસ્ટ-ટીમ. (આઇસીસી)
નવા ટેસ્ટ કૅપ્ટન શુભમન ગિલ અને તેની ફોજ ઇંગ્લૅન્ડને વર્તમાન સિરીઝના જંગમાં પહેલા દિવસથી લડત આપે છે. લીડ્સની પ્રથમ ટેસ્ટમાં ફીલ્ડિંગ સારી હોત તો ભારતીય ટીમ અત્યારે 2-0થી આગળ હોત. એજબૅસ્ટનમાં ટીમ ઇન્ડિયાએ જ્વલંત વિજય મેળવ્યો અને ત્યાર બાદ લૉર્ડ્સની ત્રીજી ટેસ્ટમાં ગુરુવારના પહેલા દિવસથી બોલિંગમાં જસપ્રીત બુમરાહની આગેવાનીમાં આપણા ખેલાડીઓ વધુ એક લડાઈ લડી રહ્યા છે. ખાસ કરીને ઐતિહાસિક સ્થળ લૉર્ડ્સ અને ક્રિકેટના મક્કા ગણાતા લૉર્ડ્સના મેદાનની વાત કરીએ તો આ પ્રાચીન સ્થળે બ્રિટિશરોને આપણા દેશના ક્રિકેટરોએ 1932માં ટેસ્ટ-ક્રિકેટના આપણા પ્રથમ દિવસના પહેલા કલાકની રમતથી લડત આપી હતી.

ટેસ્ટ-ક્રિકેટનો જન્મ 1877માં મેલબર્નમાં ઑસ્ટે્રલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની સૌથી પહેલી ટેસ્ટથી થયો હતો, પણ ભારતે પંચાવન વર્ષ બાદ ટેસ્ટ જગતમાં ઝુકાવ્યું હતું. ભારતમાં ત્યારે બ્રિટિશરોના શાસનને ત્યારે લગભગ 185 વર્ષ થઈ ગયા હતા. ક્રિકેટના જનક તેઓ જ હતા એટલે સ્વાભાવિક છે કે ભારતમાં પણ 1932 અગાઉના ઘણાં વર્ષોથી બિનસત્તાવાર મૅચો રમાતી હતી. 1932માં એક તરફ મહાત્મા ગાંધી તેમ જ આઝાદીની ચળવળના બીજા મહાનુભાવો બ્રિટિશરોને ભારતમાંથી જતા રહેવાનું આંદોલન વધુને વધુ ઉગ્ર બનાવી રહ્યા હતા ત્યારે બીજી બાજુ ભારતને ટેસ્ટ-ક્રિકેટમાં પ્રવેશવાનું આમંત્રણ મળ્યું હતું અને એ યોજનામાં પહેલી જ મૅચ ઇંગ્લૅન્ડમાં અને એ પણ જગવિખ્યાત લૉર્ડ્સમાં રાખવામાં આવી હતી.

બ્રિટિશ શાસકો ભારતમાં રાજ કરી રહ્યા હતા એટલે દેખીતી રીતે બ્રિટિશ ધરતી પર ભારતીય ક્રિકેટરો કેવું પર્ફોર્મ કરશે એ જોવામાં સૌ કોઈને રસ હતો. ભારતમાં રાજકીય ચળવળ, આઝાદીનાં આંદોલનો તેમ જ કોમી રમખાણો ઠેકઠેકાણે બંધ તેમ જ વેતનમાં 10 ટકા કાપ જેવાં કારણો પરથી ઘણાને લાગતું હતું કે ભારત યોજના મુજબ ક્રિકેટની રમતમાં પ્રવેશ કદાચ નહીં કરી શકે. જોકે ઘરઆંગણે પ્રૅક્ટિસ કર્યા પછી કર્નલ સી. કે. નાયુડુના નેતૃત્વમાં ભારતીય ટેસ્ટ ટીમ પોતાના જ દેશ પર રાજ કરી રહેલા બ્રિટિશરોની ક્રિકેટ ટીમ સામે રમવા જૂન, 1932માં લૉર્ડ્સ પહોંચી ગઈ હતી. આમેય આપણને જૂનની પચીસમી તારીખ સાથે દાયકાઓથી લેણું છે. 1983ની પચીસમી જૂને આપણા ક્રિકેટ-સૈનિકો કપિલ દેવના સુકાનમાં લૉર્ડ્સમાં વન-ડેનો ઐતિહાસિક વર્લ્ડ કપ જીત્યા હતા. ફરી ટેસ્ટ-ક્રિકેટના પ્રવેશની વાત પર આવીએ તો 1932માં ટેસ્ટમાં આપણો પહેલો દિવસ પચીસમી જૂને જ હતો.

ડગ્લાસ જાર્ડિનની ટીમમાં હર્બર્ટ સટક્લિફ, ફ્રૅન્ક વૉલી, વૉલી હેમન્ડ, એડી પેન્ટર, લેસ એમીસ, ફ્રેડી બ્રાઉન વગેરે જાણીતા ખેલાડીઓ હતા અને કર્નલ સી. કે. નાયુડુની આગેવાનીમાં ભારતની સૌપ્રથમ ટેસ્ટ ટીમમાં સોરાબજી કોલાહ, નાઝિર અલી, ફિરોઝ પાલિયા, લાલ સિંહ, જહાંગીર ખાન, અમર સિંહ, મોહમ્મદ નિસાર, નઉમલ જીઉમલ, જનાર્દન નવલે, સૈયદ વઝિર અલી સામેલ હતા.

24,000 પ્રેક્ષકોની હાજરીમાં ભારતીય ટીમે ક્રિકેટની નવી રમતમાં પહેલા દિવસે અગ્નિપરીક્ષા આપવાની હતી. જોકે આ હજારો લોકોના આશ્ચર્ય વચ્ચે ભારતીય ટીમે પહેલા જ એક કલાકમાં એવું પર્ફોર્મ કર્યું કે બ્રિટિશરોએ પણ માની લીધું હતું કે ખરેખર, ભારત ટેસ્ટ-ક્રિકેટ રમવાને લાયક છે જ. આમિર ખાન અને બીજા ટૅલન્ટેડ કલાકારોવાળી બૉલિવૂડની ફેમસ `લગાન’ ફિલ્મમાં જેમ આપણે જોયું કે બ્રિટિશરોએ ક્રિકેટના મેદાન પર ભારતીયોને બૅટ અને બૉલથી પરેશાન કરવાની સાથે તેમના પર ટકોર અને ટિપ્પણીઓના તીર પણ છોડ્યા હતા એવો માહોલ 1932ની પ્રથમ ટેસ્ટ વખતે પણ હતો. એ કસોટીભરી સ્થિતિમાં ભારતીય ટીમ લૉર્ડ્સની એ ટેસ્ટના પહેલા જ કલાકમાં બ્રિટિશરોને ભારે પડી ગઈ હતી. પ્રથમ કલાકમાં આપણે બ્રિટિશરોની માત્ર 19 રનમાં ત્રણ વિકેટ લઈ લીધી હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ નિસારે ટેસ્ટ-ક્રિકેટમાં ભારતને વિકેટ અપાવવાની શુભ શરૂઆત કરી હતી. ઓપનર હર્બર્ટ સટક્લિફ અને પર્સી હોમ્સની ગણના ત્યારે ઇંગ્લૅન્ડના ગ્રેટેસ્ટ બૅટ્સમેન તરીકે થતી હતી. ઇંગ્લૅન્ડે હજી માંડ આઠ રન કર્યા હતા ત્યાં મોહમ્મદ નિસારના ઇનસ્વિંગરમાં બૉલમાં ખુદ સટક્લિફને પોતાની ભૂલ ભારે પડી હતી અને તેઓ ક્લીન બોલ્ડ થઈ ગયા હતા. હજારો બ્રિટિશ પ્રેક્ષકો મોંમાં આંગળા નાખી ગયા હતા. બ્રિટિશ ટીમે હજી માંડ બીજા ત્રણ રન કર્યા હતા ત્યાં તો મોહમ્મદ નિસારે પર્સી હોમ્સનું ઑફ સ્ટમ્પ ઉડાડી દીધું હતું. ભારતીયો ટેસ્ટની પ્રાથમિક પરીક્ષામાં ત્યારે પાસ થઈ ગયા હતા એ કોઈ જ ન નકારી શકે.

છેવટે એ ટેસ્ટ આપણે હારી ગયા હતા, પણ ભારતે બ્રિટિશરોને તેમની જ રમતમાં પોતાની ટૅલન્ટના પારખાં કરાવી દીધાં હતાં.

આપણ વાંચો:  ફોકસ: ડેટિંગ એપ્સ- ડિજિટલ જમાનામાં એક બીજાને મળવાનો સરળ ઉપાય

1933માં મૅરિલબૉન ક્રિકેટ ક્લબ (એમસીસી)એ વધુ મજબૂત ટીમને ભારત મોકલી હતી. જોકે ત્યારે પણ કૅપ્ટન તો ભારતમાં જન્મેલા ડગ્લાસ જાર્ડિન જ હતા. બ્રિટિશ ખેલાડીઓ આવ્યા ત્યારે તેમની સામે ભારતની ટેસ્ટ-કરીઅરની બીજી ટેસ્ટ દક્ષિણ મુંબઈના જિમખાના ગ્રાઉન્ડ પર રમાઈ હતી અને એમાં પણ આપણે પરાજિત થયા હતા, પરંતુ એ પહેલાં સી. કે. નાયુડુના જાંબાઝ ખેલાડીઓની વધુ ઉગ્ર લડત બ્રિટિશરોએ નિહાળી હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ નિસારે પાંચ વિકેટ અને લેફ્ટ-આર્મ સ્પિનર રુસ્તમજી જમશેદજીએ ત્રણ લઈને બ્રિટિશરોને બહુ મોટી સરસાઈ નહોતી લેવા દીધી. આપણે એ ટેસ્ટ પણ હારી ગયા હતા, પણ બીજા દાવમાં લાલા અમરનાથે 185 મિનિટ સુધી ક્રીઝમાં ટકીને 118 રન કર્યા અને ખુદ સુકાની સી. કે. નાયુડુએ 67 રન બનાવ્યા એ સાથે ક્રિકેટ જગતમાં ભારતીયોનો પણ ડંકો વાગવા લાગ્યો હતો.

લૉર્ડ્સમાં ભારતના ઇતિહાસની વાત કરીએ તો આ ઐતિહાસિક સ્થળે ભારત 19માંથી માત્ર ત્રણ ટેસ્ટ જીતી શક્યું છે, પણ જેમાં હાર્યા છીએ જે મૅચ ડ્રૉમાં ગઈ છે એમાં ભારતીય ખેલાડીઓએ બ્રિટિશરોને લડત આપી હતી. લૉર્ડ્સમાં ભારતનો છેલ્લાં 11 વર્ષનો રેકૉર્ડ બહુ સારો છે. 2014થી માંડીને 2021 સુધીમાં ભારત આ મેદાન પર જે ત્રણ ટેસ્ટ રમ્યું એમાંથી બે જીત્યું છે. એ તો ઠીક, પણ લૉર્ડ્સમાં આપણે જ્યારે પણ ટેસ્ટ જીત્યા છીએ ત્યારે આપણે સંબંધિત સિરીઝમાં સરસાઈ જ મેળવી છે. વર્તમાન ટેસ્ટમાં શુભમન ગિલ ઍન્ડ કંપનીની લડત ચાલુ છે. આશા રાખીએ આ વખતે પણ અહીં આપણે જીતીને 2-1ની સરસાઈ સાથે ચોથી ટેસ્ટ માટે મૅન્ચેસ્ટર પહોંચીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button